NIFTY 10,085.40 -1.20  |  SENSEX 32,272.61 +30.68  |  USD 64.0725 -0.04
1.6M
1M
1.7M
APPS

PM મોદીઃ એક મિસ્ટરી!

 | 5:26 am IST

રેડ રોઝઃ દેવેન્દ્ર પટેલ

રાજનીતિ શાસ્ત્રના અભ્યાસુઓ, વિપક્ષો અને પોલિટિક્સના પંડિતો માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક અભ્યાસ કરવાને લાયક ‘મિસ્ટરી’ રહેશે, રહસ્ય રહે છે. કોઈએ તેમને સુટબુટની સરકારવાળા કહ્યા તોયે તેઓ સફળ રહ્યા. કોઈએ તેમને ઓટોક્રેટે કહ્યા તોયે તેઓ સફળ રહ્યા. કેટલાકે તેમની પાસે સર્જિકલ સ્ટ્રાઈકના પુરાવા માંગ્યા તોયે તેઓ સફળ રહ્યા. વિપક્ષોએ તેમની નોટબંધીનો જબરદસ્ત વિરોધ કર્યો તોયે તેઓ સફળ રહ્યા. યુ.પી.માં તેમણે એક પણ મુસ્લિમને ટિકિટ ના આપી તોયે તેઓ સફળ રહ્યા. કોઈએ ગુજરાતના ગધેડાઓની મજાક કરી. તોયે તેઓ સફળ રહ્યા. કોઈએ તેમને ‘બાહરી’ કહ્યા તોયે તેઓ સફળ રહ્યા. કોઈએ તેમને ધ્રુવીકરણના પુરસ્કર્તા કહ્યા તોયે તેઓ સફળ રહ્યા. કોઈએ તેમને સંઘ દ્વારા ચાલતી સરકારના પી.એમ.કહ્યા તોયે તેઓ સફળ રહ્યા. શિવસેનાએ અનેક પ્રહારો કર્યા તોયે તેઓ સફળ રહ્યા. એલ.કે.અડવાણી અને મુરલી મનોહર જોષી જેવાઓને હાસિયામાં ધકેલી દીધા તોયે તેઓ સફળ રહ્યા.

કારણ?

આ એક સાંપ્રત રાજનીતિ શાસ્ત્રનું એક અભ્યાસ કરવા જેવું રહસ્ય છે, જે નિષ્ણાતોએ ઉકેલવું રહ્યું.

ઉત્તર પ્રદેશ સહિત પાંચ રાજ્યોની ચૂંટણીઓનાં પરિણામો ભલભલા રાજકીય પંડિતો અને ખુદ રાજકીય પક્ષો માટે અભ્યાસની તક પૂરી પાડનારા સાબિત થયા છે. એક વાત નક્કી છે કે આ ચૂંટણી પરિણામોએ આવનારા વર્ષોની રાજનીતિ, દિશા અને દશા નક્કી કરી નાંખી છે.

ઉત્તર પ્રદેશ દેશનું મોટામાં મોટું રાજ્ય છે. અહીં ૨૦ કરોડની વસ્તી છે. આ પ્રદેશે સહુથી વધુ વડાપ્રધાનો આપ્યા છે. બીજા નાનાં રાજ્યોને બાજુમાં રાખીએ તો પણ ઉત્તર પ્રદેશમાં ભાજપાની જીત એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જ જીત ગણાશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મેજિક અને પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની વ્યૂહરચનાની જ જીત ગણાશે. આ ચૂંટણી પરિણામોએ ફરી એકવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે ૨૦૧૯માં આવનારી ચૂંટણીઓ માટે યુ.પી.થી. દિલ્હી સુધીનો એકસપ્રેસ વે તૈયાર કરી દીધો છે.

ઉત્તર પ્રદેશની ચૂંટણીને ૨૦૧૯માં આવનારી લોકસભાની ચૂંટણીના ટ્રેલર તરીકે જોવામાં આવશે. ૨૦૧૪ની લોકસભાની ચૂંટણીનાં પરિણામો પછી બીજા જ દિવસથી ભાજપાએ ઉત્તર પ્રદેશની વિધાનસભાની આવનારી ચૂંટણીનું આયોજન શરૂ કરી દીધું હતું. હવે યુ.પી.નાં પરિણામો બાદ ફરી એકવાર ભાજપાએ ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીની તૈયાર કરી દીધી છે તેમ અન્ય રાજકીય પક્ષોએ સમજવું પડશે. વડાપ્રધાન મોદી પક્ષમાં પણ તેમનાં વહીવટી કૌશલ્યનો ઉપયોગ કરે છે. ધ્યેય આપે છે અને તેની સમીક્ષા પણ કરે છે.

આ ચૂંટણીનાં પરિણામોને રાજનીતિની દૃષ્ટિએ મૂલવવાના બદલે તેને એકેડેમિક એંગલથી સમજવા જોઈએ. ઉત્તર પ્રદેશ એક એવું રાજ્ય છે જયાં લોકો ધર્મ, જાતિ, જ્ઞાાતિ, પછાત વર્ગ કે દલિત વોટબેંક આધારિત મતદાન કરતા હતા. આવી જાતિવાદ આધારિત પરંપરાગત રાજનીતિનો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અંત લાવી દીધો છે. અહીં અખિલેશ યાદવનું યાદવ-મુસ્લિમ કાર્ડ ચાલ્યું નથી. માયાવતીનું દલીત-મુસ્લિમ કાર્ડ ચાલ્યું નથી. કોંગ્રેસે બ્રાહ્મણ કાર્ડ ખોલવા શીલા દીક્ષિતને મેદાનમાં ઉતાર્યા, પરંતુ તે કાર્ડ પણ ચાલ્યું નહીં. એથી ઊલટંુ સમાજના દરેક વર્ગના ગરીબો એક છત્ર નીચે આવી ગયા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગરીબોના મસીહા તરીકે ઊપસી આવ્યા. તીન તલાકના મુદે મુસ્લિમ મહિલાઓ પણ ભાજપા તરફ આકર્ષાઈ એમ કેટલાક દાવો કરે છે. યુ.પી.માંથી જાતિગત રાજનીતિ ખતમ થઈ ગઈ એ મોટામાં મોટું આૃર્ય છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહુથી મોટી કુનેહ એ હતી કે, યુ.પી.માં અનેક સ્થાનિક નેતાઓ હોવા છતાં એક પણ સ્થાનિક નેતાને ભાવિ મુખ્યમંત્રી તરીકે પેશ નહીં કરીને માત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જ ચહેરા પર મદાર રાખ્યો અને તેમની આ વ્યૂહરચના સફળ થઈ. લોકોએ માત્ર અને માત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ચહેરાને જ સ્વિકાર્યો છે અને મત આપ્યા છે. યુ.પી.માં આ ભવ્ય વિજય વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જ વિજય છે તેમ કહી શકાય. વડાપ્રધાન મોદીએ ફરી એકવાર પોતાની જાતને પક્ષ કરતાં પણ મોટા સાબિત કરી દીધા છે. વડાપ્રધાન મોદી વન મેન આર્મી અને વન મેન પાર્ટી સાબિત થયા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નોટબંધીનો વિરોધ કરનારાઓ ફાવ્યા નથી. લોકોએ નોટબંધીએ ધનિકોની શાન ઠેકાણે લાવવા જરૂરી હતી તે વાત સ્વીકારી છે. નોટબંધી અંગે વિપક્ષોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જેટલો વિરોધ કર્યો તેથી વધુ વડાપ્રધાન મોદીને ફાયદો થયો છે.

અમિત શાહ અને નરેન્દ્ર મોદીની જોડી માટે સમાજવાદી પક્ષના નેતા અખિલેશ યાદવે આડકતરી રીતે ગુજરાતના કેટલાક પ્રાણીઓ સાથે સરખામણી કરવાની ગુસ્તાખી કરી હતી. એટલું જ નહીં, પરંતુ ‘યુ.પી.કે લડકે વિરુદ્ધ બાહરી’ કહીને પણ પ્રાંતવાદને ભડકાવવાનો પ્રયાસ અખિલેશ યાદવે કર્યો હતો, પરંતુ યુ.પી.ની. જનતાએ ‘યુ.પી.કે લડકે’ને ફગાવી દઈ મોદી-અમિત શાહની ‘ગુજરાત કી જોડી’ને વધાવી લીધી છે.

આ ચૂંટણી પરિણામોનું વિશ્લેષણ કરીએ તો તે વાત હવે સ્પષ્ટ છે કે અખિલેશ યાદવ અને તેમના પિતા તથા કાકા સાથે થયેલા વિખવાદે તેમની પાર્ટીને સહુથી વધુ નુકસાન કર્યું. લોકો પર એવો સંદેશો પણ ગયો કે સમાજવાદી પાર્ટી માત્ર એક જ પરિવારની પાર્ટી છે. એક જ પરિવારના ૨૪ જણને ટિકિટ આપવામાં આવી હતી. અખિલેશના મંત્રી મંડળના ૩૭ મંત્રીઓમાંથી ૨૬ મંત્રીઓ ચૂંટણી હારી ગયા.

પુત્રવધુ અપર્ણા યાદવ પણ હારી ગયા. વિવાદસ્પદ ગાયત્રી પ્રજાપતિ પણ હારી ગયા. અખિલેશ યાદવ બહારથી દેખાવમાં સરળ હોવા છતાં પક્ષમાં તેમનો અહંકાર તેમને નડયો. પક્ષના કાર્યકરોને તેમણે નજર અંદાજ કર્યા હતા. એક જ પરિવારનાં ભાઈઓ, ભાભીઓ, કાકાઓ, પુત્રવધુઓ ચૂંટણી લડે તે કેવું?

આ ચૂંટણીમાં સહુથી ખરાબ પરિસ્થિતિ માયાવતીની થઈ છે. તેમની જાતિ આધારીત રાજનીતિ લોકોએ સ્વીકારી નથી. બહુજન સમાજવાદીપાર્ટીનું અસ્તિત્વ જ હવે જોખમમાં છે.

એ જ રીતે સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસનું ગઠબંધન પણ નિષ્ફળ નીવડયું. રાહુલગાંધી અને અખિલેશયાદવે શરૂઆતમાં કેટલીક સભાઓ સંબોધી પરંતુ આ બે યુવાનોની જોડી માત્ર ફોટો સેશનથી આગળ ના વધી.

કોંગ્રેસે કોઈ આક્રમક્તા દેખાડી જ નહીં. શરૂઆતમાં કહેવામાં આવતું હતું કે, પ્રિયંકા ગાંધી વાડરા આખા યુપીમાં સભાઓ સંબોધશે પરંતુ તેમ ના થયું. સોનિયાગાંધી નાદુરસ્ત તબીયતના કારણે યુ.પી.આવ્યાં જ નહીં. કોંગ્રેસ માટે પણ આ પરિણામો આઘાતજનક છે. અલબત્ત, બીજા રાજ્યોમાં એણે સારો દેખાવ કર્યો તેથી કોંગ્રેસે હજુ તેનું અસ્તિત્વ જાળવી રાખ્યું છે. પંજાબનાં ચૂંટણી પરિણામો જોયા બાદ કોંગ્રેસ ફરી એકવાર તેના પ્રાંતીય નેતાઓને મજબૂત થવા દેવાની તક અપાવી પડશે. પંજાબની જીતમાં કેપ્ટન અમરીન્દર સિંહનો મોટો રોલ છે. આવું બીજે પણ થવા દેવું પડશે. એક જમાનામાં કોંગ્રેસ પાસે પશ્ચિમ બંગાળમાં અતુલ્ય ઘોષ, તામીલનાડુમાં કામરાજ, મહારાષ્ટ્રમાં એસ.કે.પાટીલ, વાય.બી.ચવાણ, ઉત્તર પ્રદેશમાં ચંદ્રભાણ ગુપ્તા અને ગુજરાતમાં મોરારજી દેસાઈ અને માધવસિંહ સોલંકી જેવાં શક્તિશાળી નેતાઓ હતાં. કોગ્રેસે આ દિશામાં ફરી વિચાર કરવો પડશે. પ્રાદેશીક નેતાઓને મજબૂત થવા દેવા પડશે. યુ.પી.માં ભાજપાની પ્રચંડ જીતથી હવે વડાપ્રધાન નરેન્દ્રમોદી માટે રાજસભામાં ઘણી સરળતા રહેશે. રાજ્યસભામાં તેની સભ્ય સંખ્યા વધશે. એનડીએ સરકાર તેની ઈચ્છા મુજબનાં લટકેલાં બીલો પસાર કરાવી શકશે. એ જ રીતે હવે હાલના મહામહીમ રાષ્ટ્રપતિશ્રી પ્રણવ મુખરજીની મુદત પૂરી થતાં વડાપ્રધાન નરેન્દ્રમોદીની સરકાર તેમની પસંદગીની વ્યક્તિને રાષ્ટ્રપતિપદે બેસાડી શકશે.

યુ.પી.નાં પરિણામો દેશની રાજનીતિમાં ધડમૂળથી પરિવર્તન લાવનારાં સાબિત થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જબરદસ્ત લોકપ્રિયતા તમામ રાજકિય પક્ષો માટે એક અભ્યાસનો વિષય છે. આજે તેઓ દેશના સૌથી વધુ પ્રભાવશાળી રાષ્ટ્રીય નેતા છે.

www.devendrapatel.in