જમીન સંપાદનને લઇને પીએમ મોદીનો ડ્રીમ પ્રૉજેક્ટ વિરોધનાં ભરડામાં - Sandesh
  • Home
  • Featured
  • જમીન સંપાદનને લઇને પીએમ મોદીનો ડ્રીમ પ્રૉજેક્ટ વિરોધનાં ભરડામાં

જમીન સંપાદનને લઇને પીએમ મોદીનો ડ્રીમ પ્રૉજેક્ટ વિરોધનાં ભરડામાં

 | 6:49 pm IST

કેન્દ્ર સરકારનાં ડ્રીમ પ્રૉજેક્ટ બુલેટ ટ્રેન પ્રોજેક્ટનો જમીન સંપાદનને લઇને ભારે વિરોધ થઇ રહ્યો છે. સુરતનાં જિલ્લાનાં અસરગ્રસ્ત ખેડૂતોમાં પણ બુલેટ ટ્રેન મુદ્દે રોષ જોવા મળી રહ્યો છે. વિકાસનાં નામે ખેડૂતોની જમીન જઇ રહી છે, ત્યારે જે ખેડૂતોને જમીનનું વળતળ આપવાની વાત થઈ હતી તે મામલે હવે સરકાર ફરી ગઈ હોવાને લઇ ખેડૂતોમાં રોષ છે અને આવનારા દિવસોમાં આંદોલન કરવાની ચીમકી ખેડૂતો ઉચ્ચારી રહ્યા છે.

એકતા ગ્રામીણ પ્રજા વિચાર મંચનાં અગ્રણી હસમુખ ભટ્ટે કહ્યું કે, “બુલેટ ટ્રેનની જરૂર નથી અને વડાપ્રધાનનાં સપના માટે આ પ્રોજેક્ટ મુકવામાં આવી રહ્યો છે. ખેડૂતોનાં હિતની વાત કરતી ભાજપ સરકાર ખેડૂતોની જમીનની જંત્રીમાં વધારો કરવાને બદલે સરકારે જમીનનાં ભાવ ઘટાડવાનો નિર્ણય કર્યો છે. ફ્રેઇડ કોરિડોર પ્રોજેકટમાં જમીનની કિંમત અંગેનો વિવાદ થયો હતો અને હાલ અરબીટિશનમાં ચાલતા કેસોનો નિકાલ લાવવામાં સરકારે વિલંબ કર્યો છે અને બુલેટ ટ્રેન પ્રૉજેક્ટમાં આ પ્રમાણે જમીનની કિંમતનો વિવાદ થાય નહી તે માટે સરકારી જમીનનો ભાવ ઘટાડવાનો નિર્ણય કર્યો છે તે અયોગ્ય છે. ખેડૂતોને હાલનાં પ્રમાણે જંત્રી નહિ મળે તો ખેડૂતો સરકારને જમીન આપશે નહી.”

વિકાસનાં માપદંડ તરીકે જેનું નામ લેવામાં આવી રહ્યું છે તેવી બુલેટ ટ્રેન ખાત મૂહર્ત પછી નવસારી જીલ્લામાં જમીન સંપાદનને કારણે વિવાદનાં વંટોળમાં સપડાઈ છે. નવસારી જિલ્લામાંથી પસાર થતી બુલેટ ટ્રેન માટે 300 એકરથી વધુ જમીન સંપાદિત થવાની છે. નવસારી જીલ્લામાં સરકારનાં આદેશ પછી જમીન સંપાદનનું કામ શરુ કરવામાં આવ્યું છે. જેમાં ખેડૂતોને કોઈપણ પ્રકારની જાણ ન કરતા ખેતરમાં મુકવામાં આવેલા માઈલ સ્ટોનથી ખેડૂતોમાં રોષની લાગણી જોવા મળી રહી છે.

બુલેટ ટ્રેન ભરૂચ જિલ્લાનાં 27 ગામોમાંથી પસાર થશે, ત્યારે હજુ આ ગામનાં કયા ખેડૂતોની જમીન જશે તે ખુલાસો પણ જમીન સંપાદન કરનાર એજન્સીએ કર્યો નથી. ઉપરાંત તાજેતરમાં જ મળેલી પરામર્શ બેઠકમાં અસરગ્રસ્ત ખેડૂતોને જાણ સુદ્ધા પણ કરાઈ ના હતી. ખેડૂતોને સામાજિક, આર્થિક નુકસાન કેવું થશે અને તેની સામે વળતર કેટલું મળશે તે જાણ કરાયા વગર જ સંપાદન કરાઈ રહ્યા હોવાનું ખેડૂત આગેવાનો જણાવી રહ્યા છે, ત્યારે ભરૂચ જિલ્લામાં પણ બુલેટ ટ્રેનને લઈને ભારે વિરોધ જોવા મળે તેવા એંધાણ છે.

તો બીજી તરફ ભાવનગર જીલ્લાનાં બાડી પડવા ખાતે જીપીસીએલ કંપની દ્વારા ચાલી રહે લિગનાઈટ કામગીરી બંધ કરાવવા માટે ખેડૂતો દ્વારા ચાલતા આંદોલનનાં ભાગરૂપે ગઈકાલે આજુબાજુનાં 12 ગામોનાં ખેડૂતો 10થી 12 ટ્રેકટર અને બાઈકો લઈને સુરકા અને હોઈદડ ગામે ભેગા થયા હતા અને 1200થી 1500 લોકો બાઈકો અને ટ્રેક્ટરો લઈ કામ અટકાવવા માટે રેલી સ્વરૂપે જતા અત્યારે ખેડૂતો અને પોલીસ આમને સામને આવી ગયા હતા. મોડી રાત્રે ટોળાઓ કાબુમાં ના આવતા 400થી વધારે લોકોની પોલીસે અટકાયત પણ કરી છે. પોલીસે આ ટોળાને અટકાવવા બળપ્રયોગનો ઉપયોગ કરી લાઠીચાર્જ કર્યો હતો. પરંતુ લોકો ટસના મસ નહીં થતા અને પોલીસ પર જોરદાર પથ્થરમારો કરતા પોલીસે ટીયરગેસના 70 જેટલા ટીયર ગેસનાં સેલ છોડ્યા હતા. મોડી રાત્રે ટોળાઓ કાબુમાં ના આવતા 400થી વધારે લોકોની પોલીસે અટકાયત પણ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન