PM Modi Leading From The Front On Agriculture Bills 2020 Issue
  • Home
  • Featured
  • કૃષિ બિલને લઈ PM મોદીની ફ્રંટફૂટ પર આવી ફટકાબાજી, વિપક્ષોનો ઉધડો બરાબરનો લીધો

કૃષિ બિલને લઈ PM મોદીની ફ્રંટફૂટ પર આવી ફટકાબાજી, વિપક્ષોનો ઉધડો બરાબરનો લીધો

 | 4:52 pm IST

મોદી સરકાર કૃષિ ક્ષેત્રે સંકળાયેલા ત્રણ બિલો સંસદમાં પસાર કર્યા છે. આ નિર્ણયોના વિરોધમાં ખેડૂતો વિરોધ પ્રદર્શનો કરી રહ્યાં છે. ભારે વિરોધ છતાંયે કેન્દ્ર સરકાર પીછેહટ કરવાના મૂડમાં નથી. ખેડૂતો દ્વારા કરવામાં આવી રહેલા વિરોધ પ્રદર્શનોને લઈ સરકારનો પક્ષ રજુ કરવાની કમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના હાથમાં લઈ લીધી છે.

આજે બિહારને અનેક પરિયોજનાઓની ભેટ આપતી વખતે પીએમ મોદીએ કૃષિ બિલનો ઉલ્લેખ કર્યો હતો અને કહ્યું હતું કે, કેટલાક રાજકીય પક્ષો ખેડૂતોને ભરમાવી રહ્યાં છે. આ અધ્યાદેશોથી ખેડૂતોને જ અનેક લાભ થવા જઈ રહ્યાં છે.

કૃષિ ક્ષેત્રમાં સુધાર માટે લાવવામાં આવેલા કેટલાક બિલો પર ખુબ હોબાળો મચી ગયો છે. કેન્દ્ર સરકારમાં શિરોમણી અકાલી દળના કોટાથી મંત્રી બનેલા હરસિમરત કૌર બાદલે બિલના વિરોધમાં રાજીનામું પણ ધરી દીધુ. પંજાબ અને હરિયાણામાં ઠેર ઠેર ખેડૂતો પ્રદર્શન કરી રહ્યાં છે. વિપક્ષી દળો પણ સરકાર પર બજારોને ખતમ રકવાના અને ખેડૂતો માટે મુસિબતો વધારવાનો આરોપ લગાવી રહ્યાં છે. આ બધા વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ફરીથી દોહરાવ્યું કે આ બિલથી ખેડૂતોને ફાયદો જ ફાયદો છે. જે આ બિલનો વિરોધ કરી રહ્યા છે તેઓ ખરેખર તો ‘ખેડૂતોને દગો’ કરી રહ્યા છે.

તેમણે કહ્યું કે ખેડૂતો અને ગ્રાહકો વચ્ચે જે વચેટિયા હોય છે, તેઓ ખેડૂતોની કમાણીનો મોટો ભાગ પોતે રાખી લે છે અને તેમને આ વચેટિયાઓથી બચાવવા માટે આ બિલ લાવવા ખુબ જરૂરી હતા. આ બિલ ખેડૂતો માટે રક્ષા કવચ બનીને આવ્યા છે.

બિહારના કોસીમાં રેલ પુલનું ઓનલાઈન ઉદ્ઘાટન કરતા પીએમ મોદીએ કહ્યું હતું કે, કાલે વિશ્વકર્મા જયંતિના દિવસે લોકસભામાં ઐતિહાસિક કૃષિ સુધાર બિલ પાસ થયા. આ બિલોએ આપણા અન્નદાતા ખેડૂતોને અનેક બંધનોમાંથી મુક્તિ અપાવી છે. તેમને આઝાદ કર્યા છે. આ સુધારાઓથી ખેડૂતોને પોતાનો પાક વેચવામાં વધુ વિકલ્પ મળશે અને વધુ તકો મળશે.’

વિરોધપક્ષોનો લીધો બરાબરનો ઉધડો

વડાપ્રધાને વધુમાં કહ્યું હતું કે, ચૂંટણી સમયે ખેડૂતોને લલચાવવા માટે મોટી મોટી વાતો કરતા હતાં, લેખિતમાં કરતા હતાં, પોતાના ઘોષણાપત્રમાં નાખતા હતાં અને ચૂંટણી બાદ ભૂલી જતા હતાં. જ્યારે આજે જ્યારે એનડીએ સરકાર ખેડૂતોને સમર્પિત અમારી સરકાર કરી રહી છે. એનડીએ પોતે કરેલા વાયદાઓ પુરા કરી રહી છે માટે વિરોધ પક્ષો જાત જાતના ભ્રમ ફેલાવી રહ્યા છે. જે લોકો APMC એક્ટને લઈને આવ્યા હતાં તે જ હવે રાજનીતિ કરે છે. એગ્રીકલ્ચર માર્કેટની જોગવાઈઓમાં ફેરફારનો વિરોધ કરે છે. તે ફેરફારની વાત આ લોકોએ પોતાના ઘોષણાપત્રમાં પણ લખી હતી પરંતુ હવે જ્યારે એનડીએ સરકારે આ ફેરફાર કર્યો તો તેઓ તેના વિરોધ કરવા પર ઉતરી આવ્યા છે.’

પીએમ મોદીએ કહ્યું કે એવો દુષ્પ્રચાર થઈ રહ્યો છે કે સરકાર દ્વારા ખેડૂતોને MSPનો લાભ અપાશે નહીં. એવી વાતો થઈ રહી છે કે ખેડૂતો પાસેથી સરકાર ઘઉ, અન્ય અનાજની ખરીદી કરશે નહીં. આ હળાહળ જૂઠ્ઠાણું છે, ખોટું છે, ખેડૂતો સાથે દગો છે. તેમણે કહ્યું કે અમારી સરકાર ખેડૂતોને MSPના માધ્યમથી યોગ્ય મૂલ્ય અપાવવા માટે પ્રતિબદ્ધ છે. પહેલા પણ હતાં અને આજે પણ છીએ અને આગળ પણ રહીશું. સરકારી ખરીદી પણ પહેલાની જેમ ચાલુ રહેશે.

પીએમ મોદીએ ખેડૂતોને બંધાવી હૈયાધારણા

પીએમ મોદીએ ખેડૂતોને હૈયાધારણા બંધાવતા કહ્યું હતું કે, કોઈ પણ વ્યક્તિ પોતાના ઉત્પાદનો, દુનિયામાં ગમે ત્યાં વેચી શકે છે. જ્યાં ઈચ્છે ત્યાં વેચી શકે છે. પરંતુ માત્ર ખેડૂતો ભાઈ બહેનોને જ આ અધિકારથી વંછિત રાખવામાં આવ્યા હતાં. હવે નવી જોગવાઈઓ લાગુ થવાના કારણે ખેડૂતો પોતાનો પાક દેશના કોઈ પણ બજારમાં, પોતાની મનગમતી કિંમતે વેચી શકશે. ખેડૂતો માટે એનડીએના શાસનમાં છેલ્લા 6 વર્ષમાં જેટલું કામ થુયં તેટલું પહેલા ક્યારેય થયું નથી. ખેડૂતોને થનારી એક એક પરેશાનીને સમજતા, મુશ્કેલીને દૂર કરવા માટે અમારી સરકારે સતત પ્રયત્નો કર્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન