ફિલિપીન્સઃ આઈએસએ ફરી માથું ઊંચક્યું - Sandesh

ફિલિપીન્સઃ આઈએસએ ફરી માથું ઊંચક્યું

 | 12:18 am IST

અરાઉન્ડ ધ વર્લ્ડ :- ચંદ્રકાન્ત મારવાડી

ફિલિપીન્સમાં આઈએસએ ફરી માથું ઊંચક્યું છે. આઈએસ સંલગ્ન માઉતે જૂથ સામેના પાંચ મહિનાનાં યુદ્ધને અંતે ફિલિપીન્સનાં સૈન્યે ઓક્ટોબરમાં પોતાના દક્ષિણ વિસ્તારના મારાવી શહેરનો પુનઃ કબજો લીધા પછી નવી અથડામણ સર્જાઈ છે. ગયા ઓક્ટોબર મહિનામાં મારાવી શહેરને આઈએસ મુક્ત કર્યા પછી ૨૦ જાન્યુઆરીના રોજ પહેલી જ વાર ફરી આઈએસના લાડકુ અને સૈન્ય વચ્ચે અથડામણ સર્જાતાં ફિલિપીન્સનાં છ સૈનિકો ઘાયલ થયાં હતાં. મારાવી નગર આવેલું છે તે લાનાઓ દેલ સુર ક્ષેત્રમાં જ માઉતે જૂથના ૧૦ લડાકુ સાથે અથડામણ સર્જાઈ હતી. કહેવાય છે કે ફિલિપીન્સના તે વિસ્તારમાં બળવાખોર જૂથ મજબૂત છે.

૨૩ મે, ૨૦૧૭ના રોજ આઈએસ સંલગ્ન ત્રાસવાદી જૂથ માઉતે દક્ષિણ ફિલિપીન્સમાં આવેલાં મારાવી શહેરને ઘેરી લીધું હતું. પાંચ મહિનાનાં યુદ્ધને અંતે હજી ગયા ઓક્ટોબર મહિનામાં દેશના સૈન્યે માઉતે જૂથને માત કરીને શહેરનો પુનઃ કબજો મેળવ્યો હતો. પાંચ મહિનાનાં યુદ્ધમાં ફિલિપીન્સનાં ૧૬૫ સૈનિકો સહિત ૧,૨૦૦ લોકોનો ભોગ લેવાયો હતો. માઉતે જૂથ પક્ષે કેટલાક વિદેશી લડાકુ પણ લડયા હતા. ફિલિપીન્સનાં સૈન્યને પોતાનાં જ એક શહેરને મુક્ત કરાવવા પાંચ મહિના સુધી સૌથી મોટું યુદ્ધ લડવું પડયું હતું. કહેવાય છે કે દ્વિતીય વિશ્વયુદ્ધ પછી ફિલિપીન્સના સૈન્યે આ સૌથી મોટું યુદ્ધ લડયું હતું.

આઈએસને વફાદાર જૂથ માઉતે મિન્દાનાઓ ટાપુનાં જંગલો અને પહાડોનો ઉપયોગ કરીને તે જ ટાપુ પરની મુસ્લિમ વસતી સાથે ભળી જઈને દક્ષિણનાં શહેર મારાવીનો કબજો લઈ લેતાં ફિલિપીન્સની સરકાર ચોંકી ગઈ હતી. ઇસ્લામી અને સામ્યવાદી બળવાખોરો મિન્દાનાઓ ટાપુ પર સક્રિય રહેતા હોવાથી ફિલિપીન્સના પ્રમુખ રોડ્રિગો દુતેર્તે આ ટાપુ પર અમલી માર્શલ લોની મુદત વધારીને ડિસેમ્બર ૨૦૧૮ કરી દીધી છે.

ઓક્ટોબરમાં મારાવા શહેરને આઈએસ-મુક્ત કરાવ્યા પછીના ત્રણ મહિને પણ સૈન્ય હજી શહેરમાં છે. પાંચ મહિનાના લાંબા યુદ્ધને અંતે તારાજ થઈ ચૂકેલાં શહેરનું પુનર્વસન થાય ત્યાં સુધી કદાચ સૈન્ય શહેરમાં જ રહેશે. સૈન્ય હાલમાં તો શહેરની દરેક શેરીમાં લડાયેલા યુદ્ધ પછી પડી રહેલા જીવતા બોંબને નિષ્ક્રિય કરીને શહેરને સુરક્ષિત કરવા કામગીરી કરી રહ્યું છે, હજી ત્રીજા ભાગની કામગીરી જ પૂરી થઈ છે. એ કામગીરી દરમિયાન ૨,૮૫૩ જેટલા જીવતા બોંબ અને ૪૧૫ વિસ્ફોટક ઉપકરણો મળી આવ્યાં છે. આ ઘટના જ કહે છે કે શહેર પર કેટલો દારૂગોળો વરસ્યો હતો. આ કામગીરીના ભાગરૂપે જ ૨૦ કિ.મી.ના રસ્તા, ત્રણ પુલ, એક શાળા અને ત્રણ ધાર્મિક સ્થાનોને વણફૂટયા દારૂગોળાથી મુક્ત કરવામાં આવ્યાં છે. સંપૂર્ણ શહેર તારાજ છે અને કાટમાળ સિવાય કંઈ જોવા મળતું નથી. ટાસ્કફોર્સ બાંગોન મારાવી શહેરને ફરી બેઠું કરવા પ્રયાસશીલ છે.

સૈન્ય અને બળવાખોરો વચ્ચેનાં યુદ્ધ વખતે હિજરત કરી ગયેલા કે સુરક્ષિત શિબિરોમાં રાખવામાં આવેલા વિસ્થાપિતોનાં પુનર્વસન માટે ૫૦૦ જેટલાં હંગામી આવાસો બંધાઈ રહ્યાં છે. મારાવી શહેરમાં હાલમાં ૫૦૦ જેટલા સૈન્ય ઇજનેર તૈનાત છે. તે ઘટના જ શહેરની તારાજીની વાત કરી જાય છે. આ ઇજનેરોની મદદથી જ શહેરમાંથી કાટમાળ ખાલી કરવાની તેમજ તૂટી ગયેલી ઇમારતોને સંપૂર્ણપણે જમીનદોસ્ત કરવાની કામગીરી ચાલી રહી છે. શહેરને વસવા લાયક બનાવ્યા પછી જ રહીશોને શહેરમાં પાછા ફરવા દેવા નિર્ણય લેવાયો છે.

શહેરને બેઠું કરવા સરકારને લાંબો સંઘર્ષ કરવો પડશે. તે વચ્ચે બળવાખોરો ફરી માથું ઊંચકે તેની ભીતિ તો ખરી જ. ૨૦ જાન્યુઆરીએ સર્જાયેલી અથડામણ આ ભીતિને સાચી ઠેરવે છે. પાંચ મહિનાનાં યુદ્ધમાં નિરાધાર બનેલાં બાળકો પર ત્રાસવાદીઓનો ડોળો છે. આ ત્રાસવાદી જૂથો વેતન આપીને નવા ત્રાસવાદીઓની ભરતી કરતા રહે છે.

સૈન્યને ભીતિ છે કે વિસ્તારમાં બળવાની હુતાશની જન્માવનારો મલેશિયાનો ત્રાસવાદી અમીન બાકો મારાવી શહેરને સૈન્યે કરેલી ઘેરાબંધીમાંથી છટકી ચૂક્યો છે. ફિલિપીન્સના સત્તાવાળા દૃઢપણે માને છે કે ઇન્ડોનેશિયા અને મલેશિયાના આઈએસ લડાકુઓએ જ સ્થાનિક ઇસ્લામિક્સને મારાવી શહેરનો કબજો લેવામાં મદદ કરી હતી. તે વચ્ચે ફિલિપીન્સના સંરક્ષણપ્રધાન ડેલ્ફિન લોરેન્ઝાનને ચિંતા છે કે બળવાખોરો મારાવીની જેમ જ કોઈ બીજા શહેર પર હવે કબજો કરશે. સૈન્યને સાબદા રહેવા સૂચના અપાઈ જ ચૂકી છે.

[email protected]