J&K: દેશની સૌથી લાંબી સડક સુરંગનું PM મોદીના હસ્તે લોકાર્પણ - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • India
  • J&K: દેશની સૌથી લાંબી સડક સુરંગનું PM મોદીના હસ્તે લોકાર્પણ

J&K: દેશની સૌથી લાંબી સડક સુરંગનું PM મોદીના હસ્તે લોકાર્પણ

 | 9:09 am IST

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે જમ્મુ અને શ્રીનગર નેશનલ હાઈવે પર બનાવવામાં આવેલી દેશની સૌથી મોટી સડક સુરંગનું લોકાર્પણ કર્યું. આ સાથે જ સુરંગમાંથી વાહનોની અવરજવર પણ શરૂ થઈ જશે. જમ્મુ-શ્રીનગર હાઈવે પર ચેનાની અને નાશરી વચ્ચે બનાવવામાં આવેલી આ 9 કિલોમીટર લાંબી સડક સુરંગ બનાવવામાં 3720 કરોડ રૂપિયાનો ખર્ચો થયો છે. સરહદ પર બગડેલા હાલત અને ચેતવણીઓ વચ્ચે વડાપ્રધાનના પ્રવાસ માટે મલ્ટી લેયર સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી હતી. સુરંગથી દરવર્ષે લગભગ 99 કરોડ રૂપિયાના ફ્યુલની બચત થશે. આ સાથે જ રોજ લગભગ 27 લાખનું ફ્યુલ બચવાની સંભાવના છે.

સુરંગથી રાજ્યની બંને રાજધાનીઓ જમ્મુ અને શ્રીનગર વચ્ચેની મુસાફરીમાં લાગતો સમય હવે બે કલાક જેટલો ઘટશે. ચેનાની અને નાશરી વચ્ચેનું અંતર 41 કિલોમીટરથી ઘટીને 10.9 કિમી રહેશે. ઉદ્ધાટન બાદ પીએમ મોદી ઉધમપુર જિલ્લાના બટ્ટલ બલિયામાં એક જનસભાને પણ સંબોધશે.

ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત

જમ્મુ અને કાશ્મીર રાજ્યના ડીજીપી એસપી વૈદે પીએમ મોદીના પ્રવાસને ધ્યાનમાં રાખીને એજન્સીઓની સુરક્ષા વ્યવસ્થા પર સંતોષ વ્યક્ત કર્યો હતો. બોર્ડ પર એલર્ટ વચ્ચે વડાપ્રધાન માટે મલ્ટી લેયર સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી હતી.

સૌથી મોટી અને સ્માર્ટ સુરંગ

ચેનાનીથી નાશરી વચ્ચે બનેલી આ સડક સુરંગ દેશની સૌથી મોટી સુરંગ તો ખરી જ પરંતુ સ્માર્ટ સુરંગ પણ છે. તેમાં વિશ્વસ્તરની ખાસીયતો છે. સુરક્ષાનો પુરતો બંદોબસ્ત કરવામાં આવ્યો છે. સુરંગની અંદર એવા કેમેરા લાગ્યા છે જે 360 ડિગ્રી વ્યુ આપે છે. આ સાથે જ મોબાઈલ નેટવર્કથી લઈને ઈન્ટરનેટ તેમાં ચાલે છે. 9.2 કિલોમીટર લાંબી આ સુરંગ જમ્મુના ઉધમપુર જિલ્લાના ચિનૈની વિસ્તારથી શરૂ થઈને રામબન જિલ્લાના નાશરીનાળા સુધી બનાવવામાં આવી છે.

સુરંગમાં 124 સીસીટીવી કેમેરા

ચેનાની નાશરી સુરંગમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યાં છે. જેમની સાથે ઓટોમેટિક ઈન્સિડેન્ટ ડિટેક્શન સિસ્ટમ લાગેલી છે. કેમેરાની મદદથી સુરંગની અંદર દરેક ગાડીની મૂવમેન્ટ પર નજર રાકવામાં આવશે. સુરંગમાં કુલ 124 સામાન્ય સીસીટીવી કેમેરા લગાવાયા છે. આ સાથે જ સુરંગની અંદર ટ્રાફિક કાઉન્ટિંગ કેમેરા લગાવાયા છે જે ગાડીઓની સંખ્યા અંગે હિસાબ રાખશે. આ ઉપરાંત સુરંગની અંદર બંને બાજુ પેન ટિલ્ટ ઝૂમ કેમેરા લગાવવામાં આવ્યાં છે. જે 360 ડિગ્રી પર ગાડીની દરેક મૂવમેન્ટ પર નજર રાખશે.

સુરંગમાં ઈમરજન્સી સૂચનાની વ્યવસ્થા

આ સુરંગમાં ખાસ FM ફ્રિકવન્સી પર ગીતો સાંભળી શકાશે. સુરંગમાં એન્ટ્રી પહેલા તે ફ્રિકવન્સી સેટ કરી દેવી ફાયદાકારક રહેશે કારણ કે કોઈ પણ ઈમરજન્સી જેવા સંજોગોમાં FM પર જરૂરી સૂચના આપી શકાશે.

સુરંગમાં 29 ઈમરજન્સી રસ્તાઓ

અમૂમન સુરંગમાં મોબાઈલ નેટવર્ક કામ કરતું નથી પરંતુ રસપ્રદ વાત એ છે કે ચેનાની નાશરી સુરંગમાં મોબાઈલ પણ કામ કરશે અને ઈન્ટરનેટ પણ. અનેક મોબાઈલ કંપનીઓએ આ વાતનું ધ્યાન રાખ્યું છે. સુરંગમાં બનાવવામાં ઈમરજન્સી રસ્તાઓ તેને અન્ય સુરંગો કરતા અલગ બનાવે છે. સમગ્ર સુરંગમાં 29 ક્રોસ ઓવર પેસેજીસ બનાવવામાં આવ્યાં છે. જે ફક્ત ઈમરજન્સી સ્થિતિમાં ઉપયોગમાં લઈ શકાશે. આ ક્રોસ ઓવર પેસેજીસમાં સુરંગમાં ફસાયેલા લોકોને તરત બહાર કાઢી શકાશે. જેથી કરીને મદદ તરત પહોંચાડી શકાય.

એક પણ ઝાડ કાપ્યા વગર પાંચ વર્ષમાં બની છે સુરંગ

આ સુરંગ બનતા પાંચ વર્ષનો સમય લાગ્યો છે. સૌથી મહત્વની વાત એ છે કે આ પાંચ વર્ષોમાં હિમાલય પર એક પણ ઝાડ કાપ્યા વગર સુરંગ બનાવાઈ છે. મોટાભાગના સ્થાનિક લોકોને ટ્રેનિંગ આપીને સુરંગના કામે લગાવવામાં આવ્યાં હતાં. એવી આશા છે કે સુરંગના કારણે કાશ્મીર ઘાટીમાં કારોબાર વધશે અને પ્રવાસીઓની સંખ્યા વધશે. ચેનાની નશરી સુરંગ ધરતીના આ સ્વર્ગ ગણાતા કાશ્મીર માટે ખરેખર સુંદર ભેટ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન