પોન્ઝી સ્કીમ- છેતરપીંડીનો પીરામીડ - Sandesh
  • Home
  • Supplements
  • Sanskar
  • પોન્ઝી સ્કીમ- છેતરપીંડીનો પીરામીડ

પોન્ઝી સ્કીમ- છેતરપીંડીનો પીરામીડ

 | 3:24 am IST

વિચાર દંગલઃ વસંત કામદાર

વર્ષો પહેલાં મહાન શો-મેન રાજકપૂરે એક લાજવાબ ફિલ્મ બનાવી હતી અને એ ફિલ્મે દેશભરમાં ધૂમ મચાવી દીધી હતી. ભારતનાં બંધારણમાં છેતરપીંડીની ઘટનામાં લાગુ કરવામાં આવતી ૪૨૦ નંબરની કલમને સાંકળી લેતું ટાયટલ ધરાવતી શ્રી ૪૨૦ નામની ફિલ્મમાં ગરીબોને પોતાની માલિકીનું ઘર આપવાની લાલચ આપી લૂંટી લેવાની એક ચતુરાઈભરી યોજનાની રસપ્રદ રજૂઆત કરવામાં આવી હતી. જો કે એ ફિલ્મ હોવાથી શ્રીમંત ગુનેગારોને સજા અને ગરીબોને તેમના નાણાની પરત ચૂકવણી સાથે ખાધુ, પીધુ ને રાજ કીધું જેવો અંત આવે છે પણ આજના સમયમાં એવી જ છેતરપીંડીની યોજનાઓ બને છે અને તેનો અંત કરુણ આવે છે.

ઈ.સ. ૧૯૨૦માં બોસ્ટન સ્થિત ચાર્લ્સ પોન્ઝી નામના એક ગઠીયાએ અમેરીકામાં છેતરપીંડી કરવાની એક અતિશય બુધ્ધિગમ તરકીબ શોધી કાઢી. તેણે રોકાણકારોને આપવાનો નફો ચીજ વસ્તુઓનું કાયદેસર વેચાણ કરીને કમાવાનાં બદલે બીજા રોકાણકારો પાસેથી મેળવવાનો અદ્ભૂત કિમીયો અપનાવ્યો અને એ તેમાં સફળ પણ થઈ ગયો. આજે મલ્ટી લેવલ માર્કેટીંગનું આધુનિક નામ ધરાવતી અનેક સફળ-અસફળ યોજનાઓની એ પિતૃ યોજના હતી અને આજે પણ એના શોધકનાં નામ ઉપરથી એવી અનિશ્ચિત યોજનાઓને પોન્ઝી સ્કીમ કે પછી પીરામીડ સ્કીમ તરીકે ઓળખવામાં આવે છે.

શ્રીમાન પોન્ઝી એ આંતરરાષ્ટ્રીય પોસ્ટેજ માટે વપરાતી ઈન્ટરનેશનલ રીપ્લાય કુપનની લે-વેચમાં રહેલી ક્ષતિ શોધી કાઢી અને તેનાં દ્વારા મબલખ નાણા કમાવવાની યોજના તૈયાર કરી દીધી. આ કુપન દ્વારા વળતી ટપાલની કિંમત પણ ચૂકવી દેવામાં આવતી હતી. તેણે જોયું કે રીપ્લાય કુપનની કિંમત અલગ અલગ દેશોમાં અલગ અલગ હતી. તે એક દેશમાંથી સસ્તા ભાવે કૂપન ખરીદી બીજા દેશમાં ઉંચા ભાવે વેચવા લાગ્યો. શરૂઆતમાાં તેણે આ રીતે સારો એવો નફો મેળવ્યો પણ પછી તેણે પોતાનાં ગ્રાહકોને બીજા ગ્રાહકો તૈયાર કરવા માટે માર્કેટીંગમાં જોડી દીધાં અને એમ કરવાથી તેની ગ્રાહક સંખ્યા ટૂંક સમયમાં જ અતિશય વધી ગઈ અને તેનાં પરીણામે તેનો નફો પણ કલ્પના બહાર વધી ગયો. તેણે કેવળ સાત જ મહિનામાં અંદાજીત ૩૦ હજાર રોકાણકારો પાસેથી એ સમયે તોતીંગ રકમ ગણાય તેવા ૮૦ લાખ ડોલર ખંખેરી લીધાં હતાં.

આવો જ કિસ્સો એલન સ્ટેનફોર્ડ નામના ગઠીયાનો પણ છે. એ મહાશયે બેંકમાં વપરાતા અને સામાન્ય રીતે સુરક્ષીત ગણાતા ડીપોઝીટ સર્ટીફિકેસનાં ખરીદ વેચાણની એક સ્કીમ બનાવી અને તેમાં અનેક રોકાણકારો પોતે તો છેતરાયા પણ તેમની મારફતે બીજા અનેક રોકાણકારો પણ છેતરાયા.

ઈ.સ. ૧૯૧૦માં પેરીસ ખાતે લુસીયન રીવીયર નામનાં ગઠીયાએ ખાનગી બેંક ખોલી રોકાણકારોને દરરોજનું એક ટકો વ્યાજ આપવાની જાહેરાત કરી. આ જાહેરાતથી લોભાઈને અનેક ફ્રેન્ચોએ તેમાં નાણા રોકાયા અને બીજા મિત્રોને પણ રોકાણ કરવા સમજાવ્યા સરવાળે એ પોન્ઝી સ્કીમ અનેક લોકોને રોવડાવી ગઈ. પોલીસ તપાસમાં માહિતી બહાર આવી કે એ ગઠીયો તો ૨૦ વર્ષ પહેલાં બેંક લૂંટવાનાં આરોપસર જેલમાં પણ જઈ આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે ૧૮૪૪માં પ્રખ્યાત લેખક ચાર્લ્સ ડિકન્સે પોતાની નવલકથા માર્ટીન શુઝલેવીટઝ અને લીટલ ડોરીટમાં આ પ્રકારની દિમાગી યોજનાઓનું વર્ણન કર્યું હતું.

વ્યક્તિગત ધોરણે કે પછી કોઈ કંપની દ્વારા અમલી થતી આ પ્રકારની યોજનામાં ભારે નફાની આકર્ષક જાહેરાતો કરીને કે પછી લાંબા ગાળાનું વળતર જાહેર કરીને નવા રોકાણકારોને લોભાવવામાં આવે છે. કોઈ એક વ્યક્તિ આ યોજનામાં રોકાણ કરે તે પછી તેણે બીજા રોકાણકારોને પણ રોકાણ કરવા માટે લલચાવવાનાં હોય છે અને એ રોકાણકારોનાં રોકાણોમાંથી તેણે પોતાનો નફો રળવાનો હોય છે આથી આ પ્રકારની યોજનામાં કંપનીએ મોટે ભાગે તો પોતાના નફામાંથી કોઈ વળતર આપવાનું રહેતું નથી અને તે પોતાની સમગ્ર શક્તિ નવા ગ્રાહકો શોધવાની પ્રક્રિયાને ઉત્તેજન આપવામાં કામે લગાડી દે છે.

ગ્રાહકો તરફથી જયારે આર્થિક વળતરની માંગણી ઉગ્ર બને ત્યારે કંપની દ્વારા કોઈ સુષુપ્ત રાખેલી શરતને પુનર્જીવીત કરી દેવામાં આવે છે અથવા તો ગ્રાહકને મળનાર નફાનું પ્રીન્ટેડ સ્ટેટમેન્ટ મોકલી દેવામાં આવે છે. ઘણીવાર ગ્રાહકોને તેમના વળતરનાં બે ત્રણ મહિના પછીનાં ચેક આપવામાં આવ્યાં હોવાનાં ઉદાહરણ પણ નોંધાયેલાં છે. આ ચેક સામે બેંકમાંથી રોકડ મળી જ જશે એવી કોઈ ખાતરી હોતી નથી તેમ છતાં આવા કોઈને કોઈ સ્વરૂપમાં આર્થિક આશ્વાસન મળી જવાનાં કારણે ગ્રાહકોનો સ્કીમ ઉપરનો વિશ્વાસ જળવાઈ રહે છે અને તેઓ નવા ગ્રાહકો બનાવવાનું પોતાનું કાર્ય ઉત્સાહભેર ચાલું રાખે છે.

ગ્રાહકો કંપનીમાંથી પોતાના નાણાં પરત ન ખેંચી લે તે માટે કંપની દ્વારા સમયાંતરે ચાલુ સ્કીમની સમાંતરે નવી નવી શરતો સાથેની અને વધારે લાભદાયક જણાતી અનેક યોજનાઓ પણ બહાર પાડવામાં આવે છે. આથી વધુ ને વધુ નાણાંકીય લાભ મેળવવાના લોભમાં ફસાયેલો ગ્રાહક પોતાને મળનારી રકમ ફરી વાર પણ એની એ જ કંપનીમાં રોકે છે અને કંપનીનાં નાણાં સરવાળે કંપની પાસે જ રહે છે.

આવી કંપનીઓ દ્વારા વર્ષાતે ગ્રાહકોને આપવામાં આવતાં નફા-નુકસાનનાં હિસાબો અને ઓડિટ રીપોર્ટ પણ મોટેભાગે ખોટી માહિતીઓ ઉપર આધારીત હોય છે. આથી ગ્રાહક દરેક સમયે કંપનીની અને તેની સ્કીમનું ફૂલ ગુલાબી ચિત્ર જ નિહાળે છે.

બિચારા ગ્રાહકો તેમના પરીચિત નવા ગ્રાહકોને કંપનીમાં રોકાણ કરવા માટે લોભાવવા પોતાના મૂલ્યવાન સંબંધો વેડફી નાંખે છે. તેમને રોકાણનાં ફાયદા સમજાવવા માટે જાત જાતની લાલચો આપે છે. સેમીનાર્સ અને પિકનિકોનું આયોજન કરે છે અને તેઓ બીજા ગ્રાહકો બનાવવા સક્ષમ બને તે માટે મદદ પણ કરે છે. તેઓ યોજનાને હેજ ફ્યુચર ટ્રેડીંગ, હાઈયીલ્ડ ઈન્વેસ્ટમેન્ટ પ્રોગ્રામ અથવા તો ઓફ શોર ઈન્વેસ્ટીમેન્ટ જેવા અતિશય પ્રભાવશાળી નામો આપતાં હોય છે. આવા નામો હેઠળ તેઓ સ્કીમનાં વાસ્તવિક આર્થિક જોખમોને ઢાંકી દેતાં હોય છે અને બિચારા ગ્રાહકોની આંખ સામે તો ઘરખમ નફાનો અવાસ્તવિક ઝળહળાટ જ દેખાતો રહે છે.

આવી કંપનીઓ કે યોજનાઓમાં નવા જોડાનાર ગ્રાહકોનાં રોકાણમાંથી જ વળતર ચૂકવવામાં આવતું હોવાથી નવા જોડાનાર ગ્રાહકોની સંખ્યામાં ઘટાડો શરૂ થતાંની સાથે જ કંપનીમાં નફામાં નુકસાન શરૂ થઈ જાય છે અને એ સ્થિતિ લાંબી ચાલે કે તરત કંપનીને નાદાર જાહેર કરી દેવામાં આવે છે, ગ્રાહકોને મળતું વળતર બંધ થઈ જાય છે અને એક અંધાધૂંધી સાથેની લીકવીડીટી ક્રાઈસીંસ ફેલાઈ જાય છે.

ઘણીવાર આવી કંપનીઓએ પોતાના નાણાનું રોકાણ અન્ય સરકારી કે પછી બિનસરકારી સાહસોમાં કરેલું હોય છે. આથી જયારે એ સાહસો ફડચામાં જાય તેની સાથે કંપની પણ તારાજ થઈ જાય છે અને તેની પાસે ઉઠમણુ કરવા સિવાય અન્ય કોઈ વિકલ્પ રહેતો નથી. ઈ.સ. ૨૦૦૮માં શેર બજારમાં બોળી ગયેલાં કડાકાને કારણે મેડોફ ઈન્વેસ્ટમેન્ટ સ્કેન્ડલ સર્જાયું હતું જે આ બાબતનું બહું જાણીતું ઉદાહરણ છે.

જોકે ગ્રાહકોને તો છેતરાયા હોવાનો અનુભવ ત્યારે જ થાય છે કે જ્યારે તેને અચાનક કંપનીનાં માલિકોના પલાયન થઈ જવાની જાણ થાય છે. આવા કિસ્સામાં કંપનીનાં માલિકો પહેલાં પોતાની સંપત્તિ અન્ય દેશમાં રોકી લે છે અને ત્યારબાદ પોતે પણ એ દેશમાં ભાગી જાય છે. આમ કરવાથી તે પોતાનાં દેશની કાયદાકીય પ્રક્રિયામાંથી વિલંબનો લાભ મેળવી લે છે.

આ યોજનાનું દુખદ પાસું એ છે કે અહીં છેતરાઈ જનાર વ્યક્તિ પોતે જ અજાણતા કોઈ બીજાને છેતરવામાં નિમિત બને છે. આથી આપણે લોભ લાલચમાં આવી આ પ્રકારની યોજનાઓમાં જોડાતાં પહેલાં હજાર વાર વિચારીએ અને બીજાઓને જોડતાં પહેલાં તો લાખ વાર વિચારીએ..

[email protected]