પીએનબી કેસમાં વિપુલ અંબાણી અને અન્યોને ૧૪ દિવસ માટે જેલ મોકલાયા - Sandesh
  • Home
  • India
  • પીએનબી કેસમાં વિપુલ અંબાણી અને અન્યોને ૧૪ દિવસ માટે જેલ મોકલાયા

પીએનબી કેસમાં વિપુલ અંબાણી અને અન્યોને ૧૪ દિવસ માટે જેલ મોકલાયા

 | 4:20 am IST

મુંબઈ, તા. ૫

અબજો રૂપિયાનાં પીએનબી કૌભાંડમાં સ્પેશિયલ સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઇન્વેસ્ટિગેશન(સીબીઆઈ) કોર્ટે સોમવારે વિપુલ અંબાણી, નીરવ મોદીની ફાયરસ્ટાર ડાયમન્ડના અધ્યક્ષ(ફાઇનાન્સ) અને અન્ય પાંચ જણને ૧૯મી માર્ચ સુધી જ્યુડિશિયલ કસ્ટડીમાં રાખવાનો આદેશ આપ્યો હતો.

વિપુલ અંબાણી સાથે અન્ય પાંચ જણમાં અર્જુન પાટિલ(ફાયરસ્ટાર ગ્રૂપના સિનિયર એક્ઝિક્યુટિવ), કપિલ ખંડેલવાલ(નક્ષત્ર ગ્રૂપના સીએફઓ), હિતેન શાહી(ગીતાંજલિના મેનેજર), રાજેશ જિંદાલ અને કવિતા માંકીકર(એક્ઝિક્યુટિવ)નો અને ત્રણ આરોપી કંપનીઓના અધિકૃત સહીકર્તાનો સમાવેશ થાય છે.

પીએનબી ગોટાળા પ્રકરણમાં જે ટોચના જ્વેલરી ડિઝાઇનર નીરવ મોદીની સંડોવણી છે તે કેસમાં સીબીઆઈએ અગાઉ ફેબ્રુઆરીમાં ૬ જણની ૧.૭૭ બિલિયન ડોલરનાં કૌભાંડમાં ધરપકડ કરી હતી. સીબીઆઈએ પૂછપરછ હાથ ધરતાં નીરવ મોદીની પાસેથી મેળવાયેલા એલઓયુ ખોટા હોવા અંગે વિપુલ અંબાણીને જાણકારી હતી એવું તપાસમાં બહાર આવ્યું હતું.

કવિતા માન્કીકરની CBI વિરુદ્ધ હાઈકોર્ટમાં ફરિયાદ

સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઇન્વેસ્ટિગેશન(CBI) દ્વારા અટકમાં લેવાયેલ મહિલા કવિતા માન્કીકરે તેની ધરપકડ કાયદા વિરુદ્ધ થઈ હોવાની ફરિયાદ હાઈકોર્ટમાં કરી હતી. તેની પિટિશનમાં જણાવાયું હતું કે કોઈપણ મહિલાની અટક રાતના ૮ પછી ન થઈ શકતી હોવાનો કાયદો હોવા છતાં CBIએ ૨૦ ફેબ્રુઆરીના રોજ રાતના ૮ વાગે તેની ધરપકડ કરી હતી.

૩૧મી જાન્યુઆરીના રોજ CBIએ નીરવ મોદી, તેના મામા ગીતાંજલિ જેમ્સના માલિક મેહુલ ચોકસી અને પંજાબ નેશનલ બેેન્કના અનેક અધિકારીઓ સહિત અનેક વિરુદ્ધ કેસ નોંધ્યો હતો. આ સંદર્ભે અનેકને અટકમાં લેવાયા હતા. નીરવ મોદીની કંપનીની એક કર્મચારીએ સોમવારે હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરી હતી, જેના મુજબ CBIએ તેની ધરપકડ કરીને કાયદાનો ભંગ કર્યો હતો. નીરવ મોદીની ફાયરસ્ટાર ડાયમંડના પ્રેસિડેન્ટ(ફાઇનાન્સ) વિપુલ અંબાણી સહિત પાંચ અન્યો સાથે માન્કીકરની ધરપકડ કરવામાં આવી હતી, તેને સોમવાર સુધી કસ્ટડીમાં રાખવામાં આવી હતી. માન્કીકર નીરવ મોદીની ત્રણ ગ્રૂપ કંપનીઓ ડાયમંડ આર યુએસ, સ્ટેલર ડાયમંડ અને સોલર એક્સ્પોટ્ર્સમાં એક્ઝિક્યુટિવ આસિસ્ટન્ટ અને ઓથોરાઇઝડ સિગ્નેટરી હતી. CBIના જણાવ્યા મુજબ માન્કીકરે છેતરપિંડી કરીને LoU માટેની અરજીઓ પર સહી કરી હતી. CBIએ દાખલ કરેલ કેસ મુજબ કૌભાંડની રકમ રૂ. ૬,૪૯૮ કરોડ હતી, જેમાં ૧૫૦ રૂ. ૪,૮૮૬ કરોડના ખોટા LoU સામેલ હતાં. પિટિશનની સુનાવણી ૧૨ માર્ચ પર રાખવામાં આવી છે.