રાજકીય હત્યાઓની રાજનીતિ : ગુજરાત-ભારત-વિશ્વ - Sandesh
  • Home
  • Columnist
  • રાજકીય હત્યાઓની રાજનીતિ : ગુજરાત-ભારત-વિશ્વ

રાજકીય હત્યાઓની રાજનીતિ : ગુજરાત-ભારત-વિશ્વ

 | 12:37 am IST

સામયિક : પ્રભાકર ખમાર

રાજકારણમાં રાજનૈતિક હત્યાઓના વધતા જતા પ્રભાવ અને પ્રમાણ અંગે ચોતરફ ચિંતા સેવવામાં આવે છે, પરંતુ આ વિશે ચિંતન બહુ ઓછું થાય છે. સમાજનું યથાતથ દર્શન કરાવતા પત્રકારો, મૂલ્યનિષ્ઠ સમાજસેવકો, જાહેર જીવનના શુભચિંતકો, વિચક્ષણ સક્રિય રાજનીતિજ્ઞાો વગેરે ઝડપભેર પ્રસરી રહેલા આ રાજકીય હત્યાઓના મહાભીષણ અનિષ્ટ સામે પોતપોતાની રીતે ઊહાપોહ મચાવે છે છતાં આ સમસ્યાનું શાસ્ત્રીય વિશ્લેષણ જે પ્રમાણમાં થવું જોઈએ તે થતું નથી.

રાજકીય હત્યાઓ સંદર્ભે સરકારી રાહે જે કડક પગલાં લેવાં જોઈએ તે અસરકારક હોતાં નથી, પરિણામે વરવી વાસ્તવિકતા સમાન રાજકીય હત્યાઓનો સિલસિલો ચાલુ રહે છે. ગુનેગારોને રાજકીય પ્રતિષ્ઠા અને પીઠબળ મળે છે અને આઘાતજનક તો એ છે કે મતદારો પણ આવા અપરાધીઓને મત આપી વિધાનસભા-લોકસભામાં મોકલે છે. 

ગુજરાતના રક્તરંજિત ઇતિહાસનું અવલોકન કરીએ તો વર્ષો પહેલાં રાજકીય હત્યાની શરૂઆત મહેસાણા જિલ્લાના અગ્રણી અને ખેડૂત આગેવાન લણવા ગામના ત્રિભોવનદાસ પટેલની હત્યાથી થઈ છે. એ પછી સૌરાષ્ટ્રના વસનજી ઠકરાર રાજકીય હત્યાનો ભોગ બન્યા હતા. એમની હત્યા કરનાર સરમણ મુંજાની પણ હત્યા થઈ હતી. તેમનાં પત્ની સંતોકબહેન જનતાદળના પ્રતિનિધિ તરીકે વિધાનસભામાં ચૂંટાયાં હતાં. રાજકીય હત્યાઓમાં સૌરાષ્ટ્ર મોખરે છે. વર્ષો પહેલાં જૂનાગઢ જિલ્લાપંચાયતના પ્રમુખ જીવાભાઈ કેશવાલ અને એમનાં પત્નીની હત્યા થઈ હતી. અન્ય પ્રતિષ્ઠિત રાજકીય અગ્રણીઓમાં રાજકોટના વલ્લભભાઈ પો. પટેલ તથા પોપટલાલ સોરઠિયાની હત્યા પણ મોટાં ટોળાંની હાજરીમાં થઈ હતી.

વર્ષ ૧૯૯૯થી ૨૦૦૦ દરમિયાન સૌરાષ્ટ્ર-કચ્છમાં સાત રાજકીય હત્યા થઈ હતી. શિસ્ત, સંગઠન અને સુશાસનનાં બણગાં ફૂંકતા ભાજપનાં શાસનમાં જ સૌરાષ્ટ્ર-કચ્છમાં સૌથી વધુ ઘાતકી હત્યાઓ નોંધાઈ છે.અમદાવાદ શહેરની પ્રથમ રાજકીય હત્યામાં રઉફ વલ્લી ઉલ્લાહની હત્યા ગણી શકાય તેઓ બુદ્ધિશાળી, બહુશ્રુત અને પ્રગતિશીલ વિચારો ધરાવનાર બિનસાંપ્રદાયિક અગ્રણી મુસ્લિમ નેતા હતા. એ પછી નોંધપાત્ર રાજકીય હત્યામાં હરેન પંડયા જેઓ ભાજપના યુવાન ધારાસભ્ય હતા.

આ તો કેટલાક જાહેર જીવનના જાણીતાં નામનો ઉલ્લેખ માત્ર છે. લતીફની ટોળી અમદાવાદમાં ખુલ્લેઆમ કાળો કેર વર્તાવતી હતી છતાં રાજકારણીઓ અને પોલીસ નિષ્ક્રિય હતા. ગુજરાતમાં બુટલેગિંગ, ગેંગસ્ટરીઝમ અને સ્મગલિંગ કરનારા તત્ત્વોની રાજકારણીઓ સાથેની સાઠગાંઠ સમય જતાં રાજકીય હત્યાઓમાં પરિણમે છે એનું તાજેતરનું ઉદાહરણ કચ્છના જયંતી ભાનુશાળીની હત્યા છે. એક સમયે ગાંધી-સરદારની ઓળખ ધરાવતું ગુજરાત કેટલાંક વર્ષોથી પોઇન્ટ બ્લેન્ક રેન્જથી હુમલો કરી નિર્ભયપણે આતંકને ઉત્તેજન આપે છે. ગાંધીજીનું જન્મસ્થળ પોરબંદર હત્યાઓમાં નામચીન છે એ પણ ગુજરાતની કમનસીબી છે.

ગુજરાત ભારતનું પ્રગતિશીલ રાજ્ય ગણાય છે. એના પ્રશ્નો અને પ્રવાહોનો અખિલાઈમાં સમજવા માટે વધારે વ્યાપક અને રાષ્ટ્રીય સંદર્ભની રીતે રાજકીય હત્યાઓની વકરતી જતી સમસ્યાને જોવી જોઈએ.  દેશવ્યાપી રાજકીય હત્યાઓની ઘટનાને મૂલવીએ તો મહાત્મા ગાંધીનું નામ સૌથી મોખરે છે. ૩૦ જાન્યુઆરી, ૧૯૪૮ ભારતમાં આઝાદીના સોનેરી પ્રકાશનાં કિરણ હજુ તો પ્રસરી રહ્યાં હતાં ત્યારે જ રાષ્ટ્રપિતાની હત્યા વિશ્વની રાજકીય હત્યાઓમાં એક કલંક કથા તરીકે નોંધવામાં આવી છે. એ પછી વડાં પ્રધાન ઇંદિરા ગાંધી, રાજીવ ગાંધી, પંજાબના મુખ્યમંત્રી પ્રતાપસિંહ કેરોન, બિયતસિંહ, રેલવેપ્રધાન એલ. એન. મિશ્રા, રાજસ્થાનના મુખ્ય પ્રધાન બરકતતુલ્લા ખાન, મજૂર નેતા દત્તા સામંત અને શંકર ગુહા નિયોત્રી વગેરે રાજકીય હત્યાનો ભોગ બન્યા છે.

અગાઉનાં વર્ષોમાં જનસંઘના રાષ્ટ્રનેતા દીનદયાળ ઉપાધ્યાયની રાજકીય હત્યા અંગેની શરમજનક ઘટના ઉલ્લેખનીય છે. એ ઉપરાંત જનસંઘના સ્થાપક પ્રમુખ શ્યામાપ્રસાદ મુખરજીની કાશ્મીરમાં થયેલી હત્યાની હકીકત આજે પણ વણઉકલી છે.

આઝાદી પછી કેરળ અને પ. બંગાળ રાજકીય હત્યાઓમાં મોખરાનું સ્થાન ધરાવે છે. ડાબેરી વિચારસરણી ધરાવતાં સામ્યવાદી શાસનમાં રાજકીય હત્યા એક સિલસિલો બની ગઈ હતી. આજે મમતા બેનરજીનાં તૃણમૂલ શાસનમાં રાજકીય હત્યાઓનું પ્રમાણ ઘટયું નથી, વધુ વકર્યું છે. પ. બંગાળમાં છેલ્લાં ૬૦ વર્ષોમાં ૮,૫૦૦ રાજકીય હત્યાઓ કરાઈ છે. તૃણમૂલે સત્તા સંભાળી તે વર્ષે રાજ્યમાં ૩૮ રાજકીય હત્યા થઈ હતી.

વર્ષ ૨૦૧૬ સુધીમાં ૯૮ રાજકીય હત્યાઓ સરકારી દફ્તરમાં નોંધાઈ છે. પ. બંગાળમાં કોંગ્રેસ, સામ્યવાદી કે તૃણમૂલનું શાસન હોય છતાં રાજકીય હત્યાઓ વધી છે. અન્ય રાજ્યોની રાજકીય હત્યાઓ અંગેની વિગત પણ શરમજનક છે. ૨૦૧૧થી ૨૦૧૪ સુધીની સંખ્યા આ પ્રમાણે છે.  પશ્ચિમ  બંગાળ – ૯૬, આંધ્ર પ્રદેશ – ૫૦,    બિહાર – ૭૬, મધ્ય પ્રદેશ – ૫૨, કેરળ – ૫૭

વિશ્વવ્યાપી રાજકીય હત્યાઓની ચર્ચા કરીએ તો અમેરિકાના લોકપ્રિય પ્રમુખ અબ્રાહમ લિંકન અને જ્હોન એફ. કેનેડી વિશ્વ રાજકારણમાં સુપર પાવર તરીકે પ્રતિષ્ઠિત હતા. એમની કમનસીબી એ છે કે આ જ સુપર પાવર ગણાતા દેશે પોતાના મોસ્ટ ફેવરિટ પ્રેસિડેન્ટના મર્ડર કેસનો ઉકેલ શોધી શકી નથી. છેલ્લાં ૧૦૦ વર્ષમાં ચાર અમેરિકન પ્રમુખોની હત્યા થઈ છે.

પાકિસ્તાનમા વડા પ્રધાન સુર્હાવદીની જાહેર સભામાં કરપીણ હત્યા કરાઈ હતી. બેનઝીર ભુટ્ટોની પણ એ જ દશા થઈ હતી. બાંગ્લાદેશના મુજીબર રહેમાન, ઇજિપ્તના સદ્દામ હુસેન, કોંગોના લંબ્મુબા, કંબોડિયાના પ્રિન્સ સિંહાનુક, સિલોનના વડા પ્રધાન સેના નાયક વગેરે રાજકીય હત્યાઓનાં નિશાન બન્યા હતા.  આમ રાજકીય હત્યાઓમાં સામાન્ય કાર્યકરોથી શરૂ કરી નેતાઓ, મંત્રીઓ, વડા પ્રધાનો, રાષ્ટ્રપ્રમુખો વગેરેનો સમાવેશ થાય છે.

આત્મઘાતી બોમ્બ દ્વારા આતંકવાદીઓ સરકારી ઓફિસો, નેતાઓનાં નિવાસસ્થાનો, જાહેર સભાઓ, સમારંભો, ધાર્મિક સ્થળો વગેરેમાં પ્રવેશી રાજકીય હત્યાઓ કરે છે.  રાજકીય હત્યાઓની સમસ્યા માત્ર ગુજરાતની કે ભારતની નથી પણ એ વિશ્વવ્યાપી છે. ઇઝરાયેલ, પેલેસ્ટાઇન, યુરોપ, અમેરિકા, આફ્રિકા જેવા ઘણાં દેશોમાં વકરતી જતી રાજકીય હત્યાઓ અગાઉ કહ્યું તેમ યુનો જેવી વૈશ્વિક સંસ્થા માટે ચિંતા અને ચિંતનનો વિષય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

;