પોષી પૂનમઃ મા અંબાજીનો પ્રાગટયોત્સવ   - Sandesh
  • Home
  • Supplements
  • Shraddha
  • પોષી પૂનમઃ મા અંબાજીનો પ્રાગટયોત્સવ  

પોષી પૂનમઃ મા અંબાજીનો પ્રાગટયોત્સવ  

 | 1:04 am IST

પ્રાસંગિક

વિષ્ણુના ચક્રથી ઘાત થતાં મા જગદંબાના શરીરના બાવન ટૂકડા થયા. તેમાંથી હૃદય ગબ્બર ટોચ પર ઉપર પડયું. ત્યાં માંની અખંડ જ્યોત સ્વરૂપ શક્તિની આરાધના પર્વ ઉજવવામાં આવે છે. તે દિવસ એટલે પોષ સુદ પૂનમ.

તા. ૨૧ જાન્યુઆરી સોમવાર ૨૦૧૯નાં રોજ પોષ પૂર્ણિમા ઉજવાશે. આ દિવસથી માઘસ્નાનનો પ્રારંભ થાય છે, જે ‘મહાસ્નાન’ તરીકે ઓળખાય છે. આ પૂર્ણિમાએ દુનિયાભરના લોકો પવિત્ર નદીઓમાં સ્નાન કરે છે. આ મહિનો સૂર્યદેવને સમર્પિત હોવાથી સૂર્ય+ચંદ્રનાં અદ્ભૂત સંયોગ સમાન સૂર્ય તથા ચંદ્રની ઉપાસના આ દિવસે ફળે છે અને દરેક મનોકામનાઓ પૂર્ણ થાય છે.

જે દિવસે ચંદ્રનો આકાર પૂર્ણ હોય તે દિવસને પૂર્ણિમા કહેવામાં આવે છે. માન્યતા છે કે આ પોષી પૂનમનાં દિવસે જે વ્યક્તિ વિધિવત્ પ્રાતઃકાલ સ્નાન કરે છે તે મોક્ષનો અધિકારી બને છે અને જન્મ-મૃત્યુનાં ચક્કરમાંથી છૂટી જાય છે.

આ દિવસે સૂર્યને અર્ધ્ય આપવાનું ખૂબ મહત્વ છે. આ દિવસે એકપણું અથવા ફળાહાર કરીને વ્રત રાખવામાં આવે છે અને સ્નાન બાદ કેટલાક વિશેષ મંત્રોનો જાપ કરીને કષ્ટોથી મુક્તિ પામી શકાય છે. જેમાં (૧) ૐ નમો નારાયણાયઃ (૩) ૐ સોમાય નમઃ કરી શકાય છે.

પૌષ પૂર્ણિમાનાં દિવસે ‘શાકંભરી જયંતી’ પણ માનવામાં આવે છે. જૈન ધર્મમાં આ દિવસે પુણ્યાભિષેક યાત્રા પ્રારંભ કરે છે. બનારસમાં દશાશ્વમેઘ તથા પ્રયાગમાં ત્રવેણી સંગમ ઉપર સ્નાન કરવું અત્યાધિક શુભ અને મહત્વપૂર્ણ માનવામાં આવે છે. હાલમાં અલાહબાદ અર્થાત્ પ્રયાગરાજમાં મહાકુંભ મેળો હોવાથી તે દિવસે ‘શાહી સ્નાન’નો નાગાસાધુએ, મહંતો, મંડલેશ્વરો તથા સંતો અને મનુષ્યો લાભ ઉકાળશે.

પોષ સુદ પૂર્ણિમાનું મહત્વ ગુજરાતમાં અને આજુ બાજુમાં પ્રદેશોમાં ‘અંબાજી પ્રાગટયોત્સવ’નાં લીધે પણ વધી જાય છે. ‘જેવી ભાગવત પુરાણ’ અનુસાર ઋષિ કશ્યપનાં રંભાસુર અને કમલાસુર નામનાં બે શક્તિશાળી પુત્રો હતાં રંભાસુરે ગોધર્વ પાંચાલ અને નાગોને વશમાં રાખનાર દેવી મહિષી સાથે વિવાહ કર્યા જેનાથી પુત્ર ‘મહિષાસુર’ ઉત્પન્ન થયો. દેવી દેવતાની પ્રાર્થનાથી શક્તિરૂપિણી દેવી ઉત્પન્ન થઈ જેણે મહિષાસુરનો વધ કર્યો અને જગતમાં ‘મહિષાસુરર્મિહની’ તરીકે પ્રખ્યાત થઈ. જેનું વાત્સલ્યરૂપ ‘અંબા’ છે.

પુરાણોસાર વિષ્ણુચક્રનાં લીધે સતીનાં દેહનાં અવયવ પૃથ્વી પર પડયાં. તે પથ્થર થઈ ગયા. પૃથ્વી પર તે સ્થાનોને શક્તિપીઠ, મહાતીર્થ અને મુક્તિક્ષેત્રથી ઓળખવામાં આવે છે. તે ‘સિદ્ધપીઠ’ કહેવાય છે અને દેવતાઓ માટે પણ દુર્લભ છે. અર્બુદારણ્ય પ્રદેશના ‘આરાસન’ નામના રમણીય પર્વતશીખર પર શ્રી અંબાજીનું ભુવન વિદ્યમાન છે. અહીં સતીનાં ‘હૃદય’નો ભાગ પડયો હતો. માટે તે અંગેની પૂજા આજે પણ થાય છે. ‘હૃદયચક્ર’ને જાગૃત કરવા ઘણા ભક્તો ભીડ લગાવે છે.

અરાસુર પર્વત સફેદ હોવાથી શ્રી અંબિકાને ‘ધોળાગઢવાળી’ માતાનાં નામથી પણ ઓળખવામાં આવે છે. ભગવતીનું મંદિર ‘આરસપહાણ’ના પથ્થરથી બનેલું છે. જે પ્રાચીન છે. જગતમાતાનાં આરાસુરમાં અંબાજીનાં દર્શન સવારે ૮થી લઈ ૧૨ વાગ્યા સુધી અને ભોજનથાળ ધરાવ્યા બાદ બંધ થાય છે ત્યારે સાંજે સૂર્યાસ્તના સમયે ઠાઠથી આરતી થાય છે. ત્યારબાદ શયન આરતી સાથે દ્વાર બંદ થાય છે.

અંબાજીમાં માતાજીને ત્રણે સમય ત્રણ પોષાક પહેરાવવામાં આવે છે. જેમાં તે સવારે બાળાસ્વરૂપે બપોરે યુવાન અને સાંજે વૃદ્ધાનાં સ્વરૂપમાં દેખાય છે.

વાસ્તવમાં ત્યાં કોઈ મૂર્તિ નથી પરંતુ ‘શ્રી યંત્ર’ની પૂજા કરવામાં આવે છે. તેનાં શૃંગારની વિવિધતાનાં કારણે આવું દેખાય છે. રજસ્વલાસ્ત્રી અને સૂતકવાલા લોકો ચોકમાં પ્રવેશી શક્તા નથી. અચાનક અકસ્માતે બનેલા આવા બનાવવાળા માટે અલગથી ધર્મશાલા બનેલી છે.

કહે છે કે, માતાજીનાં પાળ રાખવા માટે કોઠારી પાસેથી આજ્ઞાપત્ર માંગવું પડે છે. ત્યારબાદ પૂજારી એક ચાંદીની થાળી આવે છે જેમાં નિશ્ચિત સમય પર ભોગ ધરાવવામાં આવે છે. અંબાજીમાતાની આરાધના શ્રીરામ-લક્ષ્મણ, શ્રીકૃષ્ણ અને પાંડવોએ પણ કરેલી છે. જેનાં અનુસાર અંબાજી માતાએ પ્રસન્ન થઈ રામને ‘અજય’ નામનું બાણ આપ્યું હતું જેનાથી શ્રીરામે રાવણનો વધ કર્યો હતો. દ્વાપરયુગમાં દ્વારકાધીશ શ્રીકૃષ્ણએ અનુવ્રત ત્રણ દિવસ સુધી અંબાજી માતાને આરાધના કરી હતી. પાંડવોએ પણ માતાની આરાધના કરી. ભીમને ‘અજય’ માળા આપી હતી. અર્જુને અજ્ઞાતવાત દરમિયાન પોતાની પોશાક અહીં છૂપાવીને રાખ્યો હતો. અજ્ઞાતવાસ બાદ પાંડવોએ આ મંદિરનો પુનઃનિર્માણ ઠારવ્યું હતું.

મહાશક્તિ આરાસુરી અંબાજી માતાનાં ૭ વાહન છે. સપ્તાહનાં દરેક દિવસે અલગ શૃંગાર થાય છે. રવિવારે ‘વ્યાઘ્રવાહિની’ છે. સોમવારે ‘વૃઘભવાહિની’ છે. મંગળવારે ‘સિંહવાહિની’ છે. બુધવારે ‘ઐરાવતવાહિની’ છે. ગુરુવારે ‘ગુરુડવાહિની’ છે. શુક્રવારે ‘હંસવાહિની’ છે અને શનિવારે ‘ગજવાહિની’ છે. આમાં વ્યાઘ્રવાહિની સ્વર્ણમંડિત (સોનાથી મઢેલી) અને શેષ વાહિનીઓ રત્નમંડિત છે.

આ દિવસે જે ભક્તો માતાનાં મંદિરમાં નથી જઈ શક્તા તે પોતાનાં ઘરે સવારથી લઈ બીજા દિવસ સવારે ૨૪ કલાક સુધી ચોખ્ખા ઘીનો અખંડ દીપક પ્રજવલિત રાખી વ્રત કરી શકે છે. આ ઉપરાંત બહેનો પોતાના ભાઈની લાંબી આયુ, સમૃદ્ધિ માટે પોષી પૂનમનું વ્રત કરે છે. આ સિવાય આ દિવસે સવારે તાંબાનાં લોટામાં જળ લઈ પીપળદેવને અર્પણ કરવું. મીઠાઈ ધરાવી. ધૂપ કરી માં લક્ષ્મીને પ્રાર્થના કરી પોતાનાં ઘરે નિવાસ કરે તેનું આમંત્રણ આપવાથી જાતક પર માં લક્ષ્મી શ્રીદુર્ગાની કૃપા હંમેશા બની રહે છે.

  • ડો. મૌલી રાવલ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન