રાજનીતિનો તદ્દન નવો રંગ : પૂતળાં પોલિટિક્સ!  - Sandesh
NIFTY 10,421.40 +194.55  |  SENSEX 33,917.94 +610.80  |  USD 65.0350 -0.13
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Columnist
  • રાજનીતિનો તદ્દન નવો રંગ : પૂતળાં પોલિટિક્સ! 

રાજનીતિનો તદ્દન નવો રંગ : પૂતળાં પોલિટિક્સ! 

 | 1:44 am IST

રિવરફ્રન્ટની પાળેથી :-  હર્ષદ પંડ્યા ‘શબ્દ પ્રીત’

આટઆટલા યુગો સુધી સૂર્યને પણ એ વાતની જાણ નહોતી કે મારા ઊગવાના સમયનો રંગ કેસરી હોય છે અને આથમવાના સમયનો રંગ લાલ હોય છે! એ તો એને હમણાં ખબર પડી! સૂરજદાદા મનોમન બોલી ઊઠયા : વાહ પોલિટિક્સ વાહ! મારાં કિરણોને પણ રંગભેદમાં ખપાવી દીધાં! શું તમારી કલરપોલિસી છે!

લાગે છે કે દેશનાં કોઈપણ રાજ્યમાં હવે કોઈપણ પક્ષની સરકાર બને અન્ય પક્ષના નેતા, મહાનેતા, મેગાનેતા કે મિલેનિયમ નેતાનાં પૂતળાંનું હવે આવી બન્યું!

રંગભેદ, વિચારભેદ, વર્ણભેદ, વર્ગભેદ, જાતિભેદ, ધર્મભેદ કે પક્ષભેદ જેવા વિવિધ ભેદના અભેદ કિલ્લાઓ તોડવાને બદલે દિવસે દિવસે આ સપ્તભેદોના કિલ્લાઓનો હરણફાળ વિકાસ થઈ રહ્યો છે એ રાજકારણ માટે કદાચ નફાનો ધંધો હશે પણ જનતાની સુખશાંતિ માટે ખોટનો ધંધો છે. જનતા જાણતી નથી એવું નથી, બધું જ જાણે છે, કારણ કે હવે એ પૂરેપૂરી જાગી ગઈ છે પણ એ સમયની રાહ જોઈ રહી છે. સમય જોઈને કે સમયની ધાર જોઈને એ પોતાનો કર્મયોગ શરૂ કરી દેવામાં માને છે. જનતા જ્યારે સમયને ઓળખીને પોતાનો કર્મયોગ શરૂ કરી દે છે ત્યારે અપ્રિયતાનાં શિખરે પહોંચેલી સત્તારાણીનો વિષાદયોગ શરૂ થાય છે. વિષાદ બે પ્રકારનો હોય છે. (૧) સાત્ત્વિક અને રાજસિક. અર્જુનનો વિષાદ સાત્ત્વિક હતો એટલે એને વિષાદમાંથી બહાર કાઢવા કૃષ્ણ હાજર હતા. જનતાની નજરે અપ્રિય બની ગયેલી સત્તારાણી કે સત્તારાજાનો વિષાદ રાજસિક હોય છે એટલે એ વિષાદમાંથી બહાર નીકળવા એણે સ્વયં પ્રયત્ન કરવો પડે છે, કેમ કે કોઈનો રાજસિક વિષાદ દૂર કરવો એ કૃષ્ણનો વિષય નથી.

ત્રિપુરામાં હજુ સત્તાનું પરિવર્તન થયું, ત્યાં તો વેરઝેર અને દ્વેષ-ઈર્ષાનો બદલો લેવાનું પુનરાવર્તન શરૂ થઈ ગયું! રાજકીય પંડિતોનું માનવું છે કે આવી ઘટનાઓ એવા જ દેશોમાં બનતી હોય છે જ્યાં લોકશાહીનું શાસન નથી પણ ભારતમાં તો ફુલટાઇમ લોકશાહી છે! તેમ છતાં પૂતળાં તોડી પાડવાની ઘટનાઓ બનવા માંડી એ જ બતાવે છે કે લોકશાહીને આપખુદશાહીની બીમારી લાગુ પડવા માંડી છે. લોકશાહીમાં કોઈપણ વ્યક્તિને, કોઈપણ સંસ્થાને, કોઈપણ પાર્ટીને કે કોઈપણ શાસકને એવી બાદશાહી તો નહીં જ મળવી જોઈએ કે એ કોઈપણનાં પૂતળાં તોડી પાડે. બાદશાહીમાં લોકશાહી સંભવી શકે પણ લોકશાહીમાં આવી બાદશાહી ક્યારેય સંભવી શકે નહીં. લોકશાહી અને બાદશાહીમાં ફરક છે સાહેબ!

ત્રિપુરામાં આવી અમંગળ ઘટના ગયા મંગળવારે બની અને એના પડઘા અન્ય રાજ્યોમાં પ્રતિષ્ઠિત થયેલાં પૂતળાં સુધી પહોંચ્યા. પૂતળાં તોડનારાઓને આપણે એટલું જ પૂછીએ કે હે બહાદુરો, આવું કૃત્ય તમે તમારા ઘરની દીવાલ પર ટિંગાતા સદ્ગત વડીલોના ફોટા સાથે કરવાની હિંમત કરો ખરા? જરા એટલું તો વિચારો દોસ્તો, કે વ્યક્તિ ભલે વ્યક્તિ મટીને ફોટો બને કે પૂતળું બને, ભલે એનામાં પ્રાણ નથી પણ પ્રતિષ્ઠા તો છે! પ્રાણપ્રતિષ્ઠા પામવાનો અધિકાર માત્ર મંદિરોમાં સ્થપાતી મૂર્તિઓને જ હોય અને પૂતળાંઓને ન હોય એવું નથી મિત્રો! પૂતળાં બોલતાં નથી એનો અર્થ એવો નથી કે આપણે એની સાથે કોઈપણ દુર્વ્યવહાર કરીએ. પૂતળાં બોલતાં તો હોય છે પણ આપણે એ સાંભળી શકતા નથી. સાંભળી શકતા હોઈએ તો સમજી શકતા નથી. કદાચ સમજી શકતા હોઈએ તો આપણે આપણી જ જાતને છેતરવા માટે એ અવાજને નજરઅંદાજ કરીએ છીએ!

ત્રિપુરામાં ડાબેરીઓના આદર્શ અને રશિયન ક્રાન્તિના જનક વ્લાદિમીર લેનિનની જમીનદોસ્ત થઈ ગયેલી પ્રતિમાએ, તૂટી જવાનું દુઃખ હોવા છતાં, અસહ્ય પીડાની પારાવાર અનુભૂતિ થવા છતાં પોતાના ચહેરા પરના એ જ સ્મિતને સહેજ પણ કરમાવા દીધું નથી, તો બીજી બાજુ ગાંધીજીની પ્રતિમાને પણ કેટલાક અસામાજિક બળોએ પોતાનું બળપ્રદર્શન કરી ખંડિત કરવાનો અટકચાળો કર્યો. કેટલાક અટકચાળા રોગચાળા જેવા ચેપી હોય છે, એને ફેલાતાં વાર નથી લાગતી. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા, ડો. શ્યામાપ્રસાદ મુખરજીની પ્રતિમા અને પેરિયાર તરીકે જાણીતા ઈવીઆર રામાસ્વામીની પ્રતિમા પણ ખંડિત બનવામાંથી બાકાત રહી નથી. આ તમામે તમામ પ્રતિમાઓ ઉપર આટલો બધો જુલમ થયો તેમ છતાં એમના ચહેરા પરની સ્વસ્થતા અને સ્થિતપ્રજ્ઞાતામાં સહેજ પણ ફરક નથી પડયો. જીવતા મનુષ્ય અને ‘જીવંત’ પ્રતિમા વચ્ચે આટલો ફરક છે સાહેબ! માણસો ચેતન હોવા છતાં જડ હોય છે તો પ્રતિમાઓ જડ હોવા છતાં ચેતન હોય છે.

જમીનદોસ્ત બનેલી લેનિનની પ્રતિમાએ ગાંધીબાપુની ખંડિત પ્રતિમાને પૂછયું : ‘તમારા દેશમાં સદેહે તો હું આવી શક્યો નહોતો, એક પૂતળારૂપે – એક પ્રતિમારૂપે હું આવ્યો તોય તમારા દેશનાં કેટલાંક લોકોએ મારી આવી દશા કરી? એય તે પ્રતિમારૂપે સ્થાયી થયાનાં ૨૫ વર્ષ પછી? શક્ય છે કે મારા નવા નવા ચાહકોને એવું લાગ્યું હશે કે લેનિનની પ્રતિમા જૂની થઈ ગઈ છે, તો લાવ એની જગ્યાએ આધુનિક પહેરવેશવાળા લેનિનની આધુનિક પ્રતિમા મૂકીએ! જોકે આવું લાગવું એ એમના માટે પાર્ટીસહજ છે. આવું વિચારીને મને ખસેડવાનું કામ કર્યું હોય તો એ સારું છે પણ ખસેડવામાંય થોડો વિવેક જાળવ્યો હોત તો મને લાગત કે ભારતીય લોકો પૂતળાંની કે પ્રતિમાની પણ મહેમાનનવાજી ખરેખર સારી રીતે કરી જાણે છે! મારી વિચારસરણી સાથે મેળ નહોતો પડતો, તો ચર્ચાવિચારણા કરીને પણ એનો કોઈ ઉકેલ લાવી શકાયો હોત. અહીં તો લોકશાહી છે, વળી આજે તો એવી વિકસિત લોકશાહી છે કે એકબીજા સાથે સંવાદ સાધીને પણ સમસ્યાનું સમાધાન થઈ શક્યું હોત. આવશ્યકતા મુજબ છુટ્ટા હાથની કસરત પણ થઈ શકી હોત, કારણ કે આવુંં કરવામાં સહેજ પણ શરમ અનુભવવાની હવે તો મનાઈ ફરમાવાઈ ગઈ હોય એવું તમારા દેશની વિધાનસભાઓમાં અને સંસદમાં પણ જોવા મળે છે!

લેનિનની આ વાત ગાંધીબાપુએ નતમસ્તક થઈને ચૂપચાપ સાંભળી લીધી. એક ભારેખમ નિસાસો નાખીને એમણે ક્ષોભ અનુભવતાં કહ્યું : ‘લેનિનજી, મારા દેશનાં કેટલાંક નાદાન લોકોએ, બાળબુદ્ધિમાં આવી જઈને તમારું અપમાન કર્યું છે એ બદલ હું માફી માગું છું. આપણા જેવા નેતાઓની આ જ નિયતિ છે કે જીવતેજીવ આપણા પર ફૂલ વરસાવે અને મૃત્યુ બાદ આવા હાલ કરે… તમે એવું નહીં માનતા કે એ નાદાનોએ ફક્ત તમને જ ખંડિત કર્યા છે, એવું નથી ભાઈ, મને, આંબેડકરજીને, મુખરજીને અને પેરિયારજીને પણ ખંડિત કરીને અપમાનિત કર્યા છે, લેનિનજી, આજે હું વિચારું છું કે મેં કરેલી સ્વચ્છતા ચળવળનો અર્થ આ લોકોએ શું આવો ઘટાવ્યો કે જાહેર સ્થળોએથી પ્રતિમાઓને તોડીને રસ્તો સાફ કરી નાખવો? સાચું કહું લેનિનજી, ૧૯૪૭ની ત્રીસમી જાન્યુઆરીએ સાંજે મારી છાતીમાં ત્રણ ત્રણ ગોળીઓ ધરબી દીધેલી ત્યારે જે દર્દ નહોતું થયું, એનાથીય વધારે દર્દ અત્યારે ખંડિત થવાથી થયું છે. મને ગોળીએ વીંધનારો પણ મારા દેશનો જ હતો અને આજે ખંડિત કરનારો પણ મારા દેશનો જ છે, હું ફરિયાદ કરું તોય કોની કરું? આજે મને એક સવાલ અંદરને અંદર દઝાડી રહ્યો છે કે દેશને આઝાદી અપાવવામાં અમે લોકોએ ખરેખર ઉતાવળ કરી’તી કે શું?’

આટલું સાંભળીને લેનિનની પ્રતિમાએ બાબાસાહેબ આંબેડકરની અને પેરિયારજીની પ્રતિમાઓ સામે ઉદાસ નજરે જોયું કે એ કંઈક દુઃખ વ્યક્ત કરે છે? પણ બાબાસાહેબ અને પેરિયારજીની આંખોમાંથી વેદનાનો અને કરુણાનો એક જ સૂર આંસુ બનીને રેલાઈ રહ્યો’તો કે કેટલાક માણસો માણસાઈના દીવાને ભલે બૂઝવી નાખે, અમે ફરીથી એ અંધારામાં એક નવા સૂરજને પ્રગટાવીશું!

ચૂસકી : 

  • હસતા રહો મિત્રો, શું ખબર ક્યારે લગ્ન થઈ જાય…!

;