રાજકારણ : કાળની કસોટી પર આઇન્સ્ટાઇન - Sandesh
  • Home
  • Columnist
  • રાજકારણ : કાળની કસોટી પર આઇન્સ્ટાઇન

રાજકારણ : કાળની કસોટી પર આઇન્સ્ટાઇન

 | 2:06 am IST

ઓવર વ્યૂ

અંદાજે સો વર્ષ પહેલાં આલ્બર્ટ આઇન્સ્ટાઇને પોતાના સૌથી ચર્ચિત સાપેક્ષવાદના સિદ્ધાંતની પરિકલ્પના રજૂ કરી હતી. સિદ્ધાંત આજે પણ સાચો સાબિત થઇ રહ્યો છે. અનેક પ્રયોગોની મદદથી તે સિદ્ધાંતને સમર્થન મળતું રહે છે. હકીકતે ગેલિલિયો, યુક્લિડ અને ન્યૂટન જેવા વિજ્ઞાનીઓએ પૃથ્વી, આકાશ અને ગુરુત્વાકર્ષણ વગેરે વિષયે જે સંશોધનોનો આરંભ અને તેનું સંવર્ધન કર્યું હતું અને ભૌતિક વિજ્ઞાનમાં જે જડતાવાદને જન્મ આપ્યો હતો તેના મૂળ સિદ્ધાંત ગુરુત્વાકર્ષણના સિદ્ધાંત પર આલ્બર્ટ આઇન્સ્ટાઇને ૧૯૨૧માં અમેરિકાના પ્રિન્સ્ટન ખાતે આપેલા ચાર વ્યાખ્યાને તે સિદ્ધાંતમાં જ ઊથલપાથલ સર્જી દીધી. આઇન્સ્ટાઇનના સાપેક્ષતાના સિદ્ધાંતે ભૌતિકશાસ્ત્રમાં ક્રાંતિ લાવી દીધી. અંતરિક્ષ અને કાળ વિષે આપણે જે માન્યતા ધરાવતા હતા તેમાં મૌલિક પરિવર્તન આવી ગયું.આઇન્સ્ટાઇનની દૃષ્ટિને કારણે આપણે આપણી બ્રહ્માંડ અને અંતરિક્ષ વિષેની પરિકલ્પનાને એટલે દૂર સુધી લઇ જવી પડી કે વીતેલા જમાનામાં તેનું કોઇ ઉદાહરણ પણ નહોતું મળતું.

આલ્બર્ટ આઇન્સ્ટાઇનનો જન્મ ૧૪ માર્ચ ૧૮૭૯ના રોજ જર્મનીના ઉલ્મનગરમાં એક સાધારણ યહૂદી પરિવારમાં થયો હતો. તેમના પિતા હરમન આઇન્સ્ટાઇન અને કાકા જેકબ આઇન્સ્ટાઇને જોયું કે બાલસુલભ તોફાનમસ્તી અને ખેલકૂદમાં આઇન્સ્ટાઇનનું મન નહોતું લાગતું. શાળાનું અનુશાસિત વાતાવરણ તેમને સારું નહોતું લાગતું. પરંતુ તેમના કાકાએ આઇન્સ્ટાઇનને એ રીતે ગણિત શીખવાડવાનું શરૂ કર્યું કે બીજગિત અને ભૂમિતિમાં તેમની રુચિ વધતી જ ગઇ. તેમને ગણિત ખૂબ ગમવા લાગ્યું. તેમના પિતાએ તેમને એક હોકાયંત્ર લાવીને આપ્યું તો તેમને ખૂબ ગમ્યું. હોકાયંત્રની સોય હંમેશાં ઉત્તર દક્ષિણ રહેતી હતી. તે જોઇને તેમને ખૂબ આૃર્ય થયું. તે હોકાયંત્રે તેમના જીવનની દિશા બદલવામાં ખૂબ મદદ કરી. આલ્બર્ટની માતાને સંગીતનું સારું જ્ઞાન હતું. માતા તેમને સંગીત શીખવાડવા લાગ્યા. ગણિત અને સંગીત બંને આઇન્સ્ટાઇનના પ્રિય વિષય બની રહ્યાં.

વર્ષ ૧૯૦૨માં આઇન્સ્ટાઇનને યંત્ર બનાવનારી એક સ્વિસ કંપનીમાં નોકરી મળી ગઇ. તે વખતે તેમને સંશોધન કરવાની પૂરી તક પણ મળી. ૧૯૦૮માં તેમને બર્ન વિશ્વવિદ્યાલયમાં લેક્ચરરના રૂપમાં નિમણૂક મળી. ૧૯૧૨માં આઇન્સ્ટાઇને ગુરુત્વાકર્ષણ પર કામ કર્યું. ૧૯૨૧માં ઝયુરિચ પાછા ફર્યા અને તેમને ત્યાં પોલિટેકનિકમાં નિમણૂક મળી. તે પછી એપ્રિલ ૧૯૧૪માં બર્લિન આવ્યા. તેમને અહીં પ્રોફેસર તરીકે નિમણૂક તો મળી પણ ભણાવવાની જવાબદારીમાંથી મુક્તિ મળી. તેને કારણે સંશોધન કરવાની પૂરી તક મળી. ૧૯૨૧માં નોબેલ પુરસ્કારની જાહેરાત થઈ તે પહેલાં તેમણે ૧૯૧૫માં સાપેક્ષતાના સિદ્ધાંત પર નવી જાણકારીઓનું પ્રકાશન કર્યું હતું. વર્ષ ૧૯૧૯મા ંસૂર્યગ્રહણની ઘટના વખતે આઇન્સ્ટાઇને પોતાના પ્રકાશ સંબંધી સિદ્ધાંતને સાબિત કરી દીધો અને લંડન   ટાઇમ્સે ૭ નવેમ્બર, ૧૯૧૯ના રોજ લખ્યું કે ન્યૂટનનો સદીઓ જૂનો સિદ્ધાંત ખોટો સાબિત થઇ ગયો. પરંતુ આઇન્સ્ટાઇનની આટલી પ્રસિદ્ધિ અને નોબેલ પુરસ્કાર જર્મનવાસીઓને હજમ ના થયો. ૧૯૨૦માં આઇન્સ્ટાઇન વ્યાખ્યાન આપવા આવે તે પહેલાં જ તેમના વિરોધમાં દેખાવો શરૂ થઇ ગયા. યહૂદી વિરોધી લાગણીઓ ભડકવા લાગી. આઇન્સ્ટાઇન જર્મન નહોતા તે બદલ તેમની ટીકાઓ થવા લાગી. પરંતુ આઇન્સ્ટાઇન પોતાના વિચારોમાં જરાપણ ના ડગ્યા. ૧૯૨૧માં તેઓ પહેલીવાર અમેરિકા પહોંચ્યા. પોતાના વતન અર્થાત ભાવિ ઇઝરાયેલમાં હિબ્રૂ વિશ્વવિદ્યાલય માટે ભંડોળ એકત્ર કરવા આઇન્સ્ટાઇન અમેરિકા પહોંચ્યા હતા. ત્યાં તેમનું ભારે સ્વાગત થયું. તેઓ ઠેર ઠેર વ્યાખ્યાન આપતા આગળ વધી રહ્યા હતા. બીજા દેશોએ પણ તેમને નિમંત્રણ આપ્યું. તેમણે યુરોપના દરેક દેશની રાજધાનીમાં વ્યાખ્યાન આપ્યાં. તેઓ એશિયાઇ દેશો, મધ્ય પૂર્વના દેશો, લેટિન અમેરિકાના દેશોમાં પણ પહોંચ્યા. તેમને દરેક સ્થાને સન્માન અને પ્રેમ મળ્યા. તેઓ શ્રીલંકામાં વસી રહેલા હિંદુઓથી પણ ખૂબ પ્રભાવિત થયા. તેમને જાપાની ખૂબ બુદ્ધિમાન અને પ્રતિભાવંત લાગ્યા. તેઓ ચીન પણ ગયા હતા. પોતાના કામમાં તેઓ એટલા તો મશગુલ રહેતા હતા કે ડિસેમ્બર ૧૯૨૨માં નોબેલ પુરસ્કાર સ્વીકારવા તેમને સ્વીડન બોલાવવામાં આવ્યા ત્યારે પણ તેઓ પહોંચી નહોતા શક્યા. ૧૯૨૩માં તેઓ પેલેસ્ટાઇન જરૂર ગયા. ત્યાં તેમને તેમના અનોખા સિદ્ધાંતો બદલ તેમને અનેક પુરસ્કારો, પદકો અને સન્માનોથી નવાજવામાં આવ્યા. ૧૯૨૯નું વર્ષ આઇન્સ્ટાઇન માટે પચાસનું વર્ષ હતું. પરંતુ બીજી તરફ જર્મનીમાં યહૂદીઓ પ્રતિનો વિરોધ જોર પકડી રહ્યો હતો. નાઝીવાદના સંરક્ષણમાં યહૂદીઓને પકડી પકડીને તેમના પર અત્યાચારો થઇ રહ્યા હતા. વર્ષ ૧૯૩૨માં તેઓ ફરી અમેરિકા પહોંચ્યા. આ વખતે પ્રિન્સ્ટન વિશ્વવિદ્યાલયમાં નિમણૂક મળી. તેમના પર ભારે દબાણ હતું કે તેઓ અમેરિકા કે ઇંગ્લેન્ડમાં વસી જાય. જર્મનીમાં તેમનું વારંવાર અપમાન થયું હતું અને વિરોધ વધતો ગયો હતો. તેમ છતાં તેમને જર્મનીની પ્રેમ હતો. તેમણે નિર્ણય લીધો કે તેઓ પાંચ મહિના પ્રિન્સ્ટનમાં રહેશે અને બાકીના સાત મહિના બર્લિનમાં રહેશે. ડિસેમ્બર ૧૯૩૨માં તેઓ જર્મનીથી અમેરિકા માટે રવાના થયા. તે સમયગાળામાં જ અડોલ્ફ હિટલરે જર્મનીની સત્તા પર કબજો કર્યો. તે પછી આઇન્સ્ટાઇને જર્મની પાછા ફરવાનો ઇરાદો છોડી દીધો.

આઇન્સ્ટાઇન સાપેક્ષતાના સિદ્ધાંત વિકસાવી રહ્યા હતા તે વખતના કિસ્સાઓ પણ મશહૂર છે. આઇન્સ્ટાઇન પોતે ઘણીવાર હસતા હસતા તે કિસ્સા સંભળાવતા હતા. તેમના પત્ની એલ્સા પણ આ કિસ્સા સંભળાવતા રહેતા હતા. તેમના પત્નીએ જણાવ્યું હતું કે એક દિવસ આઇન્સ્ટાઇન નાસ્તાના ટેબલ પર આવ્યા ત્યારે નાસ્તાને હાથ પણ ના લગાવ્યા અને બીજી જ પ્રવૃત્તિમાં ખોવાયેલા હતા. પત્નીને લાગ્યું કે કદાચ બીમાર છે. પત્ની તેમના હાલચાલ પૂછવા લાગ્યા તો આઇન્સ્ટાઇન અચાનક બોલ્યા કે ગજબનો વિચાર આવ્યો છે. તેઓ કોફી પીવા લાગ્યા. લાંબો સમય વિચારોમાં ખોવાયેલા રહ્યા પછી તેઓ વાયોલિન વગાડવા લાગ્યા. તેઓ વાયોલિન વગાડતાં વગાડતાં વચ્ચે રોકાઇને કાંઇક લખવા લાગતા હતા અને ફરી વાયોલિન વગાડવા લાગતા હતા. પત્ની તેમને પૂછતાં કે વાત શું છે તો બસ એટલું જ કહેતા કે અનોખો વિચાર આવ્યો છે. વારંવાર પત્નીએ પૂછવા છતાં તેમણે હકીકતે શું થઇ રહ્યું છે તેની વાત કરવા ઇનકાર કરી દીધો હતો. વાયોલિનવાદન અને વચ્ચે વચ્ચે લખવું તે ક્રમ લાંબો સમય ચાલતો રહ્યો. પછી આઇન્સ્ટાઇન પોતાના અભ્યાસખંડમાં જતા રહ્યા. એક સપ્તાહ સુધી તેઓ બહાર ના આવ્યા. ભોજન પણ અંદર જ જતું હતું. સાત દિવસે તેઓ બહાર નીકળ્યા ત્યારે ચહેરો પીળો પડી ગયો હતો, પરંતુ પ્રસન્નતા પણ છવાયેલી હતી. તેમના હાથમાં બે કાગળ હતા. તે કાગળમાં સાપેક્ષતાનો સિદ્ધાંત લખેલો હતો. તેમના વિદ્યાર્થી, મિત્ર, પત્રકાર બધા તેમને કહેતા હતા કે સાપેક્ષતાનો સિદ્ધાંત જરા સરળ શબ્દોમાં સમજાવો. આઇન્સ્ટાઇને એક દિવસે સરળતાથી પણ સિદ્ધાંત સમજાવી દીધો. તેમણે કહ્યું કે તમારી પ્રિય વ્યક્તિ કે મિત્ર તમારી પાસે એક કલાક બેસે તો પણ તમને લાગશે કે હજી તો ગણતરીની મિનિટ જ થઇ છે. પરંતુ કોઇક અપ્રિય વ્યક્તિ પાંચ મિનિટ પણ તમારી સાથે બેસે તો લાગશે કે કલાકો વીતી ગયા. આ જ છે સાપેક્ષતાનો સિદ્ધાંત.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

;