ગરીબ સવર્ણ અનામતઃ રોગ કરતાં ઇલાજ વધારે કઠિન છે - Sandesh
  • Home
  • Columnist
  • ગરીબ સવર્ણ અનામતઃ રોગ કરતાં ઇલાજ વધારે કઠિન છે

ગરીબ સવર્ણ અનામતઃ રોગ કરતાં ઇલાજ વધારે કઠિન છે

 | 12:15 am IST

રાજકીય લેખાંજોખાં :  વિનોદ પટેલ

અનામતનો દૈત્ય ફરી ભારતીય રાજકારણમાં ધૂણવા માંડયો છે. ફરી એક વાર વાસ્તવિકતાને નેવે મૂકી રાજકીય પક્ષોએ ટૂંકા ગાળાના રાજકીય લાભ મેળવવા માટે અનામતની લોલીપોપ બતાવી છે. રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢની વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના પરાજય થવાને પગલે હવે કેન્દ્રની ભાજપ સરકારે તેની હાથમાંથી સરી ગયેલી પરંપરાગત મતબેન્કને ફરી અંકે કરવા માટે ગરીબ સવર્ણ અનામતનો પાસો ફેંક્યો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભાની ચૂંટણી પૂર્વે જ આ પગલું ભરી તેમની રાજકીય કુનેહ દર્શાવી છે. વડા પ્રધાને એવા સમયે આ પગલું ભર્યું છે જ્યારે તેમના વિરોધીઓ તેમનાં આ પગલાંનો વિરોધ કરી શકવાની સ્થિતિમાં નથી. આમ લોકસભાની આગામી ચૂંટણીમાં ભાજપ માટે આ મુદ્દો મહત્ત્વનો બની રહેશે. સવાલ એ છે કે ભાજપ આ પગલાંનો કેટલો રાજકીય લાભ ઉઠાવી શકશે?   અત્રે એ યાદ રાખવું ઘટે કે આ પગલું સરકારે જાટ, ગુર્જરો કે પટેલોનાં વિરાટ આંદોલનોને પગલે ભર્યું નથી પણ માત્ર આગામી ચૂંટણી જીતવાનો આ એક ચાલાકીભર્યો પ્રયાસ છે. જો સરકારનોઇરાદો જાટ, ગુર્જર, મરાઠા અને પટેલોના ગરીબ વર્ગને અનામત આપવાનો હોત તો તેનાં ધારાધોરણો અલગ હોત, પરંતુ આ અનામત તો તમામ ગરીબોને નાતજાતના ભેદભાવ વગર લાગુ પાડવાની વાત છે, એટલે કે આ અનામતનો લાભ મુસ્લિમ, પારસી, શીખ જેવા સમુદાયોને પણ મળશે. આમ સરવાળે જો આ અનામત લાગુ પડશે તો પણ તેનો લાભ ગણતરીના સવર્ણોને જ મળે તેમ લાગે છે.

આ એક બંધારણીય સુધારો છે. ૧૨૪મો બંધારણીય સુધારા ખરડો સંસદમાં તો મંજૂર થઈ ગયો છે પણ ન્યાયતંત્રની એરણે ટકશે કે કેમ તે એક સવાલ છે. કાનૂની પડકાર એ છે કે દેશની સર્વોચ્ચ અદાલતે કુલ અનામતની મર્યાદા ૫૦ ટકા બાંધી છે, જો આ કાયદો અમલમાં આવે તો તેને કારણે સર્વોચ્ચ અદાલતની મર્યાદાનો ભંગ થાય છે. અસામાન્ય સંજોગોમાં અદાલત અનામતની વધારે ટકાવારી વધારી શકે પણ આ વાત આ કિસ્સામાં લાગુ પડતી નથી.

રસપ્રદ બાબત એ છે કે જાતિઆધારિત અનામતની બહાર લાયકાત ધરાવતાં લોકો માટે આ અનામત તક સર્જશે કે કેમ. જો આમ બને તો પણ તેની સામે અદાલતી પડકાર મોટો છે. ઇંદ્રા સાહનીનાં વડપણ તળેની નવ ન્યાયાધીશોની બનેલી બેન્ચે આર્થિક રીતે પછાત વર્ગ માટે ૧૦ ટકા અનામતની જોગવાઈ એમ કહી નકારી કાઢી હતી કે માત્ર આર્થિક માપદંડ પછાતપણાને નક્કી કરવાનો એકમાત્ર પાયો ન બની શકે. સમસ્યા એ છે કે જે અનામત સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત લોકો પૂરતી મર્યાદિત છે તેને આર્થિક રીતે નબળા વર્ગ માટે ઉપલબ્ધ કરાવવા માટે બંધારણીય સુધારો કરવો તે કેટલો વાજબી ગણાય? વાત જ્યારે આર્થિક બને ત્યારે તેમાં અર્થતંત્રથી માંડી લઘુતમ વેતનધારા સુધીની અનેક બાબતોનો વિચાર કરવો પડે.

સ્વાભાવિક રીતે જ આ કાયદાને ગુરુવારે યૂથ ફોર ઇક્વલિટી નામનાં જૂથે અને ડો. કૌશલકાંત મિશ્રાએ સર્વોચ્ચ અદાલતમાં અરજી કરી પડકાર્યો છે. આ અરજીનો સાર એ છે કે જે ચાર જોગવાઈઓ આ કાયદામાં રજૂ કરવામાં આવી છે તે બંધારણના પાયાના એક યા બીજા સિદ્ધાંતોનો ભંગ કરે છે અને તેનો અમલ ન થવો જોઈએ. ૧૯૭૩માં સર્વોચ્ચ અદાલતની ૧૩ ન્યાયાધીશોની બનેલી બેન્ચે બંધારણના પાયાના સિદ્ધાંતોનો વિચાર રજૂ કરી ઠરાવ્યું હતું કે સંસદ બંધારણમાં સુધારો કરી શકે પણ તેના પાયાના સિદ્ધાંતો સાથે છેડછાડ ન કરી શકે.  બંધારણના પાયાના સિદ્ધાંતોમાં એક સમાનતાનો સિદ્ધાંત છે જેને આ કાયદાથી અસર થાય છે. ૨૦૦૬માં બંધારણીય બેન્ચે ઠરાવ્યું હતું કે સમાનતા એ બંધારણનો પાયાનો સિદ્ધાંત છે. અનામતમાં ૫૦ ટકાની મર્યાદા એ બંધારણીય જરૂરિયાત છે, જો તેનો ભંગ કરવામાં આવે તો સૌને સમાન તક આપવાનું માળખું તૂટી પડે, આમ ૫૦ ટકાની મર્યાદાને તોડીને અપાયેલી અનામતો સામે અદાલતો દ્વારા સંખ્યાબંધ ચુકાદા આપવામાં આવેલા છે. બીજો મુદ્દો એ છે કે સરકાર પાસે એવી માહિતી છે ખરી કે જેમાં તે દર્શાવી શકે કે ઓછી આવક ધરાવતાં લોકોને સરકારી નોકરીઓમાં પૂરતું પ્રતિનિધિત્વ મળ્યું નથી.   વળી ઈન્ડિયા હ્યુમન ડેવલપમેન્ટ સરવે ૨૦૧૧-૧૨ અનુસાર એક ટકા વસતીને બાદ કરતાં સમાજના તમામ વર્ગો નવા ક્વોટા માટે લાયક ઠરે છે. આમ એટલા માટે બન્યું છે કે સરકારે આ ક્વોટા માટે આર્થિક લાયકાતનો માપદંડ ખાસ્સો ઉદાર રાખ્યો છે. વર્ષે આઠ લાખ રૂપિયાની આવક ધરાવનાર પણ આ ક્વોટા માટે લાયક ગણાય, જો આ ક્વોટા માટે સૌથી ઓછી આવકને માપદંડ ગણવામાં આવે તો ઈન્ડિયા હ્યુમન ડેવલપમેન્ટ સરવે ૨૦૧૧-૧૨ અનુસાર મુસ્લિમોને આ ક્વોટાનો સૌથી વધારે લાભ મળે તેમ છે, કેમ કે તેમનામાં ગરીબોનું પ્રમાણ ખાસ્સું ઊંચું છે. આમ અનામતના આ નવા ક્વોટાને કારણે સમસ્યાઓ ઉકેલાવાને બદલે વધારે ગંૂચવાય તેમ લાગે છે, જોકે મામલો હવે સર્વોચ્ચ અદાલતમાં છે. જો અદાલત આ મામલો તાત્કાલિક હાથ ધરી ચૂંટણી પૂર્વે જ તેનો વિપરીત ચુકાદો આપશે તો હાલ જેને વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો માસ્ટર સ્ટ્રોક ગણાવાય છે તે એક વ્યર્થ કવાયત બની રહેશે. રાજકારણીઓએ બેકારી જેવી મોટી સમસ્યાઓનો આવાં ગતકડાં દ્વારા કામચલાઉ ઉકેલ લાવવાને બદલે લાંબા ગાળાનો ઉકેલ લાવવાની દિશામાં વિચારવું જોઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

;