પોલિટિકલ ફ્રેન્ડશિપ ડે એટલે મૈત્રીનું રિડેવલપમેન્ટ!  - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Columnist
  • પોલિટિકલ ફ્રેન્ડશિપ ડે એટલે મૈત્રીનું રિડેવલપમેન્ટ! 

પોલિટિકલ ફ્રેન્ડશિપ ડે એટલે મૈત્રીનું રિડેવલપમેન્ટ! 

 | 2:57 am IST
  • Share

રોંગ નંબર : હર્ષદ પંડયા ‘શબ્દપ્રીત’

આપણે ત્યાં જે સંબંધ જીવનપર્યંતનો મનાય છે એને, પશ્ચિમના દેશોએ વન-ડે મેચ જેવો એક દિવસીય બનાવી દીધો. માતૃપ્રેમ કે પિતૃપ્રેમ લાઇફટાઇમ હોય એ કાંઈ મર્યાદિત સત્ર કે સપ્તાહ પૂરતો લિમિટેડ ન હોય પણ ધોળું એટલું દૂધ સમજવાના શોખમાં આપણે ધોળિયા એટલા શ્રેષ્ઠ એવું માનવા લાગ્યા. પરિણામ એ આવ્યું કે આપણે પણ હવે ફાધર્સ ડે, મધર્સ ડે કે ફ્રેન્ડશિપ ડે ઊજવીને જેના પ્રત્યે જેનો જેવો અને જેટલો પ્રેમ હોય એ એક દા’ડામાં જ ઠાલવીને પૂરો કરી નાખીએ છીએ. સંબંધને નહીં, સંબંધીને!

પશ્ચિમના દેશોની એક ખાસિયત છે કે પહેલાં બધું ભૂંસી નાખો, અને પછી, જે ભૂંસી નાખ્યું છે એને એક દિવસ પૂરતું ઘૂંટવા માટે એક અલગ દિવસ ફાળવી દો. આમ કરવાથી બધું બલ્કમાં યાદ રાખવું નહીં, અને તેમ છતાં એ બધું ગ્રેજ્યુઅલી, ક્રમશઃ કે રિટેઇલમાં ટુકડે ટુકડે યાદ રાખવું સરળ રહે! ફાટીને ડૂચો થઈ ગયેલા કે પછી સાવ ચીંથરેહાલ થઈ ગયેલા પારિવારિક પ્રેમના ચિત્રને સાંધવા કે રિનોવેટ કરવા એક દિવસ અલાયદો ફાળવી દો – આ રીતે દોસ્તો, પેરન્ટસ ડે, વુમન ડે, મધર્સ ડે, ફાધર્સ ડે અને ફ્રેન્ડશિપ ડે જેવા વિવિધ ‘ડે’નું નિર્માણ થયું. આમેય કશાકનું સર્જન કરવું હોય તો સૌથી પહેલાં એનું વિસર્જન કરવું પડે. કશાકનો અસ્ત કર્યા પછી જ કશાકનો ઉદય થાય. આને કહેવાય સંબંધોનું રિડેવલપમેન્ટ! પેરન્ટસ ડે એટલે માતા-પિતા અને સંતાનો વચ્ચેના સંબંધનું આઇધર રિનોવેશન ઓર રિડેવલપમેન્ટ! એ જ રીતે દર વર્ષે ઓગસ્ટનો પહેલો રવિવાર, ‘ફ્રેન્ડશિપ ડે’ તરીકે ઊજવીને ગઈકાલની મૈત્રીને આવતીકાલ માટે સાચવી રાખવાનો આજનો દિવસ! ‘આજ’ એ ગઈકાલ અને આવતીકાલ વચ્ચેનો એક બ્રિજ છે, એક પુલ છે. આજ જ્યારે ‘ગઈકાલ’ બની જશે ત્યારે ફરી એકવાર ‘આવતીકાલ’ આજ બનીને આવશે. આ સત્યને રાજકારણીઓ બરાબર સમજે છે અને એટલે જ મોટાભાગના સેવકો પોતાની આજને મજબૂત કરવા આવતીકાલને શણગારતા રહે છે!

જે જે નેતાઓએ ૨૦૦૯માં એકબીજાના પગે પડી અને તક મળે એકબીજાનાં ગળે પડી એકબીજાના હાથે ફ્રેન્ડશિપ બેલ્ટ બાંધ્યો હતો એ નેતાઓ આજે ૨૦૧૯માં એકબીજાને ઓળખવાનો ય ઈનકાર કરી દે તો નવાઈ નહીં! જોકે એમાં કશું નવુંય નથી. એ લોકો સમજે છે કે બાર કલાકની ‘આજ’ જો તેરમા કલાકે બદલાઈ જઈને ચોવીસમાં કલાકે ‘ગઈકાલ’માં ફેરવાઈ જતી હોય તો દસ વર્ષના સમયગાળામાં તો કેટકેટલું અને કેટકેટલાં ફરી જતાં હોય છે. કેટલાક નેતાઓ રાજકારણી હોવા છતાં ખરેખર જ્ઞાની હોય છે. એક આ જ એવું ક્ષેત્ર છે જ્યાં ભણેલા કે શિક્ષિત હોવું જરૂરી કે ફરજિયાત નથી, જ્ઞાની હોવું જરૂરી છે. કદાચ એટલે જ ભણેલાને નથી હોતું એટલું ‘વ્યવહારિક’ જ્ઞાન આવા જ્ઞાનીઓને હોય છે.

રાજનેતા અને રાજકારણીમાં ફરક છે. એક રાજકારણી કોઈ બીજા રાજકારણીનો કાયમી દોસ્ત કે કાયમી શત્રુ નથી હોતો એવો એ જાહેરમાં જોરશોરથી માત્ર પ્રચાર જ નથી કરતો, આચાર પણ કરે છે. તો બીજી બાજુ રાજનેતા જેને પોતાનો શત્રુ કે દોસ્ત માને છે એનો, એ શત્રુને કે એ દોસ્તને સહેજપણ અણસાર આવવા દેતો નથી. હસતાં હસતાં શત્રુતા પણ નિભાવે છે અને ગંભીર ચહેરે દોસ્તી પણ નિભાવે છે. રાજનેતા અને રાજકારણમાં આવો ફરક કેમ છે? એના સંદર્ભમાં પશ્ચિમના એક લેખક H. L. Menchenનું વિધાન યાદ આવે છે. એ કહે છે : ન્યુરોલોજી પ્રમાણે આપણા મગજના બે હિસ્સા હોય છે. (૧) સેરેબ્રલ કોર્ટેક્સ (Cerebral cortex) એટલે કે વિવેકશીલ મગજ અને (૨) લિમ્બિક સિસ્ટમ એટલે કે ભાવનાશીલ મગજ. રાજનેતા વિવેકશીલ મગજનો હોય છે, અને રાજકારણી ભાવનાશીલ દિમાગનો! જોકે રાજકારણી અને ભાવનાશીલ – આ બંને વધતો વ્યાઘાત છે. એકબીજાનાં વિરોધી છે. પણ ફ્રેન્ડશિપ ડે પૂરતી એમાં થોડી રાહત આપવામાં આવે છે. ફ્રેન્ડશિપ ડે પૂરતો રાજકારણી ભાવનાશીલ દિમાગ ધરાવી લેતો હોય છે.

અમેરિકાના પ્રેસિડેન્ટ ટ્રમ્પે અને રશિયાના પુટિને એકબીજાનાં મોઢામાં કેકનો ટૂકડો મૂકીને ફ્રેન્ડશિપ ડે ઊજવવો જોઈએ એવું આપણા ન્યૂ ચાણક્યનું સૂચન છે. જો આમ થાય, તો ભલે ને એક દિવસ પૂરતું તો એક દિવસ પૂરતું દુનિયાને કેટલું સારું લાગે! આમાંથી પ્રેરણા લઈને પછી ઈરાન પણ ટ્રમ્પ પાસે દોડતું દોડતું આવે, ઉ. કોરિયા પણ તાજા તાજા વાળ કપાવીને ટ્રમ્પ પાસે દોડી આવે, જાપાનના શિંજો આબે પણ બૂલેટ સ્પીડે ટ્રમ્પ પાસે આવે અને ચીન પણ દોડતું દોડતું આવે. આ બધાને પોતાની પાસે – ફ્રેન્ડશિપ ડે બંધાવવા, સામેથી એટલે કે ઉપર પડતા આવેલા જોઈને ટ્રમ્પ વધારે બિહામણાં લાગવા માંડશે, મતલબ કે વધારે હસતા થઈ જશે. ગઈકાલના ફુલણજી કાગડાની જેમ એ મનોમન ફુલાશે કે જોયું, દુનિયાના આ નેતાઓને મારી ફ્રેન્ડશિપ માટે મારી પાસે આવવું પડયું ને! ખુદની જ આત્મપ્રશંસાના વિચારે ટ્રમ્પના ચહેરા પર ક્ષણે ક્ષણે બદલાતી રેખાઓ જોઈને એમનાં બેટરહાફ એમને પૂછે પણ ખરાં કે, ”ટ્રમ્પ ડાર્લિંગ, યુ આર ધ ગ્રેટ! દુનિયાના તમામ નેતાઓએે તારી પાસે ફ્રેન્ડશિપ બેલ્ટ બંધાવવા હરખપદુડા થઈને કેવા આવી ગયા, પણ…ભારતના નેતા આવ્યા નહીં…” વાઇફની વાત સાંભળીને ટ્રમ્પે સહેજ ગંભીરતાથી કહ્યું, ”ત્યાં તો આપણે જવું પડે ગાંડી, પેલી કહેવત યાદ છે તને, કે પૂજે જનો સૌ ઊગતા રવિને! ભારત હવે આવતીકાલની મહાસત્તાનો ઊગતો સૂરજ છે. બીજો કોઈ દેશ ત્યાં ફ્રેન્ડશિપ બેલ્ટ બંધાવવા પહોંચે એ પહેલાં આપણે જ પહોંચી જઈએ. પહેલો ઘા રાણાનો!”

હવે આપણા દેશના રાજકારણીઓ ફ્રેન્ડશિપ ઊજવે તો કેવી રીતે ઉજવે! જુઓ એની ઝલક :

સમાજવાદી પાર્ટીના અખિલેશ યાદવ અને યુ.પી.ના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ બંને જણા એકબીજાના હાથે ફ્રેન્ડશિપ બેલ્ટ બાંધે છે ત્યારે અખિલેશની નજર યોગીના ભગવાં વસ્ત્રો પર પડે છે અને યોગીની નજર અખિલેશની લાલ રંગની ટોપી પર પડે છે. અખિલેશના હાથે બેલ્ટ બાંધતાં બાંધતા યોગી મનોમન ગાય છે : – યે લાલ રંગ કબ મુઝે છોડેગા… તો પેલી બાજુ અખિલેશ પણ યોગીને બેલ્ટ બાંધતા બાંધતાં ગાવાનું શરૂ કરી દે છે : – ચલ સંન્યાસી… મંદિરમેં…

મધ્ય પ્રદેશના સી.એમ. કમલનાથ, શિવરાજસિંહને એવું કહેતાં કહેતાં ફ્રેન્ડશિપ બેલ્ટ બાંધતા હશે કે જુઓ ભ’ઈ શિવરાજ, હું ભલે કોંગ્રેસનો રહ્યો, પણ મારું નામ તમારું પાર્ટી ચિહ્ન છે ને! સી.એમ. તરીકે મને પાંચ વરસ પૂરાં કરવા દેજો. તમે અને તમારી પાર્ટી ભલે મને એમ.પી.નો નાથ ન માનો, પણ ‘કમલ’ છું એ તો માનશોને? મારી નહીં તો કમસેકમ મારા નામની પણ આબરૂ જાળવી લેજો. આટલું સાંભળીને શિવરાજસિંહે પોલિટિકલ સ્માઇલ કરી કમલનાથના હાથ પર બેલ્ટ બાંધતાં કહેશે, ”કમલનાથજી, વૈસે ભી ફૂલ તો દેવી-દેવતા કે ચરણોમેં હી રખા જાતા હૈ ન! ફિર ચાહે કોઈ ભી ફૂલ હો… ગુલાબ કા હો યા… કમલકા! ઔર અબ તો સાવનકા મહિના ભી આ ગયા હૈ… દેખતે હૈ હમારે ભોલે શિવજી ક્યા કરતે હૈ! બહરહાલ તો બેલ્ટ બંધવા લિજીએ!”

રાજસ્થાનના સી.એમ. અશોક ગેહલોત, અશોક વાટિકામાં બેઠા હોય એમ બેઠા’તા ત્યાં જ, વસુંધરાજી હાથમાં ફ્રેન્ડશિપ બેલ્ટ લઈને હસતાં હસતાં આવ્યાં. ”અશોકભાઈ, અબ કી બાર રાખી બાંધને કે લિયે તો મૈં આઉંગી હી… ફિલહાલ, યે ફ્રેન્ડશિપ બેલ્ટ બંધવા લીજીએ, તાકિ આપકે દિમાગસે યે ગલતફહેમી નિકલ જાયેં કિ હમ એકદૂસરે કે મિત્ર જૈસે નહીં હૈ.” અશોક ગેહલોતે હાથ ધરતાં કહ્યું, ”બહેના, મિત્ર હોના ઔર મિત્ર જૈસા હોના ઈસમેં ફર્ક હૈ. ચૂંકિ, મૈં તો આપકો મિત્ર જૈસી નહીં, મિત્ર હી માનતા હું, ઔર મિત્ર સે ભી જ્યાદા તો બહેન માનતા હું. મેરી પ્રાર્થના હૈ બહેના, કિ યે જો ફ્રેન્ડશિપ બેલ્ટ આપ લાઈ હો, ઉસે બેલ્ટ નહીં, બલ્કે રાખી સમજકર હી બાંધ લો તો મુઝે બડા સુકુન મિલેગા. રાખી કા ત્યોહાર આતે આતે હમારી સરકાર કા ન જાને ક્યા સે ક્યા હો જાય… દેખા નહીં, કર્ણાટક મેં ક્યા હો ગયા?” વસુંધરાજીએ રહસ્યમય સ્માઇલ કરતાં કરતાં ફ્રેન્ડશિપ બેલ્ટ બાંધી, પોતે પણ એવો જ બેલ્ટ ગેહલોતજી પાસે બંધાવી લીધો ત્યારે ગેહલોતજીએ વસુંધરાજીને સાડીની ભેટ આપતાં કહ્યું : બહેના, એક ભાઈકી ઔર સે યે છોટી સી ભેટ હૈ, ઈનકાર મત કરના. તુમને ભલે બેલ્ટ બાંધા મગર બેલ્ટ કો મૈં રાખી સમજકર યે દે રહા હૂં, લે લો બહેના. ઔર ‘ઉપરવાલે’ કો પ્રાર્થના કરના કિ મેરી સરકાર સ્થિર ઔર સ્વસ્થ રહે.

સંબંધનું જેવું અને જેટલું મહત્ત્વ સામાજિક ક્ષેત્રે છે એના કરતાંય અધિક ગણું રાજકીય ક્ષેત્રે છે. ‘પરિવાર’ શબ્દ પર સમાજનો જ અધિકાર નથી, રાજકારણનો પણ એટલો જ અધિકાર છે. ઊલટાની પરિવારભાવના રાજકારણમાં વધારે ડેવલપ થઈ છે. કેટલાક રૂઢ અને રીઢા રાજકારણીઓ તો એવુંય કહેતા હોય છે કે રાજકારણમાં કોઈ કોઈનો કાયમી મિત્ર નથી અને કોઈ કોઈનો કાયમી શત્રુ નથી. આનો અર્થ એવો થાય કે નેતાઓ પણ એ સત્યને સ્વીકારે છે કે ‘કાયમી’ કશુંય નથી, અને તેમ છતાં…!

ડાયલટોન : 

  • હવા કે પવન, રેતીના ઢગલાનો આકાર કદાચ બદલી શકે પણ રણને એ બદલી શકતાં નથી.
  • એલ્કેમિસ્ટ

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો