રાજકીય પક્ષોનો આર્તનાદ : થોડા હૈ... થોડે કી જરૂરત હૈ...! - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Columnist
  • રાજકીય પક્ષોનો આર્તનાદ : થોડા હૈ… થોડે કી જરૂરત હૈ…!

રાજકીય પક્ષોનો આર્તનાદ : થોડા હૈ… થોડે કી જરૂરત હૈ…!

 | 2:36 am IST
  • Share

રિવરફ્રન્ટની પાળેથી  :-  હર્ષદ પંડયા ‘શબ્દપ્રીત’

ચૂંટણી તો લોકશાહીની કરોડરજ્જુ છે. જો ચૂંટણી જ ન હોત તો લોકશાહી ક્યારનીય ઢળી પડી હોત! એટલે તો વારંવાર અને અવારનવાર આ કરોડરજ્જુને ટાઇટ કરીને લોકશાહીને ટટ્ટાર રાખવા માટે રાજકારણીઓ અવારનવાર ચૂંટણીની કસરત કરતા રહેતા હોય છે. અમે જ્યારે નાના હતા (અત્યારેય અમને ક્યાં કોઈ મોટા ગણે જ છે?!?) ત્યારે નાગરિકશાસ્ત્રમાં અમારા સાહેબ ભણાવતા કે લોકશાહી લોકો વડે અને લોકો માટે છે. પણ એમને બોલવામાં થોડા એવા ગોટા વળતા કે, ‘લો…કસાઈ લોકો વડે છે અને લો…કસાઈ લોકો માટે છે’ એવું અમને એમના બોખા મોઢામાંથી વહેતા જિહ્વારસ મિશ્રિત ઉચ્ચારોથી સંભળાતું. પણ આજે અમને લાગે છે કે અમારા એ વંદનીય સાહેબનું અનાયાસે બોલાયેલું વિધાન આજના રાજકારણીઓએ સાચું પાડયું છે.

અમને એ દૃશ્ય પણ યાદ છે કે જ્યારે અમે પાંચમા કે છઠ્ઠા ધોરણમાં ભણતા હતા ત્યારે રોજ સવારે અમાર ખાડિયા વિસ્તારની પોળના નાકેથી (પહેલા તો પોળોનેય નાક હતાં!) એક અંધ ફકીર નીકળતો હતો. લાંબી દાઢી રાખીને હાથમાં ભિક્ષાપાત્ર લઈ પસાર થતો, એના પેલા ભિક્ષાપાત્રમાં ભેગા કરેલા લોટને લોકો સામે બતાવી એટલું જ એ બોલતો ‘અલ્લાહ કે બંદો, ર રામજી કે ભક્તો… થોડા હૈ ર થોડે કી જરૂરત હૈ’ આમ કહીને પ્રત્યેક ઘેરથી એ થોડો થોડો લોટ ભેગો કરીને મહિને દા’ડે એ લોટના કોથળા ભરતો અને હોલસેલના ભાવે વેચી દેતો અનાજ દળવાની ઘંટીવાળાને! અને પેલો ઘંટીવાળો એ જ લોટ ગૃહિણીઓને સસ્તા ભાવે વેચીને પૂરા સમાજની સેવા કરતો!

પણ પેલો ફકીર ઈમાનદાર એટલો કે તેનું ભિક્ષાપાત્ર ભરાઈ જાય પછી તે વધારે લોભ નહોતો કરતો. ‘બસ, અલ્લાહ કે બંદો ર રામજી કે ભક્તો… આજ કા કામ ચલ ગયા, ખુશ રહો.’ કહીને એ બીજા ઘેર, ત્રીજા ઘેર એમ એક પોળ પૂરી કરીને બીજા દિવસે બીજી પોળના લોકોને પુણ્ય કમાવવાની તક પૂરી પાડતો! ફકીર તો પછી મૃત્યુ પામ્યો. બધું જ બદલાઈ ગયું. પણ પેલા વૃદ્ધ ફકિરનો ભૂતકાળનો પેલો અવાજ આજે પણ પ્રત્યેક પળે અને પ્રત્યેક સ્થળે સંભળાયા કરે છે… થોડા હૈ, થોડે કી જરૂરત હૈ!

ચૂંટણીના વાતાવરણમાં પણ ઉમેદવારો પગે લાગતા લાગતા (આમ તો હાથે લાગતા લાગતા એમ કહેવું જોઈએ!) તમે અમને તમારો વોટ આપો… અમારે વિધાનસભામાં જવું છે અથવા તો કોઈ રાષ્ટ્રીય કક્ષાનો ઉમેદવાર હોય તો રાષ્ટ્રભાષામાં એમ કહેશે કે – આપ હમારે કટોરે મેં ચુટકી ચુટકી ભર વોટ ડાલો… બાબા કો નઈ દિલ્હી જાના હૈ! બસ, ભૈયા થોડા હૈ, થોડે કી જરૂરત હૈ!

એકવાર જો આવા લોકો વિધાનસભામાં કે લોકસભામાં પહોંચી ગયા, તો બીજીવારની ચૂંટણી સુધી પોતાનું મોં નહીં બતાવવાનો સંકલ્પ બરોબર રીતે પાળતા હોય છે. ચૂંટણીના ઉમેદવારોને આપણો ન્યૂ ચાણક્ય રાજનૈતિક ભિક્ષુક તરીકે ઓળખાવે છે. ક્યારેક તો ખુદ ઉમેદવારો જ પોતાને માટે કહેતા ફરતા હોય છે કે ભાઈઓ, અમને તમારું મતદાન કરો અમે રાજનૈતિક ભિક્ષુક બનીને તમારા બારણે આવ્યા છીએ. જોકે અમારી દૃષ્ટિએ એ વાત જરા જુદી છે કે આવા રાજનૈતિક ભિક્ષુકો આપણું દાન એટલે કે મતદાન સ્વીકારીને પાંચેક વર્ષમાં આપણને તો સડકછાપ બનાવી જ દેતા હોય છે. એક વાર ચૂંટાઈ ગયા પછી ખાવાની તો આ લોકોને ક્યાં કોઈ કમી જ હોય છે? ખાતર પછી એ યુરિયા હોય કે છાણિયું હોય, પેટ્રોલ, ટેલિફોન, ઘાસચારો, જે કાંઈ મળે એ ખાઈ જ લેવાનું! ધીરેધીરે જનતા જનાર્દન પાસેથી કરવેરા રૂપે, મોંઘવારી રૂપે, ફંડફાળા રૂપે કંઈક ને કંઈક માગતા રહીને પછી આપણને પેલા ફકિરની જેમ ગાતા કરી મૂકશે કે સરકાર માઈબાપ, ‘હમે કુછ દો… થોડા હૈ, થોડે કી જરૂરત હૈ!’

ચૂંટાઈ ગયા પછીનો ઉમેદવાર, ‘ઉમેદવાર’ નથી રહેતો, પણ એ રાજાપાઠ ભજવનાર એક રાજા બની જતો હોય છે. આવો રાજા જો ભૂલથીય આપણને ક્યાંક સમારંભમાં મળી જાય અને આપણે એને પૂછવાની ભૂલ કરી બેસીએ કે ભાઈ, તમારો પક્ષ હવે સમાજને કશુંક સ્થિર તો આપશે ને? ત્યારે એ એટલું જ કહેવાનો કે, હા, અમે ‘પંચસ્થિર’ નામનું અભિયાન શરૂ કરીને સ્થિર ગરીબી, સ્થિર ભૂખમરો, સ્થિર બેકારી, સ્થિર ગુંડાગીરી અને સ્થિર ભ્રષ્ટાચાર આપવાનો પાક્કો ઈરાદો રાખીએ છીએ. તમારી પાસેથી અમે વોટ લીધા છે તેનો યોગ્ય બદલો તો અમારે વાળવો જ જોઈએ ને! શી ખબર, આ સરકાર, આવતીકાલે અમારી દરકાર ન પણ રાખે અને અમે રસ્તા પર પાછા આવી જઈએ તો અમારે જવું ક્યાં? પાછા તમારી જ પાસે આવવાનું થાય ને વોટ લેવા? અને અમારે પાછું એ જ ગાણું ગાવાનું કે ભાઈ તમારો વોટ અમને જ આપો. કારણ કે બીજા પાસે તો તમને (એટલે કે જનતાને ૦ આપવા જેવું કશું જ નથી, અમારી પાસે તો કંઈક પણ છે. બસ, થોડા હૈ, થોડે કી જરૂરત હૈ!

ચૂંટણીની ઋતુમાં અમે ભલભલા મૂછાળાને પણ ટૂંટિયું વાળીને ઊંઘતા નહીં, ચાલતા જોયા છે. એકએકથી સુપરસ્ટાર મનાતા ગુંડાઓ, માફિયાઓ, દાદાઓ (આમ ભલેને વાંઢા હોય!) અને કહેવાતા બાવાલોગ ચૂંટણીની ઋતુમાં અમારા ઘરના દરવાજે આવીને હસતા મોઢે મતોની ભીખ માગતા જોઈને અમને લોકશાહીના વ્યાખ્યાતા અબ્રાહમ લિંકન યાદ આવી જાય છે. એક વાર એમણે એમના વ્યાખ્યાનમાં કહેલું કે જે દિવસે રાજકારણમાં માણસોના બદલે ઘેટાંઓનો પ્રવેશ થશે ત્યારે લોકશાહી લકવાગ્રસ્ત બનશે. અમે એવું તો નથી કહેતા કે ભારતીય રાજકારણમાં ઘેટાંઓ ઘૂસી ગયાં છે, પણ એટલું તો ચોક્કસ કહેવાના કે ભારતીય લોકશાહીને લકવો તો લાગુ પડી જ ગયો છે!

આવા ગુંડાઓ, માફિયાઓ અને દાદાઓ સરેરાહ પર સામાન્ય માણસને પણ રિવોલ્વર કે બંદૂક તાકીને કહેતા થઈ જાય કે – થોડા હૈ થોડે કી જરૂરત હૈ! ત્યારે આપણને સમજાય છે કે વાહ ક્યા સીન હૈ! લોકશાહી હો તો ઐસી! કહેવાતા ધર્મજનો શ્રદ્ધાળુઓને પુણ્યદાન સંદર્ભે સમજાવતા હોય છે કે થોડા હૈ, થોડે કી જરૂરત હૈ. વિદ્યાર્થીઓ શિક્ષકોને માર્ક્સ બાબતે કહેતા હોય છે કે સર! થોડા હૈ, થોડે કી જરૂરત હૈ. શિક્ષકો-અધ્યાપકો વાલીઓને અને સરકારને કહેતા હોય છે કે થોડા હૈ, થોડે કી જરૂરત હૈ અને જુદા જુદા રાજકીય પક્ષો પણ બરાડા પાડીને બોલ્યા કરે છે કે થોડા હૈ, થોડે કી જરૂરત હૈ! આ તો કાંઈ નથી સાહેબ, ટાર્ગેટ પૂરો કરવા માટે નાના-મોટા ચાર રસ્તે ઊભેલા સરકારી સેવકો પણ પહોંચબુક બતાવીને દોડાદોડી કરતા રહેવાના એવું બોલીને કે થોડા હૈ… થોડે કી જરૂરત હૈ!

આજે પૂરો દેશ ભિક્ષામાર્ગે ચાલી રહ્યો છે. આજના નેતાએ પોતાનું ભિક્ષાપાત્ર સાચવીને મૂકી રાખ્યું છે. કોણ જાણે ક્યારે વળી પેલા ભિક્ષાપાત્રની જરૂરિયાત ઊભી થાય, ક્યારે ચૂંટણીની ઋતુ આવી જાય અને પેલું ભિક્ષાપાત્ર લઈને વળી પાછા, ઘેરઘેર મતાન્દેહિ કહેતાં ફરવું પડે એનું આજની રાજકીય સ્થિતિમાં કોઈ નક્કી ન કહેવાય! કોઈના ભાગ્યમાં ગાદી છે. કોઈના ભાગ્યમાં ખાદી છે. દેશના લમણે તો આ ભિક્ષાપાત્ર લખાયું જ છે. નાના-મોટાં બાવીસ-ત્રેવીસ થીગડાંવાળી સત્તારૂપી રજાઈ ઓઢીને આપણો દેશ અતિ મંદઠંડીમાં પણ ઠૂંઠવાઈ રહ્યો છે. વિરોધ પક્ષોની કાતિલ ઠંડી હવા પેલી રજાઈના ઝીણાં ઝીણાં છિદ્રોમાંથી દાખલ થઈને સત્તાના શરીરને ધ્રુજાવી રહી છે. રાજકીય પક્ષ કોઈપણ હોય એનેય પેટનો સવાલ તો નડે ને! એટલે તો એ સત્તાહારી લોકો, સત્તાધારી લોકોને કહેતા ફરતા હોય છે કે તમારું ભિક્ષાપાત્ર હવે દૂર કરો અને અમને અમારું શકોરું ધરવા દો – ભરવા દો! મોંઘવારીની સિરિન્જ વડે પ્રત્યેક માણસના શરીરમાંથી લોહીનું એકએક ટીપું અમારા આ શકોરામાં ભરી લેવું છે, કે જેથી કરીને અમે પણ જનતાની ગરીબી દૂર કરવામાં યથાયોગ્ય ફાળો આપી શકીએ!

આજે દરેક રાજકારણી પોતપોતાના ભાગમાં આવેલી ગરીબી દૂર કરવાના કામમાં લાગી ગયો છે. દેશ અછત અને ભ્રષ્ટાચારના ચાર રસ્તે આવીને ઊભો છે એ જ ૭૨ વર્ષ જૂનો ફાટેલો ઝભ્ભો પહેરીને, પેલું ગીત ગાતો ગાતો કે – થોડા હૈ… થોડે કી… જરૂરત હૈ!

ચૂસકી :

  • યક્ષ : સમરસતા અને બિનહરીફ વચ્ચે કેટલો ફરક?
  • યુધિષ્ઠિર : ‘બચુભાઈ’ અને ‘ભાઈ બચુ’ વચ્ચે હોય એટલો!

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન