દેવબંદમાં ધાર્મિક શિક્ષણ લેતા બાંગ્લાદેશી વિદ્યાર્થીઓને મળી ધમકી, લગાવવામાં આવ્યા પોસ્ટર - Sandesh
  • Home
  • India
  • દેવબંદમાં ધાર્મિક શિક્ષણ લેતા બાંગ્લાદેશી વિદ્યાર્થીઓને મળી ધમકી, લગાવવામાં આવ્યા પોસ્ટર

દેવબંદમાં ધાર્મિક શિક્ષણ લેતા બાંગ્લાદેશી વિદ્યાર્થીઓને મળી ધમકી, લગાવવામાં આવ્યા પોસ્ટર

 | 5:23 pm IST

ઉત્તર પ્રદેશના સહરાનપુર જિલ્લાના દેવબંદમાં ઉશ્કેરણીજનક પોસ્ટર્સ મળી આવ્યા હતા. આ પોસ્ટરમાં દારૂલ ઉલૂમમાં ઇસ્લામી શિક્ષણ મેળવી રહેલા બાંગ્લાદેશી વિદ્યાર્થીઓને એક મહિનામાં ભારત છોડવાની ધમકી આપવામાં આવી છે. આ પોસ્ટર્સ દેવબંદની દીવાલો અને મસ્જિદો પર ચોંટાડેલા હતા. એમાં લખવામાં આવ્યું હતું કે, જો બાંગ્લાદેશી વિદ્યાર્થીઓ એક મહિનામાં ભારત નહીં છોડે તો તેમણે ગંભીર પરિણામ ભોગવવા પડશે.

પોસ્ટર લગાડનારાઓને પોલીસ શોધી રહી છે. પોસ્ટર છપાવનારાઓએ દેવબંદ અને અન્ય મદરેસામાં ભણતા બાંગ્લાદેશી વિદ્યાર્થીઓના નામ અને તેમની સંખ્યા પણ લખી છે. મળતા અહેવાલ મુજબ સહરાનપુરના એસએસપી બબલુકુમારે કહ્યું કે, ઘટનાની તપાસ શરૂ કરાઈ છે અને આવું કરનારાઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરાશે. જોકે સ્થાનિક રહેવાસીઓએ પોસ્ટરો કાઢી એને સળગાવી દીધા હતા.

આ પોસ્ટર પર કોઈનું નામ લખાયું નહોતું, પરંતુ પોસ્ટર પર લખાયું હતું કે, દેવબંદમાં ગેરકાયદે રહેતા બાંગ્લાદેશીઓને અમે ઓળખીએ છીએ, અમને એની પણ જાણ છે કે અલગ અલગ મદરેસામાં ભણતા આ વિદ્યાર્થીઓ ક્યા નામે રહે છે. જો આ લોકો એક મહિનામાં દેશ/શહેર છોડીને નહીં જાય તો એનું પરિણામ વરસો સુધી નહીં ભૂલાય. દારૂલ ઉલૂમ દેવબંદના વાઇસ પ્રેસિડેન્ટ હાલ દસ દિવસની બાંગ્લાદેશની મુલાકાતે છે.

એટલે વિવાદનું મહત્ત્વ વધી જાય છે. ઉત્તર પ્રદેશના સહરાનપુરસ્થિત દારૂલ ઉલૂમ દેવબંદ ઇસ્લામિક શિક્ષણનું વિશ્વ પ્રસિદ્ધ કેન્દ્ર છે. અહીં અનેક દેશોના વિદ્યાર્થીઓ ભણવા આવે છે. દારૂલ ઉલૂમ એના ફતવાઓને કારણે પણ વિવાદમાં રહે છે.

સહરાનપુરના એસએસપીએ કહ્યું કે, અમે ઘટનાની તપાસ કરી રહ્યા છીએ અને દોષિત વિરુદ્ધ કાર્યવાહી કરાશે. પોસ્ટર લગાવાયા બાદ બાંગ્લાદેશી વિદ્યાર્થીઓમાં ડર વ્યાપ્યો છે. જોકે પોલીસે કહ્યું છે કે કાયદેસર બાંગ્લાદેશી વિદ્યાર્થીઓએ ડરવાની જરૂર નથી.