ગરીબો માટે અમેરિકી નાગરિકતા છોડી દીધી સુધા ભારદ્વાજે - Sandesh
  • Home
  • Columnist
  • ગરીબો માટે અમેરિકી નાગરિકતા છોડી દીધી સુધા ભારદ્વાજે

ગરીબો માટે અમેરિકી નાગરિકતા છોડી દીધી સુધા ભારદ્વાજે

 | 1:55 am IST

વિચાર સેતુ : વિનીત નારાયણ

ગત દિવસોમાં સુપ્રીમ કોર્ટે લોકતંત્રનાં હિતમાં એક મોટો ચુકાદો આપ્યો જ્યારે સુધા ભારદ્વાજની પુણે પોલીસની ધરપકડને ગેરકાયદેસર જાહેર કરી દીધી. હું સુધાને ૧૯૯૫થી જાણું છું, જ્યારે તેઓ જીદ કરીને મને દિલ્હીથી છત્તીસગઢ લઈ આવ્યાં હતાં, જ્યાં તેમનાં સંગઠને અનેક શહેરો અને ગામોમાં મારી જનસભાઓ કરાવી હતી, જેનો ઉલ્લેખ મારા પુસ્તકમાં પણ છે. તેમની અત્યંત સાદગીભરી મજૂરો જેવી ઝૂંપડી જોઈએ હું દ્રવી ગયો. જોકે મારી વિચારધારા સનાતન ધર્મ આધારિત છે અને તેમની ડાબેરીપંથી, પરંતુ મારું માનવું છે કે મનુષ્ય તેમનાં સત્કર્મો, સેવા અને ત્યાગના પ્રભાવબળ વડે સંત કોટીનો દરજ્જો પામી શકે છે. સુધા ભારદ્વાજને અસલી સંતની ઉપાધિ આપવી અનુચિત નથી. તેમના જેવું થવું આપણે માટે શક્ય નથી. આગળ જે લખી રહ્યો છું તે સાથી મહેન્દ્ર દુબેએ મોકલ્યું છે અને હું તે સાથે પૂરો સહમત છું.

સુધા ભારદ્વાજ કોંકણી બ્રાહ્મણ પરિવારનાં એકમાત્ર સંતાન છે. જે વ્યવસાયે એક યુનિયનિસ્ટ, કાર્યકર અને વકીલ છે. મજૂર વસતીમાં રહેનાર સુધા ભારદ્વાજ ૧૯૭૮ની આઈઆઈટી કાનપુરના ટોપર છે. તેઓ જન્મે અમેરિકન નાગરિક હતાં અને ઇંગ્લેન્ડમાં તેમનું પ્રાથમિક શિક્ષણ પૂરું થયું હતું. કોઈ કલ્પના પણ ન કરી શકે આ બેકગ્રાઉન્ડનો કોઈ શખ્સ, મજૂરોની સાથે તેમની વસતીમાં રહીને દૂધ વગરની ચા અને ભાત-શાક પર દિવસો પસાર કરતાં હશે. જીવનના આ પડાવમાં પણ અત્યંત સામાન્ય લિબાસમાં માથા પર એક બિંદી લગાડીને મજૂર, ખેડૂત અને કમજોરવર્ગનાં લોકો માટે છત્તીસગઢ શહેર અને ગામની દોડ લગાવતી આ મહિલા તેમની અસાધરણ પ્રતિમા, બહેતરીને એકેડમિક યોગ્યતા તથા પોતાનાં કામનો પ્રચાર કરવાનું કદી પણ પસંદ કરતાં નહોતાં. સુધાનાં માતા કૃષ્ણા ભારદ્વાજ જેએનયુમાં અર્થશાસ્ત્ર વિભાગના ડીન હતાં, જેઓ એક ગાયિકા હતાં અને નોબેલ પુરસ્કાર પ્રાપ્ત અમર્ત્ય સેનના સમકાલીન પણ હતાં. આઈઆઈટી ટોપર બનીને નીકળ્યાં પછી સુધા ૮૦ના દાયકામાં છત્તીસગઢના કરિશ્માઈ યુનિયન લીડર શંકર ગુહા નિયોગીના સંપર્કમા આવ્યાં હતાં.

ગત ૩૫ વર્ષોથી વધારે સમયથી છત્તીસગઢમાં મજૂર, ખેડૂત અને ગરીબોની લડાઈ લડયાં, તેમણે તેમની માતાના પીએફના પૈસા પણ ઉડાવી મૂક્યા હતા. તેમની માતાએ દિલ્હીમાં એક મકાન ખરીદી રાખ્યું હતું જે આજકાલ તેમને નામે છે. હિંદુસ્તાનમાં સામાજિક આંદોલન અને સામાજિક ન્યાયનાં મોટાં માથાઓ સુખ-સુવિધામાં જીવી રહ્યાં છે અને તેમનાં કામ કરતાં વધારે પહોંચ અને તેમના વિસ્તાર માટે જાણીતાં છે, પરંતુ જેમને માટે તેઓ કામ કરી રહ્યાં હોય છે તેમની હાલતમાં સુધારાની કિંમત પર વિલાસિતા છોડવા તૈયાર નથી.

બીજી બાજુ સુધા છે જેઓ અમેરિકન નાગરિકતા અને આઈઆઈટી ટોપરનાં ગુમાનનો ત્યાગ કરીને ગરીબો માટેની લડાઈ લડી રહ્યાં છે. ગરીબો પાસેથી ફી લીધા વગર કેસ લડનારાં તથા હાઈકોર્ટના જજનો હોદ્દો નમ્રતાપૂર્વક ઠુકરાવી દેનાર સુધા છેલ્લાં ૩૫-૪૦ વર્ષથી દોડી-દોડીને થાકી ગયાં છે. તેમના ડોક્ટર મિત્ર તેમને આરામ કરવાની સલાહ આપે છે, પરંતુ ગરીબ, ખેડૂત અને મજૂરનો એક નાનો પોકાર સાંભળીને તેઓ દોડી જાય છે અને પછી તે પોતાનાં શરીરની પણ પરવા કરતાં નથી, પરંતુ એવું કહી શકાય કે જો તેમણે તેમનાં કામનો ૧૦ ટકા પણ પ્રચાર કર્યો હોત તો આજે દુનિયાનો એવો કોઈ પુરસ્કાર ન હોત કે જે તેમને ન મળ્યો હોય. સુધા ભારદ્વાજ બનવું મારા-તમારા જેવાનું કામ નથી.