મંત્રી-ધારાસભ્યોના સંબંધીઓ પણ સરપંચ પદની ચૂંટણીઓમાં હાર્યાં - Sandesh
  • Home
  • Gujarat
  • મંત્રી-ધારાસભ્યોના સંબંધીઓ પણ સરપંચ પદની ચૂંટણીઓમાં હાર્યાં

મંત્રી-ધારાસભ્યોના સંબંધીઓ પણ સરપંચ પદની ચૂંટણીઓમાં હાર્યાં

 | 10:41 pm IST

દક્ષિણ ગુજરાતમાં યોજાયેલી ગ્રામપંચાયતની ચૂંટણીઓમાં અનેક ઠેકાણે અપસેટ સર્જાયા હતા. ભાજપ અને કોંગ્રેસના કેટલાક દિગ્ગજ નેતાઓ તેમના નજીકના સગાઓને પણ જીતાડી શક્યા ન હતા. વન મંત્રીના વતન વાડી ગામમાં જ તેમની ભત્રીજીએ હારનો સામનો કરવો પડ્યો હતો. તેવી રીતે ભાજપના ઉમરગામના ધારાસભ્ય રમણ પાટકરનો પુત્ર પણ સરપંચની ચૂંટણી જીતી શક્યો ન હતો.

મળતી માહિતી અનુસાર ઉમરગામ એમ.એમ. હાઈસ્કૂલ ખાતે યોજાયેલી ગ્રામ પંચાયતોની ચૂંટણી વેળાંએ ધોડીપાડા ગ્રામ પંચાયતના ઉમેદવાર અને તાલુકાના ભાજપી ધારાસભ્ય રમણ પાટકરના પુત્ર દિલીપનો તેના પ્રતિસ્પર્ધી અશ્વિનભાઈ શાંતુભાઈ ભાવર સામે ૧૭૮ મતે પરાજય થયો હતો. આમ ધારાસભ્યના પુત્રને શિકસ્ત ખાવી પડી હતી. તેઓ ધોડાપાડાના વર્તમાન સરપંચ પણ હતા.

ધરમપુર તાલુકાના બારોલિયા ગામે ભાજપના માજી સાંસદ મણિભાઇ ચૌધરીના પુત્ર અને જિલ્લા ભાજપના મહામંત્રી મહેન્દ્રભાઇ ચૌધરીના ભાઇ હિતેશ ચૌધરીએ સરપંચ પદ માટે ઉમેદવારી કરી હતી. તેમણે પણ કારમા પરાજયનો સામનો કરવો પડયો હતો જો કે, તેમને ભાજપના જ હોદ્દેદારે હરાવ્યા હતા.

ધરમપુરના ધારાસભ્ય ઇશ્વરભાઇ પટેલના પુત્ર પીયૂષ પટેલે આસુરા ગામના વોર્ડ નં.૮ના વોર્ડ સભ્ય તરીકે ઉમેદવારી નોંધાવી હતી. પરંતુ તેમના હરીફ ઉમેદવારે તેમને પરાજયનો સ્વાદ ચખાડયો છે.

વલસાડ તાલુકાના નનકવાડા ગ્રામ પંચાયતના સરપંચ પદ માટે જિ.પં.ના માજી સભ્ય દિનેશભાઇ પટેલની પત્નીએ સરપંચ પદ માટે ઉમેદવારી કરી હતી. જ્યારે માજી જિ.પં.ના માજી સભ્ય દિનેશભાઇ તુળજીભાઇ પટેલે વોર્ડ નં.૪ ના સભ્ય તરીકે ઉમેદવારી કરી હતી. ચૂંટણીના જાહેર થયેલા પરિણામોમાં બંને ઉમેદવારોનો વિજય થયો છે.

વલસાડના ભાગડાવડા ગામે તાલુકા ભાજપના માજી પ્રમુખ ધર્મેશભાઇ પટેલે સરપંચ પદ માટે તેમની સાસુ ભારતીબેન પટેલની ઉમેદવારી કરાવવા ઉપરાંત ૯ વોર્ડ સભ્યોની પેનલ બનાવી ચૂંટણી જંગ લડયાં હતાં, પરંતુ મતદારોએ સરપંચપદ માટે નિર્મલાબેન નરેશભાઇ પટેલની પસંદગી કરી હતી. જ્યારે માજી તાલુકા ભાજપ પ્રમુખના ૯ પૈકી ૫ વોર્ડ સભ્યોએ હારનો સામનો કરવાની નોબત આવી છે. જ્યારે અનપેક્ષિત પરિણામોમાં અતુલ ગ્રામ પંચાયતના વોર્ડ નં.૯ ના વોર્ડ સભ્ય તરીકે વલસાડ તા.પં.ના સામાજિક ન્યાય સમિતિના માજી અધ્યક્ષા અને જિલ્લા કોંગ્રેસ એસ.સી., એસ.ટી. સેલના મહિલા પ્રમુખ મધુબેન સુરતીને ૫ મતો મળતા તેમનો કારમો પરાજય થયો છે.