PICS: બસમાં આગ લગતાં 26 મુસાફરોની ચીસો પણ ના સંભળાઈ - Sandesh
  • Home
  • World
  • PICS: બસમાં આગ લગતાં 26 મુસાફરોની ચીસો પણ ના સંભળાઈ

PICS: બસમાં આગ લગતાં 26 મુસાફરોની ચીસો પણ ના સંભળાઈ

 | 4:30 pm IST

તાઈવાનમાં પર્યટકોને લઈ જતી બસમાં આગ લાગતાં મુખ્યત્વે વિદેશના 26 મુસાફરો જીવતા ભૂંજાઈ ગયા હતાં. બસમાં આગ લાગી તે અગાઉ રસ્તાની બાજુની બેરીકેડ સાથે અથડાઈ હતી. બસમાં મુસાફરી કરતાં બધા જ મુસાફરો બળીને ભડથું થઈ ગયાં છે. આ  બધા મુસાફરો ચીનના હતા. તેઓ વતન પરત જવા એરપોર્ટ જઈ રહ્યા હતાં ત્યારે આ ઘટના ઘટી હતી. મૃતકોના મૃતદેહ હજુ પણ બસમાં જ પડ્યાં છે. કારણ કે પોલીસ તથા પ્રોસિક્યુટર સ્થળ તપાસ કરી રહ્યા છે.

બસમાં આગ લાગી ત્યારપછી બે મુસાફરોએ અગ્નિ શામકની મદદથી બસના કાચ તોડવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેમને સફળતા સાંપડી ન હતી. જ્યારે બસના દરવાજો બંધ જ હતો.

પર્યટકોમાં 15 મહિલા, છ પુરુષો અને ત્રણ બાળકોનો સમાવેશ થતો હતો. આ તમામ પર્યટકો ચીનના દલિયાન શહેરના હતાં, એમ તાઈવાનના ગૃહ મંત્રાલયે જણાવ્યું હતું. અકસ્માત બપોરે એક વાગ્યાની આસપાસ સર્જાયો હતો. પર્યટકો બસમાં તેઈપેઈના એરપોર્ટ જઈ રહ્યા હતાં.

તાઈવાનમાં તાજેતરમાં અનેક હોનારતો સર્જાઈ છે. ફેબ્રુઆરીમાં ત્રાટકેલા ભૂકંપમાં એક ઈમારત તૂટી પડતાં 15ના મોત થયા હતાં અને 500ને ઈજા થઈ હતી. જ્યારે ફેબ્રુઆરી 2015માં તાઈપેઈ નદીમાં વિમાન તૂટી પડતાં 43 વિમાની મુસાફરોના મોત થયા હતાં. ચીનના પર્યટકો છ દિવસની તાઈવાનની મુલાકાતે આવ્યા હતાં.