પ્રણવ મુખરજીએ ક્યાં જવું તે હવે કોંગ્રેસીઓ નક્કી કરશે ? - Sandesh
NIFTY 10,710.45 -89.40  |  SENSEX 35,286.74 +-261.52  |  USD 68.3800 +0.40
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Supplements
  • Ardha Saptahik
  • પ્રણવ મુખરજીએ ક્યાં જવું તે હવે કોંગ્રેસીઓ નક્કી કરશે ?

પ્રણવ મુખરજીએ ક્યાં જવું તે હવે કોંગ્રેસીઓ નક્કી કરશે ?

 | 4:03 am IST

લાઈવ વાયરઃ મયુર પાઠક

રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના હેડ કવોર્ટર નાગપુર ખાતે આવતીકાલે (૭મી જૂને) યોજાનાર સંઘ શિક્ષા વર્ગના સમાપન સમારંભમાં ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી ઉપસ્થિત રહેવાના છે. આ સમાચાર બહાર આવતાં જ કોંગ્રેસ આઘાતમાં મુકાઈ ગઈ છે. કોંગ્રેસ અને પ્રણવ મુખરજી વચ્ચે ૬૦ વર્ષ જૂના સંબંધો છે. કોંગ્રેસમાંથી પ્રણવ મુખરજીએ સાંસદથી શરૂ કરીને કેન્દ્રિય મંત્રી અને દેશના સર્વોચ્ચ પદ રાષ્ટ્રપતિ સુધીની સફર ખેડી છે. હવે જ્યારે કોંગ્રેસ અને સંઘ વચ્ચેના સંબંધો વર્ષોથી હલો-હાય કહેવાના પણ નથી, કોંગ્રેસ સંઘને સાંપ્રદાયિક અને ફાંસીવાદી સંગઠન તરીકે જુએ છે ત્યારે કોંગ્રેસનો એક વફાદાર સૈનિક, વર્ષો સુધી કોંગ્રેસમાં રહેલ ગણમાન્ય નેતા જ્યારે સંઘના કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે જાય ત્યારે સ્વાભાવિક છે કે કોંગ્રેસીઓને આ વાત હજમ ના થઈ શકે.

કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી અત્યારે પોતાની માતાની સારવાર કરાવવા માટે વિદેશમાં છે. ત્યારે પ્રણવ મુખરજીએ સંઘનું આમંત્રણ સ્વીકારવાની ઘટના અંગે કોંગ્રેસના પ્રવક્તાઓએ ચુપકિદી સેવી છે. જોકે કોંગ્રેસના નેતાઓમાં આ મુદ્દે હોબાળો છે. કોંગ્રેસના પૂર્વ સાંસદ સંદિપ દિક્ષીતે પ્રણવ મુખરજીની સંઘના કાર્યક્રમમાં જવાની વાતને અટપટી લેખાવી છે અને કહ્યું છે કોંગ્રેસ સંઘને એક ફાંસીવાદી સંગઠન તરીકે જુવે છે, વર્ષો સુધી કોંગ્રેસના નેતા તરીકે, કેન્દ્રમાં મંત્રી તરીકે પ્રણવ મુખરજીએ સંઘની ટીકા કરી છે ત્યારે ત્યારે પ્રણવદા કયા આધાર પર સંઘના કાર્યક્રમમાં જઈ રહ્યા છે? માજી કેન્દ્રિય મંત્રી જાફર શરીફે પણ પ્રણવ મુખરજીને પત્ર લખીને સંઘના કાર્યક્રમમાં નહીં જવા અનુરોધ કર્યો છે. ત્યારે કોંગ્રેસના પૂર્વ મંત્રી પી. ચિદમ્બરમે કહ્યું છે કે હવે જ્યારે પ્રણવ મુખરજીએ સંઘનું આમંત્રણ સ્વીકારી લીધંુ છે ત્યારે તેમને કાર્યક્રમમાં જવું જોઈએ અને આર.એસ.એસ.ને એ બતાવવું જોઈએ કે તેમની વિચારધારામાં શું ખોટું છે.

વિદ્વાન વ્યક્તિની ઉંમર જેમ જેમ વધતી જાય તેમ તેમ તેની વિચારધારા વિશાળ અને પાકટ બનતી જતી હોય છે. ૮૨ વર્ષની ઉંમરના પ્રણવ મુખરજીને કોઈ કોંગ્રેસીઓ તેમને કયાં જવું અને કયાં નહીં તે અંગેની જો સલાહ આપતાં હોય તો આખી વાત હાસ્યાસ્પદ છે. સૌ પ્રથમ તો પ્રણવ મુખરજી હવે કોંગ્રેસી રહ્યાં નથી. રાષ્ટ્રપતિ પદે જ્યારે તેમને શપથ લીધા ત્યારથી જ તેમની કોંગ્રેસના સભ્ય તરીકેની ઓળખ ભુંસાઈ ગઈ હતી. તેઓ ભારતીય ગણતંત્રના તટસ્થ સ્વતંત્ર નાગરિક છે. રાષ્ટ્રપતિ તરીકે પ્રણવ મુખરજીએ ભાજપની સરકારની શપથવિધિ કરાવી છે અને રાષ્ટ્રપતિ પદ તરીકેથી વિદાય થતાં તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે પ્રસંશાના શબ્દો કહ્યાં હતાં. પ્રણવ મુખરજીએ કહ્યું હતું કે વડાપ્રધાન પુરી લગન અને ઊર્જાની સાથે દેશમાં આમુલ ફેરફાર માટે લાગી પડયા છે. એક ટીવી ઈન્ટરવ્યૂમાં પણ પ્રણવ મુખરજીએ વડાપ્રધાન મોદી માટે કહ્યું હતું કે મોદીમાં ખૂબ જ મહેનતથી કામ કરવાની અદ્દભુત ક્ષમતા છે અને તેની સાથે પોતાના લક્ષ્યાંકોને મેળવવા માટે દ્રઢ ઈચ્છાશક્તિ પણ ભરપૂર છે. આ જ પ્રણવ મુખરજીએ એક જગ્યાએ ભાજપના કોંગ્રેસમુક્ત ભારત અભિયાન અંગે ચિંતા વ્યક્ત કરી કહ્યું હતું કે વ્યક્તિગત રીતથી હું આ આઈડિયા સાથે સંમત નથી કે જુદી જુદી પાર્ટીઓ સાથેની લોકશાહી વ્યવસ્થામાં કોઈ એક પાર્ટીથી છુટકારો મેળવી લેવો. પ્રણવ મુખરજીની વિચાર ધારાએ હતી કે દરેક પાર્ટી દેશમાં રહે અને પોતાના વિચારો અને જનતા પ્રત્યેની કામગીરીને આધાર પર પોતાની સ્વીકાર્યતા બનાવે અને તે માટે કામ કરે.

આ પ્રણવ મુખરજી હવે જ્યારે સંઘના કાર્યક્રમમાં મુખ્ય મહેમાન બનીને જવાના છે ત્યારે કોઈ એમ ના કહી શકે કે પ્રણવ મુખરજી સંઘના વિચારો સાથે સંમત થઈ ગયા છે. ભારતની એક પ્રાચીન પરંપરા રહી છે કે અલગ- અલગ વિચારધારાવાળા વ્યક્તિઓ પણ એક સાથે બેસી શકે છે અને વિચારોની આપ-લે કરી શકે છે. અલગ વિચારધારાવાળી વ્યક્તિને મળીએ જ નહીં કે તેના સંપર્કથી જ દૂર રહીએ, એવી વર્તણૂક નબળી માનસિકતાની અને સંકુચિતતાની પોષક છે. કોઈની તાકાત નથી કે હવે ૮૨ વર્ષની ઉંમરના પ્રણવ મુખરજીની વિચારધારામાં કોઈ બદલાવ લાવી શકે. સંઘ રાષ્ટ્રવાદને પ્રોત્સાહન આપે છે, તેની વિચારસરણી જમણેરી છે એ કબૂલ, પરંતુ સંઘ આતંકવાદી સંસ્થા નથી. જો કોંગ્રેસ ડાબેરીઓ સાથે રહીને સરકાર બનાવી શકતી હોય તો સંઘ સાથે આટલી બધી આભડછેટ કેમ? તે કોંગ્રેસ માટે મોટો સવાલ છે. કોંગ્રેસ એ વાત ભૂલી ગઈ છે કે ૧૯૬૨માં ચીન સાથેના યુદ્ધ વખતે સંઘની ભૂમિકાથી પ્રેરાઈને કોંગ્રેસી વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ ૧૯૬૩ના ગણતંત્ર દિવસના સમારોહમાં સંઘને સામેલ થવા આમંત્રણ આપ્યું હતું. ૧૯૬૫માં વડાપ્રધાન લાલબહાદુર શાસ્ત્રીએ પણ પાકિસ્તાન સાથેના યુદ્ધના સમયમાં સર્વદલીય બેઠકમાં સંઘને આમંત્રણ આપ્યંુ હતું.

સંઘની એ પરંપરા છે કે તેમના ર્વાિષક કાર્યક્રમોમાં સંઘ સાથે જોડાયેલા ન હોય તેવા અગ્રણીઓને આમંત્રણ આપવું. ૨૦૧૪માં પૂર્વ રાષ્ટ્રપતિ ડો. એ.પી.જે. અબ્દુલ કલામે પણ સંઘની મુલાકાત લીધી હતી. ૧૯૩૪ માં મહાત્મા ગાંધીજીએ પણ સંઘની એક શિબિરમાં ગયા હતા. આઝાદી પછી ઉપરાષ્ટ્રપતિ ડો. ઝાકીરહુસન, લોકનાયક ડો. જયપ્રકાશ નારાયણ જેવી વ્યક્તિઓએ સંઘના કાર્યક્રમોમાં ભાગ લીધેલો છે. આનો અર્થ એ નથી થતો કે આ ઉપરોક્ત તમામ અગ્રણીઓ સંઘની વિચારસરણી સાથે સહમત છે. સંઘ માટે ગમે તેટલા આક્ષેપો થાય, પરંતુ સંઘ દેશ-વિરોધી કાર્ય કરે છે તેવો આક્ષેપ કોઈ કરી શકે તેમ નથી. સંઘની વિચારધારામાં રાષ્ટ્ર પ્રથમ આવે છે અને કદાચ પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીના માટે પણ રાષ્ટ્ર પ્રથમ છે. આ એક મુદ્દા પર જ પ્રણવ મુખરજીએ સંઘના કાર્યક્રમમાં જવાનું આમંત્રણ સ્વીકાર્યું હશે.

 

પ્રણવ મુખરજી અને કોંગ્રેસની વાત કરીએ તો કોંગ્રેસે પણ વખતોવખત પ્રણવ મુખરજી સાથે અન્યાય કર્યો છે ઈન્દિરા ગાંધીની હત્યાના સમયે રાજીવ ગાંધીએ એક સહજ સવાલ તે વખતના વરિષ્ઠ કોંગ્રેસી નેતા પ્રણવ મુખરજીને પૂછયો હતો કે હવે કોને વડાપ્રધાન બનાવવા જોઈએ? ત્યારે તેટલી જ સાહજિકતાથી પ્રણવ મુખરજીએ જવાબ આપ્યો હતો કે કોંગ્રેસના સિનિયર નેતાને આ જવાબદારી સોંપી શકાય. પ્રણવ મુખરજીનો આ નિખાલસ જવાબ રાજીવ ગાંધીને ખટકી ગયો હતો, અને પોતે વડાપ્રધાન બનતા જ પ્રણવ મુખરજીને કટ ટુ સાઈઝ કર્યા હતાં. પ્રણવ મુખરજીએ આ અપમાનથી દુભાઈને કોંગ્રેસ છોડી દીધી હતી અને પોતાનો નવો પક્ષ સ્થાપ્યો હતો. પછીથી પ્રણવ મુખરજીને મનાવીને કોંગ્રેસમાં લઈ આવ્યા હતા. પ્રણવ મુખરજીનું ફરી બીજી વખત અપમાન ત્યારે કરાયું કે પૂરતી યોગ્યતા અને સિનિયોરિટી હોવા છતાં પણ સોનિયા ગાંધીએ પ્રણવ મુખરજીને અવગણીને વડાપ્રધાન પદે મનમોહનસિંહને બેસાડયા હતા. પ્રણવ મુખરજીનું આ હળહળતું અપમાન હતંુ. કારણ કે પ્રણવ મુખરજી જ્યારે નાણાંમંત્રી હતા ત્યારે તેમના હાથ નીચે સરકારી અધિકારી તરીકે ડો. મનમોહનસિંહે ફરજ બજાવી હતી. ડો. મનમોહનસિંહને રાજકારણનો પણ ખાસ કોઈ અનુભવ ન હતો તે સંજોગોમાં કોંગ્રેસના સિનીયર લીડર પ્રણવ મુખરજીને અવગણીને મનમોહન સિંહને વડાપ્રધાન પદ આપી દેવાયંુ ત્યારે પ્રણવ મુખરજીએ કોંગ્રેસના મંત્રી મંડળમાં સામેલ થવાની ચોખ્ખી ના પાડી હતી. જોકે સોનિયા ગાંધીની સમજાવટ બાદ પ્રણવ મુખરજી ડો. મનમોહસિંહના પ્રધાન મંડળમાં જોડાયા હતાં.

સવાલ એ છે કે જ્યારે પ્રણવ મુખરજીનું કોંગ્રેસ દ્વારા અપમાન થયું ત્યારે કોઈ કોંગ્રેસી નેતાઓ પ્રણવ મુખરજીની તરફેણમાં વાત કરવા બહાર આવ્યા ન હતાં. આજે જ્યારે રાજકારણથી દૂર થઈ ગયેલા પ્રણવ મુખરજી સંઘના કાર્યક્રમમાં જઈ રહ્યાં છે ત્યારે કોંગ્રેસી નેતાઓ તેમને સલાહ આપવા નીકળી પડયા છે. પરંતુ પ્રણવ મુખરજી પોતાની વાત પર અડગ રહેનારામાંના છે.

રાષ્ટ્રપતિની ચૂંટણી વખતે સોનિયા ગાંધીની ન હોવા છતાં પણ પ્રણવ મુખરજી રાષ્ટ્રપતિના ઉમેદવાર તરીકે શિવસેનાના વડા બાલઠાકરે સાથે મુલાકાત કરવા મુંબઈ ગયા હતાં. એ જ રીતે રાષ્ટ્રપતિ બન્યા બાદ ચીનની નારાજગી હોવા છતાં પણ પ્રણવ મુખરજીએ દલાઈલામા સાથે મુલાકાત કરી હતી. આવા સ્વતંત્ર મિજાજી પ્રણવ મુખરજીને આજના કોઈ કોંગ્રેસી નેતાઓ ડિકટેટ કરી શકે તેમ નથી.

શોર્ટ સરકીટ :

દેશમાં ૬૦ હજાર શાખાઓ અને ૬૦ લાખ સ્વયંસેવકો સહિત સેંકડો સંસ્થાઓમાં કાર્યકરોની ફોજ ધરાવનાર રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ માટે તેમના એક કાર્યક્રમમાં કોઈ આવે કે ન આવે તેનાથી મોટો ફરક પડતો નથી, પરંતુ સંઘ વિરોધીઓ માટે પ્રણવ મુખરજીની સંઘના કાર્યક્રમની મુલાકાત જરૂર એક મુદ્દો બને છે.

[email protected]