PM Modi kept the Gandhinagar Raj Bhavan till late at night, visit statue of unity
  • Home
  • Ahmedabad
  • મોદીએ રૂપાણીને ‘અંધારા’માં રાખી રાજભવનમાં મોડી રાત સુધી રોકાતા આશ્ચર્ય, રહસ્ય પરથી ઉઠ્યો પડદો

મોદીએ રૂપાણીને ‘અંધારા’માં રાખી રાજભવનમાં મોડી રાત સુધી રોકાતા આશ્ચર્ય, રહસ્ય પરથી ઉઠ્યો પડદો

 | 10:07 am IST

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની 69મી વર્ષગાંઠે માતા હીરાબા સાથે બપોરનુ પ્રેમભોજન લીધા બાદ પ્રોટોકોલ તોડીને મોડી સાંજે લગભગ પોણા આઠ વાગ્યા સુધી રાજભવનમાં જ રોકાણ કર્યું હતું. એમણે રાજભવનમાં થોડો સમય મુખ્યમંત્રી વિજય રૂપાણી તથા મુખ્ય સચિવ ડો. જે. એન. સિંઘ સાથે ચર્ચા કરી હતી, જે દરમિયાન તથા બાદના મોટાભાગના સમયમાં એમના અતિવિશ્વાસુ એવા ચીફ પ્રિન્સિપાલ સેક્રેટરી કે. કૈલાસનાથન સતત એમની સાથે રહ્યાં હતા.

બીજી તરફ, વડાપ્રધાન મોદીનો બપોરના ત્રણ વાગ્યે નવી દિલ્હી પરત જવાનો કાર્યક્રમ કેન્સલ થયા પછી સાંજે 6.30 વાગ્યે તેઓ દિલ્હી જશે એવું નક્કી થયું હતું, જેને કારણે ગવર્નર દેવવ્રત આચાર્ય, મુખ્યમંત્રી રૃપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, ભાજપ સરકારના મંત્રીઓ લગભગ સાડા પાંચ-પોણા છના અમદાવાદ એરપોર્ટ ઉપર વડાપ્રધાનને વળાવવા આવ્યા હતા, પરંતુ આ બધાને બે-અઢી કલાક એરપોર્ટ ઉપર બેસી રહેવું પડયું હતું.

વડાપ્રધાન મોદીનું પ્લેન લગભગ સવા આઠે નવીદિલ્હી જવા નીકળ્યું, એ પછી તરત જ મુખ્યમંત્રી પણ તેમના અગાઉથી નક્કી થયેલા કાર્યક્રમ મુજબ સુરત જવા રવાના થયા હતા. સૂત્રોના જણાવ્યા પ્રમાણે બીજી ઓક્ટોબરે 150મી ગાંધી જયંતી નિમિતે સાબરમતી ગાંધી આશ્રમ અને તેની પાછળ રિવરફ્રન્ટ ખાતે યોજાનારા રાષ્ટ્રીય કાર્યક્રમના આયોજન સંબંધે વડાપ્રધાને મુખ્યમંત્રી અને મુખ્ય સચિવ પાસેથી વિગતો મેળવી હતી.

ગવર્નર દેવવ્રત આચાર્ય, કે. કૈલાસનાથન્ તથા પીએમઓના ઉચ્ચ અધિકારીઓ પણ આ બેઠકમાં સામેલ થયા હતા. બીજી ઓક્ટોબરે વડા પ્રધાન મોદીના સાંનિધ્યમાં જે કાર્યક્રમ યોજાવાનો છે તેમાં દેશભરના 10 હજાર જેટલા સરપંચો તેમજ સ્વચ્છતા ક્ષેત્રે કાર્યરત સંસ્થાઓના પ્રતિનિધિઓ અને એટલી જ સંખ્યામાં ગુજરાતના સરપંચો તથા પ્રતિનિધિઓ ભાગ લેવાના છે, જે નિહાળવા વિદેશોના ડેલિગેટ્સ પણ આવવાના છે.

વડાપ્રધાને જે રીતે રાજભવનમાં 6 કલાકથી વધુ સમયનું લંબાણપૂર્વક રોકાણ કર્યું તે જોતા રાજ્યમાં વિધાનસભાની 7 બેઠકોની આવી રહેલી પેટાચૂંટણી સંબંધે પણ ચર્ચા થઈ હોવાનું અનુમાન નકારી શકાતું નથી.

આ પણ જુઓ વીડિયો: રાજકોટમાં વેપારીઓ દ્ગારા હેલ્મેટના કાયદાનો વિરોધ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન