Police Caught Step Father and His Brother in Virapur
  • Home
  • Featured
  • વીરપુરમાં કળિયુગી નરાધમ પિતા-કાકાઃ પત્ની અને બાળકોની સામે જ બે સગીર પુત્રીઓને અઢી વર્ષથી…

વીરપુરમાં કળિયુગી નરાધમ પિતા-કાકાઃ પત્ની અને બાળકોની સામે જ બે સગીર પુત્રીઓને અઢી વર્ષથી…

 | 11:00 am IST

રાજકોટના વીરપુરથી એક ઘૃણાસ્પદ કિસ્સો સામે આવ્યો છે. જેને સાંભળી તમને રૂવાડા ઉભા થઈ જશે. વીરપુરમાં પિતા અને કાકા જ બે પુત્રીઓ પર અઢી વર્ષથી દુષ્કર્મ આચરતા હતા. પત્ની અને બે સંતાનોની નજર સામે જ પિતા બંને પુત્રીઓને પીંખતા હતા. જ્યારે બંને પુત્રીઓથી આ અત્યાચાર ન સહેવાયો ત્યારે તેઓએ 181 અભયમની મદદ માગી હતી. જે બાદ આ સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો. પિતાના દુષ્કર્મને કારણે મોટી પુત્રીને ગર્ભપાત પણ કરાવવો પડ્યો હતો.

અઢી વર્ષથી પિતાની હવસનો શિકાર બનેલી દીકરી પોતાના જીવનથી કંટાળી ગઈ હતી. આખરે તેણે પિતા વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો. અને પાડોશીના ઘરે જઈ 181 પર કોલ કર્યો. અને રડતાં અવાજ માત્ર એ બોલી કે, મારા પપ્પા મારી સાથે ખરાબ કામ કરે છે. કિશોરીની આ વાત સાંભળી જ તાત્કાલિક અભયમની ટીમ કિશોરી પાસે પહોંચી ગઈ હતી. જ્યારે કિશોરીએ અભયમની ટીમને પોતાના પિતા અને કાકાની કરતૂતો અંગે જણાવ્યું તો તેઓ આ સાંભળી ચોંકી ઉઠ્યા હતા.

વીરપુર પોલીસ સ્ટેશનમાં 18 અને 16 વર્ષની સગીરાઓએ છેલ્લા અઢી વર્ષથી સાવકા પિતા સુખદેવ બળદેવ વડગામા (ઉ.વ.50) તથા કાકા મુન્ના બળદેવ વડગામા (ઉ.વ.45) દ્વારા આચરતાં કુકર્મની આપવીતિ વર્ણવી હતી. ઘટનાની વિગતમાં વાત કરીએ તો, સગીરાની માતાને 14 વર્ષ પૂર્વે તેનો પતિ છોડીને જતો રહ્યો હતો. જે બાદ તેણે ખદેવ વડગામા સાથે બીજા લગ્ન કર્યા હતા. પહેલાં પતિથી થયેલ બંને પુત્રીઓ પણ સુખદેવ સાથે રહેતી હતી. સુખદેવ સાથે લગ્ન બાદ મહિલાને એક પુત્ર અને એક પુત્રી થઈ હતી.

પણ સાવકી દીકરીઓ મોટી થતાં જ પિતાની નજર તેમની પર બગડી હતી. અઢી વર્ષ પહેલાં તેણે જબરદસ્તી મોટી પુત્રી સાથે શરીર સંબંધ બાંધ્યો હતો. પિતાનો આ અત્યાચારથી કિશોરી ડઘાઈ ગઈ હતી. પણ પછી તો આ નિત્યક્રમ બની ગયો. મોટી પુત્રીને પીંખ્યા બાદ પણ પિતાની હવસ ઓછી થઈ ન હતી. જે બાદ તેણે નાની પુત્રીને પણ પોતાની હવસનો શિકાર બનાવી. પિતા બંને સાવકી પુત્રીઓ સાથે મારપીટ કરીને તેમની સાથે શરીરસુખ માણતો હતો. અને વધારે ચોંકાવનારી વાત તો એ છે કે, પત્ની અને સગા સંતાનો જ્યારે સૂઈ જતાં ત્યારે તેમની બાજુમાં જ આ હવસખોર પિતા પુત્રીઓ પર બળાત્કાર ગુજારતો હતો. પણ ડરનાં મારે પત્ની અને બંને સગા સંતાનો ચૂપચાપ પડી રહેતા હતા.

ભાઈની આવી હરકતો જોઈ નાના ભાઈની અંદરનો પણ હવસનો કીડો જાગી ગયો હતો. જે બાદ અપરિણીત નાના ભાઈએ પણ બંને કિશોરીઓ પર દુષ્કર્મ આચર્યું હતું. પિતા અને કાકા બંને કિશોરીઓને પીંખતા હતા. પણ બંને દીકરીઓ પોતાની આ આપવીતિ કોઈને વર્ણવી શકતા ન હતા. છ મહિના પૂર્વે મોટી પુત્રી ગર્ભવતી બનતાં તેને જબરદસ્તી ગર્ભપાત પણ કરાવવો પડ્યો હતો. બંને દીકરીઓ બાથરૂમ જવા સિવાય ઘરની બહાર પણ નીકળી શકતી ન હતી.

પિતા અને કાકાએ બંને પુત્રીઓનું જીવન નર્કાગાર બનાવી દીધું હતું. પણ શનિવારની રાત્રે પિતાએ કરેલી માથાકૂટ બાદ બંને બહેનોએ નક્કી કર્યું કે, આ બહું થયું. પિતાનો હવે ભાંડાફોડ કરવો જ પડશે. જે બાદ બંને બહેનો બાથરૂમ જવાના બહાને રાત્રે ઘરની બહાર નીકળી હતી. અને પાડોશીના ઘરે પહોંચી સીધો 181ને ફોન લગાવ્યો હતો. જે બાદ અભયમની ટીમ સાથે તેઓએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

બે પુત્રીની માતા સાથે 14 વર્ષ પૂર્વે સુખદેવ વડગામાએ લગ્ન કર્યા હતા અને લગ્ન જીવન દરમિયાન સુખદેવને પણ સંતાનમાં એક પુત્ર અને એક પુત્રીની પ્રાપ્તિ થઇ હતી. પુત્રી હાલમાં 12 વર્ષની છે. સુખદેવની હેવાનિયત બહાર આવતાં પોલીસે સુખદેવની સગી પુત્રી 12 વર્ષની સગીરાની સાથે ઘટના અંગે વાતચીત કરી ત્યારે આ 12 વર્ષની સગીરાએ રડતાં રડતાં કહ્યું હતું કે, મારા પિતા મારી બંને બહેનો સાથે અમારી હાજરીમાં ખરાબ કામ કરતા હતા અને કોઇને કંઇ કહીએ નહીં તે માટે અમને પણ મારકૂટ કરતા હતા. 12 વર્ષની સગીરાની વાત સાંભળી પોલીસ અધિકારીઓ પણ સ્તબ્ધ થઇ ગયા હતા. પોતાની પાપલીલા ચાલતી રહે તે માટે પત્નીને ડર અને બાળકોને સતત ખોફમાં રાખતો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન