ક્યાંક પૂજા કિટ, તો ક્યાંક ગીતાની ભેટ, 180 ડિગ્રી ટર્ન લેતી દેશની રાજનીતિ - Sandesh
  • Home
  • India
  • ક્યાંક પૂજા કિટ, તો ક્યાંક ગીતાની ભેટ, 180 ડિગ્રી ટર્ન લેતી દેશની રાજનીતિ

ક્યાંક પૂજા કિટ, તો ક્યાંક ગીતાની ભેટ, 180 ડિગ્રી ટર્ન લેતી દેશની રાજનીતિ

 | 4:28 pm IST

રાજનીતિને કળવી સામાન્ય માનવીના ગજા બહારની વાત છે, જ્યારે રાજનીતિ ક્યારે પડખું ફેરવે તે કહેવું મુશ્કેલ છે. 2019ની લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી દેશની રાજનીતિ 180 ડિગ્રી ટર્ન લેતી હોવાનું પ્રતિત થાય છે. બંગાળથી લઈને છેક ગુજરાત સુધી તેના સંકેત પણ જોવા મળી રહ્યાં છે. જે રાજકીય પક્ષો વર્ષોથી એક નિર્ધારીત વિચારધારાને લઈને આગળ વધી રહ્યાં હતાં તે હવે પોતાની આ નીતિમાં ફેરફાર કરવા મજબુર બન્યા છે.

મુસ્લિમ તૃષ્ટિકરણના આરોપોનો સામનો કરી રહેલી કોંગ્રેસ પાર્ટી જ્યાં ગુજરાતના સૈરાષ્ટ્રમાં 148 મંદિરોમાં ‘શ્રીરામ-સંધ્યા આરતી કમિટી’ બનાવવા અને તેમને આરતીની કિટ આપવાની વેતરણમાં છે. તો ભાજપ પશ્ચિમ બંગાળમાં અલ્પસંખક સંમેલન આયોજીત કરવા જઈ રહી છે.

તેવી જ રીતે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી બન્યા ત્યારથી મુસ્લિમ તૃષ્ટિકરણ કરવાના આરોપો વચ્ચે ઘેરાયેલા મમતા બેનર્જી પણ યૂ ટર્ન લઈ સોફ્ટ હિન્દુત્વ તરફ ઝુકાવ વધાર્યો છે. તાજેતરમાં જ તેમણે 8,000થી વધારે બ્રામ્હણો અને પુરોહિતોને ગીતા ભેટમાં આપી હતી. આ અગાઉ પણ મમતા બેનરજી કહી ચુક્યાં છેકે તે પણ એક હિન્દુ છે. જાહેર છે કે પશ્ચિમ બંગાળમાં ભાજપ મમતા બેનર્જી પર મુસ્લિમ તૃષ્ટિકરણ કરવાનો આરોપ લગાવતી રહી છે. પ્રદેશમાં થયેલા અનેક રમખાણોને લઈને પણ મમતા બેનર્જી ભાજપનું સોફ્ટ ટાર્ગેટ બન્યાં હતાં. સામે મમતા બેનર્જી તરફથી ભાજપને મુસ્લિમ વિરોધી ગણાવવાના પ્રયત્નો યથાવત રહ્યાં છે.

પરંતુ હવે દેશની રાજનીતિએ રસપ્રદ કહી શકાય તે પ્રકારનો વળાંક લીધો છે. અત્યાર સુધી એક નિશ્ચિત રાહ પર ચાલી રહેલા રાજકીય પક્ષો હવે પોતાની નીતિ બદલવા મજબુર બન્યા છે. તૃષ્ટિકરણના આરોપોનો સામનો કરી રહેલા મમતા બેનર્જી શ્રીમદ ભગવદ ગીતાની પ્રતો વહેંચીને સોફ્ટ હિન્દુત્વની રાહ પકડવા પર મજબુર બન્યા છે. તો ભાજપના અલ્પસંખ્યક સંમેલનને પાર્ટીના રાજ્ય એકમના અધ્યક્ષ દિલીપ ઘોષ અને તૃણમુલ કોંગ્રેસ સાથે તાજેતરમાં જ છેડો ફાડીને ભાજપમાં આવેલા મુકુલ રૉય સંબોધિત કરશે.

જ્યારે ગુજરાત વિધાનસભાની ચૂંટણી દરમિયાન તેના સિનિયર નેતા અને વકીલ કપિલ સિબ્બલ તરફથી સુપ્રીમ કોર્ટમાં રામ મંદિર મુદ્દે સુનાવણી ટાળવાની દલીલ પર ચારેકોરથી ઘેરાયેલી દેશની સૌથી જુની રાજકીય પાર્ટી કોંગ્રેસ પણ હવે પોતાની જુની છબીમાંથી બહાર આવવા ધમકછાડા કરી રહી છે. ચૂંટણી દરમિયાન રાહુલ ગાંધીએ 20 જેટલા મંદિરોની મુલાકાત લીધા બાદ પાર્ટીનું ગુજરાત એકમ હવે સૌરાષ્ટ્રના 148 ગામડાઓમાં ‘શ્રીરામ-સાંધ્ય આરતી કમિટી’ બનાવી સ્થાનીય રામ મંદિરોનો કાયાકલ્પ કરવાની તૈયારીમાં છે. જેને અંતર્ગત પાર્ટી ઉપેક્ષિત મંદિરોમાં એક સપ્તાહમાં 14 વાર આરતી કરાવવાના ઉદ્દેશ્યથી પોતાના કાર્યકર્તાઓને પૂજાની સામગ્રી વહેંચવા જઈ રહી છે.

આ ઉપરાંત પણ બીજા કેટલાક રાજકીય પક્ષો પોતાની વર્ષોજુની નીતિઓમાં ફેરફાર કરી તે દિશામાં રાજનીતિ આગળ ધપાવવાની ફરજ પડી છે.