જન્મ પછીની સામાન્ય તકલીફો - Sandesh

જન્મ પછીની સામાન્ય તકલીફો

 | 12:27 am IST

બાળઉછેરઃ ડૉ. હર્ષદ કામદાર

જન્મ પછી બાળકની આંખમાં ડોળા ઉપર લોહીનાં ટપકાં કે લીટી દેખાય છે. આ માટે કોઈ વિશિષ્ટ સારવારની જરૂર રહેતી નથી.

માતાની સ્વચ્છતા બરાબર ન જળવાઈ રહે તો પ્રસવ વખતે બાળકની આંખમાં ચેપ લાગે છે. આવા સંજોગોમાં બાળકની આંખો ચોખ્ખા પાણીથી રૂના પૂમડા વડે અલગ-અલગ સાફ કરીને જરૂર જણાય તો જંતુનાશક દવા અથવા મલમ આંખમાં લગાડવો.

હેડકી આવવી

નવજાત શિશુમાં હેડકી આવવી સામાન્ય બાબત છે એ માટે કોઈ વિશેષ સારવારની જરૂર રહેતી નથી. માતાનું ધાવણ ચાલુ રાખવું જોઈએ.

માથા પરની ગાંઠ

જન્મ પછી ઘણી વખત માથામાં લોહીનો ગઠ્ઠો જમા થવાથી ગાંઠ થઈ જાય છે જેના માટે કોઈ સારવારની જરૂર રહેતી નથી. એ પોતાની મેળે જ ઓગળી જાય છે.

જન્મ પછી પેશાબ ન થવો

બાળકને બીજી કોઈ તકલીફો ન હોય અને બે દિવસ સુધી પેશાબ ન થાય. તો તે ચિંતાનો વિષય નથી. પણ જો બાળક એ પછી પેશાબ ન કરે તો મોટા ડોક્ટરને બતાવી દેવું જોઈએ.

ધ્રુજારી

આમ તો નવજાત શિશુમાં ધ્રુજારી સામાન્ય બાબત છે. પણ જો વધારે વાર સુધી રહે અને ધાવણ આપતી વખતે પણ રહે તો મોટા દવાખાનામાં વધારે તપાસ માટે બાળકને લઈ જવું જોઈએ.

નવજાત શિશુમાં કમળો

તંદુરસ્ત બાળકોમાં પણ કમળો દેખાતો હોય છે. કમળો એટલે આંખોમાં પીળાશ અને ચામડીમાં પીળાશ દેખાતી હોય છે. સામાન્ય રીતે બાળકના જન્મ પછી ત્રીજા દિવસે પીળાશ દેખાય અને છથી સાતમા દિવસે ઓછી થતી હોય છે. જો બાળક બીજી બધી રીતે તંદુરસ્ત હોય, જન્મ સમયે વજન અઢી કિલોથી પણ વધારે હોય અને ધાવણ સારી રીતે લેતું હોય તો નવજાત શિશુના કમળા માટે કોઈ ખાસ સારવારની જરૂર નથી, પરંતુ જો જન્મના પહેલાં દિવસે કમળો દેખાય અથવા કમળો હાથ-પગમાં બધે ઝડપથી ફેલાતો હોય, બાળકને ધાવણ લેવામાં તકલીફ પડતી હોય અને તાવ, ઊલટી, ખેંચ વગેરે કોઈપણ ચિન્હો દેખાય તો ડોકટર પાસે લઈ જવું. બાળકને અડકતાં પહેલાં હાથ બરાબર સાબુથી સાફ કરવા. બાળકને ચોખ્ખા કપડાંથી વીંટાળવું.

શિશુને વિશેષ સારવાર માટે દવાખાને મોકલતી વખતે

શરીરનું તાપમાન યોગ્ય રીતે જળવાઈ રહે તે માટે બાળકને ગરમ કપડાંમાં વીંટાળીને માતાની કે અન્ય સગાંની સોડમાં રાખીને મોકલવું જોઈએ. જો શક્ય ન હોય તો બાળકને થર્મોકોલ બોક્સ અથવા પેટીમાં બરાબર વીંટાળીને બોકેસ ખુલ્લુ રાખીને મોકલી શકાય છે.

બાળકના જન્મ સમયની વિગતો બાળકને અપાયેલ પ્રાથમિક સારવારની વિગતો અને માતાને સુવાવડ દરમિયાન પડેલી તકલીફોની નોંધ સાથે મોકલવી જોઈએ. જેથી આગળની સારવાર આપવામાં સુગમતા રહે. શક્ય હોય ત્યાં સુધી માતાને જ સાથે મોકલવી.

જન્મસમયે ઓછા વજનના શિશુની સારવાર

આવાં બાળકો ઓછા વજનને કારણે શરીરનું તાપમાન બરાબર જાળવી શક્તાં નથી. તેથી બાળકના શરીરનું તાપમાન યોગ્ય રીતે જળવાય તેની ખાસ કાળજી રાખવી જોઈએ. આ માટે બાળકને સમયસર ધાવણ આપતા રહેવું જોઈએ. બાળકને ગરમ કપડાંમાં બરાબર વીંટાળીને રાખવું જોઈએ. બાળકને માની સોડમાં અથવા માતાના શરીર સાથે સંપર્કમાં રહે તે રીતે મૂકવાથી પણ શરીરનું તાપમાન જાળવી શકાય છે. બાળકને નવડાવવાની ઉતાવળ ન કરવી. જરૂર પડે માથા પર પડે માથા પર ટોપી પહેરાવવી અને હાથેપગે મોજાં પહેરાવવાં.

બાળકને સમયસર અને પૂરતા પ્રમાણમાં માતાનું ધાવણ આપતા રહેવું જોઈએ. જો બાળક ધાવણ બરાબર ખેંચી ન શક્તું હોય અને મોઢા વાટે ધાવણ આપવામાં બીજો કોઈ વાંધો ન હોય તો માતાનું ધાવણ વાટકીમાં કાઢી ચમચી વડે બાળકને સમયસર પૂરતા પ્રમાણમાં આપવું જોઈએ.