લેમિનેશન કે પ્લાસ્ટિક સ્માર્ટ આધાર કાર્ડનો ઉપયોગ કરનારાઓ સાવધાન - Sandesh
  • Home
  • India
  • લેમિનેશન કે પ્લાસ્ટિક સ્માર્ટ આધાર કાર્ડનો ઉપયોગ કરનારાઓ સાવધાન

લેમિનેશન કે પ્લાસ્ટિક સ્માર્ટ આધાર કાર્ડનો ઉપયોગ કરનારાઓ સાવધાન

 | 5:49 pm IST

જો તમારા આધાર કાર્ડને લેમિનેશન કરાવી રાખ્યું હોય કે પછી પ્લાસ્ટિક સ્માર્ટ કાર્ડ તરીકે તેનો ઉપયોગ કરતા હોય તો સાવધાન. આમ કરવાથી તમારા આધારનો QR કોડ કામ કરવાનું બંધ કરી શકે છે અથવા તો તમારી અંગત માહિતી લીક થઈ શકે છે. UIDAIએ ચિંતા વ્યક્ત કરતા કહ્યું હતું કે, આમ કરવાથી તમારી મંજુરી વગર જ તમારી તમામ જાણકારી અન્ય સુધી પહોંચી શકે છે.

UIDAIનું કહેવું છે કે, આધારનો કોઈ એક કે મોબાઈલ આધાર સંપૂર્ણ રીતે માન્ય છે. પરંતુ આધાર સ્માર્ટ કાર્ડ્સની પ્રિંટિંગ પર 50 થી 300 રૂપિયાનો બીનજરૂરી ખર્ચ કરવામાં આવે છે.

UIDAI તરફથી સત્તાવાર જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, પ્લાસ્ટિક કે પીવીસી આધાર સ્માર્ટ કાર્ડ્સ મોટા ભાગે બિનજરૂરી ઠરે છે. કારણ કે ક્વિક રિસ્પોન્સ કોડ પ્લાસ્ટિકના કવચના કારણે કામ કરવાનું બંધ કરી દે છે. આ પ્રકારની બિનઅધિકૃત પ્રિંટિંગથી QR કોડ કામ કરવાનું બંધ કરી શકે છે.

આ અગાઉ પણ આધાર કાર્ડના કારણે દેશના નાગરિકોની ગોપનીયતાને લઈને અનેક સવાલો ઉઠવા પામ્યાં હતાં. સમગ્ર મુદ્દો સુપ્રીમ કોર્ટમાં પણ પહોંચ્યો હતો. આધાર એજન્સી તરફથી જાહેર કરવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે, લેમિનેશન કે પ્લાસ્ટિક સ્માર્ટ કાર્ડના કારણે તમારી અંગત માહિતી મંજુરી વગર જ ખોટા તત્વોના હાથમાં જઈ શકે છે. UIDAIના સીઈઓ અજય ભૂષણ પાંડેએ કહ્યું હતું કે, પ્લાસ્ટિકનું આધાર સ્માર્ટ કાર્ડ તદ્દન બિનજરૂરી અને વ્યર્થ છે. પરંતુ સામાન્ય કાગળ પર પ્રિન્ટ કરવામાં આવેલો આધાર કોર્ડ કે પછી મોબાઈલ આધાર કાર્ડ સંપૂર્ણ રીતે કાયદેસર છે.

મંજુરી વગર આધાર કાર્ડની જાણકારી લેવી ગુનો

અજય ભૂષણ પાંડેએ કહ્યું હતું કે, સ્માર્ટ કે પ્લાસ્ટિક આધાર કાર્ડનો કોઈ કોન્સેપ્ટ જ નથી. તેમણે લોકોને ચેતવણી આપતા કહ્યું હતું કે, કોઈ પણ અજાણ્યા વ્યક્તિને પોતાનો આધાર નંબર આપવાથી બચો. તેવી જ રીતે UIDAI પણ આધાર કાર્ડ્સની માહિતી રાખનારી અધિકૃત એજન્સીઓને પણ ચેતવણીના સ્વરમાં કહ્યું હતું કે, આધાર કાર્ડની જાણકારી મેળવવી કે પછી તેની અનાધિકૃત પ્રિંટિંગ કરવી તે દંડને પાત્ર ગુનો બને છે. આમ કરવાથી જેલની સજા પણ થઈ શકે છે.