Police Raid on Krishna water Park at Rajkot Highway
  • Home
  • Featured
  • રાજકોટ: ક્રિષ્ના વોટરપાર્કમાં દારૂની મહેફીલ માણતા 45થી વધુ પોલીસવાળા રંગે હાથે ઝડપાયા

રાજકોટ: ક્રિષ્ના વોટરપાર્કમાં દારૂની મહેફીલ માણતા 45થી વધુ પોલીસવાળા રંગે હાથે ઝડપાયા

 | 6:30 am IST

રાજકોટ અમદાવાદ હાઈવે પર આવેલા ક્રિષ્ના વોટર પાર્કમાં એસઓજીના નિવૃત થઈ રહેલા અધિકારીએ આપેલી મહેફીલ પર પોલીસે દરોડો પાડવામાં આવતા ચકચાર મચી ગઈ છે. પોલીસે ક્રિષ્ના વોટર પાર્કમાં હાજર રહેલા તમામ અધિકારીઓની પૂછપરછ હાથ ધરી છે. વોટરપાર્કના તમામ દરવાજા બંધ કરી દેવાયા છે.

રાજકોટ એસઓજીમાં ફરજ બજાવતા રાજભા વાઘેલા નિવૃત થતા તેણે અધિકારીઓ માટે રાજકોટ અમદાવાદ હાઈવે પર આવેલા ક્રિષ્ના વોટરપાર્કમાં એક મહેફીલનું આયોજન કર્યું હતું. આ પાર્ટીમાં ડીવાયએસપી, પીઆઈ અને પીએસઆઈ કક્ષાના અધિકારીઓ તેમજ નાના મોટા કર્મચારી મળીને 45 કરતા પણ વધારે કર્મચારીઓ જોડાયા હતાં.

આ પાર્ટીમાં દારૂ પીરસવામાં આવતો હોવાની બાતમીના આધારે એસીપી ટંડેલની સૂચનાથી પોલીસે દરોડો પાડયો હતો. પોલીસના દરોડાથી થોડીવાર માટે ક્રિષ્ના વોટરપાર્કમાં અફડા તફડીનો માહોલ જોવા મળ્યો હતો. દરોડામાં પાર્ટીમાં હાજર તમામ અધિકારીઓની પૂછપરછ હાથ ધરી હતી. હાલ પોલીસ દ્વારા વોટર પાર્કના તમામ દરવાજાઓ બંધ કરી દેવામાં આવ્યાં છે. પોલીસે પાર્ટીમાં તમામ હાજર રહેલા લોકોની બારણા પાછળ પૂછપરછ હાથ ધરી છે.

ક્યાંથી લાવવામાં આવ્યો દારૂ ?

એક તરફ ગુજરાતમાં દારૂબંધી છે ત્યારે છાશવારે મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો પકડાઈ રહ્યો છે. ક્રિષ્ના વોટર પાર્કમાં ચાલી રહેલી પોલીસની દારૂ પાર્ટી પર પોલીસે જ દરોડો પાડી કાર્યવાહી કરી છે. ત્યારે પાર્ટીમાં દારૂ અને બિયરનો જથ્થો કોના પાસેથી અને કેટલો લાવવામાં આવ્યો તે પણ પ્રશ્ન જન્માવે છે.

શું ખાખીને દારૂબંધીનો કાયદો લાગુ ના પડે ?

ગુજરાતમાં દારૂબંધી છે ત્યારે અનેક વખત પોલીસ દ્વારા દારૂના ધંધાર્થીઓ તેમજ દારૂના જથ્થાને પુરતા પ્રોટેકશનો સાથે જથ્થો પહોંચાડવામાં આવતો હોવાના બનાવો પ્રકાશમાં આવી ચુક્યાં છે. પણ જ્યારે સામાન્ય માણસો પર દારૂબંધીનો કાયદો લાગુ પડે છે ત્યારે શું ખાખી વર્દી ધરાવનારા પોલીસ કર્મીઓ ઉપર આ કાયદો લાગુ ના પડે તેવી સ્થિતિ હાલ જોવા મળી રહી છે.

ભીનુ સંકેલાશે કે પછી લેવાશે કાયદાકીય પગલા ?

રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં વારંવાર દારૂ પર દરોડા પાડવામાં આવી રહ્યાં છે. ત્યારે પોલીસ દ્વારા જ આ દારૂની પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હોય તેમાં પણ પોલીસે દરોડા પાડતા અનેક પ્રકારની ચર્ચાઓએ જોર પકડયું છે. હાલ તો દારૂની મહેફીલ માણનારા પણ પોલીસ હોય અને દરોડા પાડવામાં પણ પોલીસ હોય ત્યારે આ પ્રકરણમાં ભીનુ સંકેલાશે કે પછી આ પ્રકરણમાં સંડોવાયેલા અધિકારી અને કર્મચારીઓ પર કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે તે પ્રશ્ન ચર્ચાનો વિષય બન્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન