પોલીસ ચેકિંગ છે કહી વિસનગરના વેપારી ઉપર છરીથી હુમલો કરી અઢી લાખની લૂંટ - Sandesh
  • Home
  • Mehsana
  • પોલીસ ચેકિંગ છે કહી વિસનગરના વેપારી ઉપર છરીથી હુમલો કરી અઢી લાખની લૂંટ

પોલીસ ચેકિંગ છે કહી વિસનગરના વેપારી ઉપર છરીથી હુમલો કરી અઢી લાખની લૂંટ

 | 6:33 am IST

। મહેસાણા ।

વડનગર ખાતે પોતાની ઉઘરાણી કરીને પરત ફરી રહેલા વિસનગરના ગંજબજારના વેપારીની પોલીસ ચેકિંગના બહાને ગાડી અટકાવીને તેમની પાસેના અઢી લાખ રોકડની લૂંટ કરી ઇનોવામાં આવેલા ચાર અજાણ્ય ઇસમો નાસી છૂટતા ચકચાર મચી જવા પામી હતી.  અચાનક વેપારી પાસેથી અઢીલાખ રોકડ ભરેલી પર્સ ઝૂંટવાનો પ્રયત્ન કરતાં તેઓએ પ્રતિકાર કર્યો હતો. ત્યારે ચાર પૈકી એક ઇસમે છરી કાઢી વેપારી પર હુમલો કરીને ઇજા પહોંચાડી હતી.અત્રે ઉલ્લેખનીય છે કે કડી અને મહેસાણા ખાતે બનેલી ચીલઝડપ અને લૂંટની ઘટનાઓની હજી તપાસ ચાલુ છે ત્યાં વધુ એક લૂંટના બનાવે પોલીસને દોડતી કરી મૂકી છે.

વડનગર પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર આ કિસ્સાની મળતી વિગતો મુજબ વિસનગરના થલોટા રોડ પર આવેલી હેરિટેજ સોસાયટીમાં રહેતા યોગેન્દ્રકુમાર બાબુલાલ પટેલ વિસનગર ગંજબજારમાં પોતાની દુકાન ધરાવે છે અને નિત્યકમ મુજબ ગઈકાલે બુધવારના રોજ પોતાની કાર લઈને વડનગર પોતાની ઉઘરાણી કરવા ગયા હતા. દરમિયાન બજારમાંથી રૂપિયા અઢીલાખ રોકડની ઉઘરાણી લઈ પોતાના ઘેર પરત ફરી રહ્યા હતા. ત્યારે વડનગર હાઇવે પર વડબાર પાટિયા પાસે રાત્રિના સાડા સાત વાગ્યાના સુમારે એક નંબર પ્લેટ વિનાની ગ્રેકલરની ઇનોવા કારે તેમની ગાડીને અટકાવીને પોલીસ ચેકિંગ છેનું કહીને ચાર જેટલા અજાણ્ય ઇસમોએ તેમની કારની તલાશી લેવાની શરૂ કરી હતી.

ત્યારે અચાનક યોગેન્દ્રભાઈની પાસેથી અઢીલાખ રોકડ ભરેલી પર્સ ઝૂંટવાનો પ્રયત્ન કરતાં તેઓએ પ્રતિકાર કર્યો હતો. ત્યારે ચાર પૈકી એક ઇસમે છરી કાઢી યોગેન્દ્રભાઈ હુમલો કરીને ઇજા પહોંચાડી અઢી લાખ રોકડ ભરેલા પર્સની લૂંટ કરી નાસી છૂટયા હતા. પોલીસે આ અંગે ગુનો નોંધી અજાણ્યા લૂંટારુંઓની સીસીટીવી ફૂટેઝની મદદથી શોધખોળ આદરી છે ત્યારે જિલ્લામાં કડી, મહેસાણાની ચીલઝડપ અને હવે વડનગર ખાતે બનેલી લૂંટની ઘટનાએ પોલીસને દોડતી કરી મૂકી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

;