કબીરવાણી - Sandesh

કબીરવાણી

 | 1:43 am IST

મિથ્યા બાત ન જાનૈ કોઈ, યહિ બિધિ સિગરે ગયલ બિગોઈ ।

આગે દૈ દૈ સભનિ ગમાયા, માનુષ-બુધિ સપને હું નહિ પાયા ઔ।। ૨ ।।

વાક્યાર્થઃ

સમસ્ત સંસાર સ્વપ્નવત્ મિથ્યા છે. એ સાચી હકીકતને ઘણા લોકો જાણતા નથી. કોઈ વિરલા જ જાણે છે. આગળના જન્મમાં સુખ મળશે એવો બોધ આપી-આપીને બધાને સદ્વિચાર તથા વાસ્તવિક સુખ-શાંતિથી વિમુખ કરી દેવામાં આવ્યા છે. એટલે એ લોકોએ મનુષ્યને લાયક એવી બુદ્ધિ સ્વપ્ને પણ પ્રાપ્ત કરી નથી.

વિવરણઃ

મનુષ્યબુદ્ધિ તે કે જેના વડે સંસારબંધનમાંથી મુક્તિ મળે. ‘સા વિદ્યા યા વિમુક્તયે.’ મુક્તિના હેતુવાળી વિદ્યાનું સ્વરૂપ અહં બ્રહ્માસ્મિ છે. જે વડે જીવ મિથ્યાને મિથ્યા રૂપમાં અને સત્યને સત્ય સ્વરૂપમાં સમજી શકે છે. એ પ્રકારનો અપરોક્ષ અનુભવ તો કષ્ટસાધ્ય છે. પણ પરોક્ષ અનુભવ સુલભ છે. એ બેમાંથી કોઈની પણ પ્રાપ્તિ ન કરવાના કારણે મનુષ્ય પોતાના કલ્યાણકારી માર્ગમાંથી ચલિત થઈ જાય છે. જો વિચારપૂર્વક મનુષ્ય એ બુદ્ધિ પ્રાપ્ત કરી લે તો આ જન્મમાં જ એ શાશ્વત્ સુખ પ્રાપ્ત કરી ઔશકે છે.