popular-author-devendra-patel-novel-savyamprabha-article-27
  • Home
  • Featured
  • શાશ્વત બોલ્યોઃ સ્વયંપ્રભા, હવે તો મારા હાથમાં તારો હાથ મૂકી દે 

શાશ્વત બોલ્યોઃ સ્વયંપ્રભા, હવે તો મારા હાથમાં તારો હાથ મૂકી દે 

 | 10:30 am IST
  • Share


ટ્રાન્સ વર્લ્ડ એરલાઈન્સનું એક વિમાન ન્યૂયોર્કના જે એફ કેનેડી એરપોર્ટથી ઊપડી ફેન્કફર્ટ થઈ મુંબઈ તરફ આવી રહ્યું છે. એ વિશાળ હવાઈજહાજ હવે અરબી સમુદ્ર પર છે. વિમાનની પરિચારિકા જાહેર કરે છે ઃ હવે થોડી જ મિનિટોમાં આપણે મુંબઈના ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઊતરીશું.‘  

શાશ્વત પણ એ જ વિમાનમાં પૂરા છ મહિના સુધી અમેરિકા રોકાયા બાદ પાછો આવી રહ્યો હતો. બરાબર ૨૦ મિનિટ બાદ ટીડબલ્યુએનું વિમાન મુંબઈના ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઊતર્યું. શાશ્વતે ઈન્ડિયા આવતા પહેલાં તેનાં મમ્મી લેડી લીલાવતીને જાણ કરી હતી. લેડી લીલાવતીએ તેને ફોન પર કહ્યું હતું. બેટા, હું જ એરપોર્ટ પર તને લેવા આવીશ.‘  

વિમાનમાંથી ઊતર્યા બાદ જરૃરી વિધિ પતાવી શાશ્વત કન્વેયર બેલ્ટ પાસે ગયો. તેની બેગ લઈ તે બહાર આવ્યો. ર્ટિમનલ બિલ્ડિંગના એરાવઈલ સેક્શનના સ્વાગતકક્ષમાં તે ઉતારુઓને લેવા આવેલી વ્યક્તિઓને જોવા લાગ્યો પણ તેનાં મમ્મી ક્યાંય દેખાયાં નહીં.  

એટલામાં એક ખૂણામાંથી અવાજ આવ્યોઃ વેલકમ શાશ્વત.‘  

શાશ્વતે જોયું તો ડો.વિશાખા તેને લેવા આવી હતી. શાશ્વત બોલ્યોઃ વિશાખા, તું?’  

હા…પ્લેઝન્ટ સરપ્રાઇઝ, મમ્મીના બદલે હું આવી.ઃ ડો. વિશાખા બોલી.  

એમ કેમ?’  

મમ્મીએ જ મને મોકલી. કેમ ના ગમ્યું?’  

ના…ના, બહુ જ ગમ્યું.‘  

છ મહિના અમેરિકા રહ્યો એટલે તું વધુ ફેર થઈને આવ્યો છે.‘  

થેંક્સ.‘  

વિશાખા બોલીઃ ચાલ, હવે તાજમાં જઈએ. મમ્મી તાજમાં તારી રાહ જુએ છે.‘  

ઓ.કે. ફાઈનઃ શાશ્વત બોલ્યો  

બેઉ ટેક્સીમાં ગોઠવાયાં.  

ટેક્સી હવે મુંબઈના રસ્તાઓ પર દોડી રહી.  

કેટલીક વાર બાદ શાશ્વત બોલ્યોઃ વિશાખા, તું શું કરે છે?’  

હું હજુ રામપુરની કોટેજ હોસ્પિટલમાં સેવા આપું છું. અને હોસ્પિટલની કોટેજમાં જ રહું છું.‘  

ફાઈન!‘  

હવે તારો શું પ્લાન છે?’  

હું વિચારી રહ્યો છું કે મારે શું કરવું. ફિલાડેલ્ફિયાની મેડિકલ કોન્ફરન્સમાં હાજરી આપ્યા બાદ અમેરિકાની ઘણી હોસ્પિટલોમાં હું ગયો. ઘણું નવું શીખીને આવ્યો. મને છ મહિના સુધી રહેવાના વિઝા પણ મળ્યા. હું નક્કી કરી શકતો નથી કે મારે ક્યાં સેટલ થવું?ઃ એટલું બોલ્યા બાદ તેણે વિશાખાને પૂછયુંતારી શું સલાહ છે?’  

સાચું કહું શાશ્વત, હું તો તારી જ રાહ જોઉં છું. હું તારી સાથે દિલ ખોલીને વાત કરી રહી છું.‘  

એટલે?’  

વિશાખા બોલીઃ જ્યાં તું ત્યાં હું. એમાં બધું જ આવી ગયું.‘  

શાશ્વત મૌન થઈ ગયો.  

વિશાખા બોલીઃ તું ભલે ના બોલે…પણ હું તને કહી દઉં છું કે હું તારા સિવાય બીજા કોઈને પણ નહીં પરણું.‘  

શાશ્વત વધુ ગંભીર થઈ ગયો.  

વાતોવાતોમાં તાજ હોટલ આવી ગઈ.  

***

તાજ હોટલના સ્વીટ રૃમમાં હવે લેડી લીલાવતી, વિશાખા અને શાશ્વત બેઠેલાં છે. ટિપોઈ પર ચાના કપ પડેલા છે.  

લેલી લીલાવતીએ પૂછયુંઃ શાશ્વત, કેવી રહી તારી ટ્રીપ?’  

એક્સલન્ટ…મારી આ સ્ટડી ટૂર હતી. હું ઘણું નવું શીખીને આવ્યો છું. મેં એક શોધનિબંધ પર કામ કર્યું.‘  

લેડી લીલાવતી બોલ્યાંઃ એ તો ઠીક છે…પણ આ વિશાખા ક્યાં સુધી તારી રાહ જોશે?’  

શાશ્વત મૌન રહ્યો. થોડી વાર પછી તે બોલ્યોઃ પણ મમ્મી, હજુ તો હું હમણાં જ આવ્યો છું. મને પહેલાં આરામ તો કરવા દો.‘  

તારે જેટલો આરામ કરવો હોય તેટલો કર…પણ હું વિશાખાને સમજી વિચારીને જ લઈને આવી છું. મારે હવે ઘરમાં વહુ જોઈએ.‘  

શાશ્વત ફરી મૌન થઈ ગયો.  

વિશાખા અને લેડી લીલાવતી બેઉ શાશ્વતને સમજાવવા કોશિશ કરી રહ્યાં. લેડી લીલાવતી બોલ્યાંઃ તું કાંઈક તો બોલ, શાશ્વત.‘  

કેટલીક વાર બાદ શાશ્વત બોલ્યોઃ મારે રામપુર જવું છે.‘  

વિશાખા અને લેડી લીલાવતી એકબીજાની સામે જોઈ રહ્યાં. તેઓ સમજી ગયાં કે શાશ્વત હજુ સ્વયંપ્રભાને ભૂલી શક્યો નથી. વાતાવરણ ગંભીર બની ગયું.  

* * *

રામપુર.  

આજે ફરી એક વાર રામપુર અસ્તાચળના આંચળા હેઠળ લપાવા લાગ્યું. સાંજનો સૂરજ ડૂબી ગયો. પક્ષીઓ માળા તરફ જવા લાગ્યાં. ચંદુ ગોવાળ પણ રોજની જેમ ગાયોનું ધણ લઈ ગામના પાદરમાં પ્રવેશી ગયો હતો. ગામના મંદિરમાં આરતીની તૈયારી થવા લાગી. એક જણ નગારું વગાડવા લાગ્યો. બીજો ઘંટારવ કરવા લાગ્યો. ગોરધનદાસ મહારાજે ભગવાનની આરતી શરૃ કરી. રોજ દસ બાર જણ આરતીમાં હાજરી આપતા. આરતી પતી ગયા બાદ બધાએ આરતી પર હાથ મૂકી તે હાથ આંખો પર મૂક્યા. સ્વયંપ્રભા પણ રોજની જેમ જ આજે પણ સંધ્યાઆરતી વખતે હાજર હતી. એણે ભગવાનને ધરાવાયેલો પ્રસાદ લઈ હાજર સહુ ભક્તજનોને વહેંચવા માંડયો. પ્રસાદની થાળી લઈ તે સહુના હાથ સામે જ જોતી હતી. કોઈનાયે ચહેરાને જોવા તે કદી પ્રયાસ કરતી નહોતી. છેલ્લે ઊભેલી એક વ્યક્તિને એણે પ્રસાદ આપ્યો. એક અવાજ આવ્યોઃ સ્વયંપ્રભા!‘  

સ્વયંપ્રભાએ પોતાના નામને ઉચ્ચારનાર વ્યક્તિ સામે જોયું. મંદિરની અંદરના આછા ઉજાસમાં એણે જોયું તો સામે શાશ્વત ઊભો હતો.  

શાશ્વત બોલ્યોઃ કેમ છે, સ્વયંપ્રભા?’  

સ્વયંપ્રભા બોલીઃ ઠીક છું.‘  

અને બેબી સુલેખા?’  

એ પણ ઠીક છે.‘  

એ શું કરે છે?’  

સ્કૂલમાં જાય છે. કોઈ વાર મારી સાથે મંદિરમાં આવે છે.‘  

અને સ્વાતિ.‘  

અમે બહુ સમજાવી એને. એ સુકુમારને પરણી ગઈ. મારે મારા સમ ખાઈને એને પરણાવવી પડી.‘  

તું ક્યાં રહે છે?’  

મારાં માતા-પિતાના ઘેર. હવે મારું બીજું છે પણ કોણ?’  

કેમ હું છું ને!સ્વયંપ્રભા મૌન રહી.  

શાશ્વત બોલ્યોઃ તારી શું ઇચ્છા છે?’  

સ્વયંપ્રભા ફરી મૌન રહી.  

મંદિરમાં સાંજની આરતી પછી આવેલા સહુ દર્શનાર્થીઓ હવે વિખેરાઈ રહ્યાં. બધાની વિદાય બાદ મંદિરનાં પગથિયાંમાં હવે માત્ર સ્વયંપ્રભા અને શાશ્વત જ હતાં. બહાર અંધારું થવા આવ્યું હતું. મંદિરની બહારના ચોકમાં આવેલી ઓટલી માના દહેરે કેટલાક નૈવેદ્ય ધરાવવા આવ્યા હતા. સામે ભઈજીભાઈની દુકાન પણ હવે બંધ થઈ ગઈ હતી. બહારના ચોકમાં એક થાંભલા પર ગ્રામ પંચાયતની એક પેટ્રોમેક્સ આછો ઉજાસ પાથરી રહી હતી.  

પેટ્રોમેક્સના અજવાળે સ્વયંપ્રભા અને શાશ્વત ધીમેથી મંદિરનાં પગથિયાં ઊતરી રહ્યાં. આસપાસ કોઈ છે કે નહીં તેની ખાતરી કરી લીધા બાદ શાશ્વત બોલ્યોઃ એક વાત કહું, સ્વયંપ્રભા?’  

હા, કહોને!‘  

શાશ્વત બોલ્યોઃ સ્વયંપ્રભા, હું તને જ મળવા આવ્યો છું. છ મહિના અમેરિકા હતો. મમ્મીને કહીને જ અહીં આવ્યો છું. હું મારો હાથ તારી તરફ લંબાવી રહ્યો છું. મારે જીવનમાં તારો સાથ જોઈએ છે.‘  

સ્વયંપ્રભા બોલીઃ શાશ્વત, એ તમારી મહાનતા છે અને ઉદારતા પણ છે કે તમે મારા જેવી એક વિધવાને અપનાવવા તૈયાર થયા છો.‘  

એમાં હું કોઈ ઉપકાર કરતો નથી.ઃ શાશ્વત બોલ્યો.  

મંદિરનાં પગથિયાંની બાજુમાં જ ઊભા રહી સ્વયંપ્રભા બોલીઃ જુઓ શાશ્વત, રામાયણમાં આવતાં મા સ્વયંપ્રભા જેટલી શક્તિશાળી તો હું નથી. રામાયણનાં સ્વયંપ્રભા એક તપસ્વિની હતાં અને હું આજના સમયની વિધવા છું. હું વિધવા છું પરંતુ પતિતા નથી. મેં મારુંું પતન થવા દીધું નથી અને ભવિષ્યમાં પણ મારા જીવનનું પતન કદી થવા નહીં દઉં. હું એક ભવમાં બે ભવ થવા નહીં દઉં.‘  

શાશ્વત બોલ્યોઃ ગઈગુજરી ભૂલી જા, સ્વયંપ્રભા…જો મારો હાથ તો હજુ તારા તરફ લંબાયેલો જ છે. હવે તો મારા હાથમાં તારો હાથ મૂકી દે. હું વિધવાવિવાહ કરીને સમાજમાં નવો ચીલો ચાતરવા માગું છું. હું તારું અને મારું નવું ભવિષ્ય નિર્માણ કરવા માગું છું.‘  

સ્વયંપ્રભા બોલીઃ શાશ્વત, મારા ભવિષ્યની વાત છોડો, હું તમને તમારું ભવિષ્ય બતાવું.અને સ્વયંપ્રભાએ દૂર દૂર અંધારામાં પણ દૂર દૂર બળતા આછા દીવામાં દેખાતી હોસ્પિટલની એક કોટેજ તરફ આંગળી કરતાં કહ્યુંશાશ્વત, તમને પેલી કોટેજ દેખાય છે?’  

હા.‘  

સ્વયંપ્રભા બોલીઃ તમારી મારા માટેની અનન્ય લાગણીની હું કદર કરું છું પણ પેલી કોટેજમાં જ તમારું ભવિષ્ય છે.‘  

એટલે?’  

સ્વયંપ્રભા બોલીઃ એ કોટેજની બારીમાંથી પ્રકાશ આવે છેને! એ કોટેજમાં ડો.વિશાખા રહે છે. હનુમાનજી અને તેમની વાનરસેના જે રીતે સીતાજીને શોધતાં શોધતાં મા સ્વયંપ્રભાની અલૌકિક ગુફામાં ભૂલા પડયાં હતાં ત્યારે મા સ્વયંપ્રભાએ જ એ બધાને ભોજન આપ્યું હતું અને એ બધાને એ ગુફામાંથી બહાર કાઢી સીતાજી સુધી પહોંચવાનો રસ્તો બતાવ્યો હતો. આજે હું પણ એ જ કામ કરી રહી છું. પેલી કોટેજ તમારું ભવિષ્ય છે. ડો.વિશાખા એક શ્રેષ્ઠ નારી છે. તેઓ તમને સર્મિપત છે. મને વિસરી જાવ. શ્રીમદ્ ભગવદ્ ગીતામાં ભગવાન કૃષ્ણએ કહ્યું છે કે જે સુખમાં અને દુઃખમાં સમ છે તે સ્થિતપ્રજ્ઞા છે. દુઃખથી જે વ્યથિત થતો નથી અને સુખથી જેને હર્ષ થતો નથી તે સ્થિતપ્રજ્ઞા છે.‘- ભગવાનના આ ઉપદેશને મેં મારો જીવનમંત્ર બનાવ્યો છે. મારું ભૌતિક સુખ જતું રહ્યું છે અને મારો આ દેહ અને આત્મા માત્ર કિરણને જ સર્મિપત હતાં અને છે. કિરણના ગયા પછી હવે મને કોઈ જ આસક્તિ રહી નથી અને અત્યારે મને જો કોઈ દુઃખ છે તો તે મારું તપ છે. મને સંસાર સુખની આસક્તિ વિનાની તપસ્વિની જ રહેવા દો. હવે મને ભૌતિક સુખની કોઈ ઈચ્છા રહી નથી. હવે હું આધ્યાત્મિક જ્ઞાાનની પ્રાપ્તિ તરફ આગળ વધી રહી છું. તમે હવે મારો નહીં પણ વિશાખાનો હાથ પકડો. મારી તમને હૃદયથી શુભકામના છે.‘  

શાશ્વતનો હાથ હજુ સ્વયંપ્રભા તરફ લંબાયેલો હતો, પરંતુ એ હાથને સ્પર્શ કર્યા વિના જ પ્રણામ કરી સ્વયંપ્રભા મંદિરનાં પગથિયાં ઊતરી. એના ઘર તરફ જવા રવાના થઈ અને અંધારપછેડી ઓઢી રહેલા રાતના અંધારામાં તે ધીમે ધીમે વિલીન થઈ. જાણે કે એક અલૌકિક દેવી જ આશીર્વાદ આપીને અદૃશ્ય થઈ રહી. જાણે કે એક તેજલિસોટો ઝબકીને અલોપ થઈ ગયો. સ્વયંપ્રભાની વાત સાંભળી તે ઊંડા વિચારમાં પડી ગયો અને થોડીક જ ક્ષણોમાં તેને એક ઝબકારો થયો. એ જ ક્ષણે શાશ્વતના હૃદયમાં પણ જાણે કે આત્મજ્ઞાાનનું દિપક પ્રગટયો.સ્વયંપ્રભાની પારલૌકિક આભાથી તે પહેલી જ વાર આટલો પ્રભાવિત થઈ ગયો. તેણે સ્વયંપ્રભાના શબ્દોને દૈવી આદેશ જ માની લીધો અને તે સ્વયંપ્રભા દેખાતી હતી ત્યાં સુધી તેને જતી જોઈ રહ્યો. હવે એના ચહેરા પર પણ એક હૃદય પરિવર્તનની જ્યોત પ્રગટી. એ મનોમન સ્વયંપ્રભાને વંદી રહ્યો.  

એ પછી ઊંડો શ્વાસ લેતાં એણે એક મક્કમ નિર્ણય લીધો. તે મનોમન બોલ્યોઃ સ્વયંપ્રભા, સારું કર્યું. તેં મને પણ પતનમાંથી બચાવી લીધો.‘  

અને બીજી જ ક્ષણે તે રાતના અંધારામાં દૂર દૂર આછો પ્રકાશ વેરતા ડો.વિશાખાની કોટેજ તરફ રવાના થયો. એ તરફ જતાં તે બોલ્યોઃ વિશાખા, હવે હું કાયમ માટે તારી પાસે આવી રહ્યો છું.‘  

 ૦ ૦ ૦  

રાતના સમયે ડો.વિશાખા હોસ્પિટલની કોટેજમાં બેઠી બેઠી રેડિયો સાંભળી રહી છે. બહાર સૂનકાર છે પણ એના રૃમમાં રેડિયો પર મધુર ગીતો વાગી રહ્યાં છે. અચાનક તેના બેડરૃમનું બારણું ખટખટયું. ડો.વિશાખા ઊભી થઈ. એણે બારણું ખોલ્યું તો સામે શાશ્વત ઊભો હતો.  

વિશાખા બોલીઃ શા…શ્વ….ત.‘  

શાશ્વતે બે હાથ પસાર્યાં અને વિશાખાને આવકારતાં બોલ્યોઃ આવી જા વિશાખા…હવે હું તારી પાસે આવી ગયો છું. હવે હું તારો જ અને તું જ મારી જીવનસાથી છે.‘  

અને તરત જ વિશાખા સ્મિત આપી તેની બાંહોમાં સમાઈ ગઈ. શાશ્વતે વિશાખાને પોતાના ઉરમાં સમાવી લીધી. વિશાખાની આંખમાં હર્ષનાં આંસુ હતાં. એ મનમાં બોલીઃ થેંક્સ સ્વયંપ્રભા…થેંક્સ ફોર એવરીથિંગ. મને ખબર છે તમે જ શાશ્વતને મારી પાસે મોકલી આપ્યો છે. સ્વયંપ્રભા યુ આર ગ્રેટ. સ્વયંપ્રભા, તમે કોઈ સામાન્ય સ્ત્રી નહીં પણ દેવી જ છો. ‘  

વિશાખાની ખુશી આજે એના ચહેરા પર સમાતી નહોતી. એ શાશ્વતને બાઝી રહી. શાશ્વતના બંને હાથ એની પીઠ પર જકડાઈ રહ્યા.  

બરાબર એ જ વખતે રેડિયો પર એક મધુર ગીત શરૃ થયુંઃ  

જ્યોતિ કલશ છલકે

હુએ ગુલાબી, લાલ સુનહરે

રંગ બાદલ કે

જ્યોતિ કલશ છલકે

ઘર આંગન વન ઉપવન ઉપવન

 કરતી જ્યોતિ અમૃત કે સીંચન

ઉષાને આંચલ ફૈલાયા

ફૈલી સુખ કી શીતલ છાયા

જ્યોતિ કલશ છલકે

અને જાણે કે ડો.વિશાખાના શયનખંડમાં ખુશીની હજાર હજાર સિતાર એક સાથે બજી રહી. દૂર દૂર વગડામાં મોરલા એકસાથે ટહુકી ઊઠયા. હવે સર્વત્ર ખુશી જ ખુશી હતી. ?

(સમાપ્ત)

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો