રાજકારણ : જિધર દેખતા હૂં ઉધર તૂ હી તૂ હૈ! - Sandesh
  • Home
  • Columnist
  • રાજકારણ : જિધર દેખતા હૂં ઉધર તૂ હી તૂ હૈ!

રાજકારણ : જિધર દેખતા હૂં ઉધર તૂ હી તૂ હૈ!

 | 2:52 am IST

રોગ નંબર :-  હર્ષદ પંડયા ‘શબ્દપ્રીત’

કેટલાક લોકો પાસે માત્ર કાકદૃષ્ટિ અથવા કાકેન્દ્રીય જ હોય છે, જ્યારે જુઓ ત્યારે રાજકારણ અને રાજકારણીઓની ગંદી ટીકા જ કર્યા કરતા હોય છે. અરે ભ’ઈ, ટીકા જ કરવી હોય તો એમાંથી સુગંધ પ્રગટે એવી કરો! વળી, રાજકારણને તમે સમજો છો એવું ટીકાપાત્ર એ નથી. ઊલટાનું, એના જેવું કોઈ પરમાર્થી ક્ષેત્ર નથી. સૌથી મોટામાં મોટું પરમાર્થી ક્ષેત્ર જો કોઈ હોય તો તે રાજક્ષેત્ર છે. જી હા, અહીં પરમાર્થની જે પવિત્ર ભાવના જોવા મળે છે એવી સમાજના કોઈ ક્ષેત્રમાં જોવા નથી મળતી. તમે એટલું વિચારો કે આજ સુધી કોઈ ભિક્ષુકે પોતાના સંતાનને ભિક્ષુક બનાવવાનો નાનો અમથોય પારિવારિક પરમાર્થ કર્યો છે? એ સમજે છે કે ભિક્ષુક બનીને મેં શું કાંદા કાઢયા, કે મારું સંતાન કાંદા કાઢશે? હવે આ બાજુ રાજક્ષેત્ર જુઓ, રાજકારણી કોઈપણ સાઇઝનો હોય, રાજકારણમાં એણે કાંદો તો ઠીક, કાંદાની સુવાસ પણ ન ફેલાવી હોય તેમ છતાં એ પોતાનાં સંતાનને રાજકારણી બનાવવાનું બીડું ઝડપીને પોતાનો પારિવારિક પરમાર્થ કરી બતાવે છે કે નહીં? હવે આવા પરમાર્થીઓની ટીકા કરવી એ યોગ્ય છે?

પુરાણો અને ઉપનિષદોમાં ઉલ્લેખ છે કે પૂરા ખગોળવિશ્વમાં ૧૪ બ્રહ્માંડની રચના જોવા મળે છે. રાજકારણ પંદરમું બ્રહ્માંડ છે અને રાજકારણી સ્વયંભૂ બ્રહ્મ છે. રાષ્ટ્રીય સિદ્ધાંત અને આદર્શથી લઈને ગ્રામ્યસ્તર સુધીના ભ્રષ્ટાચાર સુધી જે કંઈ તારા, ગ્રહો, ઉપગ્રહો, નિહારિકાઓ હરીફરી રહ્યાં છે એ બધી એની જ માયા છે. કોનો અસ્ત કરવો, કોનો ઉદય કરવો, કોને ઉલ્કાની જેમ ખરતો તારો બનાવી દેવો અને કોના જીવનમાં ભૂકંપ સર્જવો એ એનું એકમાત્ર કર્મ હોય છે. એ તો સર્જનને જ નહીં, વિસર્જનને પણ સર્જનનું જ એક સ્વરૂપ માને છે. રાજકારણ સ્વયં એક આત્મા છે, જે અવારનવાર અને તક મળે તો વારંવાર પોતાનો દેહ બદલતો હે છે, રાજકારણ એટલે જ પુનર્જન્મનો પર્યાય. આ એક જ બ્રહ્માંડ એવું છે જ્યાં પુનર્જન્મમાં નહીં માનતો આત્મા પણ પુનર્જન્મ પ્રાપ્ત કરતો હોય છે. ક્યારેક તો એ ગોડ એ ગોડફાધરને પણ એવી તસ્દી આપતો નથી અને પોતે જ પુનર્જન્મ પ્રાપ્ત કરી લેતો હોય છે. કેટલાક બ્રહ્માંડ વિશ્લેષકો આને પુનર્જન્મનો ચમત્કાર પણ કહેતા હોય છે.

રાજકારણી સ્વયં બ્રહ્મ હોવાથી એ ધારે ત્યારે વિરાટ પણ બની શકે છે અને ધારે ત્યારે વામન પણ બની શકે છે. એ ધારે એને એકડામાંથી શૂન્ય બનાવી દે છે અને શૂન્યમાંથી એકડો પણ બનાવી શકે છે. સાચું રાજકારણ સમય જુએ, સમયની ધાર જુએ અને પછી નિર્ણય કરે કે શૂન્યને એકડાની પહેલાં મૂકીશું કે એકડાની પછી? જરૂર પડે ત્યારે એ મહાસાગર બની માર્કેટમાં તેજી-મંદી મતલબ ભરતી-ઓટનું દર્શન પણ કરાવે છે. એ ધારે ત્યારે હિમાલય પણ બની જાય છે અને જામી ગયેલા બરફની જેમ એ પોતાના સોહામણા સૂત્રો-સિદ્ધાંતોમાં જામી જાય છે અને ક્યારેક પોતાના પક્ષીય સ્વાર્થમાં પીગળીને પરિવાર સુધી વહેવા પણ માંડે છે. એની લીલાનો કોઈ પાર નથી એટલે સર્વ લીલાઓમાં એની આ મહાલીલા કહેવાય એવું આપણા ન્યૂ ચાણક્યનું માનવું છે. આમ તો આ રાજબ્રહ્મા મારી તમારી જેમ દ્વિબાહુ છે, પણ સૂક્ષ્મપણે એ સહસ્ત્રબાહુ છે. ૧૪ બ્રહ્માંડના બ્રહ્મને તો ફક્ત ચાર જ મોઢાં છે, આપણા આ પંદરમા બ્રહ્માંડના રાજબ્રહ્માને આઠ મોઢાં છે. આઠ મોઢાં એટલા માટે કે એને સર્વક્ષેત્રે ડબલ રહેવાનું પસંદ છે. એ ઇચ્છે તો ડબલમાંય સિંગલનું દર્શન કરાવી શકે છે.

દુનિયાભરનું રાજકારણ એક પ્રકારની સીડી છે. સીડી એટલે રાજકારણમાં જે અવારનવાર ચમકે છે ને છાપે ચડે છે એવી ‘કલર’ર્ર્કઙ્મ ઝ્રડ્ઢ નહીં! સીડી એટલે આપણી પેલી સીધી સાદી નીસરણી! રાજકારણ એક એવી નીસરણી છે, જે ધારે એને ઉપર પણ ચડાવે છે અને ધારે એને, ઘડીના છઠ્ઠા ભાગમાં બાર વગાડીને, નીચે પણ ઉતારી દે છે. માત્ર ભારતનું જ નહીં, પૂરી દુનિયાનું રાજકારણ ૨૪ઠ૭ ચાલતો સક્રિય અખાડો છે. આ અખાડામાં વિવિધ પ્રકારનાં જૂથો પોતપોતાનાં કરતબ બતાવતા હોય છે. આવાં કરતબ બે પ્રકારનાં હોય છે. (૧) મનોરંજન આપતા સૌમ્ય કરતબ અને (૨) ભય પેદા કરતા રૌદ્ર કરતબ. મનોરંજન કરતબ જોઈને જનતા બે ઘડી મોંઘવારીના મારની વેદના અને બેકારીના દુઃખને ભૂલી જાય છે. રાજકારણમાં જરૂર પડે ત્યારે આવું મનોરંજન ક્વિનાઇનની ગોળી જેવું કામ કરે છે. શરૂઆતમાં એ મનોરંજન મીઠું મીઠું લાગે, સમય જતાં એની કડવાશ બહાર આવે. મોટા મોટા મહાનુભાવોનાં ભાષણો અને આંગિક અભિનય સાથેનાં આકર્ષક શબ્દોનાં ગલગલિયાં પેદા કરતાં પ્રવચનો, જનતાને – ભલે ટેમ્પરરી તો ટેમ્પરરી, પણ કાલ્પનિક સુખના સ્વર્ગમાં નાચતી – રાચતી કરી દે છે. એ લોકોને ખબર છે કે જનતાને આથી વધારે બીજું જોઈએ પણ શું?

રાજકારણ એક અલગ પ્રકારનો ડાન્સ છે. કેટલાકને એમાં ક્લાસિકલ ડાન્સનાં દર્શન થાય છે, કેટલાકને રોક ડાન્સનાં દર્શન થાય છે, કેટલાકને બ્રેકડાન્સના તો વળી કેટલાકને કોસ્મોસ ડાન્સનાં! કદાચ એટલે જ અમુક ‘ભક્તો’ આને તાંડવનૃત્ય પણ કહેતા હોય છે. જેની જેવી ભક્તિ એવી એની દૃષ્ટિ, અને જેવી જેની દૃષ્ટિ એવી એની સૃષ્ટિ! આ સૃષ્ટિમાં સત્ય-અસત્ય વચ્ચે, ધર્મ-અધર્મ વચ્ચે, તેજ-અંધાર વચ્ચે અને શિષ્ટાચાર-ભ્રષ્ટાચાર વચ્ચે નાનો અમથોય ભેદ જોવા નથી મળતો. અહીં અજવાળાનાં ઓટોગ્રાફ પણ ઘુવડ દ્વારા મળે છે અને પૂનમની કુંડળી પણ અમાસના શુભહસ્તે રચવામાં આવે છે. રાજકારણ એક એવી સૃષ્ટિ છે, જેમાં નહીં ગમતા અવાજને અંધારામાં અને ગમી જતા અવાજને અજવાળામાં ફેરવી નાખવાની મનોકસરતો અને મનોયત્નો પળે પળ ચાલતાં હોય છે. જેની પાસે અવાજની અસ્ક્યામત છે એને જ માઇક પર બોલવાનો અવકાશ છે. આ એક એવી સૃષ્ટિ છે કે જે સ્થળે ઉત્સવો – મહોત્સવો ઊજવાતાં હોય એ જ સ્થળે, જરૂર પડે અખાડાની આખી આલમ ઊભી કરી દેવામાં આવે છે. આશ્ચર્યની વાત તો એ છે કે જેમણે વિદ્વતાભર્યાં ભાષણો આપીને વિદ્વાન હોવાની ઇમેજ ઊભી કરી હોય છે એ જ વિદ્વાનો અવસર આવે પહેલવાનની ભૂમિકા પણ બખૂબી ભજવી જાય છે. અહીં રમાતી રાજકુસ્તીના નિયમો પણ જે તે પહેલવાન પોતે જ બનાવે છે અને એ જ સાનુકૂળ સમયે નિયમો તોડે પણ છે, બદલે પણ છે. અહીં જે હોવું જોઈએ એમાંનું કશું જ ફ્લેક્સિબલ હોતું નથી અને જે ન હોવું જોઈએ એ બધું જ ફ્લેક્સિબલ હોય છે. અહીંની સૃષ્ટિ જ અનોખી છે. એ રાતને પણ દિવસમાં અને દિવસને પણ રાતમાં કન્વર્ટ કરી શકે છે. કીમિયાગરો તો કંઈપણ કરી શકે સાહેબ!

રાજકારણને કેટલાક લોકો રાજ્યશાસ્ત્ર કે પોલિટિકલ સાયન્સના નામે ઓળખાવે છે, હકીકતમાં એ દર્શનશાસ્ત્ર છે. એમાં જે, જેવું અને જેટલું ‘દર્શન’ સમાયું છે એ, એવું અને એટલું તો કોઈ પૌરાણિક શાસ્ત્રોમાં પણ નથી સમાયું. અહીં રાજકારણનો ઇતિહાસ અને રાજકારણીઓની ભૂગોળ સતત બદલાતાં રહે છે. રાજકારણનો ઇતિહાસ રચાય છે ક્ષણે ક્ષણે અને બદલાય છે ચૂંટણીએ ચૂંટણીએ, ન્યૂ ચાણક્યના ‘અવળનીતિ શાસ્ત્ર’માં તો એવોય ઉલ્લેખ છે કે રાજકારણનો અને પૂરા સમાજકારણનો ઇતિહાસ રચાય છે સહકારે સહકારે પણ બદલાય છે સરકારે સરકારે. આવું જ રાજકારણીઓની ભૂગોળનું છે. અહીં નાનું એવું ખાબોચિયું વિશાળ તળાવ કે સરોવરમાં અને નાનું અમથું ઝરણું ગંગા જેવા વિશાળ પટમાં ફેરવાઈ જાય છે તો બીજી બાજુ હિમાલય જેવો હિમાલય પણ સાવ નાની ટેકરીમાં બદલાઈ જાય છે. અહીં તો સાહેબ એક જ વાત નિશ્ચિત છે કે કશુંય નિશ્ચિત નથી!

રાજકારણ એક વિશિષ્ટ પ્રકારનું સાહિત્ય પણ છે. કેટલાક આ સાહિત્યને શિષ્ટ કે પ્રશિષ્ટ સાહિત્ય તરીકે પણ ઓળખાવે છે. રાજકારણ એવું એક વાક્ય છે, જેમાં પક્ષપલટુ અલ્પવિરામ બનીને, અને માર્ગદર્શક મંડળમાં જનારા પૂર્ણવિરામ બનીને રહે છે. અહીં કશુંય શ્લીલ-અશ્લીલ જેવું નથી. પસંદ પડે એ બધું શ્લીલ અને માફક ન આવે એ બધું શ્લીલ હોય તો પણ અશ્લીલ! અહીં કેટલાક રાજકારણીઓ નવલિકા કે ટૂંકી વાર્તા જેવા હોય છે. તમે એને ઓળખવાનો – આઇમીન વાંચવાનો હજુ આરંભ જ કરો, ત્યાં તો એનો અંત આવી જાય છે. કેટલાક એબ્સર્ડ સ્ટોરી જેવા હોય છે. વાંચો પણ સમજાય નહીં. કેટલાક વળી માઇક્રો ફિક્શન સ્ટોરી જેવા હોય છે. નીકળ્યા હોય છે નવલકથા કે મહાકથા બનવા, પણ લઘુકથાય બની શકતા નથી અને રહી જાય છે છેવટે માઇક્રોફિકશન સ્ટોરી બનીને! આ બધામાં આગળ નીકળી જાય છે એવા રાજકારણીઓ જેઓ, એવરગ્રીન ક્રાઇમ ક્વીન તરીકે ઓળખાતી અંગ્રેજી લેખિકા અગાથા ક્રિસ્ટીની ક્રાઇમ નોવેલ, થ્રિલર સ્ટોરી કે પછી સસ્પેન્સ નોવેલ જેવા હોય છે અને છેવટે આ લોકો જ મેદાનમાં રમી જાય છે અને મેદાન મારી જાય છે!

મોટામાં મોટો સવાલ એ છે કે રાજકારણ શું નથી? રાજકારણ બધું જ છે, સિવાય રાજનીતિ! રાજનીતિ અને રાજકારણમાં બહુ જ માઇક્રોચિપ જેવી પાતળી ભેદરેખા છે. રાજકારણમાં ભેળસેળ છે એવી ભેળસેળ આજસુધી નથી કોઈ મીઠાઈની પ્રોડક્ટમાં કે નથી તો કોઈ અનાજ, કઠોળ, તેલ-ઘી કે અન્ય ખાદ્યપદાર્થોમાં! કેટલાક આ ભેળસેળને ‘સહકારી વસાહત’ તરીકે પણ ઓળખાવે છે.

ડાયલટોન : 

યક્ષ : રાજકારણનાં બે ફેફસાં કયાં?યુધિષ્ઠિર : મત અને ખુશામત!

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન