popular-author-devendra-patel-novel-savyamprabha-article-24
  • Home
  • Supplements
  • Sanskar
  • શાશ્વત બોલ્યો : ‘હવે તો કોઈ ચમત્કાર જ બેબીને બચાવી શકે’

શાશ્વત બોલ્યો : ‘હવે તો કોઈ ચમત્કાર જ બેબીને બચાવી શકે’

 | 11:04 am IST
  • Share

રોજની જેમ આજે પણ રામપુર અંધકારમાં લિપ્ત થઈ ગયું. બહાર ક્યાંક ક્યાંક કૂતરાં રડી રહ્યાં હતાં. દૂર દૂર ક્યાંક ભજનમંડળી બેઠી હતી. ભજનના શબ્દો પવનની સાથે આવતા હતા. એકતારાનું ભજન રાત્રિની નીરવતાને થોડી થોડી વારે દૂર કરતું હતું.

રામપુરની કોટેજ હોસ્પિટલના ક્વાર્ટરના એક રૃમમાં ટેબલ લેમ્પના સહારે શાશ્વત કાંઈ વાંચી રહ્યો હતો. એટલામાં એના રૃમનું બારણું ખટખટયું. શાશ્વતે ઊભા થઈ બારણું ખોલ્યું તો સામે લેડી લીલાવતી ઊભાં હતાં.

શાશ્વત બોલ્યોઃ મમ્મી તમે?’

હા…બેટા, હું તારી સાથે વાતો કરવા આવી છું?’ઃ કહેતાં લેડી લીલાવતી રૃમના એક સોફામાં બેઠાં. બાજુના સોફા પર શાશ્વત બેઠો.

લેડી લીલાવતી બોલ્યાંઃ શાશ્વત, છેલ્લા કેટલાક દિવસોથી હું તને પરેશાન જોઈ રહ્યો છું. શું વાત છે?’

શાશ્વત બોલ્યોઃ મમ્મી, સ્વયંપ્રભાની દીકરી બીમાર છે. એને ન્યૂમોનિયા હોય એવું લાગે છે. તાવ તો હવે ઊતરતો જાય છે, પરંતુ એ બેબીની બચવાની આશા ખતમ થઈ ગઈ છે. એ કહે છે કે ર્પૂિણમાના દિવસે હું મરી જઈશ.

ઓહ!

મને સમજ પડતી નથી કે હું શું કરું?’

લેડી લીલાવતી બોલ્યાંઃ બેટા, ડોક્ટરની એ ફરજ છે કે દર્દીને જીવવાની આશા આપવી. નેગેટિવ વિચારોથી મુક્ત કરાવી દર્દીને પોઝિટિવ વિચારો તરફ કેવી રીતે લઈ જવા એ તો તારો વિષય છે. દર્દીને કેટલીક વાર સાઇકોલોજિકલ ટ્રીટમેન્ટની પણ જરૃર હોય છે.

પણ બેબી કહે છે કે પૂનમની રાતે ચંદ્રમા મને લેવા એક પરી મોકલશે. હું એની સાથે જતી રહીશ. મારે ર્પૂિણમાના ચંદ્રને ઊગતાં કેવી રીતે અટકાવવો?’

લેડી લીલાવતી બોલ્યાંઃ બેટા, ક્યારેક ચમત્કાર પણ થતા હોય છે.

હા મમ્મી, હવે તો કોઈ ચમત્કાર જ બેબીને બચાવી શકશે.

સારું બેટા, આપણે સહુ ઈશ્વરને પ્રાર્થના કરીએ કે કોઈ ચમત્કાર થાય. તું હવે થાકી ગયો છે. તું સૂઈ જા.

 ‘ના મમ્મી, મને ઊંઘ આવતી નથી.

તો એક કામ કર. વિશાખા એના રૃમમાં એકલી જ છે. મેં આવતા જોયું તો એની બારીમાંથી પ્રકાશ આવતો હતો. થોડી વાર એની પાસે જઈને બેસ. એને સારું લાગશે અને તારું પણ મન હળવું થશે. એ તો બિચારી વર્ષોથી તારી આશાએ કુંવારી બેઠી છે. તું એનો તો વિચાર કર.

શાશ્વત મૌન રહ્યો.

ઠીક છે તારે જે કરવું હોય તે કર…પણ એક સવાલનો જવાબ આપ કે સ્વયંપ્રભાની દીકરી માટે તું આટલું બધું કરે તો તેની પાછળ તારી કોઈ મનશા…?’

શાશ્વત બોલી ઊઠયોઃ મમ્મી, હું એક માનવતાના ધોરણે જ કરી રહ્યો છું. અને જે કાંઈ કરી રહ્યો છું તેની પાછળ મારો કોઈ અંગત સ્વાર્થ નથી. હું તમારો પુત્ર છું. સ્વયંપ્રભા મને પહેલાં પણ ગમતી હતી અને આજે પણ મને તેના માટે લાગણી છે, પરંતુ હું કોઈ બદલાની અપેક્ષાએ કાંઈ કરતો નથી.

ઓ.કે. બેટા, આજે મારી વાત માન.વિશાખા તેના રૃમમાં જાગે છે. તું એની પાસે જા. એનું પણ મન હળવું થશે ઃ લેડી લીલાવતી બોલ્યાં.

ઠીક છે મમ્મી…હું હમણાં જ જાઉં છું. શાશ્વત બોલ્યો અને લેડી લીલાવતી ઊભાં થઈને તેમના રૃમમાં જતાં રહ્યાં. બહાર અંધારંુ વધ્યું હતું.

 ૦ ૦ ૦

કોટેજ હોસ્પિટલના ક્વાર્ટસમાં વિશાખા એકલી બેઠી બેઠી કાંઈક વિચારી રહી છે. એણે બારીની બહાર જોયું તો રાતના અંધારામાં તારલિયાઓનો દરબાર ભરાયો હતો. એટલામાં એના રૃમમાં બારણું ખટખટયું. વિશાખાએ બારણું ખોલ્યું તો સામે શાશ્વત ઊભો હતો.

વિશાખા ખુશ થઈ જતાં બોલીઃ વ્હોટ અ પ્લેઝન્ટ સરપ્રાઈઝ!

મારી સરપ્રાઈઝ ના ગમી?’ ઃ શાશ્વત બોલ્યો.

આવી સરપ્રાઈઝ રોજ આપે તો પણ મને ગમશે.

આવ બેસઃ વિશાખા બોલી.

શાશ્વત વિશાખાના રૃમમાં એક સોફા પર બેઠો. વિશાખા તેની બાજુના સોફા પર બેસતાં બોલીઃ આજે આ વખતે રાતના સમયે હું તને ક્યાંથી યાદ આવી?’

શાશ્વત બોલ્યોઃ મમ્મીએ કહ્યું કે વિશાખા જાગે છે તું એની પાસે જા, એટલે હું આવ્યો.

ઓહ! એટલે કે મમ્મીની સૂચનાનું પાલન કર્યું એમને? તારી પોતાની ઈચ્છાથી નથી આવ્યો એમજ ને?’

તારે જે સમજવું હોય તે સમજ….પણ અત્યારે હું તારી સામે છું અને મૂંઝવણમાં છું.

બોલને!

જો વિશાખા, સ્વયંપ્રભાના પતિનું તો અવસાન થયું છે. તેની નાનકડી બેબી બીમાર છે. તેને તાવ તો ઊતરતો જાય છે, પરંતુ એ કહે છે કે પૂનમના દિવસે હું મરી જઈશ. એ દીકરીની જીવવાની ઈચ્છા મરી પરવારી છે. એને જીવવાની આશા કેવી રીતે આપવી? તું પણ એક ડોક્ટર છે, મને સલાહ આપ.

વિશાખા વિચારમાં પડી ગઈ. કેટલીક વાર બાદ તે બોલીઃ એને સમજાવો કે ર્પૂિણમાના ચંદ્રને અને મૃત્યુને સંબંધ નથી.

એ બહુ નાની છે. એ હજુ માને છે કે તેના પિતા જીવે છે, પૂનમના દિવસે પરી તેને તેના પપ્પાની પાસે લઈ જશે એમ બોલ્યા કરે છે. સ્વયંપ્રભાની નાની બહેન સ્વાતિએ તો અન્નજળનો ત્યાગ કર્યો છે. સ્વયંપ્રભા રડતાં થાકતી નથી. એનાં નસીબમાં તો સુખ જ લખાયું નથી એમ લાગે છે.

વિશાખા સ્વસ્થતાપૂર્વક બોલીઃ

સ્વયંપ્રભાનું દુઃખ અકલ્પ્ય છે, પરંતુ એક વાત સાંભળ શાશ્વત. આ સંસારની દરેક સ્ત્રી દુઃખો સહન કરવા જ જન્મી છે. જેમણે સંસાર માંડયો છે તે પણ દુઃખી છે અને જેમણે સંસાર માંડયો નથી તે પણ દુઃખી છે.

એટલે?’

વિશાખા બોલીઃ એમાં બધું આવી ગયું. સ્વયંપ્રભાએ સંસાર માંડયો તો પણ તે દુઃખી છે અને મેં સંસાર માંડયો નથી તેથી હું પણ દુઃખી છું.

શાશ્વત વિશાખાના ભીતરી દુઃખને સમજતો હતો. તે મૌન રહ્યો. કેટલીક વાર બાદ તે બોલીઃ આજે વાત નીકળી જ છે તો હું તને કહી દઉં છું કે હું તારા માટે જિંદગીભર કુંવારી રહીશ. તું મારી સાથે લગ્ન નહીં કરે તો હું બીજા કોઈનીયે સાથે લગ્ન નહીં કરું.

શાશ્વત મૌન થઈ ગયો. ફરી વિશાખા બોલીઃ ચાલ, એ વાત પૂરી થઈ. કાલે સવારે હું તારી સાથે સ્વયંપ્રભાની બેબીને જોવા આવું છું અને સ્વાતિને પણ સમજાવીએ કે અન્ન વિના કેટલાક દિવસો સુધી જીવી શકાય, પરંતુ પાણી વિના નહીં. હું કાલે આવું છું તારી સાથે.

ઓ.કે. થેંક્સ, વિશાખાઃ કહીને શાશ્વત ઊભો થયો અને વિશાખા અનિમેષ નજરે તેને રૃમમાંથી બહાર જતો જોઈ રહી. વિશાખાની આંખમાં ઊભરાયેલાં આંસુ કોઈએ ના જોયાં.

 ૦ ૦ ૦

બીજા દિવસે સવારે ફરી એક વાર શાશ્વત સ્વયંપ્રભાના ઘેર બેબી સુલેખાને જોવા ગયો. આ વખતે ડો. વિશાખા પણ તેની સાથે હતી. શાશ્વતે વિશાખાનો પરિચય કરાવતાં કહ્યુંઃ સ્વયંપ્રભા, આ છે ડો.વિશાખા અમે સાથે ભણતાં હતાં. હાલ તે કેન્સર પર રિસર્ચ કરે છે. બેબીને તે જોવા માંગે છે.’

સ્વયંપ્રભાએ ડો. વિશાખાને પ્રણામ કર્યાં અને ધ્યાનપૂર્વક એને જોઈ રહી. ડો. વિશાખા બેબી સુલેખાને તપાસતાં બોલીઃ હાય સ્વીટી, તું કેમ છે?’

બેબી સુલેખાએ માંડ માંડ આંખ બોલી. ડો. વિશાખાને જોઈ તે બોલીઃ ડોક્ટર આન્ટી છે?’

કોઈએ એ શબ્દોનો અર્થ કાઢવા પ્રયાસ ના કર્યો. વિશાખા બોલીઃ બસ, એમ જ સમજ બેટા કે હું તારી આન્ટી છું. તને શું થાય છે?’

બેબી બોલીઃ બસ…હવે મારે સૂઈ જવું છે. ચાંદામામા મને બોલાવે છે. હવે પૂનમને થોડા જ દિવસોની વાર છે.

એવું ના બોલ બેટા… તારે તો હજી ઘણી ર્પૂિણમા જોવાની છે.

મારે મારા પાપા પાસે જવું છે ઃ બેબી બોલી અને સ્વયંપ્રભા તેનું રડવું રોકી શકી નહીં. ડો.વિશાખાએ સ્વયંપ્રભાની આંખો લૂછતાં કહ્યુંઃ તમે ચિંતા ન કરો, સ્વયંપ્રભા. તમારી દીકરીને કાંઈ જ નહીં થાય.

બેબી અર્ધબેભાન અવસ્થામાં બોલીઃ હા મમ્મી, અહીં તો તું છે તો પણ ચાંદામામાના ઘેર હું અને પપ્પા હોઈશું.

એટલું બોલીને બેબીએ ફરી આંખો બંધ કરી. વિશાખાએ સ્વયંપ્રભા સામે જોયું. તે જાણે કે ડોક્ટરને ભગવાન સમજીને આજીજી કરી રહી હતી. એ બોલીઃ હવે પૂનમ તો નજીક છે.

ડો. વિશાખા બોલીઃ તમે ચિંતા ના કરો સ્વયંપ્રભા, હું ડોક્ટર છું, પણ મને પણ ઈશ્વરમાં શ્રદ્ધા છે. કોઈ ચમત્કાર થશે.

કેવી રીતે ચમત્કાર થશે, ડો. વિશાખા? હું જન્મી ત્યારથી ઈશ્વરમાં શ્રદ્ધા રાખું છું. અને આજ સુધી મેં ભગવાનમાં શ્રદ્ધા ગુમાવી નથી, પણ હવે મારી શ્રદ્ધા ડગમગી રહી છે. હું જે ઈચ્છું છું તે કદી મને પ્રાપ્ત થયું નથી.

વિશાખા બોલીઃ અંતરના એકાંતે દરેક વ્યક્તિ એકલો છે. મનનું માગ્યું કોઈનેય મળતું નથી.

એટલું બોલતાં એ શાશ્વત સામે જોઈ રહી. સ્વયંપ્રભા કાંઈ સમજવા કોશિશ કરી રહી. શાશ્વતે સ્વયંપ્રભાને પૂછયુંઃ સ્વાતિ ક્યાં છે?’

એ તો નીચેના માળે ભગવાનના ઘરમંદિરમાંથી બહાર જ આવતી નથી. એ કેટલાયે દિવસથી નથી તો પાણી પીતી કે નથી કાંઈ ખાતી. તમે જ એને સમજાવો.ઃ સ્વયંપ્રભા બોલી.

શાશ્વત બોલ્યોઃ ચાલ વિશાખા, નીચે જઈએ અને સ્વાતિને સમજાવીએ.

 ૦ ૦ ૦

શાશ્વત વિશાખાને લઈને નીચે ગયો. નીચેના દીવાનખંડની એક બાજુ ભગવાનનું ઘરમંદિર બનાવેલું હતું. અંદર ભગવાન શ્રી રામની ર્મૂિત અને મા અંબાની, ગણેશજીની, શિવજીની પ્રતિમાઓ પણ હતી. સ્વાતિ ઘરમંદિરના ભગવાનની ર્મૂિત આગળ માથું ઢાળીને બેભાન જેવી પડેલી હતી.

શાશ્વત બોલ્યોઃ સ્વાતિ, ઊઠ…ચાલ બહાર આવ.

પણ સ્વાતિએ કોઈ જવાબ આપ્યો નહીં. વિશાખા બોલીઃ સ્વાતિ, ઊભી થા બહેન પાણી નહીં લે તો તારી કિડનીને નુકસાન થશે.

સ્વાતિએ કોઈ જવાબ આપ્યો નહીં. શાશ્વતે તેને ઢંઢોળી ત્યારે અર્ધબેભાન સ્વાતિએ આંખો ખોલી અને એટલું જ બોલીઃ મને અહીં જ રહેવા દો મારે પણ મરી જવું છે. તમારે મને અને બેબીને જિવાડવાં હોય તો કાંઈક એવું કરો કે કાલે ચંદ્ર જ ના ઊગે. કદી ના ઊગે.

શાશ્વત બોલ્યોઃ એ તો શક્ય નથી સ્વાતિ. કુદરતનો જે નિયમ છે તે તો થશે જ. આ તો અજવાળિયું છે. પૂનમના દિવસે તો ચંદ્રમા સહુથી વધુ મોટો દેખાય છે. એને ઊગતો કેવી રીતે રોકવો.

સ્વાતિ બોલીઃ કાલે ચંદ્રમા ઊગશે તો હું અહીં ભગવાનની ર્મૂિત આગળ માથું પછાડી લોહી કાઢીશ અને ચંદ્રને એ લોહીના છાંટાથી રંગી નાંખીશ. હું અહીં આ મંદિરમાં જ પ્રાણ ત્યજી દઈશ.

શાશ્વતે જોયું તો સ્વાતિથી હવે બોલાતું નહોતું. અન્ન અને જળ લીધા વિના તેની તબિયત લથડી રહી હતી. તે બેભાન થવાની તૈયારીમાં હતી. બેભાન હાલતમાં એ એટલું જ બોલીઃ તમે જાવ, પ્લીઝ! મને મારા ભગવાન પાસે રહેવા દો…મારાથી બોલાતું નથી. તમે નહીં જાવ તો હું અત્યારે જ પ્રાણ ત્યજી દઈશ.

આ શબ્દો સાંભળ્યા બાદ શાશ્વત અને વિશાખા પણ વિચલિત થઈ ગયાં. સ્વાતિને જેમની તેમ હાલતમાં જ રહેવા દઈ વિશાખા શાશ્વતનો હાથ પકડીને તેને બહાર લઈ આવી. સ્વયંપ્રભા ક્યારનીયે બહાર ઊભેલી હતી. એણે પણ સ્વાતિના શબ્દો સાંભળી લીધા હતા. એ કાંઈ જ ના બોલી. એની આંખમાં આંસુનો દરિયો હતો.

શાશ્વતનો હાથ પકડીને વિશાખા તેને લઈને ક્વાર્ટર પર જવા નીકળ્યાં. કોઈની પાસે કોઈ જ શબ્દો નહોતા. સ્વયંપ્રભા વિશાખાની શાશ્વત માટેની આત્મીયતાને સમજવા કોશિશ કરી રહી.

 ૦ ૦ ૦

અને આજે પૂનમ હતી. હજુ તો સાંજ હતી. અંધારું થવાની વાર હતી. દરેકના હૃદયમાં એક અજાણ્યો ભય સવાર હતો. સ્વાતિ તો ઘરમંદિરનું બારણું અંદરથી બંધ કરીને બહાર જ આવતી નહોતી. કિરણના મકાનની મેડી પર બેબી સુલેખા લગભગ બેભાન હતી. આજે તો સાંજના સમયે જ શાશ્વત અને વિશાખા બેઉ બેબીની પાસે આવ્યાં હતાં.

રૃમમાં સ્વયંપ્રભા, વસંતરાય અને વાસંતીબહેન બેઠેલાં હતાં. બધાના ચહેરા પર ઉદ્વેગ હતો. હવે કલાક બાદ ર્પૂિણમાનો ચંદ્ર ખીલી ઊઠવાનો હતો.

ડો. વિશાખાએ થર્મોમીટરથી બેબીનું ટેમ્પરેચર માપ્યું. એ બોલીઃ શાશ્વત, આજે તો બેબીને ૧૦૩ ટેમ્પરેચર છે.

હા…આપણે એને છેલ્લામાં છેલ્લી એન્ટિબાયોટિક્સ આપી છે. હવે શું કરી શકાય? બેબી તો બેભાન છે!ઃ શાશ્વત બોલ્યો.

વિશાખાએ કહ્યુંઃ હું એને ઢંઢોળીને વાત કરવા પ્રયાસ કરું છું. ઃ કહેતાં એણે બેબીને જગાડવા પ્રયત્ન કર્યોઃ બેટા, આંખો ખોલ…જો તારી સામે અમે કોણ ઊભાં છીએ? તારાં મમ્મીને સ્માઈલ આપ.

અને બેબીએ આંખો ખોલી સ્વયંપ્રભાની સામે જોતાં એ બોલીઃ તું રડ નહીં મમ્મી. આજે હું જાઉં છું, પરંતુ દર મહિને અજવાળી રાતે હું તારી પાસે આવ્યા કરીશ. તારી સાથે બહુ વાતો કરીશ…અત્યારે મારે પાપા પાસે જવું છે.

અને સ્વયંપ્રભા ધ્રૂસકે ધ્રૂસકે રડી પડી. શાશ્વતે પૂછયુંઃ સ્વાતિ, હજુ નીચે જ છે?’

વસંતરાય બોલ્યાઃ હા…હું અને એની મમ્મી કેટલીયે વાર નીચે જઈ આવ્યાં. તે મંદિરનો દરવાજો ખોલતી જ નથી.

વાસંતીબહેન બોલ્યાંઃ ચાલો, ફરી એક વાર જઈએ. આજે તો આપણી બે દીકરીઓના જીવનનો સવાલ છે.

વસંતરાય સ્વયંપ્રભાની સામે જોતાં બોલ્યાઃ બેટા, તું બેબીને સંભાળ…હું અને તારી મમ્મી નીચે અમારી દીકરી પાસે જઈએ છીએ.

એટલું બોલી બેઉ નીચે ગયાં. કેટલીયે વાર ઘરમંદિરનું બારણું ખખડાવ્યા બાદ સ્વાતિએ બારણું ખોલ્યું અને અન્ન વિના ખૂબ જ અશક્ત થઈ ગયેલી સ્વાતિ ફરી એક વાર બારણામાં જ ફસડાઈ પડી. વસંતરાય અને વાસંતીબહેને જોયું તો તે બેભાન હતી. પડી જવાથી એના માથામાં ઈજા થઈ અને નીચેની ફર્શ પર લોહી વહેવા લાગ્યું.

બરાબર એ જ વખતે બહાર આકાશમાં એક ભયાનક ગર્જના થઈ. બહાર સુસવાટાભેર પવન ફૂંકાવા માંડયો. ઘરની બારીઓ એકબીજા સાથે અથડાઈ રહી હતી.  

એટલામાં ફરીથી બહાર આકાશમાં ભયાનક મોટો ગડગડાટ થયો. વસંતરાયે દોડીને બારીઓ બંધ કરી દીધી. વાસંતીબહેને બેભાન સ્વાતિનું માથું ખોળામાં લઈ લીધું.

અને ઉપરના શયનખંડમાં સ્વયંપ્રભા, શાશ્વત અને વિશાખા પણ બહાર થયેલી ભયાનક મેઘ ગર્જનાથી ધ્રૂજી ગયાં. એમણે બેડરૃમના ઝરુખાની બારીમાંથી બહાર જોયું તો અચાનક કાળાં ડિબાંગ વાદળો ક્યાંકથી ચડી આવ્યાં.

સંધ્યાટાણે જ ભયાનક વીજળી થવા લાગી. કાળાં વાદળોથી અંધારું વહેલું થઈ ગયું. લાગ્યું કે હમણાં જ ભયંકર વરસાદ તૂટી પડશે અને એમ જ થયું. ચોમાસું ન હોવા છતાં કમોસમી વાદળોએ સાંજને વહેલી રાતમાં પલટી નાંખી. મૂશળધાર વરસાદ શરૃ થઈ ગયો. સ્વયંપ્રભા, શાશ્વત અને વિશાખા બારીની બહાર જોઈ રહ્યાં. બહાર જબરદસ્ત વીજળી ચમકતી હતી. વરસાદ જોશભેર વરસતો હતો. લાગતું હતું કે આજે આખી રાત વરસાદ અટકશે જ નહીં. બહાર સખત અંધારું હતું. સ્વયંપ્રભાએ સામેની દીવાલ પર અર્જુનના સારથી બનેલા ભગવાન શ્રીકૃષ્ણને જોયા. એ મનોમન ભગવાન શ્રીકૃષ્ણને વંદી રહી. એ સમજી ગઈ હતી કે આ ઈશ્વરનો જ ચમત્કાર છે. આજે ઈશ્વરે મોકલેલાં વાદળોથી ચંદ્ર દેખાવાનો જ નથી.

અને એમ જ થયું. આખી રાત મૂશળધાર વરસાદ વરસતો રહ્યો. સ્વયંપ્રભા, શાશ્વત અને વિશાખા પણ બેબીના શયનખંડમાં તેની આસપાસ બેઠાં બેઠાં કુદરતનો આ ખેલ જોઈ રહ્યાં. આજે ર્પૂિણમાનો ચંદ્ર જાણે કે ઉગ્યો જ નહીં. કોઈએ એને જોયો જ નહીં. આખી રાત વરસાદ વરસતો રહ્યો. જાણે કે એક કાળરાત્રિનો અંત આવ્યો.

 ૦ ૦ ૦

અને સવાર પડી.

હજુ વરસાદ ઝરમર વરસતો હતો. જાણે કે એ થાક્યો જ નહોતો…છેક સવારે ધીમો પડયો…અને સૂરજ ઊગવાના સમયે વાદળો વિખરાઈ ગયાં અને વરસાદ પણ થંભી ગયો.

સ્વયંપ્રભા, શાશ્વત અને વિશાખા આખી રાત ઉપરના શયનખંડમાં બેબીની આસપાસ જ વીંટળાયેલાં હતાં. શાશ્વત બોલ્યોઃ સ્વયંપ્રભા, વરસાદ અટકી ગયો. ગઈ રાતે પૂનમનો ચંદ્ર દેખાયો જ નહીં.

અને શાશ્વતે બેબીનો હાથ પકડયો. એની નાડી તપાસી. સ્ટેથેસ્કોપ મૂકી એના હૃદયના ધબકારા સાંભળ્યા. એ ધીમેથી બોલ્યોઃ સ્વયંપ્રભા, બેબીને તાવ નથી. હ્ય્દયના ધબકારા પણ નોર્મલ છે. આઈ થિંક એવરીથિંગ ઈઝ ઓલ રાઈટ.

સ્વયંપ્રભાએ પલંગમાં બેબીની બાજુમાં બેસતાં એની દીકરીના કપાળ પર હાથ મૂક્યો. શાશ્વતે બેબીને ઢંઢોળી. બેબી સુલેખાએ હળવેથી આંખો ખોલી. શાશ્વત બોલ્યોઃ બેટા, તું હવે ઓલ રાઈટ છે. ગઈ કાલે ચંદ્રમા જ ન ખીલ્યો. જો પૂનમ તો જતી રહી અને તને કાંઈ જ ના થયું. તને તાવ પણ નથી.’  

બેબી સુલેખા ધીમેથી બોલીઃ ગઈકાલે ચાંદામામા દેખાયા જ નહીં? હું સાજી થઈ ગઈ, અંકલ?’  

હા, બેટા…ચાંદામામા ખોવાઈ ગયા. એમને બીજે ક્યાંક કામ હતું, તેથી અહીં આવ્યા જ નહીં.‘  

બેબી સ્વયંપ્રભા સામે જોતાં બોલીઃ ડોક્ટર અંકલ સાચું કહે છે, મમ્મી? ચાંદામામા બીજે ક્યાંક જતા રહ્યા?’  

હા…બેટા, મેં તને કહ્યું હતુંને કે તને કાંઈ નહીં થાય. તું સાજી થઈ ગઈ ઃ સ્વયંપ્રભા બોલી.  

બેબી સુલેખાએ બેઠા થવા કોશિશ કરી પરંતુ સ્વયંપ્રભાએ વહાલથી તેનું માથું પોતાના ખોળામાં લઈ લીધું.

 

એ ધીમેથી બોલીઃ થેંક્યુ ડોક્ટર, વિશાખા થેંક્સ ફોર એવરીથિંગ.‘  

મારો નહીં પણ શાશ્વતનો આભાર માનો. ટ્રીટમેન્ટ તો એણે કરી છે અને આભાર ઈશ્વરનો માનો કે જેમણે કાલે ચંદ્રમાને વાદળોથી ઢાંકી દઈને એને ઊગવા જ ના દીધો.‘   

સ્વયંપ્રભા બેબીના માથા પર હાથ ફેરવી રહી. વિશાખા ફરી બોલીઃ સ્વયંપ્રભા, શાશ્વત એક ડોક્ટર છે અને એણે પણ આવો કોઈ ચમત્કાર થાય એ માટે ઈશ્વરને પ્રાર્થના કરી હતી. ઈશ્વર પ્રાર્થનાઓ સાંભળે પણ છે. શાશ્વત ઈઝ વેરી કાઈન્ડ પરસન.‘  

અને શાશ્વતે વિશાખાના હોઠ પર હાથ મૂકી તેની પ્રશંસાને અટકાવી. વિશાખાએ એક લાગણીભરી નજર શાશ્વત તરફ નાંખી. સ્વયંપ્રભા ફરી એક વાર શાશ્વત અને વિશાખાના સંબંધને સમજવા પ્રયત્ન કરી રહી.  

કેટલીક ક્ષણો બાદ સ્વયંપ્રભા બોલીઃ શાશ્વત, તમે નીચે જઈ સ્વાતિને ખુશખબર આપો કે ગઈ કાલે ચંદ્રમા દેખાયો જ નથી. મારી દીકરી હવે સ્વસ્થ છે.‘  

હા…હું નીચે જાઉં છું.કહીને શાશ્વત નીચે ગયો.  

ઘરમંદિરમાં સ્વાતિનું માથું વાસંતીબહેનના ખોળામાં હતું. બાજુમાં એના પિતા વસંતરાય બેઠેલા હતા.  

શાશ્વતે સ્વાતિની નજીક જઈ કહ્યુંઃ સ્વાતિ, આંખો ખોલ. હું તને એક ખુશખબર આપવા માગું છું. તારી પ્રાર્થના ફળી છે.‘  

અને સ્વાતિએ આંખો ખોલી. એ ધીમેથી બોલીઃ તમે સાચું કહો છો? શું ખુશખબર છે?’  

શાશ્વત બોલતો રહ્યોઃ સ્વાતિ બેઠી થા. રાત્રે ચંદ્રમા દેખાયા જ નથી. બેબીને બચાવવા તે કરેલા અન્ન જળનો ત્યાગનો સંકલ્પ ફળ્યો છે. એથી જ કોઈ ચમત્કાર થયો. આખી રાત વરસાદ પડયો છે. બેબીએ આંખો ખોલી છે. તેને તાવ પણ નથી. તે સ્વસ્થ છે. એ વાતો પણ કરે છે. એ તને યાદ કરે છે.’  

સ્વાતિ બોલીઃ ખરેખર?’  

હા…સ્વાતિ ચાલ, અમે તને પકડીને ઉપર બેબી પાસે લઈ જઈએ. તારી નજરે જ જો.ઃ શાશ્વત બોલ્યો  

સ્વાતિના ચહેરા પર સ્મિતની લહેર પ્રગટી.  

૦ ૦ ૦  

ઉપરનો શયનખંડ. બેબી સુલેખાનું માથું સ્વયંપ્રભાના ખોળામાં હતું. એ એની મમ્મી સાથે વાતો કરી રહી હતી. સામેની ખુરશીમાં વિશાખા બેઠેલી હતી.  

થોડી જ વારમાં વસંતરાય અને શાશ્વત સાવ નબળી પડી ગયેલી સ્વાતિને બે હાથ વડે પકડીને ધીમેથી ઉપરના રૃમમાં લઈ આવ્યા. એને જોતાં જ બેબી બોલીઃ માસી, આવી ગયાં તમે?’  

હા…બેટા, હું આવી ગઈ તારી પાસેઃ કહેતાં સ્વાતિ બેબીને વળગી પડી. બેબી પણ એને બાઝી રહી. સ્વયંપ્રભાની આંખમાં હવે હર્ષનાં આંસુ હતાં. વિશાખા અને શાશ્વત પણ આ ખુશીની ક્ષણોને એક સુખદ અંતનાં સાક્ષી બની નિહાળી રહ્યાં. જાણે કે એક ભયાનક વાવાઝોડું આવીને હવે જતું રહ્યું હતું. સ્વયંપ્રભાના ખોળામાં હવે એની દીકરી પણ હતી અને સ્વાતિ પણ.  

કેટલીક વાર બાદ શાશ્વત બોલ્યોઃ ચાલો…હવે ચા બનાવો. સ્વાતિને પણ લીંબુના પાણીથી પારણાં કરાવીએ.‘  

હાઃ કહેતાં વાસંતીબહેને ઉમેર્યુંઃ હું જ નીચે જઈને ચા અને લીંબુનું પાણી તૈયાર કરું છું.  

વાસંતીબહેન નીચે ગયાં.  

કેટલીક વાર બાદ વાતાવરણમાં છવાયેલા સૂનકારને ખત્મ કરવા શાશ્વત બોલ્યોઃ સ્વાતિ, હવે બધું બરાબર છે. તું અને સુકુમાર ક્યારે લગ્ન કરો છો?’  

સ્વાતિ ધીમેથી બેઠી થઈ અને તેની બહેન સ્વયંપ્રભાનો હાથ પકડીને એણે શાશ્વતને સામો પ્રશ્ન કર્યોઃ તમે ક્યારે લગ્ન કરવાના છો એ મને કહો એ પછી હું મારો જવાબ આપીશ.‘  

શાશ્વતે એ પ્રશ્નના જવાબમાં સ્વયંપ્રભા સામે જોયું. અને વિશાખા શાશ્વતને જોઈ રહી…જાણે કે શાશ્વત એ પ્રશ્નનો જવાબ સ્વયંપ્રભા પાસેથી મેળવવા માંગતો હતો અને વિશાખા એ પ્રશ્નનો જવાબ શાશ્વત પાસે માંગી રહી હતી.  

કોઈ કાંઈ જ બોલ્યું નહીં.  

હા, કેટલીક વાર બેબી બોલીઃ સ્વાતિ માસી, તમને પરણાવવા હું આવીશ અને ડોક્ટર અંકલ તમને પણ પરણાવવા હું આવીશ.‘  

શાશ્વત ફરી સ્વયંપ્રભાને જોઈ રહ્યો. વિશાખાની આંખમાં બંધાયેલી પાણીની કોર એકમાત્ર સ્વયંપ્રભાએ જ નિહાળી.

– (ક્રમશઃ)  

– www.devendrapatel.in

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો