popular-author-devendra-patel-novel-savyamprabha-article-26
  • Home
  • Supplements
  • Sanskar
  • વાસંતીબહેન બોલ્યાઃ બેટા સ્વયંપ્રભા, તું હજી યુવાન છે, લગ્ન કરી લે!

વાસંતીબહેન બોલ્યાઃ બેટા સ્વયંપ્રભા, તું હજી યુવાન છે, લગ્ન કરી લે!

 | 11:15 am IST
  • Share

 

મય વહેતો રહ્યો. દરેક મોસમમાં પ્રકૃતિ એના રંગ બદલતી રહી. શિયાળાએ પૃથ્વી પર પાનખરની ચાદર બિછાવી. વસંત પણ આવી અને જતી રહી. કાળઝાળ ઉનાળો ધરતી પર ત્રાહિમામ્ પોકારીને જતો રહ્યો. વર્ષા ઋતુ પણ આવી અને જતી રહી.

રામપુરે પણ એ બધું સહન કર્યું.  

વસંતરાય અને વાસંતીબહેનના ઘરમાં તો આજે પણ ઉદાસી જ હતી. ભરયુવાનીમાં પુત્રી સ્વયંપ્રભાને શ્વેત સાડીમાં તેઓ જોઈ શકતાં નહોતાં.

પતિના મૃત્યુ બાદ સ્વયંપ્રભા પણ હવે તેની દીકરી સુલેખાને લઈને પિતાના ઘેર રહેવા આવી ગઈ હતી. સુલેખા હવે સ્કૂલમાં જતી હતી. સ્વયંપ્રભા રોજ સવારે અને સાંજે ગામના મંદિરમાં આરતી સમયે નિયમિત જતી. આરતી પૂરી થાય તે પછી તે જ સહુને પ્રસાદ વહેંચતી. થોડો પ્રસાદ ઘેર લઈ આવતી અને માતા-પિતાને આપતી.

આજે પણ રામપુર ગામ પર સાંજ ઢળી ગઈ હતી. સૂર્ય અસ્તાચળમાં ડૂબી રહ્યો હતો. રોજની જેમ ચંદુ ગોવાળ પણ ક્યારનોય ગાયોનું ધણ લઈ ગામમાં પાછો આવી ગયો હતો. સ્વયંપ્રભા પણ રોજની જેમ આજે પણ રામજી મંદિરનાં પગથિયાં ચડી રહી.

ગોરધનદાસ મહારાજે આરતી પ્રગટાવી ભગવાનની આરતી શરૃ કરી. વિરજીભાઈએ મંદિરનો ઘંટ વગાડવા માંડયો. એક યુવાન રોજ નગારું બજાવતો. બધાએ શાંતચિત્તે આરતીનાં દર્શન કર્યાં. આરતી પૂરી થયા બાદ સ્વયંપ્રભાએ ભગવાનને ધરાવાયેલા પ્રસાદની થાળી લઈ સહુને પ્રસાદ વહેંચવા માંડયો.

૦ ૦ ૦

વસંતરાય તેમની ડેલીમાં હીંચકા પર બેઠા છે. વાસંતીબહેને ફાનસ પેટાવી દીવાલની ખીંટી પર લટકાવ્યું. પરસાળમાં આછો ઊજાસ હતો. સામેની પાટ પર બેસતાં વાસંતીબહેન બોલ્યાંઃ મારાથી આપણી દીકરીનું દુઃખ જોઈ શકાતું નથી. હવે ક્યાં સુધી એણે આ બધું સહન કરવાનું? એને પૂછી જુઓને?

વસંતરાય બોલ્યાઃ શું?’

વાસંતીબહેન બોલ્યાંઃ સ્વયંપ્રભા હજુ યુવાન છે. એની ઈચ્છા હોય તો એને કોઈ બીજવર સાથે પરણાવી દઈએ.

વસંતરાય મૌન રહ્યા. વાસંતીબહેને પૂછયુંઃ કેમ કાંઈ બોલતા નથી?’

તમે જ પૂછી જુઓને! એ હા પાડતી હોય તો એક-બે છોકરા મારી નજરમાં છે.

વાસંતીબહેન બોલ્યાંઃ કયા ગામના છે?’

વસંતરાય બોલ્યાઃ સાયલાના મુખી દશરથભાઈનો છોકરો જુવાનીમાં વિધુર થયો છે. મોટો જમીનદાર છે.

વાસંતીબહેન બોલ્યાંઃ એવું શા માટે…? મારી ઇચ્છા તો રાવસાહેબના દીકરા શાશ્વત માટે હજુ પણ છે. મેં તપાસ કરી તો હજી તેણે લગ્ન કર્યાં નથી. શાશ્વત હાલ અમેરિકા ગયા છે. આજકાલમાં જ પાછા આવવાના છે.

પણ લેડી લીલાવતી માનશે ખરાં? આપણી સ્વયંપ્રભા તો હવે વિધવા છે. તેને એક પુત્રી પણ છે ઃ વસંતરાય બોલ્યા

વાસંતીબહેન બોલ્યાંઃ પણ પૂછી લેવામાં શું વાંધો છે?’

વસંતરાય બોલ્યાઃ રાવસાહેબનો દીકરો અને તે પણ એક મોટો ડોક્ટર…તે કોઈ વિધવા સાથે પરણશે? લેડી લીલાવતી તૈયાર થાય એમ હું માનતો નથી.

વાસંતીબહેન બોલ્યાંઃ તમારી વાત સાચી છે, પણ આપણે સ્વયંપ્રભાની શાશ્વત સાથે સગાઈ કરી, સગાઈ તૂટી ગઈ, સ્વયંપ્રભાને બીજી જગાએ પરણાવી, તે વિધવા થઈ. આ વાતને હવે સમય થયો છતાં શાશ્વતે લગ્ન કેમ નથી કર્યાં તે પણ એક પ્રશ્ન છે.

વસંતરાય બોલ્યાઃ ઠીક છે. આપણે લેડી લીલાવતીને ફરી પુછાવીએ તે પહેલાં તમે સ્વયંપ્રભાને તો પૂછી લો…એની શું ઈચ્છા છે? હું તો આપણી વિધવા દીકરીને ફરી પરણાવી સમાજમાં નવો ચીલો પાડવા માંગું છું.

વાસંતીબહેન બોલ્યાંઃ સારું, હું આજકાલમાં જ સ્વયંપ્રભાને પૂછી લઈશ.

આ વાત ચાલતી હતી એટલામાં સ્વયંપ્રભા હાથમાં પ્રસાદ લઈ આવી પહોંચી. વસંતરાય અને વાસંતીબહેને વાત બંધ કરી દીધી.

સ્વયંપ્રભાએ પ્રસાદ આપ્યો અને અંદરથી તેની પુત્રી સુલેખા પણ દોડીને બહાર આવતા સ્વયંપ્રભાને વળગી પડી. એ બોલીઃ મમ્મી, મને પણ પ્રસાદ આપો?’

સ્વયંપ્રભાએ તેની દીકરી સુલેખાને પણ પ્રસાદ આપ્યો.

૦ ૦ ૦

રાત આગળ વધી રહી હતી.

વસંતરાય તેમના શયનખંડમાં જઈ આડા પડયા હતા. ઘરની અંદરના રૃમમાં હવે સ્વયંપ્રભા અને વાસંતીબહેન એકલાં જ હતાં. વાસંતીબહેને શરૃ કર્યુંઃ બેટા, આજે મારે તને એક વાત પૂછવી છે?’

સ્વયંપ્રભા બોલીઃ બોલોને મમ્મી.

તને ખરાબ તો નહીં લાગેને!

ના.

મેં અને તારા પિતાજીએ તારા માટે કાંઈ વિચાર્યું છે.

શું?’

બેટા, તું હજુ યુવાન છે. ક્યાં સુધી આમ ને આમ એકલાપંડે આખી જિંદગી પસાર કરીશ. કાલે અમે મરી જઈશું પછી તારું કોણ?’

એટલે?’

અમારી ઈચ્છા છે કે તું લગ્ન કરી લે…હવે સમાજ ને સમય બદલાઈ રહ્યો છે.

સ્વયંપ્રભા મૌન રહી.  

કેમ કાંઈ બોલી નહીં, બેટા?’

મારા જેવી એક વિધવા સાથે કોણ પરણશે?’

વાસંતીબહેન બોલ્યાંઃ ઘણાયે છે. સાયલામાં દશરથ મુખીનો છોકરો હમણાં જ વિધુર થયો છે.

સ્વયંપ્રભા બોલીઃ ના…

તો તારી ઈચ્છા હોય તો લેડી લીલાવતીને પૂછીએ. શાશ્વતે હજુ લગ્ન કર્યાં નથી. આમેય તારી સગાઈ તો એની સાથે જ થઈ હતીને! એણે ગમે તે કારણસર હજુ લગ્ન નથી કર્યાં.

સ્વયંપ્રભા મૌન રહી.

વાસંતીબહેન બોલ્યાંઃ કેમ કાંઈ બોલી નહીં, બેટા?’

શું બોલું?’

તારી શું ઈચ્છા છે?’

મમ્મી, માનવીની ઈચ્છા પ્રમાણે કાંઈ જ થતું નથી. હું હવે સૂઈ જાઉં છું. બેબી એકલી રૃમમાં છે. ઃ એટલું બોલી સ્વયંપ્રભા ઉપરના માળે એના શયનખંડમાં ચાલી ગઈ. આ એ જ શયનખંડ હતો જ્યાં સ્વાતિ રોજ તેની બાજુમાં જ સૂઈ જતી. સ્વાતિ હવે અલગ રૃમમાં સૂઈ જતી. હવે સ્વાતિના બદલે તેની પુત્રી સુલેખા તેની રાહ જોતી હતી. સ્વયંપ્રભાએ વસ્ત્રો બદલ્યાં. ફાનસ બુઝાવી દીધું અને સુલેખાની બાજુમાં જ સૂઈ ગઈ.  

 ૦ ૦ ૦  

રાત આગળ વધતી રહી. રામપુર હવે શાંત થઈ ગયું હતું. દૂર કૂતરાં ભસવાનો અવાજ આવતો હતો. બહાર અંધારા આકાશમાં તારલિયાઓનો દરબાર ભરાયો હતો. આજે શુક્રનો તારો વધુ ચમકતો હતો. સ્વયંપ્રભા પણ સૂઈ ગઈ. બાજુમાં બેબી સુલેખા પણ ઊંઘી ગઈ હતી.

લગભગ મધ્યરાત્રિએ કોઈએ સ્વયંપ્રભાના રૃમમાં પ્રવેશી એને જગાડી અને બોલીઃ સ્વયંપ્રભા…!

સ્વયંપ્રભાએ અંધારા શયનખંડમાં આંખો ખોલી. બારીમાંથી આછો ઉજાસ આવતો હતો. સ્વયંપ્રભાએ પૂછયુંઃ કોણ?’

હું સ્વાતિ, તારી બહેન.

સ્વયંપ્રભા બોલીઃ અરે, સ્વાતિ તું?’

હા.

બોલ, અત્યારે રાત્રે તું કેમ આવી?’

સ્વાતિ બોલીઃ બેબી ઊંઘી ગઈ છે?’

હા.

સ્વાતિ ધીમેથી બોલીઃ આજે એક વાત કહેવા આવી છું.

બોલ…શું વાત છે?’

પહેલાં મને તારી બાજુમાં સૂઈ જવા દે પછી કહું?’ઃ સ્વાતિ બોલી  

હા…એક બાજુ બેબી છે, બીજી બાજુ તું આવી જા.

અને સ્વાતિ સ્વયંપ્રભાની બાજુમાં જ સૂઈ ગઈ.

સ્વાતિ ધીમેથી બોલીઃ બેબી ઊંઘી ગઈ છે એટલે હવે એક વાત કહું છું તે સાંભળ. તારે ના પાડવાની નથી.

કઈ વાત?’

સ્વાતિ ધીમેથી બોલીઃ તું હજુ યુવાન છે. તું ફરી લગ્ન કરી લે.

સ્વયંપ્રભા બોલીઃ કોની સાથે? મારા જેવી વિધવાને હવે કોણ પરણશે?’

શાશ્વત તારી સાથે પરણશે.

સ્વયંપ્રભા ફરી મૌન થઈ ગઈ. સ્વાતિ બોલીઃ જો બહેન, શાશ્વત હજુ કુંવારા છે. ગમે તે કારણસર એમણે લગ્ન કર્યાં નથી. મને લાગે છે કે એ હજુ તારી રાહ જુએ છે. તું એમની સાથે નહીં લગ્ન કરે તો છેવટે હું એમની સાથે પરણી જઈશ.

સ્વયંપ્રભા બોલીઃ તું એવી ને એવી જ રહી. તારે હવે સુકુમારને પરણવાનું છે.

સ્વાતિ બોલીઃ બહેન, તું બીજું લગ્ન કરી લે તે પછી જ હું સુકુમારને પરણીશ

અને હું એવું કાંઈ ના કરું તો?’

તો હું જીવનભર કુંવારી રહીશઃ સ્વાતિએ કહ્યું.

એટલામાં સ્વયંપ્રભાની બાજુમાં સૂતેલી બેબી સુલેખા જાગી ગઈ. એણે સ્વયંપ્રભાને ઢંઢોળતાં પૂછયુંઃ મમ્મી, કોની સાથે વાતો કરો છો?’

સ્વયંપ્રભા બોલીઃ તારી માસી સાથે. જોને રાત્રે મને ઊંઘવા દેતી નથી. હજુ એને મારી સાથે જ સૂવું છે.

તો સૂઈ જવા દોને…તમારી બે દીકરીઓ. એક હું અને બીજી સ્વાતિ માસીઃ બેબી સુલેખા બોલી.

સ્વાતિ બોલીઃ જો બહેન, તારી છોકરી પણ કેટલી બધી ડાહી છે?’

બેબી સુલેખા બોલીઃ હું તો પહેલાંથી જ ડાહી છું.

સ્વયંપ્રભાએ બેબીને સંબોધીને કહ્યુંઃ બેટા, તારી આ માસીને કહે કે એ હવે મોટી થઈ ગઈ છે. ડાહી થઈ જાય.

બેબી સુલેખા બોલીઃ મારી માસી તો બેસ્ટ છે. આઈ લવ યુ માસી.

સ્વાતિ બોલીઃ આઈ લવ યુ ટુ બેટા.

સ્વયંપ્રભાએ વાતનો વિષય બદલતાં કહ્યુઃ ચાલો…તમારા બંનેનું લવ યુ‘- પૂરું થયું હોય તો હવે ગૂડ નાઈટ કરી દઈએ.

ઓકે ગૂડ નાઈટ, મમ્મી.

અને એ ખંડમાં ફરી શાંતિ સ્થપાઈ. બેબી ઊંઘી ગઈ. કદાચ સ્વાતિ પણ ઊંઘી ગઈ, પરંતુ સ્વયંપ્રભા જાગતી હતી. એકમાત્ર અંધારાને જ ખબર હતી કે સ્વયંપ્રભાની આંખો આજે ખુલ્લી હતી. એનું મન ચકડોળે ચડેલું હતું. એને લાગ્યું કે આજે ઊંઘ નહીં જ આવે. ?

(ક્રમશઃ)

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો