બુટલેગર અને સલૂન સંચાલિકાના સંબંધોને લઈ નારાજ પત્નીએ મચાવી ધમાલ

ભરૂચ ખાતે એક સલૂનમાં તોડફોડ કરનાર 6 જેટલી મહિલાઓ વિરુદ્ધ પોલીસે ફરિયાદ નોંધાવી છે. મામલામાં સલૂનના સંચાલક દ્વારા ફરિયાદ નોંધાવાઇ ન હતી. પરંતુ પોલીસે જ સરકાર તરફે ફરિયાદ નોંધાવી છે.
રવિવારના રોજ ભરૂચના દહેજ બાયપાસ પર આવેલ એક સલૂનમાં કેટલીક મહિલાઓએ આવી તોડફોડ મચાવી હતી. બનાવની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પરંતુ સલૂનના સંચાલક દ્વારા આ અંગેની કોઈ ફરિયાદ નોંધાવાઇ ન હતી. આ ઘટનામાં ભરૂચ જ નહિ પરંતુ સમગ્ર મધ્ય ગુજરાતમાં કુખ્યાત બુટલેગર નયન કાયસ્થની પત્ની દ્વારા તોડફોડ કરવામાં આવી હતી.
તોડફોડ કરી કાયદો હાથમાં લેનાર ઈસમો પર દાખલો બેસાડવા પોલીસે આ અંગેની ફરિયાદ જાતે જ નોંધાવી છે. આ ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે. જેના આધારે પોલીસે 6 જેટલી મહિલાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે સલૂનની સંચાલિકા દીપુ રાજ અને કુખ્યાત બુટલેગર નયન કાયસ્થ વચ્ચે સંબંધોને લઈને નયન કાયસ્થની પત્ની અને તેના મળતીયાઓ દ્વારા તોડફોડ કરવામાં આવી હતી. હાલ પોલીસે તમામની ધરપકડ કરવાની તજવીજ હાથ ધરી છે.