કેન્દ્ર સરકારે ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઇ)ને 10 રૂ.ની પ્લાસ્ટિકની નોટની ફિલ્ડ ટ્રાયલ કરવા માટે મંજૂરી આપી દીધી છે જેથી એ લાંબા સમયગાળા સુધી ચાલે. નાણાંકીય રાજય મંત્રી અર્જુન રામ મેઘવાલે લોકસભામાં એક લેખિત જવાબમાં કહ્યું છે કે સરકારે પાંચ જગ્યા પર પ્લાસ્ટિક બેંક નોટ્સનો ફિલ્ડ ટ્રાયલ કરવાનો નિર્ણય લીધો છે. તેમણે માહિતી આપી છે કે આ માટે પ્લાસ્ટિક મટિરિયલ ખરીદવાની મંજૂરી આપી દેવામાં આવી છે તેમજ 10 રૂ.ની પ્લાસ્ટિક નોટ્સ છાપવાની પરમિશન આપી દેવામાં આવી છે. હકીકતમાં આ પ્લાસ્ટિકની નોટ્સ વધારે સમય ચાલે એવી ટકાઉ હોય છે. આખી દુનિયાના બેંક છેલ્લા કેટલાક વર્ષથી બેંક નોટ્સનું ટકાઉપણું વધારવા માટે પ્લાસ્ટિક નોટ્સ જેવા વિકલ્પોના મામલે વિચારી રહ્યા છે.

ભારતીય રિઝર્વ બેંક ફિલ્ડ ટ્રાયલ પછી પ્લાસ્ટિક કરન્સી નોટને દેશભરમાં લોન્ચ કરશે. સરકારે પહેલીવખત 2014ના ફેબ્રુઆરીમાં 10 રૂ.ના મૂલ્યની નોટના ફિલ્ડ ટ્રાયલને મંજૂરી આપી હતી. એ સમયે ભૌગોલિક વિવિધતાને આધારે કોચી, મૈસુર, જયપુર, શિમલા અને ભુવનેશ્વર જેવા પાંચ શહેરોની પસંદગી કરવામાં આવી હતી.

અર્જુન રામ મેઘવાલે માહિતી આપી છે કે પ્લાસ્ટિકની નોટો ટકવાનો સમયગાળો પાંચેક વર્ષ જેટલો હોય છે અને એની નકલ કરવાનું મુશ્કેલ છે. આ સિવાય પ્લાસ્ટિકથી તૈયાર થયેલી નોટ એ પેપર નોટની સરખામણીએ વધારે સ્વચ્છ હોય છે. નોંધનીય છે કે ચલણની કોપી થતી રોકવા માટે આવી નોટ સૌથી પહેલાં ઓસ્ટ્રેલિયામાં લોન્ચ કરવામાં આવી હતી.