રાજકારણમાં લોકકારણના પુરસ્કર્તા ઠાકોરભાઈ દેસાઈ - Sandesh
  • Home
  • Columnist
  • રાજકારણમાં લોકકારણના પુરસ્કર્તા ઠાકોરભાઈ દેસાઈ

રાજકારણમાં લોકકારણના પુરસ્કર્તા ઠાકોરભાઈ દેસાઈ

 | 1:19 am IST

ઘટના અને ઘટન :-  મણિલાલ એમ. પટેલ

આજથી ૪૭ વર્ષ પહેલાં જેમણે જગતમાંથી વિદાય લીધી તેવા ગુજરાતના લોકસેવક અને વિશિષ્ટ મૂલ્યનિષ્ઠ રાજપુરુષ ઠાકોરભાઈ દેસાઈની આજે પુણ્યતિથિ છે. આજે રાજકારણમાં મૂલ્યો સાવ ખાડે ગયાં છે, સેવા નહીં પણ યેનકેન પ્રકારે સત્તાપ્રાપ્તિ જ રાજકારણનું ધ્યેય બની ગયું છે તથા સત્તાને સેવાનું માધ્યમ નહીં પણ સાધ્ય માનવામાં ઔઆવે છે એવા રાજકીય માહોલમાં ઠાકોરભાઈ દેસાઈ જેવા લોકસેવક રાજનેતાનું આપણને વધુ સ્મરણ થાય તે સ્વાભાવિક છે.

આઝાદી પછીનો એક એવો ગાળો ૧૯૬૯ સુધી હતો કે આઝાદીની લડત અને ત્યાર બાદ રચનાત્મક સંસ્થાઓમાં સેવા અને વહીવટની કામગીરી તથા અનુભવ બાદ કાર્યકરો રાજકારણમાં આવતા હતા અને ત્યારબાદ પ્રધાન કે પક્ષપ્રમુખ બનતા હતા. આજે તો સીધા સાંસદ, ધારાસભ્ય કે પ્રધાન બનીને કમાઈને પછી કોઈ સંસ્થા કમાણીનાં કાયમીનાં સાધન તરીકે ઊભી કરવાની પ્રથા શરૂ થઈ છે. ગાંધીજી અને રવિશંકર મહારાજના માર્ગે ચાલીને જેમએે રાજકારણને આપદ્ધર્મ તરીકે સ્વીકારીને સત્તા-લાલસા વિના જીવન સમર્પિત કર્યું તેમાં ગુજરાતમાં સરદાર, મોરારજી દેસાઈ, ઢેબરભાઈ, ઠાકોરભાઈ દેસાઈ, રતુભાઈ અદાણી, બાબુભાઈ જ. પટેલ જેવા અનેક સંનિષ્ઠ લોકસેવક રાજપુરુષો હતા. આજે તો કોઈ નેતા એમ કહે કે, હું સેવા માટે રાજકારણમાં આવ્યો છું તો લોકોને મોટી મજાક જેવું લાગે છે.

ગુજરાતની રાજનીતિમાં મોરારજી દેસાઈની તોલે મૂકી શકાય તેવું કોઈ નામ હોય તો તે ઠાકોરભાઈ દેસાઈનું હતું. ગેરસમજ થાય તો વહોરીને પણ સાચી લાગતી વાત નિર્ભેળ અને નિર્ભય રીતે શબ્દો ચોર્યા વિના કહેવાની મોરારજીની આબેહૂબ લાક્ષણિકતા ઠાકોરભાઈમાં હતી. તેમનું જીવન આજના કોઈ પણ પક્ષના રાજનેતાઓ માટે પ્રેરણાદાયી હતું. સાંસદ, ધારાસભ્ય કે પ્રધાન થઈને જ પ્રજાની સેવા થઈ શકે તેવું ઠાકોરભાઈ કદાપિ માનતા નહીં. કોંગ્રેસપ્રમુખના ઉચ્ચ હોદ્દા પર હોવા છતાં તેમણે કદી પોતાને માટે ટિકિટની માગણી કરી ન હતી. ૧૯૫૭માં તેમને રાજ્યસભામાં મોકલવાની વાત થઈ ત્યારે તેમણે તેમના સ્વભાવ પ્રમાણે કહેલું કે, ત્યાં જઈને મારે શું મંજીરાં વગાડવાનાં!

૧૯૨૪થી ૧૯૪૫ સુધી ઠાકોરભાઈ ત્રણ વાર જેલમાં ગયા. ૧૯૫૨માં કોંગ્રેસના મંત્રી અને ૧૯૫૮ સુધી પ્રમુખ રહ્યા. કોઈ પક્ષનો પ્રમુખ કેવો હોય તેનું તેઓ ઉત્તમ ઉદાહરણ હતા. સ્ટેડિયમ પાસેના નવજીવન બ્લોકથી બપોરે ૨ વાગે ચાલતા ભદ્રના કોંગ્રેસભવન જતા. જવાનો ૨ વાગ્યાનો સમય નક્કી પણ પાછા આવવાનો કોઈ સમય નક્કી નહીં. કોંગ્રેસભવનમાં બેસીને સંગઠનનું કામ કરે અને નાનામાં નાના કાર્યકરને ઔસાંભળે. આજે રાજકીય પક્ષોમાં આવા પક્ષપ્રમુખો કેટલા?

૧૯૬૨માં કાર્યકર્તાના ભારે આગ્રહને કારણે ચૂંટણી લડયા પણ હાર્યા, ત્યારે અનેક કાર્યકરોએ ચૂંટણીમાં થયેલી દેખીતી ગેરરીતિઓને કારણે ચૂંટણીને હાઇકોર્ટમાં પડકારવાનો આગ્રહ કર્યો. એ સમયે ઠાકોરભાઈએ કહેલું કે, હાર્યા એટલે હાર્યા. સ્વીકારવાનું એમાં પડકારવાનું શેનું? એ પછીના ગાળામાં વિધાનસભામાં ચૂંટાયા તે સમયે હિતેન્દ્ર દેસાઈ મુખ્યમંત્રી હતા. ચૂંટણી પહેલાં જ એવું વાતાવરણ હતું કે, આપણે ઠાકોરભાઈને માત્ર ધારાસભ્ય નહીં પણ ભાવી મુખ્યમંત્રી ચૂંટીએ છીએ. આ અંગે હિતેન્દ્ર દેસાઈએ મોરારજીને ફરિયાદ કરી અને છાપામાં આ અંગેના હેવાલો પણ આવતા, ઠાકોરભાઈ બીજા જ દિવસે હિતેન્દ્રભાઈને મળવા ગયા અને સ્પષ્ટ કહ્યું કે, મારે મુખ્યમંત્રી થવું જ નથી અને થવું હોય તો મને કોઈ રોકી શકે તેમ પણ નથી પણ આવી જાહેર ચર્ચાઓ બંધ થવી જોઈએ, કેમ કે આવી ચર્ચાઓ પક્ષની પ્રતિષ્ઠાને ભારે નુકસાન પહોંચાડે છે. ઠાકોરભાઈનો તે સમયે પક્ષના સંગઠન પર એવો પ્રબળ પ્રભાવ હતો કે તેમના માટે મુખ્યમંત્રી બનવાનું આસાન હતું. જવાહરનું મંત્રીમંડળ વલ્લભભાઈ જેવા સાથીથી શોભતું તેમ હિતેન્દ્રભાઈનું પ્રધાનમંડળ ઠાકોરભાઈ જેવાની હાજરીથી શોભતું ને કાર્યરત હતું. ઠાકોરભાઈએ તે સમયે કહેલું કે લોકો સત્તા, સંપત્તિ અને સ્ત્રી માટે રાજકારણમાં આવે છે. વિધાનસભાનો દરેક સભ્ય એમ માનતો હોય છે કે, હું પ્રધાન નહીં, મુખ્ય પ્રધાન થવાને લાયક છું. મારા ગ્રહો મજબૂત નથી. મારે મોવડીમંડળ સાથે ઘનિષ્ઠ સંબંધ નહીં હોવાથી હું મુખ્યમંત્રી નથી બની શક્યો. બાકી હું મુખ્ય પ્રધાન થઈ શકું. અંતે પોતાને મુખ્યમંત્રીનાં પદને લાયક માનનારાને કોઈ સામાન્ય સમિતિના ચેરમેન તો શું સામાન્ય સભ્યપદ મળી જાય તો પણ રાજી રાજી થઈ જાય.

ઠાકોરભાઈ કોંગ્રેસપ્રમુખ હતા ત્યારે સારસામાં કોંગ્રેસના ઉમેદવારનો પ્રચાર કરવા ગયેલા. કોંગ્રેસના ઉમેદવાર સામે વિપક્ષના સ્વતંત્ર પક્ષના ઉમેદવાર ભાઈકાકા હતા. તેમણે ભાષણમાં કહ્યું કે, હું કોંગ્રેસનો પ્રમુખ છું એટલે કોંગ્રેસનો ઉમેદવાર ચૂંટાય તેમજ ઇચ્છું અને મને એ જ ગમે, છતાં વિધાનસભામાં સારા માણસોની પણ ખૂબ જરૂર છે એટલે ભાઈકાકાને જિતાડીને મોકલવા જોઈએ, તે હારી ન જાય તે જોજો. આ ઘટના સૂચવે છે કે ઠાકોરભાઈ કેવી ઉત્તમ લોકશાહીના હિમાયતી હતા. આજે કોઈ પક્ષપ્રમુખ આવું બોલવાની હિંમત કરે તો બીજા જ દિવસે બિચારાને ઘરભેગા થઈ જવું પડે. ઠાકોરભાઈ પ્રધાન હતા ને શાહીબાગમાં રહેતા હતા. એક દિવસ દક્ષિણ ગુજરાતના અભણ-ગરીબ આદિવાસી છેક સુરતથી તેમને મળવા આવતા, તેમનો પ્રશ્ન એ હતો કે તેઓ જે જમીન પર ખેતી કરતા હતા તે સરકારી જમીન હતી અને સરકાર કેસ જીતી ગઈ હતી. સરકાર કેસ જીતી એ વર્ષે આદિવાસીઓએ તે જમીનમાં ઘઉં વાવ્યા હતા અને તેનો પાક તૈયાર થઈ ગયો હતો. સરકારી અધિકારીઓનું અર્થઘટન એવું હતું કે સરકાર કેસ જીતી હોવાથી ઘઉં પણ સરકારના જ ગણાય, જ્યારે પાકેલા ઘઉં એ આદિવાસીઓ માટે બાર મહિનાનો રોટલો હતો. ઠાકોરભાઈએ અધિકારીને બોલાવ્યા અને કહ્યું કે, શાહીબાગના પ્રધાનોના બંગલામાં શાકભાજી ઉગાડાય છે અને તેનો ઉપયોગ પ્રધાનો કરે છે તેની આવક સરકારમાં જમા થતી નથી, તો ઘઉં સરકારના કેવી રીતે કહેવાય. ઠાકોરભાઈએ આદિવાસીઓને કહ્યું કે, જમીનનો કબજો આપી દો અને ઘઉં તમારે ઘરે લઈ જાવ. કોઈ પૂછે તો કહેજો કે ઠાકોરભાઈએ કહ્યું છે, છતાં મુશ્કેલી પડે તો હું જાતે ત્યાં આવીશ. આમ પ્રજાની સમસ્યાને સાચા અર્થમાં સમજનારા આવા લોકાભિમુખ વહીવટના આગ્રહી ને હિમાયતી નેતાઓ આજે કેટલા? આજે તો નેતાઓ સરકારી અધિકારીઓની સલાહ પ્રમાણે ચાલે છે અને અધિકારીઓ તેમને ગેરમાર્ગે દોરે છે, પરિણામે વહીવટ પ્રજાભિમુખને બદલે પ્રજાવિમુખ થતો જોવા મળે છે.

રાજકારણમાં આવ્યા પહેલાં અને પછી પણ ઠાકોરભાઈ ગૂજરાત વિદ્યાપીઠ અને નવજીવન પ્રેસ સાથે ગાઢ રીતે સંકળાયેલા રહ્યા. વિદ્યાપીઠના વિદ્યાર્થીને શિક્ષકથી કુલનાયક સુધી પહોંચ્યા. નવજીવનના યંગ ઈન્ડિયા અને નવજીવન જેવા પત્રોનાં સંપાદનકાર્યથી તેના મેનેજિંગ ટ્રસ્ટી સુધીની સેવાઓ આપી. તેમને મન રાજકારણ એ લોકકારણ હતું. આજે આવા રાજનેતાઓની પેઢી ને જાતિ લુપ્ત થતી જાય છે. માત્ર સત્તા-સંપત્તિ માટે રાજકારણમાં આવનારાની જમાત કૂદકે ને ભૂસકે વધતી જાય છે. સારો માણસ પણ રાજકારણનાં કુંડાળામાં પડયા પછી ઝડપથી બગડી જાય છે ત્યારે જેમને સત્તાનો મદ કે કાટ જરાયે ચડયો ન હતો તેવા ઠાકોરભાઈ દેસાઈની સ્મૃતિ વધુ તાજી થાય છે.