પોરબંદર: ભાજપનાં કોર્પોરેટર સહિત બેની કરપીણ હત્યા - Sandesh
  • Home
  • Gujarat
  • પોરબંદર: ભાજપનાં કોર્પોરેટર સહિત બેની કરપીણ હત્યા

પોરબંદર: ભાજપનાં કોર્પોરેટર સહિત બેની કરપીણ હત્યા

 | 5:51 pm IST

રાણાવાવ તાલુકાના આદિત્યાણામાં ગત મોડી રાત્રે રાણાવાવ પાલિકાના સભ્ય હાજા વીરમ ખૂંટી અને ભાજપના કાર્યકર કાના ભૂરા કડછાની રાણાવાવ પાલિકાના વિરોધ પક્ષના નેતા, બે ભાણેજો સહિત આઠ શખસોએ જુના મનદુઃખ, વેરઝેરમાં તીક્ષ્ણ હથિયારો, ધોકા, લાકડી સાથે નિર્મમ હત્યા કરતા સમગ્ર રાણાવાવ પંથકમાં ભારે ચકચાર જાગી છે. બેવડી હત્યાના કારણે આદિત્યાણા ગામ સ્તબ્ધ થઈ ગયું છે અને ગામ સજજડ બંધ છે.બનાવના પગલે જિલ્લા પોલીસ દોડી ગયા હતા અને ગામમાં ચાંપતો બંદોબસ્ત ગોઠવી દીધો હતો. પોલીસે વિરોધ પક્ષના નેતા સહિત પાંચ આરોપીની ગોઢાણા ચેક પોસ્ટ વિસ્તારમાંથી ધરપકડ કરી હતી.

મળતી માહિતી મુજબ રાણાવાવ પાલિકાના વિરોધ પક્ષના નેતા વીંજા રામદે મોઢવાડીયા, તેના બે ભાણેજો કરણ કેશુ ઓડેદરા, જયમલ કેશુ ઓડેદરા અને અન્ય શખખસો કાના બાબુ ઓડેદરા, હમીર મોઢવાડીયા, માલદે ઓડેદરા, કેશુ અરજણ ઓડેદરા અને એક અજાણ્યા શખસ મળી આઠ શખસોએ તીક્ષ્ણ હથિયાર, લાકડી, ધોકા જેવા હથિયારો સાથે ગત રાત્રે ૧૧.૩૦ વાગ્યા આસપાસ આદિત્યાણાના રામાપીર મંદિર પાસે જઈ ત્યાં પાલિકાના સભ્ય હાજાભાઈ ઉર્ફે ટીડા વીરમ ખૂંટી ઉપર હુમલો કર્યો હતો અને પથ્થરો મારી રોકયા હતા.આથી હાજાભાઈ આટલા શખસોને એકી સાથે આવેલા જોઈ પોતાનું બાઈક મંદિર પાસેના ચોકમાં જ મુકી જીવ બચાવવા પોતાના ઘર તરફ ભાગ્યા હતા, જયાં તમામ શખસોએ પીછો કરી અને હુમલો કરતા તેનું ઘટના સ્થળે જ મોત થયું હતું.

બાદમાં તમામ આરોપીઓ કાના રણમલ કડછાના ઘરે ગયા હતા અને કાનાભાઈના પુત્ર કરણ પર હુમલો કર્યો હતો અને તેના માથા, વાંસામાં છરીના ઘા મારી તેની હત્યાનો પ્રયાસ કર્યો હતો એ દરમિયાન કાનાભાઈ ઉપરના રૃમમાંથી નીચે આવતા તમામ શખસો તેના પર પણ ઘાતક હથિયારો વડે તુટી પડયા હતા. જેમાં કાના કડછા, તેના પત્ની ગીતા રમમલ કડછા અને પુત્ર કરણ કાના કડછાને ઈજાઓ થઈ હતી.તેમને તાત્કાલીક સારવાર માટે પોરબંદરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જયાં સારવાર દરમિયાન કાના રણમલ કડછાનું મોત નિપજયુ હતું. હાલ તેના પત્ની અને પુત્ર ભાવસિંહજી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે.

ભાજપના આગેવાન સહિતના શખસો દ્વારા ભાજપના પાલિકા સભ્ય અને કાર્યકરની હત્યાના પગલે આદિત્યાણા ગામ સ્તબ્ધ બની ગયું હતું અને શોકનું મોજુુ ફરી વળ્યું હતું. ગામમાં હાલ અજંપાભરી શાંતિ જોવા મળે છે. બનાવના પગલે મેર સમાજમાં અરેરાટી વ્યાપી છે. બેવડી હત્યા જુના મનદુઃખ અને ચૂંટણીના વેરઝેરના કારણે થઈ હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.

કાનાભાઈના પત્નીને ફરિયાદી બનાવી પોલીસે ગુનો નોંધ્યો
ડબલ મર્ડરની આ ઘટનામાં મૃતક કાનાભાઈ કડછાના પત્ની ગીતાબેનને આ બનાવમાં ઈજા થઈ હતી.તેમને ફરિયાદી બનાવી પોલીસે ફરિયાદ નોંધી છે. જેમાં ગીતાબેને જણાવ્યું છે કે મુખ્ય આરોપી અને પાલિકાના વિરોધ પક્ષના નેતા વીંજા રામદે મોઢવાડીયા માથાભારે છે અને તે કહે તેમ કોઈ ન કરે તો માર મારે છેે અને પોતાની સાથે ભળી જવા દબાણ કરે છે.મૃતક કાનાભાઈ અને હાજાભાઈએ તેની સાથે ભળવાની ના પાડી હોવાથી તેનું મનદુઃખ રાખી અને વીંજા ઉપરાંત તેના બે ભાણેજો કરણ કેશુ ઓડેદરા,જયમલ કેશુ ઓડેદરા અને અન્ય શખસો કાના બાબુ ઓડેદરા, હમીર મોઢવાડીયા, માલદે ઓડેદરા, કેશુ અરજણ ઓેડેદર અને એક અજાણ્યા માણસ સહિત આઠ શખસોએ ગઈ કાલે હથિયારો, ધોકા, લાકડી સાથે ધસી આવ્યા હતા અને પોતાના પુત્ર કરણની હત્યાનો પ્રયાસ કર્યો હતો અને પોતાના પર પણ હુમલો કર્યો હતો. ઉપરાંત તેના પતિ કાનાભાઈ અને પાલિકા સભ્ય હાજાભાઈની હત્યા નીપજાવી હતી.

હજુ અમારા જીવ પર જોખમ: કાનાભાઈની પુત્રી
કાનાભાઈના ઘર પર હુમલો થયો ત્યારે તેની પુત્રી પણ ત્યાં હાજર હતી અને તેને પણ આરોપીઓએ ઢોર માર માર્યો હતો, તો પરિવારની અન્ય મહિલાઓ પર પણ આરોપીઓએ ધોકા અને લાકડી વડે હુમલો કર્યો હતો. પિતાની હત્યા નજરે જોનાર નીતાબેને પોલીસને જણાવ્યું હતું કે મારા પિતાના હત્યારાઓ હજુ પણ ફોન પર ધમકી આપી રહ્યા છે. આથી પોલીસ રક્ષણ માગતા પોલીસે ત્યાં પહેરો ગોઠવી દીધો છે.

જિલ્લા પોલીસ વડા સહિતનો કાફલો દોડી ગયો, ટીમો બનાવી તપાસ
બનાવની જાણ થતા જિલ્લા પોલીસ વડા શોભા ભૂતડા, એએસપી પટેલ ક્રાઈમ બ્રાંચના પીઆઈ ડી.વી.બસીયા સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. હત્યારાઓને પકડવા પોરબંદર જિલ્લા પોલીસ વડાએ વિવિધ ટીમો બનાવી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

આરોપી ઘરને તાળુ મારી પરિવાર સાથે ફરાર
કાનાભાઈ કડછા અને આરોપી વિરોધ પક્ષના નેતા વીંજાના ઘર નજીક નજીક જ આવેલા છે. આજે વીંજો તેના પરિવાર સાથે ઘરને તાળું મારી નાસી જતા પોલીસે તેના ઘરે પણ બંદોબસ્ત ગોઠવી દીધો છે.

વિપક્ષી નેતા સહિત પાંચ આરોપીની ધરપકડ
ડબલ મર્ડર કેસમાં પોલીસે ઠેર ઠેર તપાસ શરૃ કરી હતી જેમાં મુખ્ય આરોપી ભાજપ આગેવાન અને રાણાવાવ પાલિકાના વિરોધ પક્ષના નેતા વીંજા રામદે મોઢવાડીયા, તેના ભાણેજ કરણ કેશુ ઓડેદરા અને કાના બાબુ ઓેડેદરા, હમીર મોઢવાડીયા, માલદે ઓડેદરાને ઝડપી લેવામાં પોરબંદર ક્રાઈમ બ્રાંચને સફળતા મળી હતી. આ પાંચેય શખસોને નાગકા ગામની ચેક પોસ્ટ નજીકના વિસ્તારમાંથી ઝડપી લેવામાં આવ્યા હતા, તમામને રાણાવાવ પોલીસ મથકે લાવવામાં આવ્યા છે. હત્યામાં સંડોવાયેલા કેશુ અરજણ ઓેડેદરા, જયમલ કેશુ ઓેડેદરા, એક અજાણ્યા શખસ સહિત ત્રણ શખસોની શોધખોળ ચાલી રહી છે. હત્યામાં વપરાયેલા હથિયારો અને વાહન કબ્જે કરવાના બાકી હોવાથી આવતીકાલે તમામ આરોપીઓના રિમાન્ડ મેળવવાની કાર્યવાહી હાથ ધરાશે. આરોપીઓને એલસીબી પીઆઈ બસીયા, પીએસઆઈ ભારાઈ, પીએસઆઈ ચુડાસમા, હેડ કોન્સ્ટેબલ જેઠાભાઈ મોઢવાડીયા તથા સમીરભાઈ દ્વારા પકડી પાડવામાં આવ્યા છે.