કોર્ટ-જેલને વીડિયો કોન્ફરન્સિંગથી જોડો, SMSથી મળે તારીખ: PM મોદી - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • India
  • કોર્ટ-જેલને વીડિયો કોન્ફરન્સિંગથી જોડો, SMSથી મળે તારીખ: PM મોદી

કોર્ટ-જેલને વીડિયો કોન્ફરન્સિંગથી જોડો, SMSથી મળે તારીખ: PM મોદી

 | 11:28 am IST

અલાહાબાદ હાઈકોર્ટની 150મી વર્ષગાઠના સમાપન સમારોહના અવસરે આજે પીએમ મોદી અને રાજ્યના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ એક સાથે મંચ પર જોવા મળ્યાં. સમારોહમાં હાજર લોકોને સંબોધતા પીએમ મોદીએ કહ્યું કે વર્ષભર ચાલેલો આ સમારોહ સમાપનની સાથે સાથે નવી ઉર્જા, નવી પ્રેરણા, નવા સંકલ્પ અને નવા ભારતના સંબનાને પૂરા કરવાની તાકાત બની શકે છે. ભારતનું જે ન્યાય વિશ્વ છે તે ન્યાય વિશ્વમાં 150 વર્ષ જૂની અલાહાબાદ હાઈકોર્ટ આ ન્યાય વિશ્વનું તીર્થક્ષેત્ર છે. આ તીર્થ ક્ષેત્રમાં મહત્વના પડાવને બધાની વચ્ચે આવીને સાંભળવાનો અને સમજવાનો અવસર મળ્યો તે માટે હું ગૌરવ અનુભવું છું. પીએમ મોદીએ આ મંચ પરથી વધુમાં વધુ ટેક્નોલોજીનો ઉપયોગ કરવા પર ભાર મૂક્યો. તેમણે કહ્યું કે ન્યાય વ્યવસ્થામાં ટેક્નોલોજીનો ઉપયોગ થાય, મોબાઈલ ફોન પર એસએમએસથી તારીખ લેવાની અને આપવાની પરંપરા કેમ શરૂ ન કરીએ? ટેક્નોલોજીથી વકીલોનું કામ સરળ થયું છે. આ ઉપરાંત સીએમ યોગીએ પણ તેમના ભાષણમાં કહ્યું કે કાયદાથી ઉપર કોઈ નથી. આ અવસરે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ જે એસ ખેહર, રાજ્યના ડેપ્યુટી સીએમ અને ભાજપ પ્રદેશ પ્રમુખ કેશવ પ્રસાદ મૌર્ય પણ સમારોહમાં સામેલ હતાં.

તમામ કોર્ટ-જેલને વીડિયો કોન્ફરન્સિંગથી એકબીજા સાથે જોડો-પીએમ મોદી

પીએમ મોદીએ અલાહાબાદ હાઈકોર્ટના 150 વર્ષ પૂરા થયા તેની ઉજવણીના સમાપન સમારોહમાં પહેલીવાર યુપીના સીએમ યોગી આદિત્યનાથનું નામ પોકાર્યું. વાત જાણે એમ હતી કે તેઓ સ્પીચ આપી રહ્યાં હતાં તે દરમિયાન ન્યાય વ્યવસ્થામાં ટેક્નોલોજીને પ્રોત્સાહન આપવાની વાત કરી રહ્યાં હતાં. આ જ મુદ્દે તેમણે કહ્યું કે વીડિયો કોન્ફરન્સિંગથી કેમ સુનવણી ન કરીએ? જેલથી કેદીઓને કોર્ટમાં લાવવા, માર્ગમાં શું થાય છે તે બધા જાણે છે. યોગીજી આવ્યાં છે તો કદાચ હવે તે બધુ બંધ થશે. આ સાંભળીને સમારોહમાં બેઠેલા લોકો હસવા લાગ્યાં હતાં અને તાળીઓ પડી હતી.

પીએમ મોદીએ ચીફ જસ્ટિસને આપ્યો જવાબ, કહ્યું-તમારી પીડા અનુભવી રહ્યો છું

ચીફ જસ્ટિસ ખેહરના સંબોધન પર બોલતા તેમણે કહ્યું કે ખેહર સાહેબ તેમના મનની વાત કરી રહ્યાં હતાં અને હું મનથી સાંભળી રહ્યો હતો. તેમના દરેક શબ્દમાં પીડાનો અનુભવ કરી રહ્યો હતો. કઈક કરી બતાવવાના ઈરાદાને અનુભવી રહ્યો હતો. ભારતના ન્યાય ક્ષેત્ર અને મને પૂરેપૂરો વિશ્વાસ છે કે તેમના સંકલ્પ પૂરા થશે. જ્યાં સુધી સરકારનો સવાલ છે તો જે સંકલ્પોને લઈને પ્રેરિત કરી રહ્યા છે તેને પૂરા કરવાનો ભરપૂર પ્રયત્ન કરીશું.

ત્રણ વર્ષમાં 1200 કાયદા ખતમ થયા

પીએમ મોદીએ કહ્યું કે નવા કાયદા કેટલા બનાવીશું તે ખબર નથી પરંતુ કહ્યું હતું કે જો પીએમ બન્યો તો દરરોજ એક કાયદો ખતમ કરાવીશ. આ ભાર કેવી રીતે કમ કરાશે તે અંગે ચીફ જસ્ટિસ પણ ચિંતિત છે. અમને આનંદ છે કે પાંચ વર્ષ પૂરા નથી થયા અને એટલામાં તો સરકારે 1200 કાયદા ખતમ કરી નાખ્યાં.

2022 માટે સંકલ્પ લઈએ

આઝાદીને 70 વર્ષ પૂરા થયા. 2022માં આઝાદીને 75 વર્ષ થશે. અલાહાબાદ પાસેથી દેશને પ્રેરણા મળી શકે છે? જે લલક, જૂનૂન આઝાદીના આંદોલન વખતે જોવા મળતી હતી તે શું આ આ પાંચ વર્ષોમાં એ જઝ્બા પેદા કરી શકીએ છે કે હિન્દુસ્તાનને ક્યાંથી ક્યાં લઈ જઈશું જેઓ જ્યાં છે ત્યાં, ત્યાંથી જ 2022 માટે રોડ મેપ, સંકલ્પ નક્કી કરી શકે છે.

ફક્ત અમીરોનું જ નહીં પરંતુ દેશના દરેક નાગરિકનું કલ્યાણ એ જ કાયદાનું લક્ષ્ય

તેમણે કહ્યું કે 50 વર્ષ પહેલા ડો.રાધાકૃષ્ણનને કહ્યું હતું કે કાયદો એક એવી વસ્તુ છે જે સતત બદલાતી રહે છે. કાયદો લોકોના સ્વભાવ અનુકૂળ હોવો જોઈએ, પારંપરિક મૂલ્યો મુજબ હોવો જોઈએ. આ સાથે જ કાયદાએ આધુનિક પડકારોનું પણ ધ્યાન રાખવું જોઈએ. કાયદાની સમીક્ષા વખતે આ તમામ બાબતો પર ધ્યાન રખાવું જોઈએ. કયા પ્રકારનું જીવન આપણે પસાર કરવા માંગીએ છીએ. કાયદાનું અંતિમ લક્ષ્ય શું છે, તમામ લોકોનું કલ્યાણ. ફક્ત અમીરોનું કલ્યાણ નહીં પરંતુ દેશના દરેક નાગરિકનું કલ્યાણ એ જ કાયદાનું લક્ષ્ય છે અને તેને પૂરા કરવાના પ્રયત્નો થવા જોઈએ.

yogi

કાયદો શાસકોનો પણ શાસક છે, કાયદાથી સમાજ ચાલે છે: સીએમ યોગી

યોગી આદિત્યનાથે સમાપન સમારોહને સંબોધન કરતા કહ્યું કે લોકતંત્રની સ્વતંત્રતાનો પાયો મજબૂત ન્યાયપાલિક પર નિર્ભર કરે છે. પ્રાચીન કાળથી ન્યાય તથા વિધિ એક બીજાના પૂરક છે. તેમણે અલાહાબાદ હાઈકોર્ટના ઐતિહાસિક ચૂકાદાનો ઉલ્લેખ કરતા કહ્યું કે કાયદો શાસકોનો પણ શાસક છે. કાયદાનું સ્થાન શાસક કરતા પણ ઉપર હોય છે. કાયદાથી સમાજ ચાલે છે. જ્યારે જ્યારે લોકતંત્ર પર સંકટ આવ્યું તો અલાહાબાદ હાઈકોર્ટે પોતાના ઐતિહાસિક ફેસલાથી તેનું સન્માન રાખ્યું.

સીએમ યોગીએ વધુમાં કહ્યું કે ન્યાયની આ ધારા બની રહે તે મારી કામના છે. ગરીબો, વંછીતો અને મહિલાઓને ત્વરિત ન્યાય મળે તે મારી કામના છે. અત્રે જણાવવાનું કે અલાહાબાદના ઐતિહાસિક ચૂકાદાઓમાં ઈન્દિરા ગાંધીનું ઉમેદવારી પત્રક રદ કરવું, જગદંબિકા પાલને પણ યુપીના સીએમ પદથી હટાવવાના ફેંસલા સામલ છે. આ ઉપરાંત અયોધ્યા જમીન વિવાદ પર અલાહાબાદ હાઈકોર્ટે જ જમીનની ફાળવણી કરી હતી અને તેમાં રામ મંદિર, બાબરી મસ્જિદ અને નિર્મોહી અખાડાના નામે ત્રણ ભાગ પાડ્યા હતાં.

ચીફ જસ્ટિસે કહ્યું- મારા મનની વાત સાંભળો

આ બાજુ ચીફ જસ્ટિસ ખેહરે જજોની ઓછી સંખ્યા પર ચિંતા વ્યક્ત કરી. તેમણે કહ્યું કે હાઈકોર્ટ અને નીચલી કોર્ટના જજો પર ખુબ ભાર છે. જસ્ટિસ ખેહરે કોર્ટમાં પેન્ડિંગ કેસો ઉપર પણ ચિંતા વ્યક્ત કરી. તેમણે કહ્યું કે પીએમ મનની વાત કરે છે, દેશ સાંભળે છે. હવે મને મારા મનની વાત કરવા દો. ચીફ જસ્ટીસે લાંબા સમયથી પેન્ડિંગ પડેલા કેસોની પતાવટ માટે જજોને રજાઓમાં પણ કામ કરવા કહ્યું.

આ પહેલા રાજ્યના સીએમ યોગી આદિત્યનાથે બમરૌલી એરપોર્ટ પર પીએમ મોદીને આવકાર્યા હતાં. ત્યારબાદ તેઓ સીધા હાઈકોર્ટના સમારોહમાં ભાગ લેવા ગયાં. પીએમ મોદી અને સીએમ યોગી 12.30 વાગ્યે કાર્યક્રમ બાદ બમરૌલી એરપોર્ટ પાછા જશે અને ત્યારબાદ ત્યાં લંચ કરીને પીએમ રવાના થશે.

અત્રે જણાવવાનું અલાહાબાદ હાઈકોર્ટ એશિયાની સૌથી જૂની અને મોટી હાઈકોર્ટ છે. તેની સ્થાપના 17 માર્ચ 1866ના રોજ થઈ હતી. સર વોલ્ટર મોર્ગન અલાહાબાદ હાઈકોર્ટના પહેલા ચીફ જસ્ટિસ હતાં. તે વખતે માત્ર 6 જજ હતાં પરંતુ હાલ જજોના 160 પદ છે. આ ઉપરાંત 17હજાર વકીલો હાઈકોર્ટ સાથે જોડાયેલા છે. દેશની પહેલી હાઈકોર્ટ છે જેની પાસે પોતાનું મ્યુઝિયમ અને આર્કાઈવ્ઝ ગેલેરી છે. લખનઉમાં અલાહાબાદ હાઈકોર્ટની બેન્ચ છે. સ્થાપના વખતે હાઈકોર્ટ આગરામાં હતી.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન