સકારાત્મકતા-માનસિક સ્વાસ્થ્યની નિશાની - Sandesh
  • Home
  • Supplements
  • Stree
  • સકારાત્મકતા-માનસિક સ્વાસ્થ્યની નિશાની

સકારાત્મકતા-માનસિક સ્વાસ્થ્યની નિશાની

 | 3:02 am IST

પર્સનાલિટી । પૂજા શાહ

ઘણીવાર આપણે પૂરતી માહિતી ના હોવા છતાં કેટલાંક અનુમાન આત્મવિશ્વાસપૂર્વક કરી લઈએ છીએ. કેટલીક વાતો સાંભળીને આપણે તરત બોલી ઊઠીએ છીએ, ”એ શક્ય જ નથી” અથવા તો ”ના હોય.” પરિસ્થિતિને આપણી ઇચ્છા મુજબ વાળવાનો પ્રયત્ન કરવાને બદલે આપણે જોખમને ટાળવાનું વધુ પસંદ કરીએ છીએ. આજકાલ આ પ્રકારની નકારાત્મકતામાં આપણને વધારે સલામતી લાગે છે.

યાદ કરો, આપણે નાના હતા ત્યારે આપણા મનમાં ઘણાં સ્વપ્નો રમતાં હતાં. તે સાચા જ પડશે એ આપણે જાણતા ન હતા અને તે બાબતની ચિંતા પણ કરતા ન હતા. બાળક હતા ત્યારે તે સ્વપ્નો અંગે કોઈ ચિંતા ન હતી. જેમ આપણે મોટા થતાં ગયા તેમ આપણે જોયું કે મોટાભાગનાં સ્વપ્નો આપણી જ ખામીઓને કારણે ફળ્યાં ન હતાં. નિરાશાની લાગણી આપણી પર ખૂબ અસર કરે છે. અપેક્ષિત પરિણામ ના મળે ત્યારે સ્વાભાવિક રીતે જ આપણે નિરાશ થઈએ છીએ. આપણે તર્કને બદલે લાગણીનો સહારો લઈએ છીએ.

જો આપણે આપણા ભૂતકાળના સંદર્ભમાં આપણા અંતરમાં ડોકિયું કરીએ તો આપણને આપણા વિચિત્ર વર્તનની પાછળ રહેલા મૂળભૂત કારણો દેખાય છે. ભૂતકાળમાં થયેલા નિરાશાના અનુભવ આપણા મનમાં ભય, ઇર્ષા અને અપરાધભાવ જન્માવે છે. જે આગળ જતાં ડગલે ને પગલે આપણી પ્રગતિમાં અવરોધ ઊભા કરે છે. આવી લાગણીઓ જન્માવતા પરિબળોને જો આપણે ઓળખી શકીએ તો તેમને દૂર કરવાના પ્રયત્નો પણ આપણે કરી શકીએ. આમ કરવાથી આપણું અંતરમન શાંત પડશે અને તે મુશ્કેલ પરિસ્થિતિઓમાં માર્ગ શોધવામાં આપણને મદદ કરશે. આ પ્રકારના સકારાત્મક વલણ આગળ જતાં આપણને નવી ઊંચાઈઓ તરફ લઈ જશે.

નકારાત્મકતાનું પડકારમાં પરિવર્તન

કોઈ બાળકને એમ કહેવામાં આવે કે તે અમુક કામ નહીં કરી શકે તો સાચે જ તે બાળક હતોત્સાહ થઈને તે કામ કરવાનો પ્રયત્ન જ નહીં કરે. તેના બદલે તે બાળકને તે કામ કરવાનું પ્રોત્સાહન આપવામાં આવે તો બાળક પૂરો પ્રયત્ન કરીને તે કામ કરશે, કારણ કે પ્રોત્સાહનને કારણે તે બાળકમાં અઘરું કામ કરવાની હિંમત આવે છે. એક પડકાર સમજીને તે તે માટે પૂરી મહેનત કરે છે. એ જ રીતે આપણું મનોબળ નબળું હોય ત્યારે આપણી પાસે બે વિકલ્પ હોય છે. એક છે પરિસ્થિતિની વિકટતાનો ભોગ બનીને નિષ્ક્રિય રહેવું અને બીજો વિકલ્પ છે પરિસ્થિતિને પડકાર સમજીને તેનો ઉકેલ શોધવો.

પડકાર આપણને આપણી ક્ષમતા પુરવાર કરવા પ્રેરે છે. આપણું નબળું મનોબળ જાગે છે અને તે આપણને ગણતરીપૂર્વકનો ઉકેલ શોધવા પ્રેરે છે.

જીવનમાં ધ્યેયનું મહત્ત્વ

આપણેજ્યારે સવારે ઊંઘમાંથી જાગીએ છીએ ત્યારે કઈ બાબત આપણામાં ઉત્સાહ પ્રેરે છે? ચા-કોફીનો કપ કે આપણું કામ? આપણું રૂટિન ચાહે કેટલુંય કંટાળાજનક હોય, સવારે તે આપણામાં ઉત્સાહનો સંચાર કરે જ છે. આપણી નોકરી કે વ્યવસાય આપણા રોજિંદા ધ્યેય છે. તે આપણને સક્રિય રાખે છ. એ જ રીતે આપણે જીવનમાં શું કરવા માગીએ છીએ અને અમુક વર્ષો પછી ક્યાં પહોંચવા માગીએ છીએ તેનો શાંતિથી વિચાર કરીએ તો પણ આપણને જીવનનું ધ્યેય મળી જાય છે.

કલ્પના કરો કે તમારા જીવનમાં કોઈ અનર્થકારી ઘટના જેવી કે માતા-પિતાનું મૃત્યુ, જીવનસાથી તરફથી દગો, મોટી આર્થિક હાનિ, તમારા પ્રિય પાલતુનું મૃત્યુ વગેરે બને તો તમે શું કરશો? તમે કયા ધ્યેય માટે જીવશો? કઈ બાબત તમને ફરી ઊભા થવા પ્રેરશે? એ બાબતને શોધી કાઢો અને તેની પાછળ મહેનત કરો. આ રીતે જાગૃતિપૂર્વક કામ કરશો તો તમને ચોક્કસ નવું ધ્યેય મળી જશે જે તમારા જીવનમાં ખુશી લાવશે.

પ્રસન્નતા એક સારી ટેવ

જીવનમાં ઘણી અપ્રિય ઘટનાઓ બની શકે છે, પરંતુ તેમાંથી બહાર આવીને જે નવેસરથી શરૂઆત કરી શકે છે તે જીતી જાય છે. આપણી સામે હંમેશાં બે વિકલ્પ હોય છે. ફરિયાદ કરીને જીવવું અથવા હસીને જીવવું. હસીને જીવવાનું પસંદ કરનાર વ્યક્તિને કોઈ હરાવી શકતું નથી. જીવન તરફ હંમેશાં સકારાત્મક દૃષ્ટિકોણ રાખો. પોતાની ક્ષમતા પર વિશ્વાસ રાખો. જેટલી મહેનત કરશો તેટલા મીઠાં ફળ મળશે. તેથી મનને હંમેશાં ખુશ રહેવા કેળવો. જો ખુશ રહેવાની ટેવ પડી જશે તો જીવનમાં ક્યારેય હતાશા કે નિષ્ફળતા નહીં આવે. જીવન એક ઉત્સવ છે અને આપણે તેને માણવાનો છે. તેથી જીવનને માણવાની કળા કેળવો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન