કાવ્યાનુભૂતિ - Sandesh

કાવ્યાનુભૂતિ

 | 2:37 am IST

ગઝલ 

ગેહરી જરા અસરમાં કોઈ

એવી ચીજ ક્યાં

કે જોયેલી નજરમાં કોઈ એવી ચીજ ક્યાં

કોઈ શજર કે ટીલો કોઈ મોડ સાદ દે,

સૂની શી રહગુજરમાં કોઈ

એવી ચીજ ક્યાં

કોઈ પડાવ કાફલાનો ને ચહલપહલ,

ભૂલું નહીં સફરમાં કોઈ એવી ચીજ ક્યાં

ઘટના સમી ગણી લઉં અફવાઓને કોઈ,

કે ઊડતી શી ખબરમાં કોઈ

એવી ચીજ ક્યાં

જેને મુકાબલે ન કોઈ ઝાંય નીકળે,

કે રંગથી ઉપરમાં કોઈ એવી ચીજ ક્યાં

આખું શરીર જાણે કે કોઈ ખલિશ ખલિશ,

કે સ્પર્શની અધરમાં કોઈ એવી ચીજ ક્યાં

પાછો વળે ફરીને સમય વીતેલો ‘અસર’

વર્ષો પુરાણી ઘરમાં કોઈ

એવી ચીજ ક્યાં

  • મુકેશ અઘેરા ‘અસર’  (નવા થોરાળા, રાજકોટ)

તસવીર જોઈને 

ભૂલી ગયો’તો હું તમને,

યાદ આવી તમારી તસવીર જોઈને.

તરવરવા લાગ્યાં સપનાં મારાં,

થયાં તાજાં સ્મરણો તસવીર જોઈને.

એ બાગની હરિયાળીમાં બેસીને,

કરેલી વાતો યાદ આવી બધી,

મનમાં વિલાપ થયો ઘણો,

આંખે આંસુ સર્યાં-તસવીર જોઈને.

થઈ રહ્યો’તો બળીને ભસ્મ હું,

તમારા વિરહ કેરી આગમાં,

વિરહની વેદના ગઈ ભુલાઈ,

હૈયે મળી હૂંફ તસવીર જોઈને…

તમારી યાદમાં દિલડું રાત’દી રડતું,

હૈયું મારું આકુળવ્યાકુળ થાતું,

મનડું મારું વિચારોમાં ડૂબી જાતું,

દલડું થયું શાંત, તસવીર જોઈને…

  • અંબાલાલ પટેલ  (નારોલ)  અમદાવાદ)

સમજાતું નથી કે… 

રહીરહીને વરસે છે મેઘ,

સમજાતું નથી કે શું થવા આયું છે?

ક્યારેક શીત લહેર તો ક્યારેક મેઘ મહેર,

સમજાતું નથી કે શીદને આવું થાય છે.

રહીરહીને વરસે છે મેઘ,

સમજાતું નથી કે સ્વેટર પહેરું કે છત્રી ઓઢું.

રહીરહીને ચમકે છે વીજ,

સમજાતું નથી લાઈટ આયું કે ગયું તે.

થોભીથોભીને આવે છે મેઘની સવારી,

માળું સમજાતું નથી ઉનાળો ગયો કે ચોમાસું બેઠું.

રહીરહીને વરસે છે મેઘ,

સમજાતું નથી રેઈનકોટ પહેરું કે શાલ ઓઢું.

અનાયાસે કો’કને પુછાઈ ગયું દોસ્ત!

મળ્યો પ્રત્યુત્તર સ્વીકારી લો ઈશ્વરની દેન,

એ જ તો ઈશ્વર હોવાની ગવાહી છે.

રહીરહીને વરસે છે મેઘ,

શું ખબર શું થવા બેઠું છે?

ચાલો મિત્રો, ઓઢો છત્રી પહેરો સ્વેટર,

નીકળો મારવા લટાર ક્યાંક પાદરમાં.

  • અજય ચૌધરી  (વ્યારા (તાપી)

આ છે ‘મા’….! 

આજના કવિઓએ દાટી દીધી છે,

પ્રશંસા પુષ્પોના ઢગલા વચ્ચે.

સહી અન્યાય, અપમાન

નિજ સંતાનોનું,

‘ખમ્મા મારા લાલ’ કહી

જીવે સંતોષથી.

પુત્ર કુપુત્ર થાય, માતા કુમાતા નહીં,

એ ગૌરવનો નશો લઈ ફરતી તું.

સંતાનનું કલ્યાણ કરી કર્તવ્ય બજાવે,

ઋષિઓ મુખે તું પવિત્રતાથી વખણાઈ

શૈશવે બાપ, યુવાનીમાં પતિ સાચવે.

વૃદ્ધાવસ્થાએ સંતાનની તું ઓશિયાળ

ઝૂંપડી કે મહેલમાં તું સમાતી રહી,

અંદર જલતી સ્નેહની પૂતળી છે તું.

સુમન! પોતાના સંબંધોનો જુલમ સહી,

થઈ છે ઊજળી, ચકચકિત સુવર્ણસમી.

  • સુમન ઓઝા (ખેરાલુ )

મ્હારા હૃદયની વ્યથા 

બીજું કોણ સમજશે?

તું તો પરદેશમાં

બેઠી છો.

પરદેશમાં પણ તું

યાદ કરતી હોઈશ.

આપણે ભલે

એકબીજાના ન

બની શક્યા.

હૃદય તો આપણું જ છે.

તેથી અવારનવાર

યાદ તારી આવે છે.

યાદ તો આવે છે.

તારું દર્શન થતું નથી.

આ જ છે

મારા હૃદયની વ્યથા

કદાચ આવતે જન્મે

મળીશું!

  • મહેશ એમ.દવે (ભાવનગર )

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન