પોલીસ અધિકારી કિરણ બેદી-૨  - Sandesh

પોલીસ અધિકારી કિરણ બેદી-૨ 

 | 2:41 am IST

એક સે બઢકર એક :- સંગીતા અગ્રવાલ

વર્ષ ૧૯૭૦થી ૧૯૭૨ સુધી કિરણે ખાલસા કોલેજ ફોર વુમન, અમૃતસરમાં રાજનીતિશાસ્ત્રના પ્રોફેસર તરીકે કામ કર્યું. જ્યારે ૧૯૭૨માં તેમનું સિલેક્શન ભારતીય પોલીસ સેવામાં થઇ ગયું. આ માટે તાલીમ લેવા તેઓ માઉન્ટ આબુમાં આવેલી નેશનલ પોલીસ એકેડેમીમાં ચાલ્યાં ગયાં. જ્યારે પતિ સાથેના સંબંધની વાત કરીએ તો બંનેએ એક વાત અનુભવી કે બંનેમાંથી કોઇપણ પોતાના કામ સાથે અંગત સંબંધોને લઇને કોમ્પ્રોમાઇઝ કરી શકે તેમ નથી તેથી આંતરિક રૂપે સાથે હોવા છતાં બંનેએ પોતાનું જીવન સ્વતંત્રતા સાથે અલગઅલગ જીવવાનો નિર્ણય લીધો. કિરણનાં સાસુએ મૃત્યુ સુધી તેમને પૂરતી આઝાદી અને સ્નેહ આપ્યાં. તેમના મૃત્યુ બાદ તેમનાં ચશ્માં કિરણ પોતાની સાથે લઇ આવ્યાં, જેથી જ્યારે પણ સાસુમાની યાદ આવે ત્યારે તેઓ તેને જોઇ શકે. એટલું જ નહીં તે આ ચશ્માં જોઇને સાસુના સ્નેહને અનુભવતાં હતાં.

એક મહિલા પોલીસ અધિકારી હોવાને કારણે કિરણને દરરોજ એક નવા જ સંઘર્ષનો સામનો કરવો પડતો હતો. અમુક ઘટનાએ તો તેમને પોલીસ અધિકારી હોવાના નાતે વારંવાર પારખ્યા પણ તેઓ આ દરેક સમસ્યામાં નીડરપણે ઊભા રહીને વિપરીત પરિસ્થિતિનો નીડરપણે સામનો કરતાં રહ્યાં. કિરણ પોતાના એક અનુભવને વાગોળતા કહે છે કે દિલ્હીમાં અમુક નેતા મુસ્લિમ વિસ્તારમાંથી જુલૂસ કાઢવા માંગતા હતા અને હું તે સમયે વિચારતી હતી કે આમ થશે તો તોફાન થશે જ, કારણ વગર મુશ્કેલીઓ ઊભી થશે. સ્થિતિ બેકાબૂ બની શકે અને જરૂર પડતાં પોલીસબળનો પ્રયોગ પણ કરવો પડે. તે ક્ષણ મારા માટે ઘણી જ વિષમ હતી. આ જટિલ સમસ્યાનો ઉપાય કિરણે ખૂબ જ સારી રીતે શોધી કાઢયો હતો જેથી કોઇ તકલીફ ન સર્જાય. તેમના આ ગુણોએ જ મધર ટેરેસાને પણ તેમનાથી પ્રભાવિત કરી દીધાં હતાં. કિરણ સત્યને સાથ આપવામાં માને છે. તેઓ જ્યારે તિહાર જેલમાં હતાં ત્યારે મધર ટેરેસાએ તેમને મળવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. તે તેમની ઇચ્છાનું માન રાખી તેમના આશ્રમ મળવા પહોંચી ગયાં હતાં. અહીં મધર તેમની સાથે વાતચીત કરતાં કરતાં બેથી ત્રણવાર તેમને વળગી પડયાં હતાં. આ અનુભવ કિરણ માટે તદ્દન અલગ અને ગૌરવશાળી હતો.

કિરણને તેના કાર્યક્ષેત્રમાં અનેકવાર અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. અમુક સમય તે પોતાના પરિવારના સદસ્યો ઉપર આવેલા સંકટમાં તેમની સાથે રહેવાની ઇચ્છા પણ રાખતાં હતાં. ૧૯૮૨માં દિલ્હીમાં આયોજિત એશિયન ગેમ્સમાં શ્રેષ્ઠ પોલીસ બંદોબસ્ત તેમણે તત્કાળ ડી.સી.પી. પોલીસ તરીકે કર્યો હતો. આ શ્રેષ્ઠ આયોજન બાદ તેમનું માનપાન બમણું થઇ ગયું હતું. એશિયન ગેમ્સ સમાપ્ત થયા બાદ તેમની બદલી ગોવામાં કરી દેવામાં આવી. ગોવામાં પોતાની ડયૂટી જોઇન કરવા કિરણે પોતાની સાત વર્ષની દીકરી સુકૃતિને બીમાર હાલતમાં મૂકીને જવું પડયું હતું. તે સમયે પહેલી વાર કિરણને લાગ્યું કે તે પોતાનું હ્ય્દય અને આત્મા બંને ઘરે મૂકીને જઇ રહ્યાં છે. ૧૯૯૦ અને ૯૨ દરમિયાન તે મિઝોરમમાં ડીઆઇજીના પદ ઉપર કાર્યરત હતાં, તે સમયે તેમના પિતાની તબિયત લથડતાં તે ઘણાં જ વિચલિત થઇ ગયાં હતાં. આ વિકટ સ્થિતિમાં મિઝોરમના તત્કાલીન રાજ્યપાલ સ્વરાજ કૌશલે તેમની મદદ કરી કે જેથી તેમના પિતાનો દિલ્હીના અખિલ ભારતીય આયુર્વિજ્ઞાાન સંસ્થામાં સારી રીતે ઇલાજ થઇ ગયો. આ સંકટની સ્થિતિમાં મદદમાં આવવા માટે જ આજે કિરણ સ્વરાજ કૌશલને પોતાના ભાઇ માને છે અને તેમનો ખૂબ આદર કરે છે.

પરિસ્થિતિનો ડર્યા વગર અડગ રહીને મક્કમપણે સામનો કરનારાં કિરણ બેદીનું નામ નવીન રીત શોધીને નવા ઉકેલો મેળવતી મહિલા પોલીસકર્મી તરીકે લેવામાં આવે છે અને કિરણ આ સન્માનને લાયક પણ છે.

[email protected]

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન