UNSCમાં કાયમી સીટ માટે PM મોદીએ મોં પર ચોપડાવ્યું : "અમારે હજી ક્યાં સુધી રાહ જોવાની?" - Sandesh
  • Home
  • Featured
  • UNSCમાં કાયમી સીટ માટે PM મોદીએ મોં પર ચોપડાવ્યું : “અમારે હજી ક્યાં સુધી રાહ જોવાની?”

UNSCમાં કાયમી સીટ માટે PM મોદીએ મોં પર ચોપડાવ્યું : “અમારે હજી ક્યાં સુધી રાહ જોવાની?”

 | 7:48 pm IST

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સંયુક્ત રાષ્ટ્ર સંઘની 75મી જનરલ એસેમ્બલીને સંબોધિત કરી હતી. સંયુક્ત રાષ્ટ્રની વર્ચુઅલ બેઠકમાં પીએમ મોદીએ ભારતને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા સમિતિના કાયમી સભ્યપદને લઈને બિલકુલ શબ્દો ચોર્યા વગર ખુલીને ચોખે ચોખુ પુછી લીધું હતું. પીએમ મોદીએ કોરોના વાયરસની વેક્સીન મામલે દુનિયા આખીને મોટું આશ્વાસન બંધાવ્યું હતું. પોતાની સરકારની સફળતાઓ ગણાવતા આતંકવાદ મામલે પાકિસ્તાનને પણ સંભળાવી દીધું હતું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ UN મહાસભાના સંબોધનમાં આક્રમક અંદાજમાં નજરે પડ્યાં હતાં. પીએમ મોદીએ છેલ્લા કેટલાક સમયથી ચીનનું ખુલ્લેઆમ સમર્થન કરી રહેલા સંયુક્ત રાષ્ટ્રને પણ બરાબરનું ઝાટકતા કહ્યું હતું કે, ગત 8-9 મહિનાથી દુનિયા આખી કોરોના મહામારી સામે ઝઝુમી રહી છે. આ વૈશ્વિક મહામારીનો સામનો કરવાના પ્રયાસોમાં સંયુક્ત રાષ્ટ્ર ક્યાં છે? એક પ્રભાવશાળી રિસ્પોંસ ક્યાં છે?

પોતાના 22 મીનીટના આ ભાષણમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંયુક્ત રાષ્ટ્ર પર ગંભીર સવાલ ખડા કર્યા હતાં. સાથો સાથ UN પાસે સુચનો પણ માંગ્યા હતાં. તેમણે વેધક સવાલ કરતા કહ્યું હતું કે, સંયુક્ત રાષ્ટ્રની પ્રતિક્રિયાઓમાં ફેરફાર, વ્યવસ્થાઓમાં બદલાવ અને સ્વરૂપમાં પણ પરિવર્તન કરવુ એ આજના સમયની માંગણી છે. ભારતના લોકો સંયુક્ત્ત રાષ્ટ્રમાં સુધારને લઈને જે પ્રક્રિયા ચાલી રહી છે તેને પુરી થવાની ઘણા લાંબા સમયથી રાહ જોઈ રહ્યાં છે. ભારતના લોકોને ચિંતા છે કે, શું આ પ્રક્રિયાઓ ક્યારેય યોગ્ય અંજામ સુધી પહોંચશે પણ શકશે કે કેમ?

UNSCમાં ભારતને સ્થાન ના મળવા પર પીએમ મોદીનું દર્દ છલકાયું

દુનિયાની એક મોટી મહાશક્તિ તરીકે ભારતનું  અત્યાર સુધી સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)માં ના હોવું હેરાન કરનારું છે. વડાપ્રધાને પણ પોતાના ભાષણમાં આ ‘ઉપેક્ષા’ પ્રત્યે સ્પષ્ટ રીતે વિરોધ જાહેર કરી દીધો હતો. તેમણે UN પર જ સવાલ ઉઠાવતા કહ્યું હતું કે, આખરે ક્યાં સુધી ભારતને સંયુક્ત રાષ્ટ્રના ડિસિઝન મેકિંગ સ્ટ્રક્ચર (નિર્ણય કરતા માળખા)થી વંચિત રાખવામાં આવશે?

જે દેશનો પ્રભાવ આખી દુનિયા પર પડે છે તેને ક્યાં સુધી રાહ જોવાની?

પીએમ મોદીએ સંયુક્ત રાષ્ટ્રને ચોખા શબ્દોમાં સંભળાવી દીધું હતું કે, એક એવો દેશ કે જે દુનિયાનું સૌથી મોટું લોકતંત્ર છે, એક એવો દેશ જ્યાં દુનિયાની 18 ટકાથી પણ વધારે જનસંખ્યા રહે છે, એક એવો દેશ જ્યાં સેંકડો ભાષાઓ બોલાય છે અને અનેક પંથ છે, અનેક વિચારધારાઓ છે. જે દેશે વર્ષો સુધી વૈશ્વિક અર્થવ્યવસ્થાનું નેતૃત્વ કરવા અને વર્ષોની ગુલામીના દિવસો જોયા છે. જે દેશમાં થઈ રહેલા પરિવર્તનોનો પ્રભાવ દુનિયાના વિશાળ ભૂભાગ પર પડે છે, એ દેશે આખરે ક્યાં સુધી રાહ જોવી પડશે?

એવા અનેક ઉદાહરણ છે જેને લઈને UN આત્મમંથન કરવાની જરૂર છે

પીએમ મોદીએ સવાલ કર્યો હતો કે, આજે આખા વિશ્વ સમુદાય સામે એક મોટો સવાલ છે કે જે સંસ્થાની રચના જે તે સમયની પરિસ્થિતિઓમાં થઈ હતી, તેનું વર્તમાન સ્વરૂપ શું આજે પણ પ્રાસંગિક છે? જો આપણે ગત 75 વર્ષોમાં સંયુક્ત રાષ્ટ્રની સફળતાઓનું મુલ્યાંકન કરીએ તો અનેક ઉપલબ્ધીઓ નજરે પડે છે. જ્યારે એવા અનેક ઉદાહરણ પણ છે જે સંયુક્ત રાષ્ટ્ર સામે ગંભીર આત્મમંથનની જરૂરિયાત ઉભી કરે છે.

… ત્યારે પણ અને આજે પણ સંયુક્ત રાષ્ટ્રના પ્રયાસ શું પર્યાપ્ત હતાં?

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, કહેવા માટે તો ત્રીજુ વિશ્વ યુદ્ધ નથી થયું, પણ એ વાતને પણ બિલકુલ ના નકારી શકાય કે દુનિયામાં અનેક યુદ્ધો તો થયા જ છે, અનેક ગૃહયુદ્ધો પણ થયા. કેટલાયે તો આતંકી હુમલાઓ થયા અને લોહીની નદીઓ વહી. આ યુદ્દ્યો અને હુમલાઓમાં જે માર્યા ગયા તે અમારી-તમારી માફક માણસો જ હતાં. એવા લાખો બાળકો જેમને દુનિયા પર છવાઈ જવાનું હતું, તે આજે દુનિયા છોડીના ચાલ્યા ગયાં. એવા અનેક લોકોએ પોતાના જીવનભરની મૂડી પણ ગુમાવવી પડી, પોતાના સપનાઓના ઘર પણ છોડવા પડ્યાં. તે સમયે અને આજે પણ સંયુકત રાષ્ટ્રના પ્રયાસો પર્યાપ્ત હતાં?

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન