રાજકોટમાં રીક્ષાચાલકે 24 કલાકમાં ખેલ્યો ખૂની ખેલ, વૃદ્ધા હત્યારો જ નીકળ્યો બાળકીનો બળાત્કારી - Sandesh
  • Home
  • Gujarat
  • રાજકોટમાં રીક્ષાચાલકે 24 કલાકમાં ખેલ્યો ખૂની ખેલ, વૃદ્ધા હત્યારો જ નીકળ્યો બાળકીનો બળાત્કારી

રાજકોટમાં રીક્ષાચાલકે 24 કલાકમાં ખેલ્યો ખૂની ખેલ, વૃદ્ધા હત્યારો જ નીકળ્યો બાળકીનો બળાત્કારી

 | 9:11 am IST

રાજકોટ શહેર પોલીસ તેમજ વાલીઓની ઉંઘ હરામ કરી દેનાર ત્રણ વર્ષની શ્રમિક પરિવારની માસુમ બાળકીનું અપહરણ, દુષ્કર્મ આચરી હત્યા કરાયાના અતિ ધૃણાસ્પદ બનાવમાં છેલ્લા 48 કલાકથી દોડધામ કરનાર પોલીસને અંતે ગંભીર ગુનાનો ભેદ ઉકેલવામાં સફળતા મળી છે. બે દિવસ પહેલા રિક્ષામાં વૃધ્ધાને પેસેન્જર તરીકે બેસાડી હત્યા કરી લૂંટ ચલાવનાર લૂંટારો, હત્યારો રમેશ બચુ વૈઢુકીયા (ઉ.વ.૩૫) નામનો કોળી શખસ જ બાળકી પર બળાત્કાર કરી હત્યા નિપજાવનાર નરાધમ હોવાનું સ્પષ્ટ થતાં આજે મોડી સાંજે આરોપીની ધરપકડ કરાઈ હતી. વૃધ્ધા અને બાળકી બંનેની હત્યા પથ્થર ઝીંકીને જ કરી હોવાથી શહેરમાં સ્ટોન કિલર-૨ પાક્યો અને તાત્કાલીક પકડાઈ પણ જતાં ફફડી ઉઠેલા શહેરીજનોએ હાશકારો અનુભવ્યો હતો. રાક્ષસી કૃત્ય આચરનાર શખસ પકડાઈ ગયો હોવાના સમાચારના પગલે મહિલા, પુરૃષ વિસ્તારવાસીઓનું ટોળુ પોલીસમથકે ધસી આવ્યું હતું અને આ નરાધમને પતાવી જ દો સાથે ભારે હોહા
મચાવતાં થોડીક્ષણો વાતાવરણ તંગ થઈ ગયું હતું.

રાજકોટમાં દોઢ વર્ષ અગાઉ હિતેષ રામાવત નામના ગે સ્ટોન કિલરે પથ્થર ઝીંકી હત્યા પર હત્યા કરી હાહાકાર મચાવ્યો હતો. હાલ જેલ હવાલે છે. એ જ સ્ટાઈલથી રમેશ બચુ કોળીએ પણ સ્ટોન કિલીંગનો સિલસિલો આરંભ્યો હતો. બંને સેતાન, હેવાન હવસ બુઝાવવા જ હત્યા કરતા હતા. સમગ્ર બનાવ અંગે ડીસીપી કરણરાજ વાઘેલાએ આપેલી વિગતો મુજબ સેતાની દિમાગ ધરાવતા રિક્ષાચાલક રમેશ કોળીએ તા.7 રોજ આંખે ઓછુ દેખતાં કૃષ્ણપરા વિસ્તારના પેસેન્જર વૃધ્ધા અસ્માબેન હાતીમભાઈ સાદિકોટ (ઉ.વ.૭૦)ને રાજકોટની બહાર અમદાવાદ હાઈવે પર લઈ જઈ સોખડા ગામ નજીક હત્યા કરી ઘરેણા લૂંટી લીધા હતા અને ફરી મોડી સાંજે ચુનારાવાડ, કુબલીયાપરા વિસ્તારમાં રખડયો હતો અને રાત્રે ત્યાં નજીકમાં ચુનારાવાડ પુલના ફુટપાથ પર જ સૂઈ ગયો હતો.

બીજા દિવસ તા.૮ના રોજ શુક્રવારે બપોરે સાડા અગિયાર વાગ્યાના અરસામાં ચુનારાવાડ ચોક નજીક જ બાંધકામ સાઈટ પર કામ કરી રહેલા શ્રમિક આદિવાસી દંપતીની ત્રણ વર્ષની પુત્રી દિવ્યા દિનેશભાઈ ભાભોરનું અપહરણ કરી રિક્ષામાં લઈ પી.ટી.સી.ના ખંઢેર ક્વાર્ટરમાં લઈ ગયો હતો. ત્યાં નરાધમે બાળકી પર દોઢ કલાકના ગાળામાં બે વખત દુષ્કર્મ આચર્યુ હતું અને બાદ બાળકીની પથ્થરના ઘા ઝીંકી હત્યા કરી હતી. ક્રાઈમ બ્રાન્ચના ફોજદાર કે.કે.જાડેજા અને ટીમે સી.સી.ટીવીના ફુટેજના ફોટોમાં વૃધ્ધાની હત્યા કરનાર રમેશ જ હોવાનું સ્પષ્ટ થતાં ચાર દિવસના રિમાન્ડ પર રહેલા રમેશની ત્રણેય એ.સી.પી.હર્ષદ મહેતા, એચ.જે. સરવૈયા, બી.બી.રાઠોડના માર્ગદર્શન હેઠળ કડક પૂછપરછ હાથ ધરતા રાક્ષસી ક્રુરતાધારી રમેશે જધન્ય કૃત્યની કેફિયત આપી હતી.

સાંયોગિક પુરાવાઓ માટે તજવીજ
આરોપી સામે દ્વારા પોસ્કો, હત્યા અને એસ્ટ્રોસિટી સહિતની કલમનો ઉમેરો કરવા થોરાળા પોલીસ દ્વારા કાર્યવાહી કરાઈ છે. કુવાડવા પોલીસના ગુનામાં કાલે રિમાન્ડ પુર્ણ થતા બાળકીની હત્યા, દુષ્કર્મ કેસમાં કબજો મેળવાશે. બાળકીના ગુપ્તભાગ પરથી વીર્યના ડાઘ મળ્યા હોવાથી નરાધમના વીર્યના સેમ્પલ, મેડિકલ ચેકઅપ આરોપીએ હત્યા સમયે પહેરેલા કપડામાં લોહીના ડાઘ, બાળકીના લોહીના નમુના સહિતના સાંયોગિક પુરાવાઓ એકત્રિત કરી આરોપી સામે કાનુની ગાળીયો મજબુત બનાવાશે.

‘છોકરૃં કાંખમાં અને ગોત ગામમાં’ નરાધમ તો પોલીસ કસ્ટડીમાં જ હતો
શહેર અને પોલીસ બંને માટે કલંક તથા પડકારરૃપ ઘટના ભેદવા માટે પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત દ્વારા પ્રથમ દિવસે જ આઠ ટીમો બનાવાઈ હતી. 48 કલાક સુધી ક્રાઈમ બ્રાન્ચ, એસઓજી, થોરાળા, આજીડેમ, ભક્તિનગર, બી ડિવીઝન, કુવાડવાના પી.આઈ., સ્ટાફ તેમજ રિક્રુટ (ટ્રેનીગમાં રહેલા) જવાનોને પણ મેદાને ઉતારાયા હતા. અંદાજે 5૦૦થી વધુ પોલીસે ગંજીવાડા, કુબલ્યાપરા, રાજમોતી મીલ પાછળનો એરિયા જ્યાંથી લાશ મળી તે આસપાસના વિસ્તારને શકમંદના ફોટા સાથે ફીંદી નાખ્યા હતા. પરંતુ જેને શોધવા રાત ઉજાગરા
કર્યા, ચા, બિસ્કીટે ચલાવ્યું તે તો કુવાડવા પોલીસ કસ્ટડીમાં જ નીકળતાં ‘છોકરૃ કાંખમાં ને ગોત ચાલી ગામમાં’ જેવો ઘાટ થયો હતો.