ઉનાળાના આરંભે વિજતંત્ર રૂઠ્યું: અરવલ્લીમાં ૩૦૦૦ ઘરના વિજ જોડાણો કપાયાં

220

અરવલ્લી જિલ્લામાં ઉત્તર ગુજરાત વિજ કંપની દ્વારા ચાલુ માસ માર્ચ-ર૦૧૭માં વિજ બીલની વસુલાત માટે આકરી ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. તા.૧પ માર્ચ સુધીમાં અરવલ્લી જિલ્લાના ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં વિજ બીલ ન ભરનારા ૩૦૦૦ થી પણ વધુ ગ્રાહકોના વિજ જોડાણો કાપી નાખવામાં આવ્યાં છે. ઉનાળાના આરંભે જ વિજ તંત્ર વિજ બીલ મુદ્દે રૂઠતાં બાકીદારોમાં ફડક પેઠી છે. જિલ્લામાં છેલ્લા કેટલાય સમયથી વિજ બીલનાં નાણાં ભરવા મુદ્દે ગ્રાહકો ઠાગાઠૈયા કરતા હોવાથી આખરે કડકાઈથી કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

જિલ્લામાં ઉનાળાના આરંભ સાથે વિજ વપરાશમાં અનેક ગણો વધારો થયો છે. જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી વિજ ચોરીનું દૂષણ વધુી જતાં ઉત્તર ગુજરાત વિજ કંપની દ્વારા સમયાંતરે દરોડાની કાર્યવાહીથી વિજ ચોરોને દંડ ફટકારવામાં આવ્યો છે તો બીજી તરફ વિજ બીલના બાકીદારો સામે પણ વિજ તંત્રએ આકરા તેવર બતાવ્યા છે. અરવલ્લી જિલ્લામાં વિજ બીલની રકમ બાકી હોય તેવા ગ્રાહકો સામે ચાલુ માસમાં નાણાંની વસુલાત કરવા માટે કડકાઈથી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જે અંગે વિજ જોડાણ કાપવા માટે અલગ અલગ ટીમ બનાવી મીટર તથા ર્સિવસ વાયર ઉતારી લેવા માટે જિલ્લાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં ખાસ ઝુંબેશ ઉપાડવામાં આવી છે.

જિલ્લામાં અંદાજીત ૩૦૦૦ થી પણ વધુ ગ્રાહકોએ છેલ્લા ઘણા સમયથી વિજ બીલનાં નાણાં નિયત સમયમાં ભરપાઈ ન કરતાં વિજ જોડાણ કાપી નાખવામાં આવ્યાં છે. ઉનાળાના આરંભે જ વિજ તંત્ર આકરા પાણીએ બેઠું છે અને નાણાંની વસુલાત માટે એક પછી એક ગ્રાહકોના વિજ જોડાણ કાપવામાં આવતાં બાકીદારોમાં ફફળાટ વ્યાપ્યો છે. જિલ્લાના માલપુર, મેઘરજ, ટીંટોઈ, મોડાસા રૂરલ, મોડાસા ટાઉન સહિતના વિસ્તારોમાં વિજ બીલની રકમ બાકી હોય તેવા ગ્રાહકો સામે નાણાંની વસુલાત માટે કડકાઈથી કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.