ખાતાઓની ફાળવણી પૂર્ણ : બહાર આવ્યો ભાજપનો આંતરકલહ - Sandesh
  • Home
  • Gandhinagar
  • ખાતાઓની ફાળવણી પૂર્ણ : બહાર આવ્યો ભાજપનો આંતરકલહ

ખાતાઓની ફાળવણી પૂર્ણ : બહાર આવ્યો ભાજપનો આંતરકલહ

 | 10:44 pm IST

સીએમ રૂપાણીના નેતૃત્વમાં ગાંધીનગરમાં યોજાયેલી કેબિનેટની પ્રથમ બેઠક પૂર્ણ થતાં, મંત્રીઓને ખાતાઓની ફાળવણી કરવામાં આવી છે. ખાસ કરીને પહેલી બેઠકમાં ખેડૂતો લક્ષી અને શિક્ષણ લક્ષી ચર્ચા કરવામાં આવી. સરકાર વિકાસની દિશામાં કામ કરતી રહેશે, તેમ જણાવી સીએમ રૂપાણીએ કાર્યનો શુભ આરંભ કરવામાં આવ્યો હોવાનું જણાવ્યું. સીએમ રૂપાણીએ કહ્યું કે, “પહેલી બેઠકમાં લેવાયેલા નિર્ણય પ્રમાણે ખેડૂતો પાસેથી ટેકાના ભાવે મગફળીની ખરીદી ચાલું રહેશે. ખાતાઓની ફાળવણી કરીને દરેકને કાર્યભાર પર સોંપવામાં આવ્યો.”

સીએમ રૂપાણી પછી જીતુ વાઘાણીએ સીએમ અને ડેપ્યુટી સીએમને અભિનંદન આપી, આ જોડીને અનેક શુભેચ્છાઓ પાઠવી હતી. જીતુ વાઘાણીએ કહ્યું કે, “એક મહત્વપૂર્ણ બિલ સંસદમાં રજૂ થવાનું હતું તેથી આ બેઠક મોડી બોલાવવામાં આવી હતી. બંને આગેવાનોએ જે ચર્ચા કરી તે અંગે મોવડીમંડળ સાથે પરામર્શ કરવામાં બિલને લઈને મોડ઼ું થયું.” જ્યારે “બંને નેતાઓએ મોવડીમંડળ સાથે પરામર્શ કરીને, એક ટીમ સ્પીરિટથી નિર્ણય લેવામાં આવ્યો” તેવી રજૂઆત સીએમ વિજય રૂપાણીએ કરી હતી.

મંત્રીઓને ખાતાઓની ફાળવણી કરવામાં આવી છે. જે ફાળવણી કરવામાં આવી તેમાં નીતિન પટેલને અસંતોષ હોવાનું પ્રતિત થતું હતું.  તેમની પાસે જે ખાતા હતા, તેમાંથી કેટલાંક સીએમે પોતે રાખ્યા તો કેટલાંક સૌરભ પટેલને સોંપવામાં આવ્યા છે.

કેબિનેટ પ્રધાનો અને ખાતાઓની ફાળવણી

મંત્રીશ્રી અને ખાતાઓની ફાળવણી
વિજય રૂપાણી:– સામાન્ય વિભાગ, ગૃહ, શહેરી વિકાસ, બંદરો, ખાણ ખનિજ, માહિતી પ્રસારણ, પેટ્રોલિયમ, ક્લાયમેટ ચેન્જ, પ્લાનીંગ, સાયન્સ એન્ડ ટેકનોલોજી, તમામ નીતિઓ અને કોઈ મંત્રીઓને ન ફાળવેલી હોય તેવી તમામ બાબતો
નિતિન પટેલઃ માર્ગ અને મકાન, આરોગ્ય અને પરીવાર કલ્યાણ, તબીબી શિક્ષણ, નર્મદા, કલ્પસર, પાટનગર યોજના
સૌરભ પટેલ: – નાણાં વિભાગ અને ઉર્જા વિભાગ
આર સી ફળદુ: – કૃષિ, ગ્રામ વિકાસ, મત્સ્ય ઉદ્યોગ, પશુપાલન, વાહન વ્યવહાર
ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા: – શિક્ષણ વિભાગ, શૈક્ષણિક બાબતો કાયદો અને ન્યાયતંત્ર, વૈધાનિક અને સંસદીય બાબતો, મીઠા ઉદ્યોગ, ગૌ-સંવર્ધન અને નાગરિક ઉડ્ડયન)
કૌશિક પટેલ: – મહેસૂલ વિભાગ
ગણપત વસાવા:– આદિવાસી વિકાસ, પ્રવાસન અને વન વિભાગ, મહિલા અને બાળ કલ્યાણ
જયેશ રાદડિયા: – અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહકો, કુટીર, છાપકામ અને લેખન સામગ્રી
દિલીપ ઠાકોર: – શ્રમ અને રોજગાર, ડીઝાસ્ટર મેનેજમેન્ટ, યાત્રાધામ વિકાસ
ઈશ્વર પરમાર :- સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ(અનુસૂચિત જાતિ કલ્યાણ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોનું કલ્યાણ સહિત)

આ ઉપરાંત રાજ્યકક્ષાના ખાતાઓની ફાળવણી પણ કરવામાં આવી છે.

મંત્રીશ્રી અને ખાતાઓની ફાળવણી

પ્રદીપસિંહ જાડેજાઃ ગૃહ, ઊર્જા, વૈદ્યાનિક અને સંસદીય બાબતો, કાયદો, ન્યાયતંત્ર (રાજ્યકક્ષા), પોલીસ હાઉસિંગ, બોર્ડર સિક્યોરિટી, સિવિલ ડિફેન્સ, ગ્રામ રક્ષક દળ, જેલ, નશાબંધી આબકારી, સ્વૈચ્છિક સંસ્થાઓનું સંકલન, બિનનિવાસી ગુજરાતી પ્રભાગ, પ્રોટોકોલ (તમામ સ્વતંત્ર હવાલો)
પરબત પટેલઃ સિંચાઈ પાણી પુરવઠા (સ્વતંત્ર હવાલો)
પુરુષોત્તમ સોલંકીઃ મત્સ્ય ઉદ્યોગ
બચુ ખાબડઃ ગ્રામગૃહ નિર્માણ, ગ્રામ વિકાસ, પશુપાલન, ગૌસંવર્ધન
જયદ્રથસિંહજી પરમારઃ કૃષિ વિભાગ (રાજ્યકક્ષા), પંચાયત, પર્યાવરણ (સ્વતંત્ર હવાલો)
ઇશ્વરસિંહ પટેલઃ સહકાર, રમતગમત, યુવક સાંસ્કૃતિક વિભાગ (સ્વતંત્ર હવાલો), વાહન વ્યવહાર (રાજ્યકક્ષા)
વાસણ આહિરઃ સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ કલ્યાણ
વિભાવરી દવેઃ મહિલા બાળ કલ્યાણ વિભાગ, શિક્ષણ (પ્રાથમિક અને ઉચ્ચ), યાત્રાધામ
રમણલાલ પાટકરઃ વન અને આદિજાતિ વિભાગ
કિશોર કાનાણીઃ આરોગ્ય અને પરિવાર કલ્યાણ, તબીબી શિક્ષણ

ઉલ્લેખનિય છે કે સ્વર્ણિમ સંકુલમાં મળેલી કેબિનેટમાં હાલ ઠંડીમાં પણ ગરમીનો અનુભવ થતો જોવા મળ્યો હતો. સીએમ વિજય રૂપાણી અને ડેપ્યુટી સીએમ વચ્ચે સૌરભ પટેલ, નીતિન પટેલ વચ્ચે ખાતાઓની ફાળવણી કરવાના મામલે ડખો થયો હોવાનું પણ માનવામાં આવે છે. આજે પ્રથમ કેબિનેટ મળવાની હતી, તે સાંજે 4 વાગે શરૂ થવાની હતી તે રાતે નવ વાગે શરૂ થઈ હતી. જે મહત્વપૂર્ણ ખાતાઓ છે તે કોને સોંપવા, તેને લીઈને સીએમ અને નીતિન પટેલ વચ્ચે મતભેદ પ્રવર્તી રહ્યાં હતાં. જીતુ વાઘાણીની હાજરીમાં મળેલી બેઠકમાં આ ચર્ચા દરમિયાન ઘણી ક્શમકશ ખેંચાયી હોવાનું જાણવા મળ્યું છે. ખાતાઓની ફાળવણીના મુદ્દે સીએમ અને ડેપ્યુટી સીએમ વિવાદ ચરમ સીમાએ પહોંચ્યો હોવાનું મનાય છે. સીએમના નિવાસસ્થાને આ મામલે ઉગ્ર ચર્ચા થયાનું બહાર આવતા, ભાજપનો આંતર કલહ છૂપો રહ્યો નથી. જોકે હવે બંને વચ્ચેની ચર્ચાનો સુખદ અંત આવી ગયો હોવાનું માનવામાં આવે છે.

સીએમ અને ડેપ્યુટી સીએમ રાતે  નવવાગે સ્વર્ણિમ સંકુલ પહોંચ્યા હતા. કેબિનેટની બેઠક શરૂ કરવામાં આવી હતી. બેઠક પૂર્ણ થતાં, સીએમ અને  ડેપ્યુટી સીએમ વચ્ચે સમાધાન સધાઈ ગયું હોવાનું જાણવા મળ્યું હતું. બેઠક સારા માહોલમાં પૂર્ણ થઈ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. જો કે ખાતાઓની ફાળવણીમાં ભાજપનો આંતર કલહ બહાર આવ્યો છે. બંને પ્રધાનો હાલના તબક્કે કોઈ સમાધાન કે ઉકેલ શોધીને બહાર આવ્યા હોવાનું માનવામાં આવે છે. આમછતાં ખાતાકિયની ફાળવણી થતાં ડેપ્યુટી સીએમ બોડી લેંગ્વેજમાં અસંતોષ સાફ ઝલકતો જોવવા મળ્યો હતો. કેબિનેટમાં ખાતાકિય ફાળવણી માટે, મોવડી મંડળ પૈકી કોણે મહત્વપૂર્ણ જવાબદારી નિભાવી તે હજી સ્પષ્ટ થયું નથી.