નવરાત્રિ પહેલાં ચણિયાચોળીની રમઝટ   - Sandesh
  • Home
  • Supplements
  • Nari
  • નવરાત્રિ પહેલાં ચણિયાચોળીની રમઝટ  

નવરાત્રિ પહેલાં ચણિયાચોળીની રમઝટ  

 | 12:08 am IST

ટ્રેન્ડ :- મૈત્રી દવે

નવરાત્રિ નજીક છે. માઇરા, તું શું કરી રહી છે? અનુએ માઇરાને ફોન કરી ખખડાવી. માઇરા સ્વભાવે થોડી આળસુ પ્રકૃતિની હતી જ્યારે અનુ તરવરાટથી ભરેલી છોકરી. દરેક કામમાં તેને થોડી ઉતાવળ જોઇએ. કામ નાનું હોય કે મોટું તે જ્યાં સુધી પૂરું ન કરી લે તેને શાંતિ ન થાય. એમાંય વળી નવરાત્રિને હવે અમુક જ દિવસો બાકી હોય ત્યારે અનુને આવું ટેન્શન આવે તે સ્વાભાવિક જ વાત છે. માઇરાએ અનુને ગુસ્સો કરતાં સાંભળીને કહ્યું, માય ડિયર અનુ, હજી તો સત્તર તારીખ થઇ છે. હજી નવરાત્રિને દસ દિવસની વાર છે. કાલે ને કાલે તારી નવરાત્રિ આવીને ઊભી નથી રહેવાની. તું આ રીતે હાઇપર ન થા. નહીં તો નવરાત્રિ પહેલાં જ માંદી પડી જઇશ ને પછી નવરાત્રિમાં નવા ચણિયાચોળી તો ઠીક પણ બહાર પણ જવા નહીં મળે. અનુ માઇરાનો જવાબ સાંભળીને અકળાઇ ઊઠી. તે કહે, માઇરા યાર, દરેક વાતમાં તને આળસ આવે છે. હા, હું સમજુ છું કે નવરાત્રિને વાર છે, પણ તું એટલું તો સમજ કે ચણિયાચોળી લેવા જઇએ ત્યારે એક જ જગ્યાએથી તે ગમી નથી જવાના. આપણે કેટલીયે જગ્યાએ ફરવું પડશે, નવો ટ્રેન્ડ શું ચાલી રહ્યો છે તે જાણવું પડશે, આપણા બજેટમાં ક્યાંથી ચણિયાચોળી મળશે તે શોધવું પડશે અને આટલું બધું કર્યા પછી પણ જો નહીં ગમે તો કાપડ લઈ સીવડાવવા પડશે. અને તું જાણે જ છેને કે છેલ્લી ઘડીએ ટેઇલર્સને ચણિયાચોળી સીવડાવવા આપીશું એટલે પહેલી વાર તો ના જ પાડી દેશે અને પછી મનાવીશંુ એટલે છેક છેલ્લા દિવસે આપવાના વાયદા સાથે હા પાડશે. હવે તું જ વિચાર કર કે હું ટેન્શન ન કરું તો શું કરું?

અનુની વાતમાં દમ તો હતો જ. માઇરાને લાગ્યું ના, અનુ આ વાત ખોટી નથી કહી રહી. તેણે તરત તેને સમર્થન આપ્યું અને કહ્યું: ઠીક છે અનુ, તું હવે ચિંતા ન કર. આપણે આજે સાંજે જ ચણિયાચોળીની ખરીદી કરવા જઇ રહ્યાં છીએ. એક કામ કર, તું સોશિયલ મીડિયા પર જરા ચેક કરી લે કે આજકાલ કયો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. હું પણ બપોરે જોઇ લઉં છું, જેથી કરીને ખરીદી કરવામાં સરળતા રહે.

નવો ટ્રેન્ડ  

આ વર્ષે પણ દર વર્ષની જેમ ચણિયાચોળીમાં ઘણી નવીનતા જોવા મળે છે. અલબત્ત, આ બધી જ નવીનતામાં એક કોમન વસ્તુ એ છે કે બધી જ જૂની ફેશન નવાંનવાં રૂપ ધારણ કરીને આવે છે. જેમ કે, કચ્છી વર્ક જ લઇ લો, કચ્છી વર્કના ચણિયાચોળીની આજકાલ ઘણી ફેશન ચાલી રહી છે. તે સિવાય સાદા ભરતના ચણિયાચોળીનો પણ ક્રેઝ હવે પાછો આવી રહ્યો છે.

વળી ચણિયાચોળીમાં પણ હવે ઘણી નવીનતા જોવા મળે છે. જેમ કે, લેયરવાળા ચણિયાચોળી. લેયરવાળા ચણિયાચોળીનો ક્રેઝ પણ ઘણાં સમયથી જોવા મળી રહ્યો છે. તે સિવાય બે કાપડના કોન્ટ્રાસ્ટથી ચણિયો બનાવવાનો ક્રેઝ પણ ઘણો ચાલી રહ્યો છે. તેમાં બે કાપડ મિક્સ કરીને ઘેરદાર ચણિયો બનાવવામાં આવે છે, તેની સાથે કોન્ટ્રાસ્ટ મેચિંગનું બ્લાઉઝ અને દુપટ્ટો જમાવટ કરે છે.

વર્કવાળા ચણિયાચોળીનો જેટલો ક્રેઝ જોવા મળે છે તેટલો જ ક્રેઝ પેચવર્કનો પણ જોવા મળી રહ્યો છે. પેચવર્ક પણ ચણિયા પર ખૂબ જ સુંદર લાગે છે. પેચવર્ક દુપટ્ટામાં અને બ્લાઉઝમાં પણ મૂકવામાં આવે છે ને એવા જ ઘરેણાં પણ બજારમાં મળી જાય છે, તેનું કોમ્બિનેશન પણ ચણિયાચોળીની શોભાને ચાર ચાંદ લગાવે છે. ચણિયામાં કચ્છી તેમજ સાદું ભરત કરાવડાવીને એકદમ ગામઠી સ્ટાઇલના ચણિયાચોળીને પણ તમે આ વર્ષે નવરાત્રિમાં પહેરી શકો છો. આ દેખાવે ખરેખર ખૂબ જ આકર્ષક લાગે છે.

[email protected]

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન