PNB કૌભાંડ -વૈશ્વિક વ્યાપાર જંગની દહેશતે નરમ શેરબજાર - Sandesh
  • Home
  • Business
  • PNB કૌભાંડ -વૈશ્વિક વ્યાપાર જંગની દહેશતે નરમ શેરબજાર

PNB કૌભાંડ -વૈશ્વિક વ્યાપાર જંગની દહેશતે નરમ શેરબજાર

 | 2:13 am IST

મુંબઇ,તા.૭

વિશ્વના શેરબજારો ઘટતા અને પીએનબી કૌભાંડની તપાસ વ્યાપક બનતા શેરબજારમાં આજે સેન્સેક્સ સતત છઠ્ઠા સત્રમાં ઘટયો હતો. વ્હાઇટ હાઉસના આર્થિક સલાહકાર ગેરી કોહનના રાજીનામા બાદ વૈશ્વિક વ્યાપાર જંગ ઉગ્ર બનવાની દહેશતે વિશ્વના શેરબજારો ઘટયા હતા. નિફ્ટી પીએસયુ બેન્ક ઇન્ડેક્સ ૩.૫ ટકા ઘટયો હતો. બે અબજ ડોલરના પીએનબી કૌભાંડમાં પીએનબીના એમડી અને સીઇઓ સુનિલ મહેતાને સિરીયસ ફ્રોડ ઇન્વેસ્ટિગેશન ઓફિસ (એસએફઆઇઓ) દ્વારા પૂછપરછ માટે આજે બોલાવાયા હતા. આ પહેલા તપાસ એજન્સી દ્વારા આઇસીઆઇસીઆઇ અને એક્સિસ બેન્કના સિનિયર એક્ઝિક્યુટીવન પૂછપરછ માટે બોલાવાતા બન્કિંગ શેર્સમાં ઘટાડો ચાલુ રહ્યો હતો. પીએનબીના શેરમાં ૩.૮૮ ટકા અને આઇસીઆઇસીઆઇ બેન્કના શેરમાં ત્રણ ટકાનો ઘટાડો જોવાયો હતો. બેન્ક અને તેલ કંપનીઓના શેર્સમાં કરેક્શનને પરિણામે સેન્સેક્સે ૩૩૦૦૦ની સપાટી તોડી હતી. દિવસના કામકાજના અંતે સેન્સેક્સ ૨૮૪.૧૧ પોઇન્ટ ઘટી ૩૩૦૩૩.૦૯ અને નિફ્ટી ૯૫.૦૫ ઘટી ૧૦૧૫૪.૨૦ ઉપર બંધ થયા હતા.

નેશનલ હાઇવે ઓથોરીટી તરફથી રૂ.૯૧૭ કરોડનો ઓર્ડર મળ્યો હોવાનું દિલીપ બિલ્ડકોને જણાવતા શેરનો ભાવ ૨.૪૯ ટકા વધી થયો હતો. આઇટી શેર્સ ઝળક્યા હતા. માઇન્ડ ટ્રી ૨.૬, હેર્સાવેર ૨.૧, એચસીએલ ટેકનોલોજી ૨, એનઆઇઆઇટી ટેક્નોલોજી ૧.૬, ટેક મહિન્દ્રા ૧.૪, વિપ્રો લિમિટેડ ૧.૨, ટીસીએસ ૦.૯ અને ઇન્ફોસીસ ૦.૮ ટકા વધ્યા હતા. હેરીસન મલયાલમમા ંબ્લોક ડીલને પરિણામે શેરના ભાવમાં પાંચ ટકાનો વધારો થયો હતો.  ઉદ્યોગપતિ ગૌતમ અદાણી સૌથી વધુ એનપીએ (રૂ.૭૨૦૦૦ કરોડ) ધરાવે છે એવા ભાજપના સાંસદ સુબ્રમણ્યમ સ્વામીના આક્ષેપને પગલે અદાણી ગ્રૂપના શેર્સ ઘટયા હતા. અદાણી પોર્ટ્સ ૨.૨, અદાણી એન્ટરપ્રાઇઝ ૨.૬, અદાણી પાવર ૩.૨ અને અદાણી ટ્રાન્સમિશન ૧.૪ ટકા ઘટયા હતા.

ન્યૂજેન સોફ્ટવેર ટેક્નોલોજીને મધ્ય પ્રદેશમાં ડિસ્ટ્રીક્ટ અને તહેસીલ કોર્ટ માટે રૂ.૫૩.૨ કરોડનો ડીજીટડાઇઝેશનનો ઓર્ડર મળ્યો હતો. જોકે, શેરનો ભાવ રૂ.૨.૪૦ ઘટી રૂ.૨૩૬.૧૫ થયો હતો.  ૨૦૧૫ના ડિસેમ્બરમાં પૂરા થતા ત્રિમાસિક ગાળાના નાણાકીય પરિણામોની બિનસત્તાવાર જાહેરાત અંગે કંપની તપાસ કરશે, એમ તાતા મોટર્સે એક નિવેદનમાં જણાવ્યું હતું. તાતા મોટર્સની જેગુઆર કારનું વેચાણ ફેબ્રુઆરીમાં ૨.૬ ટકા ઘટી ૩૯૯૧૧ યુનિટ થયું હતું.  પીઓઆરઆર કતાર તરફથી રામકો સિસ્ટમ્સને એક ઓર્ડર મળ્યો હતો. જોકે, શેરનો ભાવ રૂ.૧૯.૨૫ ઘટી રૂ.૪૨૬.૯૫ થયો હતો. પ્રદૂષણના પ્રશ્ને તળોજા પ્લાન્ટ કામચલાઉ બંધ કર્યો હોવાનું બાયો મેડિસીને જણાવતા તેના શેરના ભાવમાં ચાર ટકા ઘટાડો થયો હતો. ગીતાંજલિ ગ્રૂપની કંપનીના વાઇસ પ્રેસિડેન્ટની ધરપકડ દ્વારા પીએનબી કૌભાંડના ગુનેગારો સામે સીબીઆઇએ ગાળિયો સખત બનાવ્યો હતો. આથી ગીતાંજલિ જેમ્સના શેરમાં વધુ પાંચ ટકા ઘટાડો થયો હતો. સતત ૧૫મા સત્રમાં ક્પનીનો શેર ઘટયો હતો. ફેબ્રુઆરીમાં પ્રાઇવેટ ઇક્વિટી અને વેન્ચર કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ ૬૦ ટકા ઘટી ૧.૪ અબજ ડોલર થયું હતું.  સન ફાર્માએ જણાવ્યું હતું કે પોન્ટા સાહિબ પ્લાન્ટ માટે ડચ રેગ્યુલેટર તરફથી ગુડ મેનેજમેન્ટ ર્સિટફિકેટ મળ્યું છે.

;