પીએનબી કૌભાંડ હવે ૧૩,૫૭૮ કરોડના આંકડાને વટાવી ગયું - Sandesh
  • Home
  • Ahmedabad
  • પીએનબી કૌભાંડ હવે ૧૩,૫૭૮ કરોડના આંકડાને વટાવી ગયું

પીએનબી કૌભાંડ હવે ૧૩,૫૭૮ કરોડના આંકડાને વટાવી ગયું

 | 3:37 am IST

મુંબઇ, તા.૧૩

પંજાબ નેશનલ બેન્કે પોલીસને જણાવ્યું હતું કે તેની સાથે આચરવામાં આવેલી છેતરપિંડીમાં તેમને બીજા વધારે ૯૪૬ કરોડ રૂપિયાની છેતરપિંડી થઇ હોવાનું જણાયું છે. ભારતના બેન્કિંગ ઇતિહાસમાં જેને સૌથી મોટું કૌભાંડ ગણાવાઇ રહ્યું છે તે પીએનબી કૌભાંડમાં આંકડો દિવસે દિવસે વધી રહ્યો છે. ગયા મહિને પણ પીએનબી બેન્કે તેની સાથે થયેલી છેતરપિંડીનો આંકડો વધાર્યો હતો. નીરવ મોદી અને મેહુલ ચોક્સીની કંપનીઓ દ્વારા પીએનબીના અધિકારીઓ સાથે સાઠગાંઠ કરી આચરવામાં આવેલી છેતરપિંડીનો આંકડો હવે બે બિલિયન ડોલરના આંકને વટાવી ગયો છે.

પોલીસે મંગળવારે અદાલતમાં જણાવ્યું હતું કે મેહુલ ચોક્સીના ગીતાંજલિ ગ્રુપની કંપનીઓ દ્વારા પીએનબી સાથે ૭૦૮ કરોડ રૂપિયા (૧.૦૯ બિલિયન ડોલર)ની છેતરપિંડી કરવામાં આવી છે. ગીતાંજલિ ગ્રુપની કંપનીઓના વકીલે આ નવા આક્ષેપો બાબતે તેમને કશી જાણ ન હોવાથી તેમણે કોઇ પ્રતિક્રિયા આપવાની ના પાડી હતી. નીરવ મોદી અને મેહુલ ચોક્સીએ તેમણે કશું ખોટું કર્યું હોવાનું નકાર્યું છે. હાલ આ કૌભાંડની તપાસ સીબીઆઇ અનેઔઇડી દ્વારા કરવામાં આવી રહી છે. બંને મામા- ભાણિયાએ ભારત પાછાં ફરવાનું શક્ય નથી તેમ જણાવી દીધું છે. આ કૌભાંડને કારણે શેરબજારમાં જાહેર ક્ષેત્રની બેન્કોના શેરના ભાવ પણ ગગડી ગયા છે.

અમારા પૈસાથી બની છે તમારી બ્રાન્ડ

પંજાબ નેશનલ બેન્ક દ્વારા કરોડોના કૌભાંડી નીરવ મોદીને એક પત્ર લખવામાં આવ્યો હતો. બેન્કે પત્ર દ્વારા કરોડોના ફુલેકાબાજ નીરવ મોદીને જણાવ્યું હતું કે, તમારી જે પણ બ્રાન્ડ છે તે અમારા પૈસાના જોરે બની છે. બેન્ક કૌભાંડી મામા-ભાણિયા સાથે કોઈપણ પ્રકારનું સેટલમેન્ટ કરવા તૈયાર નથી. બેન્ક તેમની પાસેથી પૂરા પૈસા જ વસૂલશે. ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલાં નીરવ મોદી દ્વારા બેન્કને એક ઈમેલ કરીને સેટલમેન્ટની ઓફર કરવામાં આવી હતી.

તમારા કર્મોના કારણે બ્રાન્ડ ખરાબ થઈ છે  

બેન્કે જણાવ્યું કે, તમારા કાળા કામોના લીધે તમારી બ્રાન્ડ ખરાબ થઈ છે. તેમાં બેન્કનો કોઈ વાંક જ નથી. નીરવ મોદી દ્વારા બેન્ક ઉપર ખોટું દોષારોપણ કરવામાં આવી રહ્યું છે. બેન્કે પત્રમાં એવું પણ જણાવ્યું હતું કે, તમારા ગોરખધંધા લોકો સામે આવી ગયા છે તેમાં ક્યાંય બેન્કોને દોષિત માનવા જેવી નથી. તમારી બ્રાન્ડ બની હતી તે બેન્કના પૈસાના જોરે બની હતી. તમારી બ્રાન્ડને નુકસાન થઈ રહ્યું છે તે તમારા કૌભાંડોના કારણે થઈ રહ્યું છે. બેન્ક તમારી સાથે કોઈ સેટલમેન્ટ માટે તૈયાર નથી. બેન્ક તમામ પૈસા વસૂલીને જ રહેશે.

તમે માત્ર સમય બરબાદ કરો છો  

પીએનબીના જનરલ મેનેજર અશ્વની વત્સે પત્રમાં વધુ જણાવ્યું હતું કે, જે પણ કૌભાંડ થયું હતું તેની જાણ તમને હતી. કેટલા પૈસા લેવામાં આવ્યા અને કેવી રીતે કૌભાંડ કરાયું તેનાથી તમે સંપૂર્ણ માહિતગાર હતાં છતાં તમે કેટલીક જ રકમ પરત કરવા માગો છો. હાલમાં તમે કેટલીક રકમ પરત કરવાની વાત કરો છે તે જણાવે છે કે, તમારી પ્રપોઝલ ખૂબ જ અસ્પષ્ટ અને અયોગ્ય છે. તમે આવા પ્રપોઝલ મોકલીને માત્ર સમય બરબાદ કરવા માગો છો.

બેન્કને તમારી કંપનીના મેનેજમેન્ટમાં રસ નથી  

બેન્ક તરફથી નીરવ મોદીને વધુમાં જણાવવામાં આવ્યું કે, તમે જે સ્થાવર સંપત્તિ, એફડી અને કરન્ટ એકાઉન્ટની વાત કરો છે તે અંગે તમારા પ્રપોઝલમાં ક્યાંય કોઈ ખુલાસો નથી કરવામાં આવ્યો. તમારી આવી પ્રપોઝલ જણાવે છે કે, તેમાં ક્યાંય વાસ્તવિકતા કે વિશ્વસનીયતા નથી. તમે બેન્કને એમ પણ જણાવ્યું હતું કે, તમારી કંપનીના મેનેજમેન્ટનું ટેકઓવર બેન્ક દ્વારા કરવામાં આવે. આ ઓફર પણ તદ્દન અયોગ્ય છે. બેન્કને તમારી કંપની અને તેના મેનેજમેન્ટમાં કોઈ રસ નથી. તમારા કર્મચારીઓનો પગાર અને બાકી રકમો આપવી તે તમારી જવાબદારી છે તેમાં બેન્કને કોઈ લેવાદેવા નથી.

;