Pomegranate Farming Benefit and Loss
  • Home
  • Agro Sandesh
  • જાણો અહીં અનેક રોગમાંથી મુક્તિ અપાવતા ફળ દાડમના ફાયદા અને ગેરફાયદા

જાણો અહીં અનેક રોગમાંથી મુક્તિ અપાવતા ફળ દાડમના ફાયદા અને ગેરફાયદા

 | 8:00 am IST

દાડમ માત્ર ભારતમાં જ નહીં પરંતુ આખી દુનિયામાં લોકપ્રિયતા ધરાવતું ફળ છે. દાડમનું મૂળ વતન ઈરાન, ઈરાક તથા પર્સિયા હોવાનું મનાય છે. દાડમ સખત પ્રકારનો પાક હોય, ભારતના તેમજ આપણા રાજ્યના સૂકા તેમજ અર્ધ સૂકા વિસ્તાર માટે ખૂબ જ અનુકૂળ આવે છે. આ ફળ તેના વતનથી માંડી ભારતમાં કાશ્મીરથી કન્યાકુમારી સુધી જોવા મળે છે. આમ છતાં તેની મુખ્ય ખેતી મહારાષ્ટ્રમાં છે. આ ઉપરાંત ગુજરાત, કર્ણાટક, આંધ્ર પ્રદેશ, તામિલનાડુ તથા રાજસ્થાનમાં પણ તેની ખેતી થાય છે. હાલ દાડમ ૮૮૬૦૦ હેક્ટર જમીનમાં અને ઉત્પાદન ૫૧૮૭૦૦ ટન થાય છે. તેમાંથી ૮૫% ઉત્પાદન મહારાષ્ટ્રમાંથી થાય છે. દાડમનો રસ, લેપ્રોસીના દર્દી માટે ઉપયોગી છે. અને તેની છાલ ઝાડા અને ઉલટી માટે દવા તરીકે વપરાય છે.

ગુજરાતમાં દાડમની ખેતી ખાસ કરીને ભાવનગર, ધોળકા, સાબરકાંઠા, જામનગર વગેરે વિસ્તારમાં થાય છે તથા હાલ બનાસકાંઠા, જામનગર તથા કચ્છ જિલ્લામાં વાવેતર વધારે વિસ્તારમાં થઈ રહ્યું છે.

દાડમના ઉપયોગ અનેક

– દાડમનો તાજા ફળ તરીકે, ખટમીઠા રસ બનાવવા, શરબત, અનાર-રસ તેમજ સ્કવોશ, ચટણી વગેરે બનાવવામાં ઉપયોગ થાય છે.

– દાડમની છાલનો ઉપયોગ ચામડા તેમજ કપડાં રંગવા માટે થાય છે.

– કોઢ તેમજ મરડાના ઈલાજ તરીકે પણ દાડમનો ઉપયોગ થાય છે.

– થેરાપેટીક (દર્દીમાં) ઉપયોગ

લોહીનું દબાણ અને હૃદયને લગતા દર્દોમાં, ટોનિક (શક્તિ માટે), ચામડીના રોગો, કેન્સર (પ્રોસ્ટેટ, કોલોન, સીન, ચામડી વગેરે) મગજને લગતી સમસ્યાઓ, ડાયાબિટીશ, પાચનને લગતી સમસ્યાઓના નિવારણ માટે, પથરી ઓગાળવા, શ્વાસોશ્વાસ અને ગળાની સમસ્યાઓ, દાંત અને ગમની કાળજી માટે, એઈડસ માટે ઉપયોગી છે.

દાડમની પેદાશો/બનાવટો

ફ્રૂટ જયુસ, કોન્સન્ટ્રેટ, સ્કવોશ, તાજાદાણા, જેલી, સીરપ, અનાર-રબ (જાન), પાઉડર અને છાલનો પાવડર.

હવામાન અને જમીન  

દાડમનું ઝાડ ઠંડા એટલે કે શીત કટિબંધ વિસ્તાર માટે પાનખર પ્રકારનું તેમજ ઉષ્ણ અને સમશિતોષ્ણ કટિબંધ વિસ્તારો માટે એવરગ્રીન પ્રકારનું છે. આ પાકની ખેતી દરિયાથી ૫૦૦ મી.ની. ઊંચાઈ સુધી થઈ શકે છે. તે દાડમના પાકને સૂકા તેમજ અર્ધ સૂકા વિસ્તારનું વાતાવરણ અનુકૂળ આવે છે. આ પાકને ખાસ કરીને ઠંડું અને સૂકું હવામાન માફક આવે છે. તેની સફળ ખેતી માટે ફળના વિકાસ દરમિયાન તથા ફળ પાકે ત્યારે ગરમ, સૂકું અને સૂર્યપ્રકાશિત હવામાન હોવું આવશ્યક છે. ભેજવાળા હવામાનમાં ફળની ગુણવત્તા સારી રહેતી નથી.

દાડમની ખેતી મોટાભાગની જમીનોમાં થાય છે. સામાન્ય રીતે સારી નિતારશક્તિ ધરાવતી ગોરાડું તેમજ કાંપવાળી જમીન વધુ માફક આવે છે. હલકી જમીનોમાં ફળોની ગુણવત્તા ભારે જમીન કરતાં ઘણી સારી જોવા મળે છે. થોડા અંશે ક્ષારવાળી જમીનમાં પણ દાડમનો પાક ઉછેરી શકાય છે.

સંવર્ધન શી રીતે કરશો?

દાડમનું સંવર્ધન બે રીતે થાય છે. (૧) બીજથી, (૨) કલમથી. દાડમનું સંવર્ધન કટકા કલમ, ગુટી કલમ તથા નૂતન કલમ દ્વારા થઈ શકે. નૂતન કલમ બનાવવા માટે દેશી દાડમ અથવા ધોલકા જાતના બીમાંથી છોડ તૈયાર કરીને તેના ઉપર કલમ કરવામાં આવે છે. કલમો દ્વારા વાવેતર કરવાથી માતૃછોડના ગુણ જળવાઈ રહે છે તથા ફળ વહેલા મળે છે. આથી રોપણી માટે કલમોનો જ ઉપયોગ કરવો જોઈએ.

બીજથી પ્રસર્જન કરી શકાય

બીજથી છોડ ઉછેર માટે પસંદગીની જાતના તંદુરસ્ત છોડ ઉપરથી સારી ગુણવત્તાવાળા પાકા ફળો મેળવી તેમાંથી બીજ કાઢી રાખોડી સાથે ભેળવી તેનો ભેજ સૂકવવો. માટી તથા ખાતરના મિશ્રણથી ભરેલી કોથળીઓમાં એક-એક બીજ વાવવાના થાય છે.

બીજ વાવતા પહેલા એક કિલો બીજમાં ત્રણ ગ્રામ કાર્બેન્ડાઝીમનો પટ આપીને માવજત આપવાની હોય છે. પ્લાસ્ટીકની કોથળીઓમાં મિશ્રણ ભરવા માટે ૫૦% માટી તથા ૫૦% સારું કહોવાયેલા છાણિયા ખાતરના ૧૦૦ કિલોના મિશ્રણમાં ૧૦૦ ગ્રામ કાર્બોફ્યુરાન ભેળવીને સારી રીતે મિશ્રણ બનાવીને પછી કોથળીઓ ભરવાની થાય છે. બીજ વાવીને ઉગવા માટે પૂરતો ભેજ મળે તે રીતે પાણી આપતા રહેવું. લગભગ સાતથી આઠ દિવસમાં બીજ ઊગી નીકળે છે. ત્રણ માસ પછી છોડ વાવેતરને લાયક થઈ જાય છે.

બીજથી પ્રસર્જનના ફાયદા  

ખેડૂતે જાતે બીજ મેળવીને છોડ તૈયાર કરી શકે છે.

છોડ ઉછેરવાની પદ્ધતિ સરળ

સરેરાશ બીજી પદ્ધતિથી છોડ તૈયાર કરવા અથવા બજારમાંથી અથવા પ્રાઈવેટ કે સરકારી નર્સરીઓમાંથી કલમી રોપા કરતા ખૂબ સસ્તુ પડે છે.

છોડમાં ઓછા ખર્ચે તૈયાર થવાથી ખેતી ખર્ચ ઘટે છે.

છોડ રોપ્યા પછી તેનો વિકાસ ઝડપી થાય છે.

બીજથી પ્રસર્જનના

ગેરફાયદા

બીજથી છોડ ઉછેર કરવામાં આવેલ હોય તેના વાસ્તવિક ગુણધર્મો જળવાઈ રહેતા નથી.

બીજથી તૈયાર થયેલ છોડ દ્વારા દાડમની વાડી તૈયાર કરવાથી ફળોની ગુણવત્તા જળવાઈ રહેતી નથી. જેથી તેનો બજારભાવ નીચો મળે છે.

ફળો આવવાની શરૂઆત કલમોના વાવેતર કરતા મોડી થાય છે.

બીજથી તૈયાર થયેલ છોડ દ્વારા બનાવવામાં આવેલ વાડીને કોઈ જાતનું નામ આપી શકાય નહીં. તેથી એક્સ્પોર્ટ માર્કેટ માટે પણ અનુકૂળ નથી.

વાનસ્પતિક પ્રસર્જન  

દાડમમાં વાનસ્પતિક પ્રસર્જનની પદ્ધતિઓ જેવી કે કટકા કલમ, ગૂટી કલમ, નૂતન કલમ, ભેટ કલમ, આંખ કલમ દ્વારા થઈ શકે છે.

કટકા કલમ

દાડમના છોડ ઉછેર માટે કટકા કલમ ખૂબ સરળ અને સસ્તી પદ્ધતિ છે. કટકા કલમથી છોડ બનાવવા માટે પસંદગીના જાત કટકા કલમ માટે પેન્સિલ કરતાં થોડી વધારે જાડાઈવાળી ૬ માસથી એક વર્ષ જૂની ડાળી પસંદ કરવાની હોય છે. પસંદ કરેલ ડાળીઓમાંથી ૯ ઈંચ લાંબા કટકા તૈયાર કરવાના થાય છે. ફેબ્રુઆરીથી ઓગસ્ટ માસ સુધી ઉપરોક્ત ટૂકડા આઈ.બી.એ.ના ૨૦૦૦ પી.પી.એમ. (૨.૦ ગ્રામ ૧ લિટર પાણીમાં) દ્રાવણમાં પાંચ મિનીટ સુધી નીચેનો ભાગ ડૂબાડીને કટકા ૫૦% સારી ગોરાડુ માટી + ૫૦ ટકા સારું કોહવાયેલું ખાતર ભેજવાળું કરીને તેમાં ૧૦૦ કિલો ગ્રામ મિશ્રણ માટે ૧૦૦ ગ્રામ કાર્બોફ્યુરાન ભેળવીને તેનું મિશ્રણ બનાવી ૪/૬ ઈંચની ડાળી પોલીથીલીન બેગમાં છ કાણાં પાડીને ઉપરોક્ત મિશ્રણ ભરીને તૈયાર કટકા ૨.૫થી ૩ ઈંચ ઊંડા વાવવા. કટકા વાવીને એક કલાક પછી ઝારા વડે પાણી આપવું અને પૂરતો ભેજ જળવાઈ રહે તે રીતે દરરોજ સાંજે માપસર પાણી આપતા રહેવું. કટકા કલમ લગભગ ૪૫ દિવસે મૂળ સાથે તૈયાર થાય છે અને તે પછી એક માસ બાદ તે કલમોની ઉંચાઈ દોઢ ફૂટ સુધીની થાય છે. તે વાવણીને લાયક ગણાય. ઉપરોક્ત પદ્ધતિ દ્વારા ૮૦% સફળતા મળે છે.

કટકા કલમના ફાયદા

સરળ અને સસ્તી પદ્ધતિ છે.

ઓછા સમયે વધારે કલમો તૈયાર કરી શકાય છે.

જે તે માતૃછોડ/જાતની ગુણવત્તા જાળવી રાખે છે.

ઓછા છોડમાંથી વધારે કલમો બનાવી શકાય છે.

ગૂટી કલમ  

ગૂટી કલમ જે તે પસંદગીના જાતના છોડ ઉપર કરવામાં આવે છે. ગૂટી કલમ કરવા માટે જ્યારે હવામાનમાં ભેજનું પ્રમાણ ૭૦% અથવા તેથી ઉપર હોય ત્યારે ગૂટી કલમમાં સફળતા મળે છે. ગુટી કલમ કરવા માટે ૧૦ જૂન પછીનો સમય પસંદ કરવામાં આવે છે. ઓછામાં ઓછા છ માસથી એક વર્ષ જૂની પેન્સિલ જેવી  જાડાઈવાળી ડાળી પસંદ કરી ૧.૫થી ૨ ઈંચ લંબાઈમાં રીંગ બનાવી છાલ કાઢી નાખવામાં આવે છે. રીંગના ઉપરના ભાગના છાલને અડીને સાંજે અથવા સવારના સમયે આઈ.બી.એ. ૨૦૦૦ પી.પી.એમ. (૨.૦ ગ્રામ ૧ લિટર પાણીમાં) શંખજીરૂમાં પેસ્ટ બનાવીને લગાડવી.

ચારથી પાંચ દિવસ સુધી રીંગો ખુલ્લી રાખવી. ત્યારબાદ સ્પેગ્નમ મોસ (ઘાસ) પાણીમાં પલાળીને રીંગના ઉપરના ભાગ ઉપર મોસ ઘાસ વીંટીને કાળા પ્લાસ્ટીકથી લગભગ ૪૫ દિવસ બાદ ગૂટી કલમ તૈયાર થઈ જાય છે. તે છોડ ઉપરથી કાપી વધારાની ડાળીઓ કાપીને તૈયાર મિશ્રણમાં (બીજથી છોડ તૈયાર કરવા માટે જણાવ્યા મુજબ) ૪/૬ ઈંચ પ્લાસ્ટીકની થેલીમાં ભરી લેવા. ઉપરોક્ત કલમો લગભગ એક માસ બાદ રોપણી માટે તૈયાર થાય છે. આ પદ્ધતિ દ્વારા કલમ કરવાથી ૮૦થી ૮૫ % સફળતા મળે છે.

  • ડો.ડી.કે.વરૂ, ડો.આર.એસ.ચોવટીયા

અને ડો.એ.વી.બારડ

કૃષિ મહાવિદ્યાલય, બાગાયતશાસ્ત્ર વિભાગ,

જૂ.કૃ.યુ.જૂનાગઢ

[email protected]

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન