'કેકનો ટુકડો' - Sandesh

‘કેકનો ટુકડો’

 | 3:33 pm IST

સુંદરવનમાં અનેક પશુપંખીઓ હળીમળીને રહેતાં હતાં. ઈસવીસન ૨૦૧૩ની વિદાય તથા ૨૦૧૪ના આગમનને વધાવવા માટે બધાં પ્રાણીઓ તૈયાર થયાં હતાં. પ્રેસિડેન્ટ લવલી લાયન ખુદ તમામ આયોજન પર નજર રાખી રહ્યા હતા. નવા વર્ષની ઉજવણી માટે કેક બનાવવાની જવાબદારી બાજુના ગામના કરશન કંદોઈને આપવામાં આવી હતી. લવલી લાયને તમામ પ્રાણીઓને થઈ રહે એટલી મોટી કેક બનાવડાવી હતી. આખરે ૩૧ ડિસેમ્બરની રાત આવી અને નવા વર્ષની ઉજવણી ચાલુ થઈ. ઉજવણીના સ્થળે આગિયાઓએ સરસ મજાની રોશની કરી હતી. હોમી હાથી અને ગિલ્લા ગેંડાના બેન્ડે સરસ ગીત-સંગીત રજૂ કર્યું. બધાં પ્રાણીઓ ખૂબ નાચ્યાં. નાચી-નાચીને થાકી ગયાં. મધરાત થઈ ગઈ અને

બધાંએ જોરશોરથી હેપ્પી ન્યૂ યરની બૂમો પણ પાડી. જોકે, જેની રાહ જોવાઈ રહી હતી તે વિશાળ કેક હજી ક્યાંય દેખાતી નહોતી. કેક લેવા માટે પ્રેસિડેન્ટ લવલી લાયને વીરુ વાઘ અને જિમી જિરાફને મોકલ્યાં હતાં, પણ તેમનો કોઈ પત્તો નહોતો. રાહ જોઈને કંટાળેલાં પ્રાણીઓ તો બેઉ જણા કેક રસ્તામાં જ ખાઈ ગયાં હશે એવી ચણભણ કરવા માંડયાં હતાં. કેટલીય રાહ જોયા બાદ આખરે વીરુ વાઘ અને જિમી જિરાફ આવ્યાં, પણ આ શું? બધાં પ્રાણીઓ તો મોટી કેકની રાહ જોઈ રહ્યાં હતાં અને આ બેઉ જણા તો ખાલી એક ટુકડો જ કેક લાવ્યાં હતાં. જિમી જિરાફની હાલત તો એકદમ ખરાબ હતી અને વીરુ વાઘ પણ સાવ દુઃખી દુઃખી લાગતો હતો. પ્રેસિડેન્ટ લવલી લાયને કંઈક અમંગળ થયાનું લાગતાં વીરુને આવી હાલતનું કારણ પૂછયું. હકીકતમાં વીરુ વાઘ અને જિમી જિરાફ મોટી કેક લઈને નીકળ્યાં હતાં, પણ રસ્તામાં આખલાઓની ટોળકી વચ્ચે થયેલી મોટી લડાઈમાં તેઓ ફસાઈ ગયાં હતાં. જિમી અને વીરુ પાસે મોટી કેક છે એની ખબર પડતાં જ આખલાઓએ પોતે લડવાનું બંધ કરી તેમના પર હુમલો કર્યો. કેકને બચાવવા માટે તેમને પણ લડાઈ કરવી પડી. વીરુ વાઘ હતો એટલે લડાઈ તો જાણે જીતી ગયા, પણ આખલાઓની સંખ્યા વધારે હતી એટલે મોટાભાગની કેક તેઓ ખાઈ ગયા અને એક જ ટુકડો કેક વધી.

વીરુ અને જિમીની વાત સાંભળીને બધાં નિરાશ થઈ ગયાં. બાળકોને તો ભૂખ પણ ખૂબ જ લાગી હતી. આખલાઓની આવી હરકતથી પ્રેસિડેન્ટ લવલી લાયન તથા બીજાં પ્રાણીઓ ખૂબ ગુસ્સે થયાં હતાં. આટલાં બધાં પ્રાણીઓ અને એક જ ટુકડો કેક! હવે શું કરવું? એટલામાં લવલી લાયને હુકમ કર્યો કે આ ટુકડો કેક પણ આખલાઓને જ મોકલાવી દો, આપણે બીજી વ્યવસ્થા કરીશું. તરત કેક કેવી રીતે બનશે એ વિશે બધાં પ્રાણીઓ વિચારતાં હતાં. એટલામાં તો આખલાઓનું ટોળું એક મોટું ગાડું જોડીને આવ્યું. વીરુ વાઘ તો આખલાઓને અહીં આવી પહોંચેલા જોઈ હુમલો કરવા જ જતો હતો, પણ લવલી લાયને તેને વાર્યો. આખલાઓનાં ટોળાંમાંથી એક ઘરડો આખલો આગળ આવ્યો અને બોલ્યો, “અમારાં પ્રાણીઓ તમારી કેક ખાઈ ગયાં અને તેનો બગાડ પણ કર્યો તે બદલ સૌ વતી હું માફી માગું છું. અમે તમારી હતી એવી જ એક મોટી કેક બનાવી લાવ્યા છીએ, એ સ્વીકારી લો. અમે આ રીતે કદી કોઈનું ઝૂંટવી લેતા નથી કે રંજાડતા નથી, પણ તમારી કેકની સુગંધને લીધે જ અમારા આખલાઓનું માથું ભમી ગયું હતું અને એટલે જ આવી ઘટના બની.”

આખલાઓના સરદારની વાત સાંભળીને બધાં પ્રાણીઓ ગેલમાં આવી ગયાં. પ્રેસિડેન્ટ લવલી લાયને બધાંને માફ કર્યા અને નવા વર્ષની ઉજવણીમાં સામેલ પણ કર્યા.

  • મેહુલ મંગુબહેન