PPF અને જીવન વીમા સામે ELSS ઊભરતો વિકલ્પ   - Sandesh
1.6M
1M
1.7M
APPS

PPF અને જીવન વીમા સામે ELSS ઊભરતો વિકલ્પ  

 | 9:44 am IST

નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧ સમાપ્ત થવાને હવે માત્ર એક જ મહિનાની વાર છે ત્યારે મોટી સંખ્યામાં કરદાતાઓ તેમની ટેક્સની જવાબદારીઓ ઘટાડવા માટે વિવિધ ટેક્સ સેવિંગ્સ વિકલ્પો તરફ નજર દોડાવવાનું શરૂ કરશે. જોકે, નક્કર આયોજન અને ટેક્સ સેવિંગ્સ ઇન્સ્ટ્રુમેન્ટ્સ અંગે પૂરતી સમજના અભાવે વ્યક્તિ ખોટું રોકાણ કરી બેસે છે અને પરિણામે રોકાણ ઉપર સાધારણ વળતરથી ખુશ થવાનો વારો આવે છે. આ સ્થિતિમાં સમજદારીપૂર્વક અને નિષ્ણાતોના માર્ગદર્શન સાથે યોગ્ય અભ્યાસ કરીને રોકાણ કરવામાં આવે તો ટેક્સ સેવિંગની સાથે-સાથે નિયત સમયગાળામાં યોગ્ય વળતર અને નાણાકીય લક્ષ્ય પણ હાંસલ કરવામાં મદદ મળી રહે છે.

પરંપરાગત રીતે રોકાણકારોએ ટેક્સ બચાવવા માટે જીવન વીમા, પીપીએફ એકાઉન્ટમાં રોકાણ કર્યું છે અથવા તો ટેક્સ બચાવવા માટે નેશનલ સેવિંગ સર્ટિફિકેટ્સ ખરીદ્યા છે. આ સારા વિકલ્પો છે; આ વિકલ્પો રિટર્ન આપી શકે છે જે ફુગાવા સાથે તાલમેલ ધરાવે છે પરંતુ તેમની પાસે સંપત્તિ/એસેટ્સનું સર્જન કરવાની ક્ષમતા નથી. જેમ-જેમ મોંઘવારી ઘટી રહી છે તેમ તેમ નાની બચતના સંશાધનોના વ્યાજ દર પણ નીચે આવી રહ્યા છે. એવા પણ દિવસો હતા જ્યારે પી.પી.એફ. અથવા એન.એસ.સી. ૮૦ અને ૯૦ના દાયકામાં ૧૨ ટકા વળતર આપતા હતા. આ નાની બચતથી સંશાધનોના વ્યાજ દર ઓછા-ઓછા અને ધીમે ધીમે ઘટાડવામાં આવે છે કારણ કે ફુગાવો નીચે આવી રહ્યો છે. આજે એક પીપીએફ એકાઉન્ટ ૭.૧ ટકા રિટર્ન આપે છે અને નેશનલ સેવિંગ સર્ટિફિકેટ ૬.૮% પ્રીટેક્સ આપે છે. (એનએસસીનું વળતર પરિપક્વતા પર કરપાત્ર છે). તેથી જ નવી ઉંમરના રોકાણકારો ઇએલએસએસ (ઇક્વિટી લિંક્ડ સેવિંગ સ્કીમ્સ) તરફ નજર દોડાવી રહ્યા છે.

ઇએલએસએસ શા માટે?  

ઇએલએસએસ એવા રોકાણકારો માટે છે કે જેઓ શ્રેષ્ઠ વિકલ્પ શોધી રહ્યાં છેઃ કર બચત અને લાંબા ગાળાનું સંપત્તિ સર્જન (ઓછામાં ઓછા સાત વર્ષના રોકાણનું પરિપેક્ષ્ય). જોકે, ધ્યાનમાં રાખો કે, ઇક્વિટીમાં સંપત્તિનું સર્જન કરવાની સંભાવના છે પરંતુ તે પોતાના જોખમો પણ ધરાવે છે. યાદ રાખો ઇક્વિટી ઇન્વેસ્ટમેન્ટ્સ માર્કેટ્સના જોખમોને આધીન છે અને માર્કેટ્સમાં વધ-ઘટ થતી રહે છે. જો કોઈ રોકાણકાર શિસ્તબદ્ધ હોય અને ૧૫-વર્ષનો પરિપેક્ષ્ય (પીપીએફ્ની જેમ) લાગુ કરી શકે, તો તેને કોઈ પણ સંપત્તિનું સર્જન કરતા રોકી શકશે નહીં!

ઇએલએસએસ ફ્ંડ સાથે ક્યા-ક્યા જોખમો સંકળાયેલા છે?  

વર્ષ ૨૦૦૮માં વૈશ્વિક નાણાકીય કટોકટીને કારણે બેન્ચમાર્ક નિફ્ટીમાં ૫૦ ટકાથી વધારે ઘટાડો આવ્યો હતો. તો માર્ચ ૨૦૨૦માં, ઇક્વિટી માર્કેટોમાં એક મહિના કરતા પણ ઓછા સમય ગાળામાં ૩૬ ટકા સુધીનું કરેક્શન નોંધાયું છે. વર્ષ ૨૦૦૮ની ટોચથી લગભગ ૬ વર્ષ સુધી નિફ્ટીનું રિટર્ન લગભગ શૂન્ય ટકા રહ્યું હતંુ. ઇક્વિટી માર્કેટોમાં આ સહજ જોખમ રહેલુ છે. ઇક્વિટી માર્કેટ્સ જોખમી છે અને તે જોખમી રહેશે. ઇએલએસએસ એ ઇક્વિટી ઇન્વેસ્ટમેન્ટ છે અને તે સમાન માર્કેટના જોખમ અને અસ્થિરતાને આધીન છે. ઇક્વિટી માર્કેટને લગતા જોખમ અને અનિશ્ચિતતાઓ પ્રત્યે હંમેશાં ધ્યાન રાખવું જોઈએ અને લાંબા ગાળા સુધી રોકાણ કરવાનું લક્ષ્ય રાખવું જોઇએ જેથી ચક્રવૃદ્ધિ લાભો અને અને ફુગાવાને હરાવીને રિટર્ન મેળવી શકાય.

ELSS અને એસેટ્સ એલોકેશન  

પોર્ટફેલિયોમાં મહત્તમ સંપત્તિ ફળવણી/ એસેટ એ લોકેશન વ્યક્તિગત રિસ્ક પ્રોફઇલ્સ પર આધારિત છે અને તેમાં સામાન્ય રીતે ઇક્વિટી, ચોક્કસ આવક, કેટલાક આંતરરાષ્ટ્રીય ઇક્વિટી, ગોલ્ડ અને કેશ (એટલે કે લિક્વિડ ફ્ંડ્સ)નો સમાવેશ થાય છે. ઇએલએસએસ એ ઇક્વિટી છે અને તેને ઇક્વિટી એલોકેશનનો હિસ્સો માનવા જોઈએ. અહીં ધ્યાનમાં રાખવું કે ઇએલએસએસમાં ૩ વર્ષનો લોક-ઇન પિરિયડ હોય છે, માત્ર લોંગ ટર્મ કેપિટલ ગેઇન લાગુ થાય છે (તેના કેપિટલ ગેઇન્સ પર ૧૦ ટકા).

ઇએલએસએસ ફ્ંડમાં કોણે મૂડીરોકાણ ન કરવું જોઈએ?  

ઇએલએસએસ ૩ વર્ષના લોક-ઇન પિરિયડ સાથે કર બચત ઉપલબ્ધ કરાવી શકે  છે. તેમાં યોગ્ય કારણ વિના મૂડીરોકાણ કરવું જોઈએ નહીં. ઇએલએસએસ પાસે તમામ ટેક્સ સેવિંગ્સના વિકલ્પોમાં સંપત્તિનું સર્જન કરવાની સૌથી વધુ સંભાવના છે ખાસ કરીને જ્યારે ૧૫ વર્ષના પરિપેક્ષ્યને ધ્યાનમાં લેતા હોઈયે ત્યારે. આ સ્થિતિમાં તમારા નાણાકીય લક્ષ્યાંકો, જોખમ અને ટેક્સ સેવિંગ્સના લક્ષ્યો પૂર્ણ થતાં હોય તો જ રોકાણ કરવું આદર્શ છે.

(એવીપી, લર્નિંગ એન્ડ ડેવલપમેન્ટ, ડીએસપી ઇન્વેસ્ટમેન્ટ મેનેજર્સ)

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન

;