પ્લાસ્ટિક તમે જાતે બનાવી શકો! - Sandesh
  • Home
  • Kids Corner
  • પ્લાસ્ટિક તમે જાતે બનાવી શકો!

પ્લાસ્ટિક તમે જાતે બનાવી શકો!

 | 12:10 am IST

ચાલો, જાતે કરી જોઈએ…  :-  માલિની મૌર્ય

પ્રયોગમાં શું શું જોઇશે?  

એક તવો, સ્ટીલનો ચમચો, ગેસ સ્ટવ, મકાઈની કાંજી (સ્ટાર્ચ), વિનેગર, પાણી, ગ્લીસરિન, એલ્યુમિનિયમ ફોઇલ અથવા પ્લાસ્ટિકનું બીબું, ચમચી, ફૂડ કલર (મરજિયાત).

પ્રયોગમાં શું કરવાનું :  

એક તવો લો. તેમાં ચાર ચમચા પાણી રેડો. હવે તેમાં એક ચમચી મકાઈની કાંજી નાંખો. ત્યારબાદ એક ચમચી ગ્લીસરિન નાંખો અને એક ચમચી વિનેગર નાંખો. હવે આ મિશ્રણને ગેસ સ્ટવ પર ધીમી આંચ પર ઉકળવા દો. તે દરમિયાન તેને ધીરેધીરે હલાવતા રહો. જ્યારે આ મિશ્રણ ઉકળશે ત્યારે મકાઇની કાંજી ધીરેધીરે જેલ (ઘટ્ટ ચાસણી જેવા) સ્વરૂપમાં ફેરવાશે. જ્યાં સુધી જેલ એક દમ પાતળી પારદર્શક ન થઈ જાય ત્યાં સુધી તેને ઉકાળતા રહો. હવે જ્યારે જેલ પાતળી પારદર્શક થઈ જાય ત્યારે તેને ફોઇલ પેપરમાં પાથરી દો કે પ્લાસ્ટિકના બીબામાં નાંખા. એ પછી તેનેે બેથી ત્રણ દિસવસ સુધી સુકાવા દો.

પ્રયોગમાં શું થશે?  

ફોઇલ પેપર અથવા બીબામાં નાખેલી જેલ બે-ત્રણ દિવસ સુકાયા બાદ પ્લાસ્ટિક જેવી થઈ જશે.

આમ થવાનું કારણ?  

પ્લાસ્ટિક સામાન્ય રીતે પોલિમર્સ તરીકે ઓળખાતા લાંબા તાંતણામાંથી બનેલો હોય છે. અને પોલીમર્સ સાવ નાના તાંતણા જોડાઈને બનેલા હોય છે. એ નાના ટુકડાને મોનોમર્સ કહે છે. જેમ કપાસના એક એક નાના તાંતણાને રેટીંયા વડે એકબીજામાં જોડો તો લાંબો દોરો બને એમ મોનોમર્સ જોડાઈને પોલીમર્સ બને છે. પોલિમર્સ બે પ્રકારના હોય છે. એક પોલિમરનું નામ છે, એમિલોઝ અને બીજા પ્રકારના  છે એમિલોપેક્ટિન.

હવે તમે કહેશો કે પોલિમર્સનો શબ્દનો અર્થ શું થાય? તો તમને જણાવી દઈએ કે પોલિ એટલે ઘણા અને મોનો એટલે એક. મોનોમરમાં એક જ નાનો રેષો હોય, એવા ઘણા રેષા જોડાઈને લાંબો તાંતણો બને એ પોલીમર.

આપણે જોઈ લીધું કે સ્ટાર્ચ એટલે કે કાંજીમાંથી બે પ્રકારના રેષા બને છે. એમિલોઝ પોલિમર્સ અને એમિલોપેક્ટિન. એમિલોઝ પોલિમર્સમાં જે રેષા હોય છે એ એકદમ સધા અને લીસા હોય છે. જાણે આપણા ઘરમાં વપરાતી લાકડી હોય!  જ્યારે એમિલોપેક્ટિનના રેષા પર નાના નાના અનેક ફાંટા નીકળેલા હોય છે. ઝાડની ડાળી કાપો તો એની નાની નાની શાખાના અનેક ફાંટા નીકળેલા હોય છે એમ! (એ બધા ફાંટા કાપી નાંખીએ તો ડાળીનો ટુકડો લીસો લાકડી જેવો બની જાય.)

પ્રયોગમાં જ્યારે આપણે પાણીના મિશ્રણમાં મકાઈની સ્ટાર્ચ (કાંજી) નાંખીને તેમાં ગ્લીસરીન અને વિનેગર નાંખીને ઉકાળતા હતા ત્યારે એમાં એમિલોઝના રેષા બનવા લાગ્યા હતા. મકાઈના સ્ટાર્ર્ચમાં એમિલોપેક્ટિન હોય છે. એમાં અનેક ખાંચાવાળા રેષા હોય છે. એમાં વિનેગર નાંખવાથી એમિલોપેક્ટિનના ખાંચાખૂંચીવાળા રેષા કપાઈ જાય છે. પરિણામે એ રેષા એમીલોઝ જેવા સીધા બની જાય છે. આ સીધા રેષા એકબીજામાં ગૂંથાતા જાય તો કાંજી અને વિનેગર મળીને એવો પદાર્થ બનાવે છે જે ચીકણો રબડી જેવો હોય. એમાં ગ્લીસરીન નાંખવાથી જાણે રેષાઓના જોડાણના સાંધાઓમાં ઓઈલ પુરાયું હોય એમ એમીલોપેક્ટિનના રેષા એકબીજામાં જોડાયા પછી જરાક જરાક આમતેમ સરકી શકે એવા બને છે.

તો મકાઈની સ્ટાર્ચ, વિનેગર અને ગ્લીસરીન એ ત્રણ ભેગા થવાથી મિશ્રણમાં લાંબા લાંબા રેષા એકબીજામાં ગૂંથાઈને ચીકણો અને ખેંચી શકાય એવો પદાર્થ બનાવે છે. એને ફોઈલમાં પાથરીને બે-ત્રણ દિવસ સુકાવા લઈએ ત્યારે એ મિશ્રણ સુકાઈ જાય છે. એટલે એને અડકો તો ચોંટી જતું નથી. પરંતુ જરાક ખેંચો તો પ્લાસ્ટિકની જેમ ખેંચાય છે. કારણ કે એમાં પ્લાસ્ટિકની જેમ જ રેષા એકબીજામાં ગૂંથાઈને પડ બનાવી ચૂક્યા છે. એમાં ગ્લીસરીન હતું એ તેને જરાક ખેંચી શકાય એવું રાખે છે.

આ પ્લાસ્ટિક પેલા રસાયણિક પ્લાસ્ટિક જેવું નુકસાનકારક નથી, કારણ કે એમાં આપણે કુદરતી રીતે મળતા પદાર્થો જ વાપર્યા છે. કોઈ રસાયણ વાપર્યું નથી. એટલે આ પ્લાસ્ટિક બાયોડિગ્રેડેબલ એટલે કે થોડા મહિનાઓ પછી તદ્દન સુકાઈને ભૂકો બની જાય એવું છે. ભૂકો એટલા માટે થઈ જાય છે કે એમાં નાંખેલું વિનેગર સમય જતાં સુકાઈ જાય છે. ધીમે ધીમે ગ્લીસરીન પણ સુકાઈ જાય છે. ત્યારે સ્ટાર્ચ સુકાઈને ફરી પાઉડર બનવા લાગે છે. એટલે એ ફરી પાઉડર જેવું બની જાય છે. તો આજે આપણે પર્યાવરણને જરાય નુકસાન ન કરે એવું બાયોડિગ્રેડેબલ પ્લાસ્ટિક બનાવ્યું.

[email protected]